Ominous books and stories free download online pdf in Gujarati

અપશુકનિયાળ

મૃગા - જેવું નામ એવી જ છોકરી. આકર્ષક આંખો, હરણી જેવી ચાલ અને એવો જ તરવરાટ, નમણી કાયા, ગોરો વાન અને કોયલ જેવી મીઠી બોલી. જોતાં જ ગમી જાય એવી છોકરી. એને ગાતાં સાંભળીએ તો એવું લાગે કે સાંભળ્યા જ કરીએ. નાનપણમાં જ એક અકસ્માતમાં એણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરંતુ એઓ સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં એટલે બહુ ખાસ તકલીફ ન પડી. એનું કુટુંબ પણ શ્રીમંતોની યાદીમાં આવતું હતું.
આજે ઘરમાં ખુશીનો પ્રસંગ છે. મૃગાની સગાઈ છે મોહિત સાથે. બધી તૈયારીઓ લગભગ થઈ ગઈ છે, લગભગ એટલા માટે કે ગમે તેટલી તૈયારી કરો કંઈક તો બાકી જ રહેતું હોય છે. બધાનાં ચહેરા પર ખુશી છલકાય છે. મૃગા તો જાણે વ્યોમ વિહાર કરવા નીકળી છે.
પરંતુ આ બધા વચ્ચે કોઈનાં ધ્યાનમાં નથી આવ્યું કે કૃતિબેન - મૃગાનાં મમ્મી, માત્ર હસતું મોં રાખી ફરી રહ્યાં છે. એમનું કુદરતી હાસ્ય ક્યાંક ખોવાયું છે. બની શકે કે બધાં એવું વિચારતાં હોય કે દિકરી છોડીને જતી રહેશે એ વિચારોથી થોડા દુઃખી હશે. પરંતુ હકીકત કંઈક અલગ હતી.
વાત ગઈ કાલે રાતની છે. બધાં વડીલો અને કૃતિબેન બેસીને આવતીકાલના પ્રસંગ માટે ચર્ચા કરી રહ્યા હતા. સગાઈમાં બંને પક્ષનાં મળીને આશરે દોઢ સો જણાં થતાં હતાં. આમ તો ડેકોરેશનથી માંડીને જમવાનું સહિત બધું ઓર્ડર આપી દેવામાં આવ્યું હતું. માત્ર શુકનની એક વાટકી જેટલી લાપસી ઘરે બનાવવાનું નક્કી થયું.
કૃતિબેન તૈયાર થઈ ગયા લાપસી બનાવવા, આખરે એમની દીકરીની સગાઈનો પ્રસંગ છે. ત્યાં જ એમનાં સાસુએ એમને અટકાવ્યા અને કહ્યું, "તુ રહેવા દે. તારાથી ન બનાવાય. એ તો મિતા(કૃતિબેનનાં દેરાણી) બનાવી દેશે. ઘણાં વર્ષો પછી ઘરમાં શુભ પ્રસંગ આવ્યો છે. કોઈ પણ અપશુકન ન થવું જોઈએ."
કૃતિબેન તો સમસમી ગયાં. 'મારો શું વાંક? એમણે એમનો દિકરો ગુમાવ્યો છે તો મેં પણ તો મારા પતિ ગુમાવ્યા છે. મારી દીકરીના સગાઈની લાપસી માટે હું અપશુકનિયાળ કેવી રીતે હોઈ શકું? જે દીકરીને આટલા લાડકોડથી ઉછેરી, આટલું સરસ ભણાવી, કોઈની આગળ નીચું ન જોવું પડે એવા ઉચ્ચ સંસ્કારો આપ્યાં, તે છતાં પણ હું અપશુકનિયાળ?' એમનું મનોમંથન ચાલુ જ હતું. પરંતુ તેઓ પરિસ્થિતી જાણતાં હતાં, સાથે સાથે એમનાં સાસુનો સ્વભાવ પણ. એટલે એમણે ચુપ રહેવાનું જ ઉચિત માન્યું અને પોતાની દેરાણીને મૂક સહમતિ આપી.
પરંતુ એ આખી રાત એમને ઊંઘ આવી ન હતી. એમનાં મનમાંથી હજુ પણ એ વાત જવા તૈયાર ન હતી કે એઓ પોતાની મૃગા માટે અપશુકનિયાળ હોઈ શકે. વિચાર કરતાં કરતાં તેઓ ભૂતકાળમાં સરી પડ્યા. કેટલાં ધામધૂમથી એમનાં લગ્ન થયાં હતાં. કંઈ કેટલાય અરમાનો લઈને કૃતિબેન આ ઘરમાં આવ્યાં હતાં. ઘરનાં તમામ લોકોએ એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. લોકો એમનાં નસીબના વખાણ કરતા થાકતા ન હતાં.
'કેવું સરસ સાસરું મળ્યું છે! રાજ કરશે રાજ.' આવા તો કંઈ કેટલાય વાક્યો એમનાં કાને અથડાતા હતાં. ક્યાંક ખુશામત ટપકતી હતી તો ક્યાંક ઈર્ષ્યા દેખાતી હતી. અંતે તેઓ પોતે પોતાના નસીબથી ખૂબ જ ખુશ હતાં. સાસરામાં એમને કોઈ વાતની કમી ન્હોતી. એમનાં સાસુ તો જાણે એમને માટે સાક્ષાત કોઈ દેવીનું જ સ્વરુપ જોઈ લો. ક્યારેય વહુ સાથે કોઈ પણ વાતમાં ખટપટ થઈ ન્હોતી.
મૃગાનાં જન્મ વખતે તો એનાં સાસુએ સુવાવડ માટે પણ પિયર જવા દીધા નહોતા. એમણે એક દીકરી કરતાં પણ વધુ સારી રીતે કૃતિબેનનું ધ્યાન રાખ્યું હતું. મૃગાનાં જન્મથી સૌથી વધુ ખુશ પણ એમનાં સાસુ જ હતાં. આખરે ત્રણ પેઢી પછી ઘરમાં દીકરી આવી હતી.
થોડા સમય પછી એમનાં દિયરનાં લગ્ન લેવાયા. એમનાં સાસુએ પરાણે કૃતિબેન અને એમનાં પતિને બધી જવાબદારીઓ સોંપી, ત્યાં સુધી કે દિયરનાં લગ્ન પણ એ બન્નેએ જ કરાવ્યા. બધુ સુખરૂપ ચાલતું હતું. પણ જાણે કુદરતને કૃતિબેનનું સુખ મંજુર ન હતું. એક દિવાળી વેકેશનમાં એ ત્રણેય - કૃતિબેન, એમનાં પતિ અને મૃગા - ફરવા ગયા હતાં. પોતાની જ કાર લઈને. ડ્રાઈવર સાથે લીધો હતો.
બધા ખૂબ ફર્યા. ઘણી મજા કરી. ઘણી બધી નવી નવી જગ્યાઓ જોઈ. પરંતુ પાછા ફરતી વખતે એઓ બધાં એક જગ્યાએ થોડો આરામ કરવા રોકાયા હતા. થોડી વાર પછી જ્યારે ત્યાંથી નીકળવાનો સમય થયો ત્યારે કૃતિબેનનાં પતિ ડ્રાઈવરને ગાડી રિવર્સ લાવવામાં મદદ કરવા કારની પાછળ ઊભા રહીને સુચના આપી રહ્યાં હતાં. એવામાં અચાનક જ પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રક કૃતિબેનનાં પતિને પોતાની સાથે ખેંચી ગઈ. એમનાં પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.
બસ, આ દુર્ઘટના પછી કૃતિબેન તરફ એમનાં સાસુનું વલણ બદલાઈ ગયું. એમનાં કહેવા મુજબ કૃતિબેન પાછળથી આવતી ટ્રક વિશે પોતાનાં દીકરાને જાણ કરીને એને બચાવી શક્યા હોત. શા માટે એમણે બૂમ ન પાડી? ત્યારથી એમનાં સાસુ માટે તેઓ અપશુકનિયાળ થઈ ગયા, તે આજ સુધી હજુ એ જ માન્યતા ચાલુ છે.
અચાનક દરવાજા પર ટકોરા પડે છે અને કૃતિબેન પોતાના વિચારોમાંથી બહાર આવે છે. સવાર થઈ ગઈ હતી. મૃગા એમને બોલાવવા આવી હતી. એમની આંખો જોઈ મૃગાએ તરત પુછ્યું હતું કે એ આખી રાત રડ્યા હતાં ને? જવાબમાં કૃતિબેન માત્ર એટલું જ બોલ્યાં હતાં કે,"એ તો તુ મને છોડીને જતી રહેશે ને એટલે જરા આંખો ભરાઈ આવી."
પોતાનાં મન પર કાબુ રાખીને એમણે સુખરુપ દીકરીની સગાઈનો પ્રસંગ પૂરો કર્યો. લગ્નને હજુ છ મહિનાની વાર હતી. પરંતુ તૈયારીઓ શરુ કરી દીધી હતી. આજે સગાઈને ત્રણ મહિના થઈ ગયા છે છતાં પણ કૃતિબેન એ માની જ નથી શકતાં કે તેઓ પોતાની દીકરી માટે અપશુકનિયાળ છે.
મિત્રો, મારુ એવું માનવું છે કે આપણાં સમાજમાં જે થોડી ગેરમાન્યતાઓ છે એ હવે દૂર કરવી જોઈએ. આજનાં સમયમાં ઘણો સુધારો થયો છે, પરંતુ તેમ છતાં પણ ઘણાં કુરિવાજો હજુ પણ પ્રવર્તે છે. બધાં જ રિવાજો ખોટા છે એવું નથી પરંતુ જે રિવાજો અંધશ્રદ્ધા પેદા કરતાં હોય કે કોઈનું જીવન નર્ક સમાન બનાવી દેતા હોય એમનો ત્યાગ કરવો જ પરિસ્થિતિની માંગ છે.