Rajkaran ni Rani - 22 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૨૨

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૨

હિમાનીએ જ્યારે અજાણ્યા નંબર પરથી આવેલો ફોન ઉઠાવ્યો ત્યારે એને કલ્પના ન હતી કે રવિના હશે. હિમાનીએ 'હલો' કહ્યું ત્યારે રવિનાએ સવાલ કર્યો કે,"બેન, તમે જનાર્દનના પત્ની જ બોલો છો ને?" કોઇ નવો સ્ત્રી સ્વર સાંભળીને જ તેને નવાઇ લાગી હતી. તેણે કોઇ ભાવ વગર 'હા' કહ્યું એ પછી પોતાનો પરિચય આપતાં રવિના બોલી:"હું રવિનાબેન, પાલિકા પ્રમુખ બોલું છું...તમારી સાથે મુલાકાત કરવી હતી. અત્યારે આવી શકો છો?"

"હા, રવિનાબેન...." હિમાની રૂબરૂ મળી ન હતી પણ એક મહિલા નેતા કરતાં જનાર્દન પાસેથી સાંભળેલી વાતોને કારણે તેને સારી રીતે ઓળખતી હતી. એ 'ઓળખ' ધ્યાનમાં રાખીને બોલી:"કોઇ કારણ છે?"

"કારણ તો રૂબરૂ મળીએ પછી જ કહી શકાય એમ છે. તમે આવી શકો તો સારું...." રવિના વિનંતીના સ્વરમાં બોલી.

"ઠીક છે. તમે એડ્રેસ આ નંબર પર વોટસએપ કરો. હું અડધા કલાકમાં આવીશ..." હિમાનીએ કંઇક વિચારીને મુલાકાત માટે હા પાડી દીધી.

"ઓકે..." કહી રવિનાએ ફોન મૂકી દીધો.

હિમાનીને રવિનાની વાત જાણવા કરતાં તેને રૂબરૂ મળવાનું કૂતુહલ વધારે થયું હતું. રાજકારણમાં તેના પ્રભુત્વ કરતાં તેના રૂપના પ્રતાપની વાતો હિમાનીએ વધારે સાંભળી હતી. હિમાનીએ રવિનાની તસવીરો અખબારોમાં જોઇ હતી અને ટીવી પર તેને કાર્યક્રમોમાં જોઇ હતી. તે સુંદર દેખાતી હતી. તેને રૂબરૂ જોવાની ઇચ્છા ઘણા સમયથી હતી એ હવે પૂરી થઇ રહી હતી. જનાર્દન તો ક્યારેય તેને લઇ જવાનો ન હતો. તેણે તો સ્પષ્ટ જ કહી દીધું હતું કે મળવા જેવી બાઇ નથી. તે સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે મળે છે. હિમાનીને થયું કે પોતે હા પાડી દીધી છે પણ જનાર્દનને પૂછવું તો જોઇએ. ભલે એ એમના જ પક્ષની છે પણ પક્ષના ન દેખાતા ફાડચામાંની એક છે. એક જ પક્ષમાં તે અત્યારે રતિલાલ, સુજાતાબેન અને રવિનાના રૂપમાં ત્રણ ફાડચા તો જોઇ જ રહી હતી. હિમાનીએ તૈયાર થતા પહેલાં જનાર્દનને ફોન લગાવ્યો. બે-ત્રણ પ્રયત્ન કર્યા પણ જનાર્દનનો ફોન નેટવર્કની બહાર આવતો હતો. તેણે ફરી ટ્રાય કરવાનું નક્કી કરી તૈયાર થઇને રીક્ષા પકડીને રવિનાએ મોકલેલા તેના બંગલાના સરનામે પહોંચી ગઇ. રવિના તેની રાહ જોતી હોય એમ દરવાજા સુધી આવી અને આવકાર આપીને અંદર દોરી ગઇ. પહેલાં રવિનાનું રૂપ અને પછી આધુનિક સાજસજ્જા સાથેનો બંગલો જોઇ હિમાનીની આંખો ફાટેલી જ રહી ગઇ.

"તમે શું લેશો...?" કહી હિમાની જવાબ આપે એ પહેલાં જ જાણતી હોય એમ બોલી ગઇ:"ચા લેશો, ખરું ને!" હિમાનીએ ગરદન હલાવી સંમતિ આપી.

રવિના રસોડાના દરવાજા સુધી કોઇને કહેવા ગઇ ત્યાં સુધીમાં હિમાનીએ ૩૬૦ ડિગ્રી સુધી શરીરને ફેરવીને બંગલાની ભવ્યતા જોઇ લીધી. પછી રવિનાના સૌંદર્યને પણ જોઇ રહી. સાદા મેકઅપમાં તે સોહી રહી હતી. તેની ચાલવાની અને બોલવાની અદા કોઇપણ પુરુષને ઘાયલ કરી દે એવી હતી. હિમાનીને સમજાઇ ગયું કે રવિનાનું આ ટ્રેલર લંપટ પુરુષોને પોતાના કહ્યાગરા કરાવે એવું છે. તેનો ચહેરો અત્યંત ગોરો હતો અને ચુસ્ત કપડાં તેના યૌવનને ઉત્તેજક રીતે દર્શાવવામાં કોઇ કમી રાખતા ન હતા. તે આવીને સોફામાં બેઠી ત્યારે એની અદા કોઇ મોડેલ જેવી હતી. જતિન જેવા આના દિવાના બને એમાં કોઇ નવાઇ નથી. જનાર્દન ખરેખર સંસ્કારી કહેવાય. એણે ક્યારેય રવિનાના રૂપના વખાણ કર્યા નથી કે તેનાથી મોહિત કે પ્રભાવિત થયો નથી.

રવિના કહે:"સાંજ પડી ગઇ છે એટલે હું તમારો વધારે સમય લેવાની નથી. મારી તમને એક વિનંતી છે કે તમે જનાર્દનને સમજાવો કે મને ટિકિટ અપાવવામાં મદદ કરે. આમ તો મેં એમને વાત કરી છે પણ તમે એમને ભલામણ કરો તો વધારે ફરક પડે. એક મહિલાને બીજી મહિલા સારી રીતે સમજી શકે એમ છે. મને આ પદ સુધી પહોંચાડવામાં જતિનભાઇ જેટલો જ જનાર્દનભાઇનો સહયોગ રહ્યો છે. એમની ઓળખાણ હવે મને આગળના પદ સુધી લઇ જાય એમ છે. મેં એમને મોટી રકમની ઓફર કરી જ છે. તમને કેટલી જાણ છે એની મને ખબર નથી. પરંતુ હું તમને પણ એક ઓફર કરું છું કે તમે મારી એમને ભલામણ કરો. જો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવીશ તો તમારા પ્રમુખપણા હેઠળ એક સામાજિક સેવાની ક્લબ શરૂ કરાવીશ અને એનાથી તમારું નામ થશે અને તમને લાભ પણ થશે...."

રવિનાની વાત સાંભળી હિમાનીને થયું કે ખરેખર આ બાઇ 'નિર્લજ્જ' કહેવાય. જનાર્દને મને એની શરીર સોંપવા સુધીની વાત કરી દીધી હોય તેનો ખ્યાલ હોય તો પણ એને કોઇ શરમ આવે એમ નથી. હિમાનીને થયું કે આ બાઇ કરતાં સુજાતાબેન સો દરજ્જે સારા લાગે છે. સુજાતાબેનની રાજકારણમાં આવવાની ઓફર વધારે સારી છે. અને તેમની સાથે કામ કરવાનું ગૌરવ થાય એમ છે. આ બજારુ ઔરત જેવી રવિના સાથે કામ કરવામાં તો મારું નામ ખરડાય એમ છે. હિમાનીએ થોડો વિચાર કરીને કહ્યું:"આ વાત તમે ફોન પર કરી શક્યા હોત..."

"હા, પણ આ બહાને આપણું મળવાનું થઇ ગયું..." રવિના બોલી ત્યાં કામવાળી જેવી લાગતી બાઇ આવી અને ચા મૂકી ગઇ. હિમાનીએ ઝડપથી ચા પી લીધી. ચા સ્વાદિષ્ટ હતી પણ એનો આનંદ તેણે માણ્યો નહીં.

ચા પીને ઉભી થતાં હિમાની બોલી:"હું તમારી વાત જનાર્દનને કરી જોઇશ..."

"હા, પ્રયત્ન કરજો...." કહી રવિનાએ એને વિદાય આપી.

હિમાની બંગલાની બહાર નીકળી ત્યારે તેની પાછળ ઊભેલી રવિનાના સુંદર ચહેરા પર કુટિલ હાસ્ય રમી રહ્યું હતું. હિમાનીને વાત કરવા બોલાવવા પાછળનો રવિનાનો ઇરાદો અલગ જ હતો!

***

રવિનાને ટિકિટ મળવાની છે એ જાણ્યા પછી જનાર્દનને થયું કે સુજાતાબેનને આ સમાચાર આપવા જોઇએ. તેણે કંઇક વિચાર કરીને સુજાતાબેનને ફોન લગાવ્યો. સુજાતાએ પહેલી જ રીંગમાં ફોન ઉઠાવીને આનંદથી કહ્યું:"જનાર્દન! સારું થયું તારો જ ફોન આવી ગયો. હું તને જ ફોન લગાવવા જતી હતી. એક સારા સમાચાર છે. મને ધારાસભ્ય પદ માટે ચૂંટણી લડવા ટિકિટ મળી જશે. ટૂંક સમયમાં એની પક્ષ તરફથી જાહેરાત થશે. તમે બંને આવતીકાલે સવારથી જ મારા ઘરે આવી જજો..."

"અભિનંદન! ઓકે, કાલે મળીએ..." કહી જનાર્દને ફોન મૂકી દીધો.

જનાર્દનને થયું કે આ કેવી રીતે શક્ય બને? રવિનાનું નામ પાકું થઇ ગયું છે. જનાર્દને ખાતરી કરવા પાટનગરમાં એક વિશ્વાસુ રાજકારણીને ફોન લગાવ્યો. તેણે પણ કહ્યું કે રવિનાનું નામ નક્કી થઇ ગયું છે. પાટનગરમાં નાના-મોટા બે-ત્રણ જણને ફોન લગાવ્યો. બધાંએ જ અહીંની બેઠક માટે રવિનાનું નામ આપ્યું. જનાર્દનને સમજાતું ન હતું કે આ ચક્કર શું છે?

વધુ ત્રેવીસમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં. અને હોરરના શોખીનોને 'આત્માનો પુનર્જન્મ' અને 'આત્માની અંતિમ ઇચ્છા' જરૂર પસંદ આવશે.