Madhdariye - 20 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 20

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ પૈસાના ત્રાજવે તોલાઈ જાય છે.. અમિત અને એના સાથીદારોને છોડાવી એ ભાગવામાં સફળ બને છે,પણ રાણાના આવતા એ એકને ગોળી મારી દે છે.. હવે આગળ..

રાણા તરત એ રૂમમાં જાય છે.. હજુ એમનો એક સાથીદાર ત્યાં હાજર હોય છે.. રાણા એને તરત પોતાની હિરાસતમાં લઇ લે છે..રાણા એની ખાતિરદારી કરે છે અને ચારેય લોકો ક્યાં ગયા છે એ પૂછે છે.. રાણાની માર એક વખત ખાધી હતી એટલે એ પોપટ જેમ બધું બોલી નાખે છે..

રાણા એ તરત કોલ કોન્ફરન્સ કરીને પરિમલના પપ્પાને અને સુગંધાને ફોન લગાવ્યો..

"આપણો પ્લાન સફળ થયો છે.. જે વ્યક્તિ આપણે મોકલવાનો હતો એ એમની સાથે જ છે.."


"પણ સૂરજ ચંકીનો વિશ્વાસ કદાચ નહીં જીતી શકે તો??ચંકી બહુ સનકી માણસ છે.. એક વખત એ સામે આવે તો એને સીધો ગોળીએ દઈ શકાય પણ એ એમ સામે પણ નહીં આવે..એને ખબર પડી જશે કે સૂરજ આપણા પ્લાન મુજબ કામ કરે છે તો એને જીવતો નહીં છોડે.."સુગંધાએ ચિંતા વ્યક્ત કરી..

"ના એવું નહીં બને..સૂરજનો ઈતિહાસ પણ ગુનાહિત છે.. મેં એને સમજાવી દીધો છે.. સૂરજ ત્રિવેદી સાહેબનો ખાસ માણસ છે.. એ તમને સમજાવી દેશે.."રાણાએ કહ્યું.

સૂરજ એક સમયે નામચીન સખ્સ હતો.. નાના મોટા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવી એ પોતે એશથી જીવતો હતો, ને ખંડણી તો ઉઘરાવે જ ને!!

પાંચેક હજારની વસ્તી અને એમા પણ ચોર લૂંટારાનો ભારે ત્રાસ.. પોલીસ પલટન પણ એ એરિયામાં જતા ડરે એવો એ વિસ્તાર હતો.. કોઈપણ વ્યક્તિને એ ચોર લૂંટારાના એરિયાની માહિતી હોય જ.. જે માંગો એ વસ્તુ ત્યાં મળી રહેતી હતી..આ એરિયા એટલે સુલતાનનો ગઢ..સુલતાન ગઢ તરીકે જ ઓળખાતો વિસ્તાર..

સુલતાન એ બધાનો આગેવાન હતો.. સુલતાનનું નામ ટોની હતું.. એ વખતે કોઈ રાજકારણી પણ લઈ શકે નહીંં એવો એનો રૂઆબ હતો.. એને પોતાનું કામ કરવા માટે ક્યાંય જવાની જરૂર જ ન હતી..એક ફોન થતા ગમે તેવા અધિકારી એના ઘેર આવીને કામ કરી જતા હતા.. જો કોઈ ન માને તો એની ગેંગમાં 6 લોકો હતા એ તરત ત્યાં પહોંચી જતા.. એ જલ્લાદ જેવા હતા.. સુલતાનના એક ઇશારે એ લોકો ગમે તેના હાડકાં ખોખરા કરી નાખતા હતા..સુલતાને આ સ્થાન કુશ્તી દ્વારા જ મેળવ્યું હતું..જે પોતાના બળથી સુલતાનની ગાદી પચાવી પાડે એ અહીંનો સુલતાન બનતો હતો.. છેલ્લા એક સૈકાથી આ પરંપરા ચાલી આવતી હતી..આમ તો સુલતાન એમના માટે એક રાજા જેમ હતો જે એની પ્રજાનું રક્ષણ કરતો પણ ટોની સારો સુલતાન ન બની શક્યો,એણે પોતાની વગ, તાકાત એનો ખોટો ઉપયોગ કર્યો..એને હરાવવાની તાકાત કોઈની ન હતી..ઘણા લોકોએ આ સુલતાનનું પદ મેળવવા પ્રયાસ કર્યો પણ એ બધા લોકોને પોતાના હાથપગ ગુમાવવાનો વારો આવ્યો હતો.. ટોની પહેલાં મોઈન સુલતાનની ગાદી પર હતો.. એણે ચાલીસ વર્ષથી આ ધંધો શરૂ કરાવ્યો હતો જે હજુ સુધી ચાલતો હતો..

સુલતાનને આખો દિવસ એક જ કામ,એકબીજાને લડાવીને બહાદૂર માણસોની ગેંગ બનાવી પોતાની ટોળકીમાં એને શામિલ કરી દેવાના... એણે પોતાના વિસ્તારમાં ચોરી, લૂંટફાટ કરવાની બધાને છૂટ આપી દીધી હતી..આ ચોરી કરેલ માલ ચોર બજાર ભરીને એ લોકો વેચતા હતા..

એનો આતંક આજુબાજુના દરેક ગામડામાં ફેલાયેલો હતો.. એના એરીયામાં જવું હોય તો એની પરવાનગી લેવી પડતી હતી..એટલે જ ચોર લૂંટારા ત્યાં વધારે રહેતા હતા.. એમને વસ્તુ વેચવા માટે કોઈપણ ડર ન લાગતો ધોળા દિવસે ત્યાં ચોર બજાર ખુલ્લી રહેતી હતી..

રોજ કોઈ દૂકાનદાર કે વેપારીને લૂંટવા માટે સુલતાનના એરિયામાંથી લોકો આવતા.. મોટા ભાગે એ ચોરી ન કરતા, સીધી લૂંટ કરી ફરાર થઈ જતાં..હવે તો એવી સ્થિતિ સર્જાઈ હતી કે કોઈ સારા લોકો ત્યાં રહેવા માંગતા ન હતા..

સૂરજ પણ આ બધાનો સતાવેલ એક સામાન્ય માણસ હતો..

બન્યું એવું કે સૂરજ કોલેજની પરીક્ષા આપીને રવાના થયો.. એ પોતાના ગામ જઈ રહ્યો હતો..આગળ રસ્તો બંધ હોવાને લીધે રીક્ષા ઊભી રાખવી પડી..બધાની સાથે સૂરજ પણ જાણવાના હેતુથી નીચે ઉતર્યો..

સુલતાનગઢના અમૂક લોકો એક વૃદ્ધને રોડ પર ઊભો રાખીને મારી રહ્યા હતા..એનો ગુનો ફકત એટલો જ હતો કે એણે પોતાની પાસે રહેલા પૈસા આપવાની ના પાડી હતી..એણે એ પૈસા પોતાનું મકાન વેચીને લીધા હતા..સુલતાનનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે એના ડરથી વૃદ્ધ આ ગામ છોડીને બીજા ગામ જઈ રહ્યો હતો.. ખબર પડતાં જ સુલતાનના માણસોએ એને ઘેરી લીધો.. એમણે વૃદ્ધને એની પાસે રહેલા પૈસા આપી દેવા કહ્યું,પણ જીંદગીભરની પૂંજી એમ કોણ આપી દે?? એણે પ્રતિકાર કરતા એને બહુ ખરાબ રીતે માર મારવામાં આવ્યો..સૂરજ આ ન જોઈ શક્યો,એ પેલા વૃદ્ધને બચાવવા માટે જવા માંગતો હતો પણ એના મિત્રોએ એને રોકી લીધો..

"જોતો નથી??સુલતાનના માણસો છે.. એની સાથે વેર કરીશ?? જો તો ખરો પૈસા માટે એના માણસો પેલા વૃદ્ધને કેવા મારી રહ્યા છે?? તારે પણ એના જેવા હાલ કરવા છે??"

સૂરજ મનમાં સમસમીને રહી ગયો.. નાપપણથી એણે પણ કુસ્તીના દાવ શીખ્યા હતા.. રમતગમતમાં પણ એ અવ્વલ રહેતો હતો, પણ આજે સુલતાનના માણસો સામે એ કમજોર હતો.. સુલતાનના માણસોએ બધા પૈસા પડાવી લીધા અને વૃદ્ધને એના હાલ પર છોડી દીધો..પેલો વૃદ્ધ પીડાને લીધે કણસી રહ્યો હતો..સૂરજે પોતાના મિત્રોને કહ્યું"ચાલો આપણે સૌ મળીને આ બાપાને દવાખાને લઈ જઈએ."

આખી ભીડ તરત વીખરાવા લાગી.. સુરજના મિત્રોએ તરત સૂરજને કહ્યું"આપણા ઘરમાં શાંતિનો રોટલો ખાઈએ છીએ એ ઘણું છે.. સુલતાન તારા હાથપગ ભાંગી નાખશે જો તુ આ બાપાને દવાખાને લઈ જઈશ તો.."

"અરે ક્યાં સુધી આપણે માયકાંગલા માફક જીવશું?શું આપણી અંદર રહેલો આત્મા મરી ગયો છે?? હું સુલતાન સામે વેર નથી બાંધવા માંગતો,પણ આ બાપાને દવાખાને લઈ જવા એ આપણી ફરજ છે..જો એટલું પણ ન કરીએ તો આપણું ભણતર ધૂળમાં પડ્યું કહેવાય.. અરે જરૂર પડ્યે આપણે સુલતાનનો વિરોધ પણ કરવો પડે.. એ એના થોડાક ગુંડા લાવી આપણને ધમકાવી જાય છે, એ આપણી કાયરતા છે.. આપણે સૌ એક થઈએ તો સુલતાન આપણું કશું ન બગાડી શકે.."

એનો એક દોસ્ત બોલ્યો"તુ તો ફક્ત કોલેજ કરવા માટે અહીં આવ્યો છો.. તુ તો જતો રહીશ, પણ અમારે કાયમ અહીં જ રહેવાનું છે.. નાહકના અમે પરેશાન થઈ જશું.."

સૂરજ ન માન્યો એણે તરત એ વૃદ્ધને દવાખાને ખસેડ્યા..બહુ માર પડવાને લીધે અને વૃદ્ધ હોવાને લીધે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું..

પોલીસ તપાસ માટે આવી..સુલતાનની પરવાનગી લીધા બાદ તપાસ શરૂ કરી..સુલતાનને ખબર જ હતી કે એના વિરુધ્ધ કોઈ બોલશે જ નહીં..દવાખાને સૂરજ લઈ ગયો હતો એટલે પોલીસે સૂરજને પકડ્યો.. પૂછપરછને બહાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા..જાણે ધરમ કરતા ધાડ પડી..સૂરજને પૂછવાને બહાને એને ટોર્ચર કરવામાં આવ્યો..સૂરજને સુલતાનનું નામ નહોતું લેવું એટલે એણે એક જ જવાબ આપ્યો"મને નથી ખબર કે એ વૃદ્ધને કોણે માર્યા છે,બસ રસ્તે પડ્યા હતા, કોઈકે બહુ માર માર્યો હતો..મને દયા આવી એટલે મેં દવાખાને લઈ જવું બહેતર સમજ્યું.."

ત્યાં સુલતાનનો ફોન આવ્યો..

શું કરશે સુલતાન??

ચંકી પાસે સૂરજ જઈ શકશે??

સુગંધા,પ્રિયા સલામત તો રહી શકશે ને??