Amasno andhkar - 15 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 15

વીરસંગની લગ્નની ઘડીઓ શરણાઈના સૂરે સજી રહી છે. વીરસંગની માતા એને લેવા કોણ આવશે એ આશથી આભે નજરો માંડી રહી છે અને બીચારા વીરસંગના મામા જુવાનસંગની કેદમાં સડી રહ્યાં છે એ આપણે જોયું. હવે આગળ...

આ બાજુ શ્યામલી મહેંદી ભર્યા હાથે, ખુલ્લી આંખે વીરસંગની યાદોમાં ખોવાયેલી છે. એ એની પોતાની કલ્પનાની દુનિયામાં રાધા બની એના 'શ્યામ' સાથે મહારાસ રમવા અંતરમનના ઓરડે રાહ જોતી ઊભી છે..એ દ્રશ્ય જોઈ. આટલું તો લખવું જ પડે ...

.....સમી સાંજની વેળાએ
.....રૂપરસીલી રાધાગોરી
.....જમુનાતીરે ઊભી
.....બરસાનાની છોરી

કાનકુંવર નંદલાલ.....
વાંસળીના સંગે......
એક નજરથી વિંધાય.....
રંગાઈ પ્રિત રંગે......

........નાગણસમી વાળની લટ
.........ગાલે ઝોલા ખાય
.........બાંધી દઉં ફુલ મહી
.........એવી ઈચ્છા થાય

કટિએ ઝુલે કમરબંધ........
અટકયા ત્યાં અરમાન.......
એક જ કળીને ખોલું ?.......
દે તારૂં એક ફરમાન........

.......પગમાં મરડાતી પાયલ
........નખરાળી બહુ ઓછી બોલે
........હરણી સમી ચાલ તારી
........કોઈ ના આવે તોલે

કંકણ કેરા જડતર......
જકડી રાખે આંખ......
હાથને તું ન હલાવ.......
મને લાગે એ તારી પાંખ..

.......બિંદી ચમકે લલાટે
.......કોરા કંકુની સોહે
........ક્યાં સુધી રોકીશ
........સુગંધ તનની મોહે

પાલવડે ટાંકી ઘૂઘરીઓ........
છમ છમ વાગતી જાય.....
ઢાંક નવ ચહેરાને.............
તને જોવાની છે લાહ્ય........

........પરમ સખી તું સપનાની
.........કેમ ન સામે આવ
..........વિશ્વાસ રાખ મુજ પર
...........ન ખેલીશ કોઈ દાવ

ખળખળ વહેતી નદી.......
જેવી તારી હસી.........
કેટલી રૂપસુંદરી જોઈ........
તો પણ તું જ રૂદિયે વસી....

...........દંત તારા શ્વેતકમળ
...........સુરજ પણ ટકરાય
...........લાલીમા હોઠોની
............ગુલાબ પણ શરમાય

નખમાં ભરી તે મહેંદી.......
કેવા તે ભાવ ખાય........
મેઘધનુષની માફક........
તેના વળ દેખાય..........

....આ સમી સાંજે બોલે રાધા
....આવો રમી મહારાસ માધા
......યુગોથી ઝંખુ તુજને
......કરી લો વિશ્વાસ

આવા મહારાસના સપના જોતી શ્યામલી ઘડીક ખુશ ને ઘડીક વ્યથિત જોવાં મળે છે. આજ જાણે એ આંગણાની બે દિવસની મહેમાન જેવી આખા ઘરને વ્યાકુળ નયને જોવે છે. એક એક દિવાલને, એક એક વસ્તુને અને હરેક સગા સંબંધીઓને ભેટતી માફી માંગે છે કે બાળપણની મસ્તી કે યુવાનીની અલ્લડતામાં થયેલી ભૂલોને ભૂલી જજો.

આજ ચંદાને પણ શ્યામલીની કિશોરાવસ્થાની એક જીદ યાદ આવે છે..એ શ્યામલીને ભાવભરી આંખોમાં જોઈ એને વાત કરે છે કે "તારા બાપુજી અને હું તને લઈને હટાણું કરવા ગયા હતા ત્યારે તે 'ઘરચોળું જ લેવું છે' એવી જીદ આદરી હતી. ફોસલાવીને માંડ ઘરે પહોંચાડી તને..." બે દિવસ પછી તારો ભરથાર ઓઢાડશે તને ઘરચોળું અને મારું પારેવડું પારકું થઈ જશે...આમ કહી એ રડતી રડતી શ્યામલીની જીદને વાગોળે છે.

શ્યામલી અને એની માતાનો કાવ્યમય સંવાદ....

મા, મને લઈ દે ને એક ઘરચોળું
પહેરીને જાવ હું પરદેશ
મા,મને‌ લઈ દે ને....
એના હાથી, પોપટ ને મોરલિયાની ભાત
કસબના દોરીએ ચિતરેલી પ્રણયની વાત
મા, મને લઈ દે ને....
લાલ, લીલા ને સોનેરી સપનાના રંગે
ઓઢીને હરખાઈશ એક એક અંગે
મા, મને લઈ દે ને ...
ઝીણી ઝીણી ઘુઘરીને કતરાતી કોરે
ફેરા ભવભવના લઈશ પિયુની જોડે
મા, મને લઈ દે ને.... એકવાર ઘરચોળું...

આમ જ, આવી નાની-મોટી યાદોને યાદ કરતી એ મા- દીકરી એકબીજાને દિલાસો દે છે. એકબીજાને હાથે કોળિયા ખવડાવે છે અને સાંજ ઢળે શ્યામલી ટેવ મુજબ એની માતા ચંદાના ખોળામાં સૂઈ જાય છે..કાલ સવારે મંડપમુહૂર્તની વિધી છે... સવારે વહેલી ઊઠવાની ટેવે આજ મા દીકરીની ઊંઘ એમ જ ઉડાવી દીધી હતી. હવે કાલ સવારે આપણે બધા શ્યામલીના સુંદર સપનાને સાકાર થતું આપણે વાંચશું આવતા ભાગમાં..

------------- ( ક્રમશઃ) --------------

લેખક : શિતલ માલાણી

૯-૧૦-૨૦૨૦

શુક્રવાર