Adhura premni anokhi dastaan - 15 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 15

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૫


સુજાતાની ઉંઘ અચાનક જ ઉડી ગઈ. તેણે ઉઠીને ઘડિયાળમાં જોયું. રાતનાં બે વાગ્યા હતાં. સુજાતાએ ઉઠીને એક ઘૂંટ પાણી પીધું, ને ફરી બેડ પર લાંબી થઈ. સૂવાની કોશિશ કરી. તેમ છતાંય તેને ઉંઘ નાં આવી. તેણે ઉભાં થઈને, રિસોર્ટનાં રૂમની બારી બહાર એક નજર નાંખી.

આકાશ તારાથી ઝગમગતું હતું. ચંદ્રની શીતળતા ચારેકોર ફેલાઈ રહી હતી. વાતાવરણમાં થોડી ઠંડી પ્રસરી ગઈ હતી. આજુબાજુ નિરવ શાંતિ હતી.

સુજાતાએ એક નજર દરવાજા તરફ કરી. તે ધીમે-ધીમે દરવાજા તરફ આગળ વધી. દરવાજો ખોલીને બહાર નીકળી, આદિત્યનાં રૂમ તરફ આગળ વધી. દરવાજા પાસે પહોંચીને, હળવેકથી દરવાજા પર હાથ મૂક્યો. દરવાજો ખુલ્લો જ હતો. સુજાતા સીધી અંદર પ્રવેશી.

આદિત્ય આરામથી સૂતો હતો. સુજાતા તેની પાસે ગઈ, તેનાં માથાં પર હાથ ફેરવ્યો, કપાળે ચુંબન કર્યું, ને દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.

સુજાતાનાં જતાંની સાથે જ આદિત્ય ઉભો થયો. તેની આંખમાં એક આંસુ આવી ગયું. એ આંસુની સાથે જ તેનાં મનને અનેક વિચારોએ ઘેરી લીધું. તે કલ્પેશભાઈ સાથે ગયો, ત્યારે જે થયું, એ યાદ કરવાં લાગ્યો.

*****

આદિત્ય અને કલ્પેશભાઈએ અદિતિને પૂછ્યું.

"કોણ છે તારાં માસી?"

"હું છું અદિતિની માસી."

પાછળથી એક મનમોહક અવાજ સંભળાયો. એ અવાજ સાંભળી આદિત્ય અને કલ્પેશભાઈ બંને ચોંકી ગયાં. તેમણે સીધું જ પાછળ ફરીને જોયું. સામે આરાધ્યા ઉભી હતી.

આરાધ્યા ધીમી ગતિએ આદિત્યની નજીક ગઈ, ને તેનાં કાનમાં કહ્યું.

"ચિંતા નાં કર, હું અહીં તારો સાથ આપવા જ આવી છું."

આરાધ્યાની વાત સાંભળી, આદિત્યએ આરાધ્યા સામે એક સ્માઈલ આપી. કલ્પેશભાઈ સામે જોઈ, આરાધ્યાએ કહ્યું.

"કેમ છે, જીજુ? કેવી લાગી મારી સરપ્રાઈઝ?"

"શું બકવાસ કરે છે? હું કાંઈ તારો જીજુ નથી."

"કેમ?? એટલી જલ્દી રાધિકા દીદીને ભૂલી ગયાં?"

રાધિકાનું નામ સાંભળીને કલ્પેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ તેમનો ભૂતકાળ યાદ કરવાં લાગ્યાં. ત્યાં જ આરાધ્યાએ તેમને ફરી વર્તમાનમાં લાવતાં કહ્યું.

"શું થયું? હવે તમને બધું જ યાદ તો આવી જ ગયું હશે!! તમે મારી દીદીને પ્રેમ કરતાં હતાં. છતાંય તેને મરતી મૂકીને, રૂપિયા માટે પેલી સરિતા સાથે લગ્ન કરી લીધાં હતાં. એ પણ તમને યાદ જ હશે!

"ત્યારે તમને મારી દીદી પર તો દયા નહીં જ આવી હોય. પરંતુ તમારી નાની એવી બાળકી ઉપર પણ દયા નાં આવી? કેવાં કઠોર છો‌ તમે!!"

"બસ કર આરાધ્યા, તું કહે છે, એવું મેં કશું નથી કર્યું."

"હજું કેટલુંક ખોટું બોલશો?"

"હું સાચું જ કહું છું. તને હકીકત નથી ખબર, તો પહેલાં બધું જાણી લે પછી બોલ."

*****

રૂપલ હોસ્પિટલ (સુરત)
રાધિકાની ડિલિવરીના સમયે

રાધિકાને અચાનક દુઃખાવો ઉપડ્યો. તો હું તેને હોસ્પિટલે લઈ આવ્યો. રાધિકાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. પણ રાધિકાની હાલત બહુ નાજુક હતી. તેને જલ્દીથી યોગ્ય સારવારની જરૂર હતી. જે માટે પાંચ લાખ રૂપિયાની જરૂર હતી.

તો મેં એ બાબતે મારી મિત્ર સરિતાને જાણ કરી. તેણે મને એમ કહ્યું કે, એ મને રૂપિયા આપશે. પણ જો હું તેની સાથે લગ્ન કરું તો જ!! કેમકે, એ મને પ્રેમ કરતી હતી. ત્યારે મારે રૂપિયાની જરૂર હતી, ને સરિતા સિવાય મને એકસાથે પાંચ લાખ રૂપિયા કોઈ આપી શકે એમ નહોતું.

આથી મારે તેનું કહ્યું કરવું જ પડ્યું. હું તેની સાથે લગ્ન કરીને તરત જ અહીં આવ્યો હતો. રૂપિયા જમાં કરાવવા અને રાધિકાની સારવાર ચાલું કરાવવાં.

હોસ્પિટલ પહોંચીને હું રાધિકાને જે રૂમમાં એડમિટ કરી હતી, એ રૂમમાં પહોંચ્યો. ત્યાં જઈને જોયું, તો એ રૂમમાં રાધિકા કે અમારી છોકરી કોઈપણ નહોતું. જે જોઈ મેં ત્યાં મોજૂદ નર્સને પૂછ્યું.

"અહીં મારી પત્ની રાધિકા અને અમારી છોકરી હતી. મારી પત્નીએ હમણાં જ અમારી છોકરીને જન્મ આપ્યો હતો. તેની હાલત બહુ નાજુક હતી. એવી હાલતમાં એ લોકો ક્યાં ગયાં?"

"એમનું તો મૃત્યુ થઈ ગયું. તમે યોગ્ય સમયે રૂપિયા જમાં નાં કરાવ્યાં. છતાંય ડોક્ટર સાહેબે તેમનું ઈલાજ ચાલું કરી દીધું.

"કેમકે, તેમની તબિયત વધુ ખરાબ થતી જતી હતી. તેમ છતાંય સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. તેમની બોડી અને તમારી છોકરીને તો તમારી પત્નીના બહેન આવ્યાં હતાં, એ લઈ ગયાં."

"શું? રાધિકાની બહેન? પણ રાધિકાની તો કોઈ બહેન નથી."

"એતો હવે તમને ડોક્ટર જ જણાવી શકે. તેમણે જ તમારી પત્નીની બોડી અને તમારી છોકરી બંને તેમને સોંપ્યાં હતાં."

નર્સની વાત પૂરી થતાં, હું સીધો ડોક્ટર પાસે ગયો. તેમને મેં પૂછ્યું.

"મારી પત્નીની બોડી અને મારી છોકરીને તમે કોને સોંપી દીધાં?એ પણ મને જાણ કર્યા વગર."

"તેમને તેમની બહેન આવી હતી, એ લઈ ગઈ."

"શું નામ હતું તેનું? રાધિકાને કોઈ બહેન જ નથી. તો બહેન ક્યાંથી આવી?"

"એમનું નામ આરાધ્યા દેશમુખ છે. તેઓએ જ કહ્યું કે, એ રાધિકાજીની બહેન છે."

*****

અમદાવાદ (માધવ કેદ હતો એ જગ્યાએ)

આટલું કહીને ડોક્ટર તો ચાલ્યાં ગયાં. પણ હું આજ સુધી એ આરાધ્યાને શોધી રહ્યો છું.

"એ આરાધ્યા દેશમુખ હું જ હતી. હું જ અદિતિને અને રાધિકાને ત્યાંથી લઈ ગઈ હતી."

"પણ તું તો આરાધ્યા સક્સેના છે ને? તે શાં માટે એવું કર્યું હતું?"

"ત્યારે હું મેરીડ હતી, એટલાં માટે દેશમુખ હતી. હવે હું મારાં પતિ સાથે નથી રહેતી. તો ફરી મારાં પપ્પાની સરનેમ સાથે આરાધ્યા સક્સેના બનીને રહું છું."

"પણ આ બધું તે કર્યું શાં માટે? તું રાધિકાની બહેન નથી. એ હું જાણું છું. તો આ બધું કરવાનો મતલબ?"

"હું રાધિકાની બહેન નથી. તેની બહેન જેવી મિત્ર હતી. મને ખબર પડી કે, રાધિકાએ એક છોકરીને જન્મ આપ્યો છે. તો હું તરત સુરત પહોંચી ગઈ. જ્યાં મને ખબર પડી કે, રાધિકાની હાલત બહુ ખરાબ છે. તેનો પતિ તેને અને છોકરીને મૂકીને ક્યાંક ચાલ્યો ગયો છે. ત્યારે મને રાધિકાની કહેલી વાત યાદ આવી.

"રાધિકાનાં કહ્યાં મુજબ તું મુશ્કેલીમાં હોય, ત્યારે મંદિરે જતો. તો હું પણ ત્યાંથી હોસ્પિટલ નજીક આવેલાં ગણેશ મંદિર પહોંચી ગઈ. જ્યાં મેં તને કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરતાં જોઈ લીધો. ત્યારે જ મેં અદિતિને લઈને, ત્યાંથી જતાં રહેવાનો નિર્ણય કર્યો.

"પછી હું હોસ્પિટલે ગઈ. રાધિકાના અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરીને, હું અદિતિ સાથે મારાં સસરાનાં ઘરે ગઈ. જ્યાં મારાં સાસુ અને પતિએ અદિતિને સ્વીકારવાની નાં પાડી દીધી. તો હું અદિતિને લઈને વડોદરા જતી રહી. જ્યાં હું દશ વર્ષ રહી.

"પછી એક દિવસ અચાનક મને ખબર પડી કે, તારી પત્ની સરિતાનું પણ મૃત્યુ થઈ ગયું છે. તો મને થયું કે, હવે કદાચ તું સુધરી ગયો હોઈશ. તો હું અદિતિને લઈને સુરત આવી. સુરત આવ્યાં પછી, સંજોગથી હું એ જ કંપનીમાં નોકરી માટે આવી. જ્યાં તું પણ હતો. પણ હું તને કાંઈ જણાવું એ પહેલાં એટલું બની ગયું કે, હું તને કાંઈ જણાવી જ નાં શકી.

"આટલાં સમય પછી આજે હું તને બધું જણાવવાની હતી. હું તારી ઘરે આવવા નીકળતી હતી. ત્યાં જ મને સુજાતાનો ફોન આવ્યો. તેણે મને આદિત્યના પપ્પાના મૃત્યુની જાણ કરી. હું અદિતિ સાથે અમદાવાદ આવી પહોંચી. જ્યાં મેં તને અને આદિત્યને, તે જ કિશનને માર્યો છે. એ વાતો કરતાં સાંભળી લીધાં. હું અને અદિતિ તમારી પાછળ પાછળ અહીં આવી ગયાં."

"તને અહીં આવતાં જોઈ, તારી પાછળ હું પણ અહીં આવી ગઈ. હવે તું નહીં બચે કલ્પેશ."

પાછળથી એક પ્રચંડ અવાજ આવ્યો. જે સાંભળીને બધાં પાછળ ફર્યા. સામેનું દ્રશ્ય જોઈને બધાનાં હોંશ ઉડી ગયા‌. આદિત્યને ફરી એક મોટો ઝટકો લાગ્યો. આદિત્યની સહનશક્તિ હવે અંતિમ સીમાએ હતી. તેનાં માટે હવે આ બધું સહન કરવું મુશ્કેલ હતું.


(ક્રમશઃ)