Madhdariye - 23 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 23

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અને સુલતાન વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે.. યુદ્ધમાં સૂરજ જીતે છે અને સુલતાનને જીવતો છોડીને સરાહનીય કામ કરે છે.. હવે ત્યાં સુલતાન સૂરજ બને છે.. સુલતાન સભા સંબોધિત કરે છે.. હવે આગળ..

"હું અહીં સુલતાન બનવા નહોતો આવ્યો..હું તો કોઈની મદદ કરવા માટે સુલતાન સામે લડ્યો છું..મારી જીત સચ્ચાઈની જીત છે.. અહીં બધા પ્રેમથી રહેશે અને યાદ રહે,ચોરી,લૂંટફાટ બધું છોડીને સારા માણસો બની જજો, કોઈને હેરાન કરતી વખતે તમારા પરિવાર વિશે પણ વિચારો,જો એ ઘટના તમારા પરિવાર સાથે બને તો?? કોઈની જીવનભરની પૂંજી લૂંટીને કોઈનો શ્રાપ ન લેતા,હા કોઈને મદદ કરી એના આશિર્વાદ જરૂર લેજો..તમારી યોગ્યતા પ્રમાણે તમે મહિને થોડી રકમ મને આપી શકો છો, પણ સુલતાનના નામ પર કોઈ તમારી પાસે પરાણે પૈસા ઉઘરાવે તો મને કહી શકો છો.. મારા કામમાં તમને જરાય કચાશ કે ભુલ દેખાય તો જાહેરમાં કહી શકો છો.. કોઈને સુલતાન લડાઈ કરીને ન બનાવતા,તમે બધા સુલતાનને ચુંટણી કરીને નીચી શકો છો,..જો કે સુલતાનની કોઈ જરૂર જ નથી..આપણે આઝાદ ભારતના નાગરિક છીએ,ને મને પણ તમે લોકો એ જ સુલતાન નિમ્યો છે,જો કે એ ખોટું ગણાય પણ તમારી સેવામાં હું તત્પર રહીશ.. તમારી મુશ્કેલ ઘડીમાં હું ગમે ત્યારે તમારી સાથે રહીશ..."આટલું કહીને સુલતાને એનું ભાષણ સમાપ્ત કર્યું..તાળીઓના ગડગડાટથી સુલતાનને વધાવી લેવામાં આવ્યો..

એજ દિવસથી સુલતાને પોતાની ટીમમાં બાહુબળમાં ચુનંદા લોકોની સાથે સેવાભાવી લોકોને પણ સ્થાન આપ્યું...પોતાના વિસ્તારમાં એણે શાંતિ સ્થપાય એવા પ્રયત્નો કર્યા..ટોનીએ લૂંટેલા પૈસામાંથી એણે શાળા,કોલેજ,દવાખાના,રોજીરોટી માટે ઉદ્યોગની સ્થાપના એમ ટૂંક સમયમાં કાયાપલટ કરી દીધી...બે વર્ષમાં તો જાણે એ જૂનો સુલતાનગઢ હોય જ નહીં એમ લાગતું હતું..ચોરબજારની જગ્યાએ વેપારીની દુકાનો હતી..ચોરી કે લૂંટ કરનાર પર સખ્ત કાર્યવાહી કરી એને જેલમાં નાખી દેવામાં આવતો હતો.. પોતાના બાહુબળથી કેટલાયને હરાવીને એણે પોતાનું સુલતાનપણું સાબિત કર્યું..લોકો સુલતાનથી ખૂબ જ ખુશ હતા,પણ રાજકારણીઓની ચુંટણીફંડની આવક બંધ થતા એમણે ખટપટ શરૂ કરી દીધી..

સુલતાન ક્યારે કોઈ કાનુન વિરોધી કામ કરે અને કાયમ માટે લાંબી સજા અપાવી એને અંદર કરવાનું એમનું કાવતરું હતું..

તમામ વિરોધીને માત આપીને હવે સૂરજ પોતાની જીંદગી વિશે વિચારતો હતો ત્યાં જ એનો ભેટો ગૌરી સાથે થાય છે.. ગૌરી નામ પ્રમાણે ગૌરવર્ણી, ઊંચી, પાતળી,ધનુષ્યના કમાન જેવી ભ્રમરો ધરાવતી,આંખોમાં અનેક સપના, એકદમ બોલકણી એવી ગૌરી હરકોઈને ગમી જાય એવી હતી!! સૂરજની જેમ એ પણ પોતાના સપના સાકાર કરવા શહેરમાં આવી હતી..કોલેજ પહોંચવામાં આજે એને મોડું થયું હતું..ગૌરીને રીક્ષા ન મળતાં ચાલીને જવા લાગી હતી..

સુલતાન ત્યાંથી પસાર થતા ગૌરીને જુએ છે.. આટલા સુંદર ચહેરા પર તાપને લીધે વળેલા પ્રસ્વેદ બિંદુને લૂંછતી અને ભાગ્યને કોસતી ગૌરી વારેવારે ચહેરા પર આવતા વાળની લટને સરખી કરીને જતી હતી..

કાયમ લોકોની સેવા કરતો સુલતાન એક છોકરીને જોઈ એની મદદ કરતા અચકાય છે.. ગૌરીની સુંદરતા પર એ મોહી પડ્યો, પણ અત્યારે એકલી છોકરીને કેમ લિફ્ટ આપવી??

ગૌરીએ તરત કાર ઊભી રાખવા માટે હાથ ઊંચો કર્યો.

"બોલો શું મદદ કરી શકું આપની?" સુલતાને કહ્યું..

" મારે કોલેજમાં જવું છે અને બસ ચૂકી ગઈ છું.રીક્ષા પણ મળી નથી,કોલેજ સુધી મુકી જશો?? "

"હા આવો બેસી જાવ હું મુકી દઈશ કોલેજ સુધી.."

"મિસ્ટર તમે કોઈ મવાલી તો નથી ને?? મેં ઘણી વખત સાંભળ્યું છે,કારમાં બેસાડીને ઉપાડી જવા વાળા લોકો કેટલાય હોય છે.કહી દઉં છું પહેલા જ, સુલતાન મને સારી રીતે ઓળખે છે,જો જરાય બદતમીજી કરી છે તો સુલતાન તમને નહીં છોડે..."

"અરે હું તો તમારી મદદ કરવા ઈચ્છું છું..હું કોઈ ચોર, કે અપરાધી નથી.."છોકરીની મૂર્ખતા પર એને હસવું આવતું હતું પણ એ ચૂપ રહ્યો.. ગૌરી કારમાં બેસી ગઈ..

"તમે અત્યારે કયા વર્ષમાં છો??"

"હેલ્લો મિસ્ટર, હું સ્ટુડન્ટ નથી..હજુ પંદર દિવસ થયા મને કોલેજમાં જોબ મળી એને.. હું ઈતિહાસ લઉં છું."

"તમે સુલતાનને કઈ રીતે ઓળખો છો?તમારા સબંધી છે??"

"હા એકદમ નજીકના સગા છે.. એમણે જ મને કહ્યું છે'કોઈ હેરાન કરે તો સીધો ફોન કરી દેવો.' એટલે તો હું તમારી કારમાં બેઠી છું..અજાણ્યા સાથે થોડું બેસાય નહીંતર?"

ચાની દુકાન આવતા સુલતાને કહ્યું"મેડમ ચા પીશો?"હું ચા પર લઉં પછી કોલેજ સુધી લઈ જાઉં.."

"તમને તો જરાય ઉતાવળ નથી,પણ મારે તો કોલેજ પહોંચવાનું છે.. ચા પછી પીજો અત્યારે કોલેજમાં જવું છે."

"અરે પણ બે મિનિટ થશે..ને તમારે સુલતાનની લાગવગ કોલેજમાં ચાલશે જ.. કોઈ તમને કશું નહીં કહે.."

"ચૂપચાપ કાર ચલાવો નહીંતર સુલતાનને કહી દઈશ તો તમારી ખેર નથી.."

સુલતાનને હસવું આવતું હતું પણ પરાણે રોકી રાખ્યું.. કોલેજ આવતા ગૌરીને એણે ઉતારી..

"ઓહ મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર..મારે કોલેજ પહોંચવામાં મોડું થતું હતું એટલે તમને ચા ન પીવા દીધી.. સોરી હો.. તમે મને સારા માણસ લાગ્યા એટલે તમારૂ નામ જાણી શકુ?"

"મારૂ નામ સૂરજ છે.. સુલતાનને મારી કોઈ ફરિયાદ ન કરતા.."
"ના તમે સારા માણસ છો.. નહીં કરૂ ફરિયાદ ,બાય હવે હું જાઉં છું."

સુલતાને ગાડી પાછી વાળી લીધી.. પોતાના મનમાં હજુ સુધી કોઈ પ્રત્યે આવી લાગણી એને નહોતી થઈ,પણ ગૌરીને મળ્યા પછી એને લાગ્યું કે આ એજ છે જે મારા માટે બની છે...મીઠા સપના જોતો સુલતાન આડો પડ્યો..ત્યાં ઉંઘમાં ખલેલ પડી, સુલતાનનો ફોન રણક્યો..શકીલનો ફોન હતો..

"સુલતાન વેપારીઓ અને આપણા માણસોને હજુ હમણાં જ અલ્તાફ અને એના માણસોએ પોતાની અલગ ગેંગ બનાવીને ધોળા દિવસે લૂંટ્યા છે.."

"ઓહ એને સુલતાનના નિયમોની ખબર નથી?આ ટોનીનું રાજ નથી કે કોઈને હેરાન કરે.."

"જો આમ જ ચાલતું રહ્યું તો કદાચ નાછૂટકે આપણે હાથમાં હથિયારો લેવા પડશે.."શકીલે કહ્યું.

"ના,એવું કશું નહીં કરવું પડે.. હું હમણાં જ મકવાણા સાહેબને ફોન કરીને કહી દઉં છું..એ થોડાક લોકોને ત્યાં પેટ્રોલીંગ માટે મુકી દેશે..ને બીજી વખતે કદાચ દેખાશે તો હું પોતે જ એમને ગમે ત્યાંથી શોધીને સજા આપીશ.."

બધા લોકો શાંતિપૂર્ણ રીતે રહી શકે એટલા માટે જ સુલતાને નવા નિયમો બનાવ્યા હતા,પણ અમુક એવા પણ હતા જેના હરામના હાડકા મહેનત કરી શકે એમ ન હતાં..અલ્તાફ પણ એવો જ હતો.. એ જાણતો હતો કે સામી છાતીએ સુલતાનનું એ કશું નહીં બગાડી શકે,એટલે એણે નવો પેંતરો અજમાવ્યો હતો..અમૂક રાજકારણીઓનો પણ એને પુરો સપોર્ટ મળ્યો હતો..

સુલતાને ગુસ્સે થયા વિના શાંતચિતે અલ્તાફની ગેંગનો સફાયો કરવો પડે એમ હતો. પોતાનું એક ખોટું કામ અવ્યવસ્થા સર્જી શકે એમ છે એ વાત એ જાણતો હતો..રાજકીય આગેવાનોની ચાંપતી નજર સુલતાન પર હતી જ.. કોઈપણ રીતે ચિત્રમાં આવ્યા વગર અલ્તાફની ગેંગને સબક શીખવવા એ વિચાર કરવા લાગ્યો..પોતે સુલતાનગઢના લોકોને વચન આપ્યું હતું એ વચનનું પાલન એણે કોઈપણ કરવું જ રહ્યું..

બે-ત્રણ દિવસો વીતી ગયા..સુલતાન એજ રસ્તે જઇ રહ્યો હતો જ્યાં એણે ગૌરીને લિફ્ટ આપી હતી..પણ આજે એને ગૌરી ન મળી..કેમ પણ એનું મન ઉદાસ થયું.. ગૌરીના દીદાર કરવા જ એ આ રસ્તે આવ્યો હતો..સાંજે તો આ રસ્તેથી જ આવશે એ એને ખબર હતી..અત્યારે જતા રહેવું અને સાંજે બસસ્ટોપ પર જ ઊભું રહેવું એમ વિચારીને એ આનંદમાં આવી ગયો..

સાંજે બસસ્ટોપ પર બેઠાં-બેઠાં થોડી-થોડી વારે ઘડિયાળ સામે જોતો હતો.. કોણ જાણે કેમ,પણ આજે સમય બહુ ધીમો ચાલતો હતો..એક બે લોકોએ એને પૂછ્યું પણ ખરૂ. "ચાલો તમારે જ્યાં જવું હોય ત્યાં છોડી દઈશું..તમારે ક્યાં બસમાં જવાની જરૂર છે??"

"અરે ના હું અમસ્તો જ બેઠો છું..મારે ક્યાંય નથી જવાનું. તમે જાવ.."આવડો મોટો માણસ આમ બસ સ્ટોપ પર બેસે તો લોકોને નવાઈ તો લાગે જ ને!!

બસસ્ટોપ પર બસ આવતા જ સુલતાન સચેત બની ગયો..ગૌરીના પ્યારા ગોરા મુખડાને જોવાનું પણ છે અને એને ખબર પણ નથી પડવા દેવાની એટલે એણે મોબાઈલમાં પોતાનો ચહેરો છુપાવવાની કોશિષ કરી..

"અરે સુલતાન પોતે અહીં બેઠા છે!!"લાખ પ્રયત્ન છતા કોલેજના પ્રિન્સિપાલ એને ઓળખી ગયા..

"અરે કોણ સુલતાન? તમને કોઈ ભૂલ થઈ લાગે છે.. આ તો....હા, આ તો મિસ્ટર સૂરજ છે.."

"અરે આ પોતે જ સુલતાન છે.. આપણી કોલેજ પણ એમણે બંધાવી છે.."પ્રિન્સીપાલ બોલ્યા..

ગૌરી ઝંખવાઈ ગઈ,પોતાના વ્યવહાર બદલ એણે માફી માંગવા ચાહી પણ સૂરજે ઈશારો કરી ચૂપ કરી દીધી..

ગૌરી ચાલી ગઈ પણ એના મનમાં ઘમસાણ પડ્યું હતું..આટલો મોટો માણસ અને મારા જેવી સામાન્ય લેક્ચરર માટે આટલી મદદ કરી!!! એને તો એમ હતું કે સુલતાન કોઈ માથાભારે માણસ હશે!! મોટી મૂંછો,ખરબચડો ને ભયંકર ચહેરો હશે, સ્વભાવ કરડાકી વાળો હશે.. પણ એની ધારણા ખોટી પડી.. સૂરજ જો ચાહ્યું હોત તો પ્રિન્સીપાલ સામે મારો કચરો કરી નાખી, પણ એનું હ્રદય ખરેખર કોમળ છે,હેન્ડસમ,અણીયાળી આંખો,તેજસ્વી ચહેરો,જાણે કૃષ્ણ કનૈયો!!! જોતા જ વહાલ ઊભરાય!!

પોતાના જ ખ્યાલોથી ગૌરી શરમાઈ ગઈ..

બીજા દિવસે જાણી જોઈને ગૌરી ચાલતી ગઈ,પણ એ વહેલા નીકળી.સૂરજને ખબર હતી કે ગૌરી નીકળી છે,પણ એને ગૌરીનું મન જાણવું હતું..એક બે રીક્ષા નીકળી એમણે ગૌરીને પૂછ્યું પણ ખરૂ"ક્યાં જવું છે મેડમ? ચાલો છોડી દઉં?"ગૌરીએ ના પાડી દીધી..

"મારે જેની સાથે જવું છે એ તો દેખાતા નથી ને આ રીક્ષા વાળાની જ્યારે જરૂર હતી ત્યારે નહોતા બેસાડતા ને હવે સામેથી આવે છે.."

સૂરજ હવે પોતાની કાર લઈને ગૌરીની નજીક ગયો.. "ચાલો તમને છોડી દઉં."

ગૌરી ચૂપચાપ કારમાં બેસી ગઈ.એ સૂરજ સામે નજર નહોતી મિલાવી શકતી.."સોરી, હું તમને ઓળખી નહોતી શકી.મને કોઈ પરેશાન ન કરે એટલા માટે મે ખોટું...."

"જવા દો વાતને,તમે તમારી જગ્યા પર સાચા હતા.મારે તમારી પાસે માફી મંગાવીને શરમમાં નથી નાખવા.."સુલતાને વચ્ચે જ વાત કાપતા કહ્યું.

વચ્ચે ચાની હોટલ આવતા સૂરજે કાર ઊભી રાખી અને ચા ઓર્ડર કરી,ગૌરી પણ ઉતરી..આંખોના ઈશારે વાત સમજાઈ ગઈ..મૌન પણ તાકતવર હતું, પ્રેમ ક્યાં વ્યક્ત કરવો પડે છે..જાણે ચા તો ભૂલાઈ ગઈ અને એકબીજાની આંખોથી જામ પીવા લાગ્યા..થોડીવારે પરિસ્થિતિનું ભાન થતા બંને ઊભા થયા.. સૂરજ કોલેજ સુધી ગયો.. ગૌરી ઉતરી પણ એની નજર તો સૂરજ પર જ મંડાયેલી હતી..

એકબીજા સાથે પ્રેમનો એકરાર કર્યા વગર આ ઘટના દરરોજ બનવા લાગી..હવે તો બધાની જીભ પર ગૌરી અને સુલતાનની પ્રેમ કહાનીની વાતો થતી હતી..

સુલતાને અલ્તાફના અમુક માણસોને પકડી પાડ્યા હતા..ચૂપચાપ કોઈને ખબર ન પડે એમ પોતાના નિવાસસ્થાને કેદ કર્યા.. એમની સારી એવી ધોલાઈ પણ કરી..

અલ્તાફ હવે અકળાયો હતો.. પોતાની ગેંગને એ મજબુત કરીને સુલતાનની ગાદી પચાવી પાડવાની વેતરણમાં હતો, પણ સૂરજ વારાફરતી એના માણસોને પકડીને જેલમાં નખાવ્યા હતા એટલે એને ક્રોધ આવે એ સ્વાભાવિક હતું...રાજકારણીઓ એ પોતાની વગ વાપરી એમને છોડાવી લીધા હતા.એમણે અલ્તાફને એક નવો રસ્તો બતાવ્યો જેનાથી સૂરજ આબાદ પકડાઈ જાય એમ હતો..

આજે સુલતાન કાર લઈને નીકળ્યો,પણ એને ગૌરી ક્યાંય ન મળી.. એ છેક કોલેજ સુધી ગયો પણ ગૌરીનો કોઈ પતો ન લાગ્યો.. સૂરજ હવે અકળાયો,એણે ગૌરીને ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો..ત્યાં જ શકીલનો ફોન આવ્યો.. શકીલ સાથે વાત કરતા જ એના પગ તળેથી જમીન સરકી ગઇ..એનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો..કાયમ ચહેરા પર જે સ્મિત રહેતું હતું એની જગ્યાએ કરડાકી આવી ગઈ..એણે તરત પોતાની કાર પાછી વાળી..

શું બન્યું હશે?

શકીલે શું વાત કરી હશે??

ગૌરી કેમ નહીં આવી હોય??

સૂરજ કેમ ક્રોધિત થયો હશે??

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે