sundari chapter 46 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૪૬

છેતાલીસ

“હા, મેં હમણાં જ તો કહ્યું કે મારો એક જ ભાઈ છે.” સુંદરીએ પાછું વળીને પ્રમોદરાયને જવાબ આપતા કહ્યું.

“મેં ના પાડી હતીને કે એ ભાગેડુ સાથે આપણે કોઈજ સબંધ નથી રાખવાનો?” પ્રમોદરાયનો અવાજ વધુ મોટો થયો.

“એમ જો સબંધ તૂટી જતા હોય તો અમુક સબંધો મેં ભાઈના ભાગી જવાની સાથેજ તોડી નાખ્યા હોત પપ્પા.” સુંદરી આજે અલગ જ રંગમાં હતી.

સુંદરી આજે પ્રમોદરાયને જવાબ આપી રહી હતી.

“એટલે તું મારી સાથે સબંધ તોડવા માંગે છે? એ પણ તારા ભાગેડુ ભાઈને કારણે?” પ્રમોદરાયને હવે ગુસ્સો આવી રહ્યો હતો કારણકે એ સુંદરીનો ઈશારો સમજી ગયા હતા.

“ના, હું કોઇપણ સબંધ તોડવા માંગતી ન હતી કે ન તો માંગુ છું. મારે મારું પરિવાર જોઈએ અને એ પણ સંપૂર્ણ. મારા માટે મારા પિતા એટલાજ મહત્ત્વના છે કે જેટલા મારા ભાઈ.” સુંદરીનો અવાજ પણ ઉંચો થયો, આટલા વર્ષોમાં કદાચ પહેલીવાર.

“વાહ! લાગે છે કે તારા ભાઈએ આ બે-ત્રણ કલાકમાં મારા વિરુદ્ધ બરોબર કાન ભંભેર્યા છે તારા.” પ્રમોદરાય પોતાની રીતે સુંદરીના શ્યામને મળવાના કારણોનો તાળો મેળવી રહ્યા હતા.

“હું મારી ઉંમરના વીસ દાયકા પુરા કરી ચૂકી છું પપ્પા. મને કોણ સાચું અને કોણ ખોટું એની ભાન પડે છે. જો મમ્મીના ગયા પછી તમે જો મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપ્યો હોત તો ભાઈ આજે જેલમાં ન હોત, એ તમારી ઈચ્છા પ્રમાણે આઈ.એ.એસ અધિકારી બન્યા હોત.” સુંદરીએ વળતો જવાબ આપ્યો.

“એ જેલમાં છે?” પ્રમોદરાયના ગુસ્સામાં હવે આશ્ચર્ય ભળ્યું.

“હા, હમણાં મારી સામેજ અને મારા કહેવાથી એમણે સરેન્ડર કર્યું છે. હું સીધી પોલીસ સ્ટેશનેથી જ ઘરે આવી રહી છું.” સુંદરીએ કહ્યું.

“સત્યાનાશ! ગયો છોકરો હાથમાંથી.” પ્રમોદરાય આટલું કહીને પાછળ રહેલા સોફા પર ફસડાઈ પડ્યા.

“ના, ભાઈ હવે પોતાના ગુનાઓની સજા કાપીને પ્રશ્ચાતાપ કરશે અને જેલમાંથી બહાર આવીને એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન ગુજારશે કારણકે જેલમાં તેમને ઘરમાં જે નહોતું મળ્યું એ મળશે... સારા વ્યક્તિ બનવાનું પ્રોત્સાહન.” સુંદરીએ પોતાના જીવનમાં કદાચ પહેલીવાર પોતાના પિતાને ટોણો માર્યો.

“જે એક વખત ગુનાના માર્ગે જતો રહે એ ક્યારેય સુધરતો નથી. મારા ઘરમાં એનો પગ પણ ન પડવો જોઈએ, ભલે એ ગમે ત્યારે જેલમાંથી છૂટે. અને ભાઈએ ખબર નહીં શું જાદુ કર્યો છે કે તું આજે તારા બાપની શરમ ભર્યા વગર એની સામે બોલવા લાગી છે?” પ્રમોદરાય ગુસ્સામાં જ બોલી રહ્યા હતા.

“જો જેલની સજા કાપ્યા પછી તમે ભાઈને ઘરમાં નહીં આવવા દો તો હું અને મારો ભાઈ અમે અલગ રહીશું. મારી કમાણી એટલી તો છે જ કે અમે બેય ભાઈ બહેન જીવનભર શાંતિથી રહી શકીએ. જો જેલમાં સજા કાપીને આવેલા લોકો નથી સુધરતા તો પછી ઘરમાં જ જેલ જેવું વાતાવરણ સહન કરીને ગેરમાર્ગે દોરાયેલા લોકોને શું કહેશો પપ્પા?” સુંદરીએ પોતાના પિતા પર શાબ્દિક આક્રમણ ચાલુ રાખ્યું.

“સુંદરી....” પ્રમોદરાય સત્ય સ્વીકારી ન શક્યા અને જોરથી બૂમ પાડી બેઠા.

સુંદરીએ પ્રમોદરાયની સહનશક્તિની હદ આવી ગઈ છે એ સમજી જતાં દાદરો ચડીને મૂંગી મૂંગી પોતાના રૂમમાં ચાલી ગઈ.

પરંતુ રૂમમાં પ્રવેશ કરવાની સાથેજ સુંદરીએ રૂમનું બારણું લોક કર્યું અને પથારીમાં રીતસર કુદકો મારીને, ઉંધી સુઈ જઈને અવિરતપણે રડવાનું શરુ કર્યું. એક તરફ તેને પોતાના શ્યામભાઈને વર્ષો બાદ મળ્યાના હર્ષ સાથે તે ફરીથી અમુક વર્ષો જેલમાં જશે એનું દુઃખ હતું, તો તેને પોતાના પિતાનું જીવનમાં પહેલીવાર શાબ્દિક અપમાન કરવાનું પણ અતિશય દુઃખ હતું. આ બંને દુઃખને મનમાંથી દૂર કરવા માટે સુંદરીએ રડવું અત્યંત જરૂરી હતું અને અત્યારે તે એમ જ કરી રહી હતી.

==::==

“અરે! તમે કેમ આવ્યા? આરામ કરવો હતોને?” દરરોજ જે જગ્યાએ વરુણ સુંદરીને રિપોર્ટ આપતો ત્યાં જ તે પોતે ઈજા પામ્યાના બીજાજ દિવસે મળ્યો એટલે સુંદરીને આશ્ચર્ય થયું.

“ના, ઘેરે બેઠાબેઠા કંટાળો આવત અને હવે દુઃખાવો બિલકુલ નથી. હા ભૂલથી જો એ પગ પર ભાર મુકાઈ જાય છે તો સહેજ દુઃખે છે. ડોક્ટરે પણ કાલે જ કહી દીધું હતું કે મારે ઘરે બેસીને આરામ કરવાની કોઈ જ જરૂર નથી. બલ્કે, પરમદિવસે પાટો છૂટી જશે પછી પ્રેક્ટીસ પણ કરી શકીશ.” વરુણના ચહેરા પર સ્મિત હતું.

ડોક્ટરે વરુણને જરૂરથી કોલેજ જવાની છૂટ આપી હતી પરંતુ તેના કોલેજ આવવાનું કારણ ઘરે રહીને આવતો કંટાળો નહીં પરંતુ ઈજાને કારણે સુંદરીને મળવાની અને તેની સાથે વાત કરવાની એક તક પણ ન ચૂકી જવાય તેની ખાતરી કરવાનું જ હતું.

“જો ડોક્ટરે હા પાડી છે તો પછી ઠીક છે. પણ ધ્યાન રાખજો અને બને તો આ આખું અઠવાડિયું પ્રેક્ટીસ ન કરતા.” સુંદરીએ પોતાનું સિગ્નેચર સ્મિત કરતાં વરુણને કહ્યું.

“ચોક્કસ, તમારી સલાહ હું જરૂર માનીશ, કારણકે જો એક વિક પ્રેક્ટીસ નહીં કરું તો ખાસ વાંધો નહીં આવે અને ત્યાં સુધીમાં તો ઘા પણ રુઝાઈ જશે એટલે ફરીથી એની એજ જગ્યાએ બોલ વાગી જાય એવી કોઈ શક્યતા પણ નહીં રહે.” વરુણને સુંદરીની દરેક વાત માનવી જ હતી પરંતુ તેના માટે કારણ બીજું આપવું હતું જે સુંદરીને તેના પ્રત્યે પોતાના પ્રેમ વિષે જરા પણ ન કહે.

“ગૂડ. પણ પછી ડેઈલી રિપોર્ટ્સ? એનું શું કરીશું? તમે તો આખું વિક પ્રેક્ટીસ નહીં જ કરો ને?” સુંદરીની આંખો મોટી થઇ.

“હું પ્રેક્ટીસ નહીં કરું પણ એઝ અ કેપ્ટન ગ્રાઉન્ડ પર તો હાજર રહીશ જ ને? એટલે તમે ચિંતા ન કરો, હું તમને દરરોજની જેમ સવારે અહીં જ રિપોર્ટ આપી દઈશ.” વરુણે બધું જ પ્લાનિંગ કરી રાખ્યું હતું જેથી તે સુંદરીને દરરોજ સવારે જ કોલેજ શરુ થાય તે પહેલાં મળી લે.

“ધેટ્સ ગ્રેટ. ચાલો બેલ વાગી ગયો, આજે મારે ફર્સ્ટ લેક્ચર છે.” કહીને સુંદરીએ વરુણને આવજો કહ્યું અને ઝડપથી કોલેજના પ્રવેશદ્વાર તરફ ચાલવા લાગી.

“શ્યોર. બાય. આપણે થર્ડ લેક્ચરમાં મળીએ.” વરુણે કહ્યું.

જવાબમાં સુંદરીએ પોતાનું ડોકું હલાવ્યું અને સ્મિત કર્યું અને વરુણ પાણી પાણી થવા લાગ્યો.

“અરે! વરુણ...” સુંદરી અચાનક જ પાછળ વળી.

“જી?” વરુણ પણ બે ડગ લંગડાઈને ચાલ્યો અને પોતાનું નામ સુંદરીના મોઢે સાંભળીને માંડ માંડ ઉભો રહ્યો.

“કૉલેજ છૂટ્યા પછી જરા થોડું વેઇટ કરશો? મારે તમને જરા ખાસ વાત કરવી છે.” સુંદરીએ કહ્યું.

“હા, કેમ નહીં? આમ પણ મારે આજથી એક વિક કૃણાલ સાથે ઓટોમાં જ જવાનું છે.” વરુણે સુંદરીને જવાબ આપ્યો.

“સરસ. તો તમે કોલેજ પતે એટલે પાર્કિંગમાં રાહ જો જો પ્લીઝ.” સુંદરીએ વરુણને વિનંતીભર્યા સૂરમાં કહ્યું.

“શ્યોર. હું રાહ જોઇશ.” વરુણનો ઉત્સાહ સમાતો ન હતો.

==::==

“પણ આપણે તો સાથે રિક્ષામાં જવાની વાત થઇ હતીને?” કૃણાલે વેધક સવાલ કર્યો.

કોલેજના આજના તમામ લેક્ચર્સ પૂરા થઇ ગયા હતા અને ઘેર જવાનો સમય થઇ ગયો હતો અને વરુણે કૃણાલને એકલા જ ઘરે જવાનું કહ્યું એટલે કૃણાલે તેને યોગ્ય સવાલ જ કર્યો.

“હા બકા, તારી વાત સાચી પણ મારે પ્રેકટીસમાં પણ જવાનુંને?” વરુણે સ્મિત કરતાં કહ્યું.

“તો આ સવારે યાદ ન આવ્યું? હવે ઘરે પહોંચીને આંટી મને પૂછશે તો હું શું જવાબ આપીશ? એ તો મને જ બોલશેને કે કેમ તું વરુણને એકલો મુકીને આવી ગયો? એને રિક્ષા મળવામાં તકલીફ પડશે તો? એન ફરીથી ત્યાં જ વાગી જશે તો?” કૃણાલે ચિંતા વ્યક્ત કરી.

“મમ્મી તને કશુંજ નહીં કહે, હું હમણાં જ મમ્મીને કૉલ કરી દઉં છું ઓકે? સો ચીલ્લ બકા!” વરુણે કૃણાલની સમસ્યા દૂર કરતાં કહ્યું.

“ઠીક છે ઠીક છે. પણ રોજનું આવું હોય તો મને કહી દે એટલે કાલે તારી રાહ ના જોવું.” કૃણાલે સ્વભાવ મુજબ ગુસ્સો કર્યો.

“હા હું રોજ રોકાઇશ. પ્રેક્ટીસમાં ભાગ નહીં લઉં પણ કેપ્ટન છું એટલે મારે હાજર તો રહેવું પડેને યાર? તું સમજ.” વરુણે કૃણાલને સમજાવતાં કહ્યું.

“ઓકે, ચલ તો હું જાઉં.” કૃણાલ મોઢું મચકોડીને વરુણની વિદાય લઈ રહ્યો હતો.

“એક મિનીટ... આ પકડ.” વરુણે ખિસ્સામાંથી 100ની નોટ કાઢીને કૃણાલને પકડાવી.

“આ શું છે?” કૃણાલે વરુણ સામે નોટ દેખાડીને પૂછ્યું.

“રિક્ષાનું ભાડું.” વરુણે જવાબ આપ્યો એના ચહેરા પર સ્મિત હતું.

“એ તો તું જોડે આવવાનો હોય તો અંકલે કહ્યું હતું કે તને હું રિક્ષામાં લઇ જઉં અને પાછો ઘરે લઇ આવું, સહી સલામત. પણ હું તો એકલો જઉં છું એટલે બસમાં જઈશ, મને આવી લક્ઝરી ન પોસાય. પકડ.” કૃણાલે છાશિયું કરતાં કહ્યું અને વરુણથી દૂર ચાલવા લાગ્યો.

કૃણાલના ગયા બાદ વરુણે રાગીણીબેનને કૉલ કરીને જણાવી દીધું કે તે ફક્ત પ્રેક્ટીસ જોવા માટે કોલેજ રોકાયો છે. ત્યારબાદ તે અને તેની ટીમના સભ્યો લગભગ એક કલાક કોલેજના ગ્રાઉન્ડ પર પ્રેક્ટીસ કરતા રહ્યા. વરુણે સુંદરીને કહ્યા અનુસાર ફક્ત દૂર બેંચ પર બેસીને પ્રેક્ટીસ નિહાળી અને જ્યાં જરૂર પડી ત્યાં ટીમના સભ્યોને સલાહ પણ આપી. જો કે આ સમગ્ર સમય દરમ્યાન વરુણની નજર સતત તેના મોબાઈલનો વોચ પર હતી કે ક્યારે એક વાગે અને કોલેજનું છેલ્લું લેક્ચર પૂર્ણ થાય અને સુંદરી સાથે તેની નક્કી કરેલી મુલાકાત કોલેજના પાર્કિંગમાં થાય.

છેવટે એક કલાક પૂર્ણ થયો જો કે વરુણને લાગ્યું કે આ એક કલાકે પૂર્ણ થવામાં ઓછામાં ઓછા બાર કલાક લીધા છે. છેલ્લું લેક્ચર પૂર્ણ થવાનો લાંબો બેલ વાગવાની સાથેજ વરુણે ટીમ સમક્ષ પ્રેક્ટીસ પૂરી થઇ હોવાની ઘોષણા કરી અને પોતે ધબકતાં હ્રદયે લંગડાતી ચાલે પાર્કિંગ તરફ રવાના થયો.

કોલેજના પાર્કિંગમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સના પાર્કિંગ જુદાજુદા અલોટ થયા હતા એટલે વરુણને સુંદરીનું હોન્ડા શોધતાં વાર ન લાગી. લગભગ પંદરેક મિનીટ બાદ સુંદરી કોલેજની પાછળ આવેલા દરવાજા તરફ આવી અને તેણે વરુણને પોતાના વાહન પાસે ઉભેલો જોયો અને આપોઆપ તેના ચહેરા પર સ્મિત આવી ગયું.

સુંદરી વરુણ તરફ ચાલવા લાગી અને વરુણ સુંદરી તેને કઈ વાત કરશે એ જાણવાની તાલાવેલી સાથે તેને પોતાના તરફ આવતી જોઈ રહ્યો.

==:: પ્રકરણ ૪૬ સમાપ્ત ::==

Share

NEW REALESED