Amasno andhkar - 18 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 18

વીરસંગની જાન શ્યામલીના આંગણે આવી ઊભી રહે છે. ભવ્ય સ્વાગત અને ઝાઝેરા માનપાન મેળવી જાનૈયા ખુશખુશાલ થાય છે. શ્યામલી પણ વરમાળા લઈને વીરસંગ સામે ઊભી રહે છે. હવે આગળ....

વીરસંગ એના પ્રેમાળ નયને શ્યામલીને નિહાળે છે અને ખોવાઈ જાય છે એની સંગે સપનાની દુનિયામાં..જાણે ફૂલોના બગીચામાં 'કામદેવ' જેવો પોતે દેવતા અને એની સામે 'રતિ'
જેવી શ્યામલી ઊભી હોય તો કોઈ બંધન હોતા જ નથી. એ શ્યામલીના સૌંદર્યને આંખોથી પીવે છે અને એના મનના તરંગો શ્યામલી માટે વહે છે...

પાયલ પહેરી પધારે પારેવડી
પળ પળ પ્રેમ પ્રસરાવતી...
પલકે પખાળે, પ્રેમે પુજે
પારકે પાલવડે પ્રિતને..

છમછમ છબીલી છોકરડી
છોગાળાથી છેતરાણી
છણકો છોડી છંછેડે
છલકાવે છમકીલી છોળ

કમળ કળી કંકણ કર થી
કપાળે કરી કંકુવરણો
કલકલ કરતી કિનારીયે
કમખે કોતરે કિર કીનખાબી

જળ જોવા જાયે જોખમે
જાણે જીવંત જોગમાઈ
જળપરી જેમ જોડે જાજેરી
જુવાનીની જાદુઈ જાળી

તરાપે તારે તનના તારોળિયા
તલસાવે તામસી તિખાર
તડપે તુજ તંત-સિતારે તનડું
તરખાટ તોરે તન્મયે તાંડવ

મન માંહ્ય મોરલો મહેકે
મળે માણીગરને માલીપા
મોજ મંદિરે મલકતી મલકતી
મેળવે મોતીડા મેળાપના

સોળે સજેલી સોનીસુંદરી
સારપના સારે સાદ
સંસારમાં સરજે સંગીતનો
સુરીલો સર્જનાત્મક સાથ

હરણી હાલે હળવે હળવે
હોય હૈયડે હારકુસુમિત
હસતા હોઠે હાથ હલાવી
હરખે હુલાવે હોંશીલુ હરિગીત

દામિની દમકે દર્શે દંતિલી
દાસી દામોદરની દાખવે દરદ
દયા દર્શનની દેજો દિલબર
દીલથી દુવા દર્જે દારૂણી

આમ જ ઉત્સાહમાં એ વરમાળા પહેરાવાય છે સામસામે..સખીઓ ફૂલો વરસાવે છે.. ધીમે-ધીમે શ્યામલી પાછી વળે છે. વીરસંગ શ્યામલીના લાંબા કેશને ફૂલોના શણગારથી સજાવેલા જોઈ અંજાઈ જાય છે. જાણે વનનો ભ્રમર એ ફૂલોની મહેંકથી ભરમાયો હોય એમ જ.

કન્યાદાનની વિધીમાં ગાયોના અને દીકરીના દાન દેવાય છે. એક એક શ્ર્લોક સાથે શ્યામલી અને વીરસંગના મનનાં તાર પણ અતૂટ બંધને જોડાતા જાય છે. ત્યાં જ ગોર મહારાજ ચોરીના ચાર ફેરા ફરવા માટે વર-કન્યાને સાવધાન કરે છે.

વરરાજાના ઘરેથી આવેલ ઘરચોળું ઓઢી શ્યામલી સાક્ષાત શિવની પાર્વતી બનીને અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા ઊભી થાય છે. એક એક ફેરાએ સાત જન્મોના બંધને બંધાવા આ યુગલ કટિબદ્ધ છે. એકમેકના હાથમાં હાથ પરોવી બેય ખેતલિયાને જમણા પગનો અંગૂઠો અડાડીને ધીમી ધીમી નવી જીંદગીની શરૂઆતને આવકારો આપે છે..

ગળ્યો કંસાર પણ પીરસાય છે. એક એક કોળિયો પ્રેમનો બેય ખવડાવે છે અને ભોજનમાં જેમ વિવિધતા હોય સાથે મીઠાશ પણ હોય એવા જ ભાવથી સુખદુઃખની પળોમાં પણ એકમેકનો સહારો બનવા બેય તૈયાર હોય છે.

ત્યાં જ સપ્તપદીની સોપારીઓ ગોઠવાય છે અને હવે આખા સમાજની સામે સપ્તપદીના વચને બંધાવા અને નિભાવવા બેય સજ્જ હોય છે..

વીરસંગ અને શ્યામલી બેયએ લીધેલા સપ્તપદીના વચનને આપણે અહીં જોઈએ..

સપ્તપદીના સાત સોનેરી સુચનો અને એનું એકબીજાના સાંનિધ્યમાં રહીને નિભાવવાના વચનો એ જ સપ્તપદી...

આ ઘડી જીંદગીમાં હંમેશ માટે યાદગાર જ હોય છે. એક એવી અજાણી વ્યક્તિના હાથમાં હાથ આપી હસ્તમેળાપ કર્યા પછી જન્મોજન્મના સંગાથના એક એક ડગલા એટલે સાતફેરાના સપ્તવચન એટલે જ સપ્તપદી....

૧... હું સમસ્ત સમાજ અને અગ્નિ તેમ જ માતા -પિતાની સાક્ષીએ તમને મારા પતિ તરીકે સ્વીકારૂ છું..

૨.... હું હવે તમારા કુટુંબનું અનિવાર્ય અંગ બની આપણા કુટુંબનું પાલન કરીશ...

૩.... હું મારી ફરજને આધીન આપને તથા આપના કુટુંબને સમયસર અન્ન આદિ તૈયાર કરી આપીશ..

૪.... હું સદૈવ મન, કર્મ અને વચનથી પવિત્ર જ રહીશ...

૫....પતિદેવ, હું સદૈવ તમારા જીવનમાં આવનારા સુખ દુઃખની જીવનપર્યંત ભાગીદાર રહીશ. કોઈ પણ સંકટવેળાએ સાથ નહીં છોડું...

૬...આજથી તમારા તમામ ઘરના સદસ્યોને હું મારા બનાવું છું એમની તકલીફોને અપનાવી હું એમાં જોડાઈશ. તમારા માતા-પિતાની સેવા હું દિલથી કરીશ...

૭.... જ્યારે જ્યારે અર્થ, કર્મ અને મોક્ષની ઘડીઓ હશે ત્યારે હું આગળ રહીશ..સંકટ સમયે ઢાલ બનીશ અને ભવોભવ સાથ રહીશ.....

આ સાથે જ બેય એકમેકના બની ગયા અને આખો માહોલ મંગલમય બન્યો. જુવાનસંગ અને કાળુભા એકબીજાને ભેટી પ્રસંગ સલામત રીતે સંપન્ન થયો એવી શુભેચ્છાઓ પાઠવે છે. આ બાજુ ચંદા પણ રૂકમણીબાઈ સામે હાથ જોડી દીકરી પારકી થાપણ બની એવા શબ્દો બોલી રડે છે. પરંતુ, રૂકમણીબાઈ સામા હાથ જોડી ચંદાને સમજાવે છે.

આ બાજુ શ્યામલીનું વીરસંગ સાથેનું જીવન જીવવાનું શમણું સાકાર થયું. ચતુરદાઢી પણ જુવાનસંગને વધામણા આપી પોતાની ફરજ નિભાવે છે. વીરસંગની કાકીઓ પણ સાસુપણું દેખાડવા માટે તૈયાર છે. એ પણ શ્યામલીની સુંદરતાથી ઈર્ષ્યા પામે છે.


--------------- (ક્રમશઃ) -----------------

લેખક : શિતલ માલાણી

૧૦-૧૦-૨૦૨૦

શનિવાર