Amasno andhkar - 20 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 20

વીરસંગ અને શ્યામલી લગ્નના બંધનમાં બંધાઈ અને હવે પોતાના નગર તરફ પ્રસ્થાન કરી ચૂકયા છે. શ્યામલીને ગાડામાંથી એના કાકીશ્રી હાથ દઈ ઉતારે છે.. એ પહેલા શ્યામલી એક બંધ મકાનની બારીમાંથી એક વૃદ્ધને હાથના ઈશારા કરી આશિર્વાદ સાથે વીરસંગને કશુંક કહેવા માંગતો હોય એવું એ જોવે છે. હવે આગળ..

વીરસંગ અને શ્યામલીને વધાવવા અનેક નાની કુંવારિકાઓ મસ્તકે કળશ લઈને પહોંચે છે. શ્યામલી તો આ દ્રશ્ય જોઈ ગદગદ થઈ જાય છે. વીરસંગ પણ એના પિતા સમાન કાકાએ એના લગ્ન પાછળ જે મહેનત અને વડીલપણું
દાખવ્યું છે એનાથી બહુ જ લાગણીશીલ બન્યો છે. પરંતુ, વીરસંગની માતાને કંઈક અઘટિત ઘટના ન ઘટે એવો જ ડર સતાવ્યા કરે છે. પણ એ હ્રદયને સમજાવી બધું ભગવાન ભરોસે છોડે છે.

એક નાની બાલિકા વીરસંગ અને શ્યામલીને કપાળે કુમકુમ તિલક કરી ચોખલીયે વધાવે છે.મોતી અને ફૂલથી આખો રસ્તો શણગારી વરવધૂને ઘર સુધી લઈ જવામાં આવે છે. રૂકમણીબાઈ જુએ છે કે આ બધાની વચ્ચે ક્યાંય જ ચતુર દાઢીનો અતોપતો નથી. એ સાથે એના ચાર ખાસ વિશ્વાસુ માણસો પણ નહોતા દેખાતા. એને વીરસંગને કહેવાની ઈચ્છા થઈ પણ માહોલનો મોભો‌ જોઈ એ ચૂપ જ રહી.

વરવધૂને દેવદર્શન કરાવ્યાં અને બેયને બીજા દિવસે કુળદેવતાના નૈવેદ્ય અને જરૂરી વિધી પતાવ્યા પછી સંસાર માંડવાનો રહેશે એવું જુવાનસંગની પહેલી પત્ની જણાવે છે. નવવધૂને પોતાના હાથે જ કુળદેવીનો શણગાર કરી મંદિરમાં પૂજાપાઠ કરાવ્યા પછી જ એ વીરસંગને સમર્પિત થશે એવું શ્યામલીને સમજાવ્યું. શ્યામલી પણ શરમમાં નીચી નજરે જ હા કહે છે.સાંજે વરવધૂને કંસાર જમાડ્યા પછી બેયને આરામ કરવાની સલાહ અપાઈ.

શ્યામલીએ રૂકમણીબાઈને કહ્યું કે " આજની રાત તમે મારી સાથે સમય પસાર કરો. હું તમને આજે તમારી હવેલીએ નહીં જવા દઉં."

રૂકમણીબાઈ : " પણ, દીકરી હું -

વીરસંગ : " મા, શ્યામલીની વાત માની જાવ. હું કાકા સાથે વાત કરી લઈશ. "

રૂકમણીબાઈ : " દીકરા, બધી વાત સાચી પરંતુ, તારું ધ્યાન રાખજે અને શ્યામલીને સાચવજે." ( મનની આશંકા ગાઢ થતી લાગે છે એના મનમાં.)

વીરસંગ નાહી ધોઈને પોતાના અલગ રૂમમાં જતા પહેલા જુવાનસંગને મળવા પહોંચે છે અને રૂકમણીબાઈ આજની રાત શ્યામલી સાથે વિતાવશે એવી વાત કરે છે. જુવાનસંગ તો વીરસંગને કહે છે કે " હું પણ આજ વાત કહેવાનો હતો.
જ્યાં સુધી આખો પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી એ અહીં જ રહેશે."

હવે શ્યામલી અને રૂક્મણીબાઈ એકલા પડે છે. શ્યામલી એના સાસુને પોતે જોયેલા વૃદ્ધની વાત કરી. ત્યારે રૂકમણીબાઈ જણાવે છે કે એ વૃદ્ધ તો વીરસંગના મામા છે. એ જુવાનસંગની કેદમાં છે એટલે એ લાચાર છે વીરસંગને મળવા માટે.

રૂકમણીબાઈ : શ્યામલી, તું મારા વીરસંગને સાચવજે. એને જે સમયે પ્રેમની જરૂર હતી ત્યારે જ એ મારી પાસે નહોતો. કુદરતની થપાટે અમને મા-દીકરાને ક્યાં પાપે અલગ કર્યા હશે?

શ્યામલી : "મા, આવું ન બોલો. આપણે સદા સાથે જ રહેશું."

રૂકમણીબાઈ : " હું તો એ જ ઈચ્છું છું કે તારી જીંદગીમાં કયારેય કાળી રાત ન આવે. અમાસનો અંધકાર તને કયારેય જોવા ન મળે. તારૂં જીવન પૂનમના ચંદ્રની જેમ અજવાળાથી જ પ્રકાશિત રહે."

શ્યામલી આ સાંભળી એના સાસુને ભેટે છે. આજ રૂકમણીબાઈને હૈયે ટાઢક વળે છે કે મારા દીકરાની ચિંતા મારા મસ્તકેથી ઊતરી.

આ બાજુ શ્યામલીને વીરસંગની યાદ આવે છે. એ આકાશના ચંદ્રને જોઈ મનમાં જ ગણગણે છે કે

શિદને લગાવે તહોમત,
કરી લે ગિરફતાર તારી નજરકેદમાં,
નથી જોતી કોઈ જમાનત,
સમાઈ જાવું તારી પાંપણની કબુલાતમાં..
અનેક મેળમિલાપના શું મતલબ,
દિલ મળ્યાના કાફી છે સબુત,
આજ મળી કે ન પણ મળી,
કયારેય નહિ ભુલો એક મુલાકાતમાં..

આજની એક રાત પછી તો જીંદગીભર સાથે જ છીએ એવું વીરસંગ પણ વિચારે છે..એ પણ શ્યામલીની યાદમાં સૂઈ નથી શકતો. એ તો પરોઢિયાની રાહ જોઈ આંખને મીંચતો જ નથી. એ પણ હ્રદયથી શ્યામલીને યાદ કરતો ગણગણે છે કે

આંખ અને સપનાની વચ્ચે તું જ છે
રાત અને વાતની વચ્ચે તું જ છે
હું હતો જ અધુરો, કમી તારી જ હતી
તું આજ પણ મારી જ છો ને કાલ પણ મારી જ હતી...

આવા યાદોના વમળમાં બેય વલોવાતા વિરહની રાતને જાણે છે અને માણે પણ છે.

------------- (ક્રમશઃ) --------------

લેખક : શિતલ માલાણી

૧૧-૧૦-૨૦૨૦

રવિવાર