Footpath - 11 books and stories free download online pdf in Gujarati

ફૂટપાથ - 11

"પૂર્વી આ દવા લઈ લેજે દુખાવામાં રાહત રહેશે અને તારી જાણ ખાતર હું એ દરેક સ્ત્રી સાથે આજ વહેવાર કરવા જાવ છું અને તેનુ કારણ માત્ર અને માત્ર તારા પ્રત્યે ની મારી લાગણીઓનો ગુંચવાડો છે, ખૂબ પ્રેમ કરું છું તને પણ કદાચ ગુસ્સો પણ એટલોજ છે તારા પ્રત્યે, તું જ્યારે જ્યારે તારા પૈસા મારા કે મારા માબાપુ માટે વાપરે છે ત્યારે ત્યારે મારી અંદરનો પુરુષ છટપટે છે. તને ના પણ નથી પાડી શકતો કારણકે તે પૈસા તુ માબાપુ ની ખુશી અને સુખ સગવડો માટે વાપરે છે અને સ્વીકારી પણ નથી શકતો કેમકે એ મને મારી નિષ્ફળતા લાગે છે, ગામ અને ઓફિસમાં જ્યારે મિત્રો મજાકમાં પણ તારા પૈસે એશોઆરામ કરુ છું એવી મશ્કરી કરે તે સીધી દિલમાં વાગે છે, તે ગામમાં આલિશાન અને એરકન્ડિશન્ડ મકાન બનાવ્યુ ત્યારે મિત્રોએ કરેલ ઠઠ્ઠો હજી પણ કાનમાં ગૂંજી રહ્યો છે. જાણુ છું કે તું માત્ર મારી ખુશી માટે આ બધું કરી રહી હતી પણ મારાથી હવે તારો પૈસો અને તારુ સમર્પણ બંને સહન નથી થતા, સતત એવુ લાગતુ જાણે મારામાં અને પેલા ફૂટપાથ પર રહેતા લોકોમાં કોઈ ફર્ક નથી અને બસ એટલેજ મારો ગુસ્સો વ્યક્ત કરવા ત્રણ મહિના પહેલા, પહેલી વખત કોઈ બીજી સ્ત્રી પાસે ગયો અને મારુ પુરુષાતન સાબિત કરી આવ્યો, તેને મારી,ગાળ આપી અને તેના મોઢા પર પૈસા ફેંકવામાં મને એકજાતનો આનંદ આવ્યો, લાગ્યું જાણે મે તારી સાથે હિસાબ ચૂકતે કર્યો છે, પછીતો જ્યારે જ્યારે તું મારી પાછળ પૈસા વાપરતી હું બહાર ફરી આવતો, તારો પ્રેમ તને કશું પણ કહેવા રોકતો તો મારો અહમ પૂરો કરવા હું બહાર જાનવર બની આવતો, ખૂબ પ્રયત્ન કર્યા મેં મારી જાતને સાચવવાના પણ ના, મારો અહમ કદાચ વધુ મોટો હતો, સ્વીકારુ છુ કે હું ક્યાંક ને ક્યાંક ખોટો છું પણ નથી બદલી શકતો મારી જાતને. વિચાર્યું હતું કે તું લડીશ ઝગડીશ અને હું પણ તને બધા જવાબ આપીશ પણ તારી ખામોશીએ ફરી એકવાર મને હરાવી દીધો. આજનો મારો વ્યવહાર માફીને લાયક નથી જ, તું ઇચ્છે તો છૂટાછેડા આપી શકે છે કે પોલીસ ફરિયાદ પણ કરી શકે છે, મને મારી ભૂલ કે અપરાધ, તું જે નામ આપે તે મંજૂર છે. દસ દિવસ ની રજા ઓફિસમાં મૂકી હું ગામ જઇ રહ્યો છું અને તારો દરેક નિર્ણય મને મંજુર હશે
એજ તારો અને માત્ર તારોજ છતાંય તારો ના થઈ શકેલ સંદિપ "
આંખમાં આંસુ અને દિમાગ માં સુન્નતા સાથે પૂર્વીએ દવા લીધી અને ફરી એકવાર ઉભા થવા પ્રયાસ કર્યો પરંતુ અસહ્ય દુઃખાવો હોવા થી ચક્કર આવતા પાછી પલંગ પર બેસી પડી. રડતા રડતા એણે સપનાને ફોન કરીને ઘરે બોલાવી.અડઘા કલાક પછી સપના પૂર્વીના ઘરે પહોંચી ત્યારે પૂર્વી ની હાલત જોઈને સ્તબ્ધ થઇ ગઇ. સપનાને વળગી ને પૂર્વી મોટેથી રડી રહી અને સપનાની આંખો પણ વરસી રહી. એક ખૂબજ સમજદાર મિત્ર ની જેમ સપનાએ પૂર્વીને રડવા દીધી અને પછી પાણી પીવડાવી ચાનાસ્તો કરાવ્યો. હજી સુધી બંને વચ્ચે એક શબ્દની પણ આપલે નથી થઈ પરંતુ સપના પૂર્વીની મનોદશા સમજી તે સામેથીજ બોલે તેની રાહ જોઇ રહી.
સપનાએ તેના પતિ રાહુલ ને ફોન કરી આજે રાતે તે પૂર્વી ના ઘરે રોકાશે તેમ જણાવ્યું.
સપનાએ રસોઈ બનાવી પૂર્વીને જમાડી અને દુખાવા તથા ઉંઘની દવા આપી અને બંને સૂવા ગયા .
નવો સૂરજ ઊગ્યો અને સવાર પણ નવી, પરંતુ પૂર્વી ઇચ્છી રહી સવાર થાયજ નહીં, પરંતુ આપણે ઇચ્છીએ એવું ક્યાં થાય છે!
સવાર પણ થઈ અને ના ગમતી વાતો નો સામનો કરવાની ક્ષણ પણ આવી ગઈ, દિવસ વીતતો ગયો અને પૂર્વી અને સપના એકબીજા પાસે વાત શરૂ કરવાની આશા રાખી ચૂપચાપ સમય પસાર કરી રહ્યા, આખરે સપનાની ધીરજ ખૂટી, તેણે હાથ પકડી પૂર્વીને સામે બેસાડી પૂછ્યું, "ક્યાં સુધી હકીકત થી ભાગતી રહીશ, સચ્ચાઈ નો સામનો કર પૂર્વી, તારે આજે નહીં તો કાલે પણ નિર્ણય લેવો તો પડશેજ, અને જેટલી જલ્દી નિર્ણય લઈશ તેટલી જલ્દી આધાતમાંથી બહાર અવાશે!
પૂર્વી સપનાને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી, "આવુ પણ બની શકે તે તો મને કલ્પના પણ નહોતી, સંદિપ આ રીતે વિચારશે અને આ રીતે વર્તન કરશે એવું તો હું હજી પણ માની નથી શકતી સપના! અને પૂર્વી રડતા રડતાજ બેહોશ થઇ ગઇ.
બીજા દિવસની સવાર હોસ્પિટલના રૂમમાં ઉગી ,બે દિવસ ની સારવાર અને મનોચિકિત્સક ની મદદથી પૂર્વી હવે સ્વસ્થ થઈ ગઈ અને તેણે સંદિપને મળવા ગામ જવાનો નિર્ણય કર્યો, સપના તેના આ નિર્ણય સાથે સંમત ના થઈ શકી પરંતુ પૂર્વી ફરી એકવાર પોતાના નિર્ણય પર અડગ રહીને બીજી સવારે ગામ જવા રવાના થઇ ગઇ.


શું કરશે પૂર્વી ..... ગામડે સંદિપને મળીને?
જાણીશુ આવતાં પ્રકરણમાં