Adhura premni anokhi dastaan - 24 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 24

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૪


સુજાતાની ઘરે ડિનર પર આવ્યાં પછી આદિત્ય એક અઠવાડિયા સુધી સુજાતાને મળ્યો નહોતો. તે સુજાતાનો ફોન પણ ઉપાડતો નહીં. આખરે સુજાતાને આદિત્યની ચિંતા થવા લાગી. તેણે આશાબેનને ફોન કર્યો.

"હેલ્લો આંટી, આદિત્ય ઘરે છે?"

"નહીં બેટા, તે દિવસે તારાં ઘરેથી ડિનર કરીને આવ્યાં પછી, આદિત્ય કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે. ફોન પણ બંધ આવે છે."

"હું પણ ઘણાં સમયથી તેને ફોન કરું છું. પણ તેનો ફોન બંધ જ આવે છે. તો આજ તમને ફોન કર્યો. મને થયું તમને કોઈ જાણકારી હશે."

"નાં બેટા, મને કશું ખબર નથી. જો ખબર પડશે, તો પહેલાં હું તને જ જાણ કરીશ."

"ઓકે આંટી, થેંક્યું. તમે તમારું ધ્યાન રાખજો."

"હાં બેટા, તું પણ તારું ધ્યાન રાખજે."

સુજાતા આશાબેન સાથે વાત કરીને, મોબાઈલ બેડ પર મૂકીને, વિચાર કરવા લાગી કે, આદિત્ય એ રીતે કોઈને કહ્યાં વગર ક્યાં જતો રહ્યો હશે?

જ્યારથી આદિત્ય ગયો. સુજાતાએ એક પણ ટાઈમ સરખી ઉંઘ નહોતી કરી કે, એક પણ ટાણું સરખું જમી નહોતી. તેની આંખો નીચે કાળાં કુંડાળા પડી ગયાં હતાં. સુજાતા આદિત્ય વિશે વિચારતી હતી. ત્યાં જ માધવભાઈએ સુજાતાના રૂમનો દરવાજો ખખડાવ્યો.

સુજાતા ઉપર એ ખખડાટની પણ કોઈ અસર નાં થઈ. સુજાતાને વિચારમગ્ન જોઈને, માધવભાઈ જાતે જ રૂમમાં પ્રવેશ્યા.

સુજાતાની પાસે બેસીને માધવભાઈએ તેનાં માથાં પર હાથ ફેરવ્યો. માધવભાઈના સ્પર્શથી સુજાતા પોતાનાં વિચારોમાંથી બહાર આવી.

"પપ્પા તમે?"

"હાં બેટા હું. તને તો મારાં આવવાની પણ ખબર નાં રહી."

"સોરી પપ્પા, હું કંઈક વિચારી રહી હતી."

"મને ખબર છે, તું શું વિચારી રહી હતી. બેટા ક્યાં સુધી તું આમ આદિત્ય વિશે વિચારતી રહીશ? મને ખબર છે, એ તારો બહુ સારો મિત્ર હતો. પણ તું ક્યાં સુધી તેની પાછળ આમ ખાધાં પીધાં વગર બેસી રહીશ? તારી હાલત તો જો બેટા."

"પણ પપ્પા, આદિત્ય ક્યાં છે? તેની સાથે શું થયું છે? એ વિશે કોઈ કાંઈ જાણતું નથી. તો મારાં મનને કેવી રીતે શાંતિ થાય?"

"તારી વાત બરાબર છે બેટા. પણ તારાં આવી રીતે બેસી રહેવાથી, એ મળી તો નહીં જાય ને?"

"હાં, તમે સાચું કહ્યું પપ્પા. આવી રીતે બેસી રહેવાથી આદિત્ય મને નહીં મળે. મારે તેને શોધવો પડશે."

"શું પાગલ જેવી વાત કરે છે તું? તું ક્યાં શોધીશ તેને?"

"ગમે ત્યાં, પણ હું તેને શોધીને જ રહીશ."

"જો બેટા, મારી વાત સાંભળ."

"શું?"

"અરવિંદભાઈએ મને કહ્યું હતું કે, રાજુ તને પસંદ કરે છે. તો તું તેની સાથે લગ્ન કરી લેને."

માધવભાઈની વાત સાંભળી, સુજાતાની 'કાપો તો લોહી નાં નીકળે.' એવી હાલત થઈ ગઈ. સુજાતા કોઈ પણ પ્રકારનાં હાવભાવ વગર માધવભાઈ સામે જોઈ રહી.

"જો બેટા, રાજુ સારો છોકરો છે. તને પસંદ પણ કરે છે. સૌથી મોટી વાત તો એ છે કે, તમે બંને સારાં મિત્રો છો."

"પપ્પા સારાં મિત્રો તો હું અને આદિત્ય પણ હતાં. તો હું તેનાં વગર આટલો મોટો ફેંસલો કેવી રીતે કરું? પહેલી વાત તો એ કે, રાજુએ મને ક્યારેય આ વિશે જણાવ્યું પણ નથી."

"તો તું તેને મળીને તેને જ પૂછી લે. મારે ક્યાં આજે જ તારાં લગ્ન કરાવી નાંખવા છે."

માધવભાઈની વાત સુજાતાને યોગ્ય લાગી. આ બાબતે રાજુને મળવું જરૂરી હતું. રાજુએ ક્યારેય સુજાતાને આ વિશે જણાવ્યું નહોતું. પોતે આદિત્યને પ્રેમ કરતી હતી, ને આદિત્ય અચાનક ક્યાંક ચાલ્યો ગયો. એવામાં સુજાતા રાજુ સાથે લગ્ન કરે, એ યોગ્ય નહોતું.

સુજાતા તરત જ ઉભી થઈ, ને રાજુને ફોન કર્યો.

"રાજુ મારે તને મળવું છે. તું અત્યારે જ મને ક્રિસ્ટલ કાફેમાં આવીને મળ‌. બહું જરૂરી કામ છે. જલ્દી આવજે."

"ઓકે."

રાજુનો જવાબ મળતાં જ સુજાતા એક્ટિવા લઈને ક્રિસ્ટલ કાફે તરફ નીકળી પડી. કાફે પર પહોંચીને, એક્ટિવા પાર્ક કરીને, સુજાતા કાફેની અંદર પ્રવેશી. રાજુ તેની પહેલાં જ ત્યાં આવી ગયો હતો. સુજાતા તરત જ રાજુ જ્યાં બેઠો હતો. એ તરફ ચાલવા લાગી. સુજાતા રાજુ પાસે પહોંચી, એટલે રાજુ ઉભો થયો. સુજાતાએ રાજુ સામે જોઈને બેસવા માટે ઈશારો કર્યો‌. રાજુ ફરી બેસી ગયો.

"બોલ શું ઓર્ડર કરું?"

"કાંઈ નહીં. મારે ખાલી એક જરૂરી વાત કરવી છે."

"હાં બોલને, શું વાત છે?"

"તું મને પસંદ કરે છે?"

સુજાતાના એ સવાલથી રાજુના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. રાજુ જે દિવસની રાહ જોઈ રહ્યો હતો. એ દિવસ આવી ગયો હતો. તેમ છતાંય તેની પાસે સુજાતાને કહેવા માટે શબ્દો નહોતાં. રાજુ પરાણે હિંમત કરીને એટલું તો માંડ બોલી શક્યો કે, "તને એવું કોણે કહ્યું?"

"મને મારાં પપ્પાએ કહ્યું. તેમને તારાં પપ્પાએ જણાવ્યું હતું કે, તું મને પસંદ કરે છે."

"હાં, એ વાત સાચી છે. હું તને કહેવાનો જ હતો પણ-"

"પણ શું રાજુ? મેં ક્યારેય આ વિશે વિચાર્યું નથી. તે આટલી મોટી વાત મારાથી છુપાવી?"

"સોરી સુજાતા, હું તને જણાવવાનો જ હતો. બસ એક સારાં સમયની રાહ જોતો હતો."

"બસ, મારે કાંઈ સાંભળવું નથી. મને તારી પાસે આવી ઉમ્મીદ નહોતી."

સુજાતા આટલું જ કહીને, કાફેનો દરવાજો ખોલીને, બહાર નીકળી ગઈ. રાજુ બસ તેને જતાં જોઈ રહ્યો. તેની પાસે સુજાતાને રોકવા એક પણ શબ્દ નહોતો.

સુજાતા કાફેમાંથી નીકળીને સીધી અદિતિ પાસે ગઈ. અદિતિની ઘરે પહોંચી સુજાતા અદિતિને ભેટીને જોરજોરથી રડવા લાગી.

"અરે યાર, તું શાં માટે રડે છે? કાંઈ તો બોલ."

"અદિતિ, રાજુ મને પસંદ કરે છે. મારાં પપ્પા તેની સાથે મારાં લગ્ન કરાવવા માંગે છે. હવે તું જ કહે હું શું કરું? તને તો ખબર છે. હું આદિત્યને પ્રેમ કરું છું."

સુજાતાની વાત સાંભળી અદિતિ કાંઈ બોલી નાં શકી. આદિતિને ચૂપ જોઈને સુજાતા તેની સામે જોવાં લાગી. સુજાતાને એ રીતે જોતાં જોઈને અદિતિ બોલી ઉઠી.

"સોરી યાર, મને આ બાબતે જાણ હતી. પણ હું તને કહી નાં શકી. મને હતું એકવાર તારાં ઘરે તારી અને આદિત્યની વાત ખબર પડી જાશે. તો બધું સરખું થઈ જાશે. પણ એ પહેલાં જ આદિત્ય આ રીતે ચાલ્યો ગયો."

"શું? તને પણ બધી ખબર હતી? માત્ર હું જ હતી કે જેને આ બાબતે કશું ખબર નહોતી." સુજાતા એક ઉંડો નિઃસાસો નાંખીને બોલી રહી.

"તું ચિંતા નાં કર. આદિત્ય આવી જાશે‌. તો બધું સરખું થઈ જાશે."

"પણ ક્યારે? ક્યારે આવશે આદિત્ય? એ તો ક્યાં છે? એ પણ કોઈને નથી ખબર."

"આપણે મળીને તેને ગોતીશું. તું હિંમત નાં હાર. અત્યારે તું તારી ઘરે જા. તારાં પપ્પા પાસે કોલેજ પૂરી થાય. ત્યાં સુધીનો સમય માંગી લે. પછી આપણે કંઈક વિચારીશું."

"ઓકે, પણ હું રાજુ સાથે લગ્ન નહીં જ કરું."

સુજાતા ગુસ્સામાં એટલું બોલીને, અદિતિનાં ઘરનો દરવાજો ખોલીને, પોતાની ઘરે જવા નીકળી ગઈ.

સુજાતા ઘરે પહોંચી, એવાં જ માધવભાઈ તરત તેની પાસે આવ્યાં.

"મળી આવી રાજુને? તો શું નક્કી કર્યું તે?"

"પપ્પા મારે કોલેજ પૂરી થાય. ત્યાં સુધીનો સમય જોઈએ છે. પછી જ હું કોઈ નિર્ણય લઈ શકીશ."

"પણ તું રાજુ સાથે લગ્ન તો કરીશ ને? એટલું તો જણાવી દે."

"એ બધું હું મારી કોલેજ પૂરી થાય પછી જ કહીશ."

"ઓકે, જેવી તારી મરજી."

*****

અરવિંદભાઈ કાર લઈને હોસ્પિટલ જવા નીકળ્યાં. રાજુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અરવિંદભાઈ બની શકે એટલી ઝડપથી કાર લઈને હોસ્પિટલ પહોંચી ગયાં.

રાજુને હોસ્પિલનાં બેડ ઉપર સુવડાવ્યો હતો. તેની સારવાર ચાલું થઈ ગઈ હતી.

એક તરફ કલ્પેશભાઈને કોઈએ છોડાવી લીધાં હતાં. તેમને કોણે છોડાવ્યા? એ હજું ખબર નહોતી પડી. ત્યાં જ રાજુની આવી હાલત જોઈને અરવિંદભાઈ સુજાતાની ઘરે ડિનર પર ગયાં હતાં. એ દિવસ યાદ કરવાં લાગ્યાં.

*****

અરવિંદભાઈ અને માધવભાઈ ઘરની બહાર બેસીને વાતો કરી રહ્યાં હતાં.

"માધવ આપણે બિઝનેસ તો સાથે કરીએ જ છીએ. હવે આપણે બિઝનેસ રિલેશનને પર્સનલ રિલેશન પણ બનાવી દેવા જોઈએ."

"હું તમારો મતલબ સમજ્યો નહીં."

"મારો રાજુ સુજાતાને પસંદ કરે છે. તો સુજાતાને યોગ્ય લાગે તો આપણે બંનેનાં લગ્ન કરાવી દઈએ."

"અરે, એતો સારી વાત છે. સુજાતા ક્યારેય નાં નહીં પાડે. બંને સારાં મિત્રો પણ છે. સુજાતા જરૂર આ સંબંધનો સ્વીકાર કરશે."

માધવભાઈ અરવિંદભાઈની વાતથી ખુશ હતાં. જે જોઈ અરવિંદભાઈ તેમને ભેટી પડ્યાં. અરવિંદભાઈ માધવભાઈને ભેટ્યા, ત્યારે તેણે આદિત્યને તેમની વાત સાંભળતાં જોઈ લીધો. અરવિંદભાઈ માધવભાઈને 'હમણાં આવું.' એમ કહીને આદિત્ય પાસે ગયાં.

"આદિત્ય તે બધું સાંભળી જ લીધું છે. તો મારી બીજી વાત પણ સાંભળી લે. મને ખબર છે. તું અને સુજાતા એકબીજાને પ્રેમ કરો છો. પણ જો તું સુજાતાથી અલગ રહીશ, તો સાજો તો રહીશ. પરંતુ જો રાજુ સુજાતાથી અલગ થઈ ગયો. તો એ પાગલ થઈ જાશે."

"અંકલ, હું તમારી વાત સમજ્યો નહીં."

"રાજુને તે નાનો હતો. ત્યારે તેની મમ્મી મૃત્યુ પામી. એ વખતની બિમારી હજું પણ છે. ડોક્ટરે કહ્યું છે કે, તે જો વધુ વિચારશે કે, તેને ફરી એવો કોઈ માનસિક ઝટકો લાગશે. તો એ પાગલ થઈ જાશે. તો એવામાં જો તેને સુજાતાનો પ્રેમ નહીં મળે, તો એ પાગલ બની જાશે."

"તો તમે કહેવા શું માંગો છો?"

"હું એટલું જ કહેવા માગું છું કે, તું કોઈને જાણ કર્યા વગર સુજાતાથી દૂર ચાલ્યો જા. જો તું તેનાથી દૂર થઈ જાશે. તો એ આપમેળે રાજુ સાથે લગ્ન કરી લેશે."

"સોરી અંકલ, એ શક્ય નથી."

"તો શું રાજુ પાગલ થઈ જાય, એ તને ગમશે?"

"એવું નાં કહો અંકલ."

"તો હું તારી સામે હાથ જોડું છું. તું સુરત છોડીને ચાલ્યો જા.

આદિત્ય ત્યારે તો કાંઈ નાં બોલ્યો. પરંતુ બીજાં દિવસે આદિત્યનાં સુરત છોડી જવાની ખબર અરવિંદભાઈને મળી ગઈ. જે વાતે અરવિંદભાઈ ખૂબ જ ખુશ થયાં હતાં

*****

"તમે હવે રાજુને મળી શકો છો."

ડોક્ટરના અવાજે અરવિંદભાઈને એક અઠવાડિયા પહેલાંની વાતમાંથી ફરી બહાર લાવી દીધાં. અરવિંદભાઈ દરવાજો ખોલીને રાજુ પાસે ગયાં.

"શું થયું હતું તને?"

"પપ્પા, હું સુજાતાને પસંદ કરું છું‌. એ વાતની તેને ખબર પડી ગઈ. તો એ ગુસ્સે થઈને જતી રહી. તેનાં ગયાં પછી મારો ખુદ ઉપર કાબૂ નાં રહ્યો. મેં કાફેની બધી વસ્તુઓ તોડી નાખી. ત્યાંનો એક વેઈટર મને ઓળખતો હતો. તો એ જ મને હોસ્પિટલ લાવ્યો."

"બેટા, તું ચિંતા નાં કર. સુજાતા માની જાશે."

અરવિંદભાઈ રાજુને સાંત્વના આપીને બહાર નીકળી ગયાં. રાજુ માટે આદિત્યને સુરત છોડી જવા મનાવ્યો. તે સુરત છોડી ચાલ્યો પણ ગયો. તેમ છતાં રાજુની હાલત હજું એવી ને એવી જ હતી. જે વાતથી અરવિંદભાઈ ખૂબ જ દુઃખી હતાં.

(ક્રમશઃ)