Laadali books and stories free download online pdf in Gujarati

લાડલી

લાડલી (ડૉ. નિલેષ ઠાકોર)

“પપ્પા, મારી સાથે ફૂલ રેકેટ રમવા બહાર આવશો ?” હાથ માં નાનાં નાનાં ફૂલ રેકેટ પકડી ને ફૂલ જેવા ખીલેલા ચહેરા સાથે 3 વર્ષ ની પરી ઉત્સાહપૂર્વક પોતાના પપ્પા ને આજીજી કરી રહી હતી.

“બેટા, પપ્પા થોડા કામ માં વ્યસ્ત છે, હમણાં કામ પતે એટલે તરત આવું બેટા !” પરી સામે જોયું ના જોયું કિરીટભાઈ પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયાં.

પરી ને ખીલેલો ચહેરો જરા વિલાઈ ગયો, પણ જાણે પરી મોટી થઈ ગઈ હોય એમ મન મનાવી ને એકલી એકલી જ પોતાના પ્રાંગણ માં પોતાના પપ્પાના આવવાની રાહ જોતાં જોતાં રમવા લાગી.

સાંજ હવે ધીમે ધીમે ઢળી રહી હતી, સવારે ચણ માટે નીકળેલાં પક્ષીઓ પણ હવે પોતાના માળામાં પાછા ફરી રહ્યાં હતા, સૂર્ય હવે ક્ષિતિજ પર ધરા પાછળ સંતાઈ જવા અધીરો બન્યો હતો. આકાશ માં તારાઓ ટિમટિમ થતાં ડોકિયાં કરી રહ્યાં હતા, અંધારું હવે પોતાનો વ્યાપ પ્રસારી રહ્યું હતું ને સાથે સાથે પ્રાંગણ એકલી રમી રહેલી પરી ની આંખો માં પણ હવે નિરાશા હવે પોતાનો વ્યાપ વધારી રહી હતી. રાહ જોયાં છતાં પણ પરી ના પપ્પા બહાર એની સાથે રમવા નહોતા આવ્યા. પરી સાથે આવું પહેલી વાર નહોતું બન્યું. કાપડ ની ફેક્ટરી માં મેનેજર તરીકે ની નોકરી કરતાં પરી ના પપ્પા કામ માં એટલા વ્યસ્ત રહેતા કે પોતાની એક ની એક દીકરી માટે પણ પૂરતો સમય નહોતો ફાળવી શકતાં.

થાકેલી હારેલી પરી વહેલા પોતાની પથારી માં પોઢી જતી. મોડી રાતે કામ માં થી નવરાશ પડતાં જ કિરીટભાઇ પોઢેલી પરી ની બાજુ માં આવી ને બેસતાં. પ્રેમ થી પરી ના માથા પર હાથ ફેરવતા અને ગાલ પર એક હળવું પ્રેમભર્યું ચુંબન આપતાં.

“ આજ સવાર થી પરી તમારી ઓફિસ થી આવવાની રાહ જોતી હતી, તમે લાવેલું નવું ફૂલ રેકેટ લઈ ને એકલી એકલી આખો દિવસ રમતાં રમતાં મને કહેતી હતી કે પપ્પા આવશે એટલે હું અને પપ્પા ફૂલ રેકેટ રમીશું, તને નહીં રમાડીએ મમ્મી.” કિરીટભાઈ ના ધર્મપત્ની ગીતાબહેને ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસતાં પીરસતાં કિરીટભાઇ સામે જોયાં વગર વાતો શરૂ કરી.

“હા, ગીતા મારે પણ મારી લાડલી પરી સાથે સમય પસાર કરવો હોય છે, મારે પણ મારી પરી સાથે રમવું હોય છે, આખો દિવસ ઓફિસ માં રહી એ જ પ્રયત્ન કરું છું કે પરી માટે થોડો સમય ચોરી લઉં. પણ શું કરું ગીતા ઓફિસ માં એટલું કામ હોય છે ને કે હમણાં થી ઘરે આવી ને પણ એ જ કામ માં વ્યસ્ત રહેવાય છે. તારા અને પરી માટે બિલકૂલ સમય જ નથી મળતો.” કિરીટભાઇ ના શબ્દો માં ગ્લાનિ વાર્તાઇ રહી હતી.

“હું તો સમજુ છું, પણ તમારી લાડલી ને તમે જ સમજાવજો.” ગીતા બહેને પોઢેલી પરી સામે જોઈ ને કિરીટભાઈ કહ્યું.

“ આ રવિવારે આપણે બધાં કાંકરીયા જઈશું, બસ ! હું મારા સર ને કાલે જ કહી દઇશ.” કિરીટભાઈ ની આંખો માં દીકરી સાથે સમય પસાર ના કરી શકવાનો અફસોસ વર્તાઇ રહ્યો હતો.

નાનકડી પરી ને સવારે જ આ રવિવાર ની ખબર પડતાં જ આતુરતા પૂર્વક રવિવાર આવવાની રાહ જોવા લાગી, પપ્પા સાથે શું શું કરશે એ બધુ એની મમ્મી ને એની કાલી કાલી ભાષા માં કહેવા લાગી.

“મમ્મી, હું આઇસક્રીમ ખાઈશ, મમ્મી હું ચગડોળ માં બેસીશ, ના મમ્મી આપણે બધાં પહેલા માછલીઘર જોવા જઈશું............”

પરી ની વાતો માં ઉત્સાહ નહોતો સમાતો. પપ્પા સાથે સમય પસાર કરવા મળશે એ જ વાત પરી ના ચહેરા પર ખુશી લાવતી હતી.

અને જેવો રવિવાર આવ્યો કે વચન મુજબ પપ્પા સાથે કાંકરીયા માં વિહરી રહી હતી, મન ભરી ને આજે પપ્પા સાથે વાતો કરી, એની રમકડાં થી માંડી ને બધી જ જીદ કિરીટભાઇ એ આજે પૂરી કરી. પરી આજે એના પપ્પા ના ખોળા માંથી ઉતારવા નું નામ પણ નહોતી લેતી અને પરી ના પપ્પા પણ આજે પરી ને જાણે વ્યાજ સાથે પ્રેમ વર્ષાવી રહ્યાં હતા.

આજે પરી ખૂબ જ ખુશ હતી, ઊંઘતા ઊંઘતા પણ પપ્પા એ લઈ આપેલા રમકડાં ને લઈ ને પથારી માં પોઢી ગઈ હતી.

રોંજીદા ક્રમ મુજબ કિરીટભાઇ પોતાની દીકરી ની પથારી નજીક આવી બેસતાં, એને વ્હાલ કરતાં, પોઢેલી પરી ના માથા પર હાથ ફેરવતાં અને એના ગાલ પર એક હળવું ચુંબન આપતાં.

“ જોયું આજે પરી કેટલી ખુશ હતી, પોઢેલી આંખો માં પણ એની ખુશી એની છલકાય છે, તમારો એ રોજ આમ જ સાથ ઝંખે છે, રોજ એને તમારી સાથે રમવું હોય છે, રોજ એ તમારી ઓફિસ થી આવવાની કાગડોળે રાહ જોવે છે, એને ખબર હોય છે કે તમે કામ માં વ્યસ્ત હોવ છો પણ તોય એની આંખો માં આશા છુપાયેલી હોય છે કે આજે તમે એની સાથે રમશો, આપણી આ નાની પારેવડી ક્યારેક પોતાના પિતા નો આ ફૂલ સમો બાગ છોડી ને ઊડી જશે, માટે એને સમય આપો.” જમવાનું પીરસી રહેલા ગીતાબેન ના શબ્દો ભારે થતાં જતાં હતા.

પોતાની ધર્મપત્ની નું આ છેલ્લું વાક્ય કિરીટભાઇ ના હ્રદય સોંસરવું નીકળી ગયું અને ફરી એ પાછા નાની પરી ના ગાલ પર હળવું ચુંબન કરતાં કરતાં ભારે સ્વર સાથે બોલ્યા, “ મારી પારેવડી એક દિવસ એના પિતા નો ફૂલ સમો બાગ છોડી ને ઊડી જાય એ પહેલાં હું એને દુનિયા નું તમામ સુખ આપવા માંગુ છું. એટલે જ તો આટલી મહેનત કરું છું. અને ચોક્કસ હું એની સાથે સમય પસાર કરી ને યાદો બનાવી લઇશ.” કિરીટભાઈ ના સ્વર માં ભીનાશ હતી.

“પપ્પા, મારી સાથે ફૂલ રેકેટ રમવા બહાર આવશો ?” ને ફરી પાછી પરી એના પપ્પા ને આજીજી કરતી ને એના પપ્પા ની વ્યસ્તતા ના લીધે રાહ જોતી રહી જતી.

નાનકડી પરી હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી, પોતાના પપ્પા ના વ્યસ્ત વ્યવસાય ના લીધે પરી એ જાતે જ સ્કૂલ અને ટ્યુશન અને પોતાનો અભ્યાસ ખંત થી સંભાળી લીધો હતો. ભણવામાં તેજસ્વી પરી એ 12 સાઇન્સ માં સારા માર્કસ ના લીધે સુરત મેડિકલ કોલેજ માં એડ્મિશન લઈ લીધું અને હોસ્ટેલ માં રહેવા પણ આવી ગઈ.

જેવી પરી હોસ્ટેલ માં આવી કે બીજા જ વર્ષે કિરીટભાઇ રિટાયર્ડ થયા, હવે કિરીટભાઈ પાસે સમય જ સમય હતો પોતાની લાડલી પરી સાથે સમય વ્યતીત કરવાનો પણ હવે પરી જોડે નહોતી. પરી રજાઓ માં ઘરે આવતી પણ પોતાના અભ્યાસમાં જ મગ્ન રહેતી.

“ હવે પરી આવશે ને તો એને કાંકરીયા લઈ જઈશ, માછલી ઘર પણ જોવા લઈ જઈશ. એની સાથે ધરાઇ ને ફૂલ રેકેટ રમીશ.” જમવાનું પીરસી રહેલા ગીતાબેન સંબોધી ને કિરીટભાઇ એ ઉત્સાહપૂર્વક કહ્યું.

“ શું તમે પણ, હવે પરી નાની નથી.” ગીતાબહેન એ જરા સ્મિત આપ્યું.

“પણ, મારે મારી પરી સાથે રમવું છે, સમય પસાર કરવો છે, એની વાતો સાંભળવી છે.” કિરીટભાઈ ના શબ્દો માં અફસોસ વાર્તાતો હતો.

“ગીતા, વિચારું છું કે મારા મિત્ર ના દીકરા સ્વર સાથે પરી ની સગાઈ કરી લઉં, સ્વર પણ ડોક્ટર છે ને આપણી પરી પણ, ને સ્વર ને પરી નાનપણ એકબીજા ને ઓળખે પણ છે, પરી જો આ જ શહેર માં હશે તો એને ધરાઇ ને મળી શકીશ. પણ એનું ભણવાનું પૂરું થાય કે તરત જ લગ્ન નહીં કરાવું, એક વર્ષ નો સમય માંગીશ, સ્વર બેટા જોડે, જેથી પરી સાથે કેટલીક વાગોળવા જેવી યાદો બની જાય.” કિરીટભાઈ ના હ્રદય માં હર્ષ છવાઈ રહ્યો હતો.

ત્યાં એક દિવસ કિરીટભાઈ ના ઘરે એક પત્ર આવ્યો, પત્ર પરી નો જ હતો એટલે કિરીટભાઇ જરા જલ્દી માં પત્ર વાંચવા લાગ્યા,

પ્રિય પપ્પા,

મજામાં હશો, તમારી તબિયત પણ સારી હશે, પણ પપ્પા હું અહી ખૂબ જ વ્યથિત છું, તમે સ્વર સાથે મારી સગાઈ નું પૂછ્યું ત્યારે મે તમારી ઈચ્છા ને મારી ઈચ્છા ગણી ને સ્વર ને સ્વીકારવા ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ મારૂ દિલ માનતું નથી, હું પપ્પા કોઈ અન્ય ને પ્રેમ કરું છું ને હાલ ના તબક્કે એને મારી તાતી જરૂર છે, હું પપ્પા એની સાથે લગ્ન કરવા જઈ રહી છું, આશીર્વાદ આપશો. હું જાણું છું કે આ મારા આ પગલાં થી તમને ઠેસ પહોંચશે, આપણાં સમાજ માં તરેહ તરેહ ની વાતો પણ થશે, પણ પપ્પા હું પણ મારા પ્રેમ આગળ મજબૂર છું. સમાજ માં તમારી પ્રતિષ્ઠા ખાતર હવે હું ઘરે નહીં આવું, મમ્મી તબિયત સાચવજો.

તમારી લાડલી

પરી

પત્ર વાંચતાં જ કિરીટભાઇ ગુસ્સા સાથે પત્ર ફાડી દીધો.

“ ખબરદાર જો હવે આ ઘર માં હવે કોઈએ પરી નું નામ લીધું તો, હું આ છોકરી નું મોં પણ જોવા નથી માંગતો, એની હિમ્મત તો જો? બસ પત્ર લખી ને વાત પૂરી કરી નાખી, એકવાર પણ લગ્ન કરતાં પહેલા એના બાપ ની ઇજ્જત નો વિચાર સુધ્ધાં ના કર્યો.”

રાતાંચોળ ચહેરે કિરીટભાઇ એ ગુસ્સાથી બેડરૂમ નો દરવાજો પછાડ્યો. ગીતાબહેન ના ચહેરા પણ ગ્લાનિ ની રેખાઓ હતી, કિરીટભાઇ ના ગુસ્સા પાછળનું દુખ પામી ગયા હતા.

*************************************

“તને નથી લાગતું તીર્થ, તારી આ જોડણી માં ભૂલ છે?” એમબીબીએસ ના બાયોકેમિસ્ટ્રિ ની લેબોરેટરી માં એક જ ટેબલ પર રહી પ્રેક્ટિકલ કરતાં કરતાં તિથી એ તીર્થ નું ધ્યાન દોર્યું.

“ મારી જોડણી માં કદાચ ભૂલ હશે, પણ મારી લાગણી માં નહીં તિથી !” તીર્થ એ તિથી ની આંખો માં આંખો પરોવી.

“ તીર્થ, બસ તને કઈ સૂઝતું જ નથી.!” તિથી ની પાંપણો શરમ થી ઝૂકી ગઈ.

“ જયારથી તું આવી છે મારા જીવન માં એવી છવાઈ ગઈ છે કે જાણે અત્તર ની શીશી ખોલતા તેની ખુશ્બુ ચોમેર છવાઈ જાય, આ ફ્લાસ્ક આ કસનળી ને આ બાયોકેમિસ્ટ્રિ ની લેબોરેટરી માં રહેલા તમામ રસાયણો સાક્ષી છે કે હું તને કેટલો પ્રેમ કરું છું.” તીર્થ ની આંખો માં તિથી માટે પ્રેમ નીતરતો હતો.

“બસ હવે તીર્થ, આ ફિલ્મી ડાયલોગ બંધ કર ને પ્રેક્ટિકલ પર ધ્યાન આપ, જો મેમ આવ્યા.” તિથી ના હોઠ સ્મિત થી ખીલી ઉઠ્યા.

ને બાયોકેમિસ્ટ્રિ ની લેબોરેટરી ના એક ખૂણા માં બે હૈયાઓ વચ્ચે પ્રેમ પાંગરી રહ્યો હતો.

“ “ તું “ જાણે છે તિથી, મારા માટે પ્રેમ ની વ્યાખ્યા શું છે ? મારો પહેલો શબ્દ ફરી યાદ કર.” અચાનક લોબી માં ચાલતી તિથી ની નજીક આવી ને તીર્થ એ કાન માં કહ્યું. ને તિથી શરમ થી લાલ લાલ થઈ ગઈ.

તીર્થ અને તિથી એમએમબીએસ ના અભ્યાસ માં પાસ પાસેના રોલ નંબર ના લીધે બધાજ ક્લાસ માં, પ્રકટીકલ માં અને પરીક્ષામાં સાથે સાથે જ હોતાં. બંને સાથે તૈયારી કરતાં, સાથે વાંચતાં. હોતાં ત્યારે જતાં.

તીર્થ તિથી ને હસાવતો, મજાક કરતો સાથે ને સાથે જ રહેતો, તિથી ના બધા જ કામ માં મદદ માટે તત્પર રહેતો. તીર્થ જ્યારે જોડે હોય ત્યારે તિથી તીર્થ ના સાનિધ્ય માં ખોવાઈ જતી. બંને યુવાન હૈયાઓ માં પ્રેમ નું બીજ ક્યારે રોપાયું એ બંને ને જાણ પણ ના થઈ. તીર્થ પોતાની લાગણીઓ તિથી ને વ્યક્ત કરવામાં એક મોકો નહોતો છોડતો તો તિથી એ લાગણી ના પ્રવાહ માં તણાયા વગર નહોતી રહેતી. એક દિવસ પણ જો તીર્થ કોલેજ ના આવે તો તિથી બેબાકળી બની જતી. એક સારા અને સાચા જીવનસાથીના તમામ ગુણ તિથી ને તીર્થ માં દેખાતા.

એમબીબીએસ ની ફાઇનલ પરીક્ષા હતી, સૌ કોઈ તણાવ ગ્રસ્ત હતું. પરીક્ષાખંડ ના એક ખૂણા માં રહેલા તિથી અને તીર્થ પણ ગહન ચર્ચા માં મશગુલ હતાં.

“ જો તિથી આ હાઇપરટેંશન માં જેએનસી 7 મુજબ ક્લાસિફિકેશન માં બ્લડ પ્રેશર 120/80 કરતાં ઓછું હોય તો જ નોર્મલ કહેવાય, અને હા બીજું એ કે આઇ લવ યૂ, વિલ યૂ મેરી મી ?” ચહેરા પર સહેજ આછા સ્મિત સાથે તીર્થ એ તિથી ની આંખો માં આંખો નાખી ને કહ્યું.

“ તીર્થ, તું પણ આ બ્લડ પ્રેશર માં આ ક્યાથી આવ્યું ? છાનો માનો પરીક્ષામાં ધ્યાન આપ.” ઝૂકેલી પાંપણો સાથે તિથી એ પ્રત્યુત્તર આપ્યો.

તીર્થ ના વ્યક્ત થયેલા પ્રેમ નો જવાબ તિથી હમેશા બસ પાંપણો ઝૂકાવી ને આપતી, શબ્દો દ્વારા તિથી એ હજુ પ્રેમ વ્યક્ત નહોતો કર્યો.

“ તીર્થ આજે આપણે ક્યાં જઈએ છીએ ?” જરા ઉચાટ સાથે બાઇક માં તીર્થ ની પાછળ બેસેલી તિથી પૂછ્યું.

“ તિથી તને આજે હું મારા ઘરે લઈ જાઉં છું. મારી મમ્મી સાથે મુલાકાત કરાવવા, મારી મમ્મી ને તને મળવાની બહુ જ ઈચ્છા છે.” તીર્થ ખૂબ જ ખુશ હતો.

“એટલે તે આપણી બધી વાત તારી મમ્મી ને કરી છે ? મમ્મી બધુ જ જાણે છે ?” તિથી ના ચહેરા પર આશ્ચર્ય અને ખુશી બંને ફૂટી નીકળ્યા.

“ હા, ડિયર, મમ્મી ને બધી જ ખબર છે.” તીર્થ એ તિથી ના હાથ પર હાથ મૂકતાં કહ્યું.

તીર્થ ના પપ્પા એક અકસ્માત માં મૃત્યુ પામ્યા હતાં અને ઘર ની તમામ જવાબદારી તીર્થ એ જ ઉપાડી લીધી હતી એ વાત નો તિથી ને ખ્યાલ હતો પણ તીર્થ ની મમ્મી ને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર હતું. તીર્થ પોતાના પપ્પા ની બચત માંથી અને 11-12 સાયન્સ ના બાયોલોજી ના ક્લાસ લઈ ને ઘર ચલાવતો, ઘર નું તમામ કામ કરી ને કોલેજ આવતો, કોલેજ બાદ પોતાની મમ્મી ની કાળજી માં લાગી જતો એ બધી વાતો ની જાણ આજે તિથી થઈ ને તીર્થ પ્રત્યે તિથી નું માન વધી ગયું. તીર્થ એ ક્યારેય પોતાની આ તકલીફો વિષે પોતાને જાણ સુધ્ધાં નહોતી થવા દીધી, એ હમેશા ખુશ રહેતો અને પોતાને ખુશ રાખતો. પ્રેમ ભરી નજરે તિથી તીર્થ ને નીખરી રહી હતી.

“ તિથી તું મમ્મી જોડે બેસ, હું તારા માટે ચા બનાવી લાવું.” વાક્ય પૂરું થયું ના થયું તીર્થ તિથી ને પોતાની મમ્મી જોડે બેસાડી ને રસોડા માં ચાલ્યો ગયો.

માંદગી ના બિછાને રહેલી તીર્થ ની મમ્મી એ તિથી નો હાથ હાથ માં લેતા કહ્યું

“ તીર્થ તારી બહુ વાતો કરે છે, તીર્થ તને બહુ પ્રેમ કરે છે, મારા પછી તીર્થ ને અને મારા આ ઘર ને સાચવી લેજે બેટા.”

“ “મમ્મી,” હું બધુ જ સાચવી લઇશ.” તિથી એ પણ બંને હાથ પોતાના હાથ માં લેતાં કહ્યું.

તારા આ “મમ્મી” શબ્દ એ મને જવાબ આપી દીધો. તિથી અને તીર્થ ની મમ્મી ની આંખો સ્મિત સાથે એક થઈ ગઈ.

“તીર્થ, મને કેમ કશી જાણ ના કરી?” બાઇક પાછળ બેસેલી તિથી એ તીર્થ પર હક જમાવતાં કહ્યું.

“ આજે લઈ ગયો ને મમ્મી ને મળાવવા. હવે તો કોઈ વાત નથી છુપાવી ને?” તીર્થ એ તિથી ના હાથ પર હાથ મૂકતાં કહ્યું.

“ આઈ લવ યૂ તિથી, વિલ યૂ મેરી મી ?” ગર્લ્સ હોસ્ટેલ માં અંદર જઈ રહેલી તિથી ને તીર્થ એ પૂછી લીધું. પ્રત્યુત્તર માં તિથી એ તીર્થ ને ગાલ પર એક ચુંબન આપ્યું ને શરમાઇ ને જતી રહી.

પોતાની મમ્મી ના મૃત્યુ પછી ઉદાસ રહેતાં તીર્થ ને એક હવે તિથી નો જ સહારો હતો, હમેશા ખુશ રહેતા અને તિથી ને પણ ખુશ રાખતા તીર્થ ની આંખો ભીની ભીની રહેતી. તિથી તીર્થ ના પડખે હતી. વાતો કરતાં કરતાં તીર્થ ની આંખો માં ક્યારેક પોતાની મમ્મી ની યાદ ના લીધે અશ્રુ બાઝી જતાં. તિથી થી હવે નહોતું રહેવાતું, તિથી તીર્થ પરત્વે પોતાનો પ્રેમ શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં જાણે ખચકાઈ રહી હતી. છેવટે એ ખચકાટ દૂર કરવાનો રસ્તો તિથી એ શોધી લીધો અને પોતાના પપ્પા ને એક પત્ર લખી દીધો.

પ્રિય પપ્પા,

મજામાં હશો, તમારી તબિયત પણ સારી હશે, પણ પપ્પા હું અહી ખૂબ જ વ્યથિત છું, તમે સ્વર સાથે મારી સગાઈ નું પૂછ્યું ત્યારે મે તમારી ઈચ્છા ને મારી ઈચ્છા ગણી ને સ્વર ને સ્વીકારવા ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ મારૂ દિલ માનતું નથી, હું પપ્પા કોઈ અન્ય ને પ્રેમ કરું છું ને હાલ ના તબક્કે એને મારી તાતી જરૂર છે, હું પપ્પા એની સાથે લગ્ન કરવા જઈ રહી છું, આશીર્વાદ આપશો. હું જાણું છું કે આ મારા આ પગલાં થી તમને ઠેસ પહોંચશે, આપણાં સમાજ માં તરેહ તરેહ ની વાતો પણ થશે, પણ પપ્પા હું પણ મારા પ્રેમ આગળ મજબૂર છું. સમાજ માં તમારી પ્રતિષ્ઠા ખાતર હવે હું ઘરે નહીં આવું, મમ્મી તબિયત સાચવજો.

તમારી લાડલી

પરી (તિથી)

પત્ર પોતાના પપ્પા ને પોસ્ટ કરી તીર્થ ની નજીક આવી ને તીર્થ નો હાથ હાથ માં લેતાં કહ્યું.

“ આઈ લવ યૂ તીર્થ, વિલ યૂ મેરી મી ?”

ને તીર્થ તિથી ને ભેટી પડ્યો ને ભેટતાં જ રડી પડ્યો.

********************************

“ તીર્થ મારી જોડે જ રહેજો, મને બહુ ડર લાગે છે.” સગર્ભાવસ્થા ના આરે રહેલી અને પ્રસૂતિ રૂમ માં પ્રવેશ કરી રહી હતી. તીર્થ નો હાથ પકડેલી તિથી ના સ્વર માં ચિંતા પણ હતી.

“ તિથી, ચિંતા ના કર, ડૉ. અમી શાહ, આપણાં શહેર ના બેસ્ટ ગાયનેક ડોક્ટર છે, ને હું પણ પ્રસૂતિ રૂમ માં આવું જ છું. તારા જોડે જ છું.” તીર્થ તિથી ની હૈયાધારણ બાંધી રહ્યો હતો.

ને તિથી એ એક સુંદર ફૂલ પાંખડી જેવી બેબી ને જન્મ આપ્યો, પ્રસૂતિ રૂમ માંથી બહાર નીકળતા જ તીર્થ એ પોતાની બેબી ને “પિહુ” નામ આપી દીધું. પિહુ ને જન્મતાં જ તીર્થ ખૂબ ખુશ થઈ ગયો, પોતાની છાતી સરસી ચાંપી ને વહાલ કરવા લાગ્યો અને બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે આ મારી ફૂલપાંખડી મારી પારેવડી એક દિવસ એના પપ્પા ને મૂકી ને જતી રહેશે ? વિચાર માત્ર થી તીર્થ ના હ્રદય માં કષ્ટ જનમ્યું.

પિહુ તીર્થ ને બહુ જ વહાલી હતી, જેવો હોસ્પિટલ થી આવે કે તરત તીર્થ પિહુ સાથે સમય પસાર કરવા લાગતો, એને છાતી એ લગાવી ને બહાર જતો, ધાબા પર જતો, એની સાથે સંવાદ સાધતો. જેમ જેમ પિહુ મોટી થઈ રહી હતી તેમ તેમ તીર્થ નો વ્હાલ નો તાંતણો પિહુ જોડે મજબૂત થતો જતો હતો.

એકવાર પિહુ બીમાર પડી તો તીર્થ તો બેબાકળો થઈ ગયો. પોઢેલી પિહુ ની પથરી નજીક બેસી રહેતો અને એના માથા પર હાથ ફેરવતો અને ગાલ પર હળવું ચુંબન આપતો.

હવે તીર્થ ને અહેસાસ થયો કે એક દીકરીનો એના પિતા સાથે કેટલો ગાઢ સંબંધ હોય છે, અને પોતાની તિથી નો ખ્યાલ આવ્યો. તિથી ને પોતાની પિતાની જ્યારે પણ યાદ આવતી ત્યારે ત્યારે તિથી પોતાનું કબાટ ખોલતી અને કબાટ માં વર્ષો થી સાચવેલો પોતાનો પિતા નો રૂમાલ, એમનો ફોટો અને પરીક્ષામાં આપેલા ઘડિયાળ પર હાથ ફેરવતી, જ્યારે તીર્થ બોલાવે એટ્લે ભીની આંખો લૂછી ને તીર્થ સમક્ષ આવી જતી. તિથી ને એમ કે તીર્થ ને આ વાત ની જાણ જ નથી, પણ દિલ થી પ્રેમ કરતો તીર્થ તિથી ની ભીની આંખો ને પારખી લેતો.

“તિથી, જલ્દી તૈયાર થઈ જા, આપણે આજે ક્યાંક જઈ ને આવીએ.પિહુ ને હું તૈયાર કરું છું.”

ને તીર્થ તિથી ને અમદાવાદ માં એના ઘરે લઈ ગયો. જેવો દરવાજો ખૂલ્યો કે તરત જ તિથી ના પપ્પા ના પગ માં નમન કરતાં બહુ જ મૃદુ સ્વરે માફી માંગવા લાગ્યો.

“ માફ કરજો પપ્પા, જો તમને કદાચ મારા અને તિથી ના લગ્ન થી ખોટું લાગ્યું હોય તો, બહુ નાનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા ને મમ્મી ના મૃત્યુ બાદ તિથી એ જ મને સાચવ્યો, મારા માટે દુનિયા માં કોઈ હોય તો એ તિથી હતી, માફ કરજો તમારી તિથી ને હું તમારા થી દૂર લઈ ગયો. એક પિતાનો પોતાની પુત્રી સાથે કેટલો બધો લગાવ હોય એ વાત નો ખ્યાલ જ્યારે હું પિતા બન્યો ત્યારે આવ્યો. પપ્પા હવે તમારી તિથી તમારા થી દૂર નહીં રહે, મે આ જ સોસાયટી માં તમારી પાડોશ નું ઘર ખરીદી લીધું છે અને હું અને તિથી બંને સુરત થી અહી જ રેહવા આવી જઈએ છીએ, હું પપ્પા સુરત માં જોબ કરું એના કરતાં અમદાવાદ જોબ કરું તો તિથી ને એના પપ્પા અને મને પણ મારા મમ્મી પપ્પા પાછાં મળી જાય ને મારી નાની પિહુ ને એના નાના નાની. મને માફ ના કરો તો કઈ નહીં પપ્પા બસ આ મારી પિહુ માટે તો માની જાઓ.”

ને જેવી પિહુ ને તીર્થ એ આગળ ધરી કે કિરીટભાઇ નો ગુસ્સો સાવ બરફ નું પાણી બની જાય એમ પીગળી ગયા. ને પિહુ ને તેડી લીધી, આજે પોતાની પરી જેવી જ દેખાતી પિહુ ને જોઈ ને ભાવવિભોર થઈ ગયા.

***************************

“નાનું, મારી સાથે ફૂલ રેકેટ રમવા બહાર આવશો ?” હાથ માં નાનાં નાનાં ફૂલ રેકેટ પકડી ને ફૂલ જેવા ખીલેલા ચહેરા સાથે 3 વર્ષ ની પિહુ ઉત્સાહપૂર્વક પોતાના નાના ને આજીજી કરી રહી હતી.

“ હા બેટા, ચાલ આવું છું, હવે તારા નાનું પાસે મારી પિહુ માટે સમય જ સમય છે.” કિરીટભાઇ ના મન માં પિહુ ના સ્વરૂપ માં પોતાની પરી પાછી મળ્યા નો ઉત્સાહ સમાતો નહોતો

દૂર થી ગૅલેરી માં આ બધુ જોઈ રહેલી તિથી ના આંખ માં હર્ષાશ્રુ હતું, પાછળ થી તીર્થ હાથ માં કોફી પકડી ને આવી રહ્યો હતો.

“ વિચારું છું તિથી કે ઘર નું રેનોવેશન કરાવી લઉં, આપણાં અને પપ્પા ના ઘર ની વચ્ચે ની દીવાલ ને દૂર કરી દઉં.”

તિથી ભીની આંખે તીર્થ ની છાતી માં માથું ઢાળી ને ભેટી પડી.

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર