Amasno andhkar - 31 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 31

શ્યામલીએ હવે નક્કી કરી જ લીધું છે કે એ જુવાનસંગના જુલ્મો સહન નહીં જ કરે. એ એકલી જ છુટવા નહોતી માંગતી એ દોજખમાંથી. એ બધાને સાથે લઈને ચાલવા માંગતી હતી. હવે આગળ...

નારદના ગયા પછી રળિયાત બાએ શ્યામલીને કહ્યું કે" જો, આ ચતુરદાઢી અને જુવાનસંગનો કાળો કાગડો છે."

શ્યામલી : " કાગડો પણ કયારેક તો મુંઝાતો હશે ને બા ! કાગડાને ખીર - પૂરી, ઉંદરડાનો શિકાર કે ગંદકી પીરસો તો પણ એ હોંશે હોંશે આરોગે."

મમતા : "ભાભી, હું તમને સાથ આપીશ. જીવ ગૂમાવવો પડે તો ભલે, પણ આ કેદ આવનારી પેઢી માટે સપનું જ બની જવી જોઈએ."

બધા હવે શ્યામલીને સાથ આપવા તૈયાર છે. બધાએ નક્કી કર્યું કે હવેલીના મંદિરમાં જ્યારે જ્યારે આરતીનો ઘંટારવ થાય સવાર-સાંજ ત્યારે જ બધાએ તલવારબાજી શીખવી એટલે એ અવાજ ઘંટારવમાં દબાઈ જાય. બુઢ્ઢી સ્ત્રીઓએ આરતી સમયે શંખનાદ, ઢોલક અને ઘંટ વગાડવાની જવાબદારી લીધી. આરતી સમયે નારદ અંદર ન આવતો. કારણ કે એ સમયે પોતે નિરાંતે બહાર ઢોલિયે હુક્કો ગગડાવતો. મંદિરમાં ધરાવાતો મિશ્રીનો પ્રસાદ પણ એ ભાગ્યે જ લેતો. એ પણ માનતો કે વિધવાના હાથે કંઈ જ ન લેવું.

આજ તો દસેક સ્ત્રીઓ શ્યામલીની આગેવાનીમાં વહેલી પરોઢે જ બધું કામ આટોપે છે. આરતી વેળાએ બધી સ્ત્રીઓ હાથમાં તલવાર લઈને સજજ છે. શ્યામલી જેમ શિખવતી એમ જ બધા કરતા. શ્યામલીએ આઠેક દિવસમાં જ બધી સ્ત્રીઓને પાવરધી કરી દીધી. એ તમામ સ્ત્રીઓએ નકામા સિંચણીયા, રેતીના ઢગલા અને કાપડના પૂતળા બનાવી એના પર તલવારના વિંઝતા અને વિંધવાની આવડતને ઓર નિખારી. બધા શ્યામલીની બહાદુરીને વખાણતા.

એક દિવસ રૂકમણીબાઈને શ્યામલી પૂછી જ લે છે " બા, મારા બાપૂનું મોતનું કારણ શું હતું? " હાથમાં લીધેલો અન્નનો કોળિયો અધવચ્ચે જ અટકી ગયો. ત્યારે જાનબાઈ જે રૂકમણીબાઈની સાથે જ પરણીને આવી હતી એ બોલી ઊઠે છે, " દીકરી, એ પણ વીરસંગની જેમ જ-"

રૂકમણીબાઈએ જાનબાઈ સામે જોઈ આંખના ઈશારે આગળ બોલવાની ના પાડી. જાનુબાઈ અટકી ગઈ. શ્યામલીએ આ જોયું પરંતુ, એ કશું ન સમજી શકી. રોજ રાતે શ્યામલી અલગ અલગ રીતે બધાને કટારના કરતબ શિખવતી અને પોતે પણ ચલાવતી. એ યાદ કરે છે એના કિશોરાવસ્થામાં ઘટેલી ઘટનાને..' બા, મારી મા મને ખેતરમાં ભાત લઈને પહોંચવાનું કહી જતી રહી હતી. બપોર વેળાએ એકલી હું જતી હતી. બે કપાતરો મને મારગે કનડગત કરવા લાગ્યા હતા. બાપુએ મને કટારનું જ્ઞાન તો બાળપણમાં જ આપેલું. હું કટાર વગર કોઈ દા'ડો ઘરમાંથી બહાર નીકળી જ નથી. મારી મા પણ મને કહેતી કે જરૂર પડયે શૂરવીરતા બતાવવી જોઈએ.

બધા હવે તનથી અને મનથી નિડર બનતા જતા હતા. એકવાર નારદ અચાનક જ હવેલીમાં પગ મૂકે છે ત્યારે શ્યામલી તો રૂકમણીબાઈના ખોળે સૂતી હોય છે. બધી બુઢ્ઢી સ્ત્રીઓ શ્યામલીને આટલું માન કેમ આપે છે એ વિચાર એને ડંખતો હતો. અચાનક એની નજર હેમીના હાથ પર બાંધેલા કાળા ચિંથડા પર ગઈ. એ નજીક જઈને પૂછે છે કે " આ શું વાગ્યું છે તને ?"

હેમી : "એ તો હું ભગવાનનો ભોગ બનાવતી હતી ત્યારે દાઝી ગઈ છું."

નારદ : " કોઈએ કાંઈ ચાલાકી કરી છે તો જવાનસંગ કોઈનો સગો નથી થવાનો." એમ કહી રૂકમણીબાઈ સામે જોવે છે.

બધા સમજી જાય છે કે નારદને કોઈ વાત પર શંકા ઉપજી લાગે છે. એ જ રાતે એ બધી સ્ત્રીઓએ તલવારને જમીનમાં દાટી દીધી અને કટાર જ પોતાની પાસે રાખી. શ્યામલી તો વિચારમાં પડી કે આનો રસ્તો હવે ભગવાન જ બતાવે તો થાય.

આ બાજુ નારદ શ્યામલીનું બધા સાથેનું સારું વર્તન, એને મળતું માન અને રૂકમણીબાઈ તરફથી મળતા લાડના સમાચાર જમીનદારને પહોંચાડે છે. એ પણ હવે શ્યામલીને પામવા આતુર બને છે. એ ચતુરદાઢીને બોલાવી કંઈક નવી યોજના ઘડવા કહે છે. જેથી શ્યામલીને ફરી નવોઢાના રૂપમાં એ જોવે અને એને જ પરણે.

----------- (ક્રમશઃ) --------------

લેખક : શિતલ માલાણી

૨૫-૧૦-૨૦૨૦