Rajkaran ni Rani - 29 in Gujarati Social Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૨૯

રાજકારણની રાણી - ૨૯

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૯

સુજાતા માટે હવે જતિન મહત્વનો રહ્યો ન હતો. સુજાતા એ વાતમાં નિશ્ચિંત થઇ ગઇ હતી કે જતિન તેનું કંઇ બગાડી શકવાનો નથી. જતિનના બધા હથિયાર બુઠ્ઠા બનાવી દીધા છે. હવે વકીલ દિનકરભાઇ એને ધોળે દિવસે તારા બતાવી દેશે. મારે ચાંદ પર પહોંચવાની તૈયારી કરવાની છે. આ મિશનમાં જનાર્દન, હિમાની અને ટીનાએ શરૂઆતથી જ સારો સાથ આપ્યો છે અને હવે પછી તેમના સહારે જ ચૂંટણીની આ નૈયા પાર કરવાની છે. સુજાતાએ દિનકરભાઇને જતિન સામેનો આખો કેસ સમજાવી દીધો હતો. એ તરફ હવે જોવાની જરૂર ન હતી. એમને જલદી પરિણામ માટે 'સામ દામ દંડ ભેદ' બધું જ અજમાવવા કહી દીધું હતું. એવા લોકો માટે બહુ વિચારવાનું ના હોય. હવે ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનું હતું. સુજાતાએ બધાંને પોતાના ઘરે બોલાવી લીધા.

સુજાતાએ ચૂંટણી પહેલાં લોકો સાથે કેવી રીતે સંપર્ક કરવાનો અને તેમના મનમાં કેવી રીતે વસી જવાનું એ માટેનું આયોજન તૈયાર કરાવ્યું. અત્યારે પોતાને 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) માટે ટિકિટ મળી ચૂકી છે એ વાત જાહેર કરવાની ન હતી. પોતાની એક સેવાભાવી કાર્યકર તરીકેની ઇમેજ બનાવવાની હતી. જતિનનું પ્રકરણ બહાર લાવીને સુજાતાએ મહિલાઓના દિલમાં એક નીડર મહિલા તરીકે સ્થાન ઊભું કરી દીધું હતું. હવે એવા કામ કરવાના હતા જેનાથી યુવાનો અને વૃધ્ધો પણ પોતાની ક્ષમતામાં વિશ્વાસ મૂકતા થાય. સુજાતાએ સૌપ્રથમ દસ દિવસની એક 'બાળજીવન સુવિધા' નામની યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું. સુજાતાએ જનાર્દનને સૂચના આપી કે દસ દિવસ સુધી તાલુકાના દસ ગામોમાં ફરવાનું અને ત્યાંના બાળકો કઇ સુવિધાથી વંચિત છે તેનો સર્વે કરવાનો. કયા બાળકોને કયા પ્રકારની મદદ કરી શકાય એમ છે એની નોંધ કરવાની. સરકારની અનેક યોજનાઓ છે. જેનો બાળકોના વાલીઓ લાભ લેતા નથી અથવા અધિકારીઓની આળસ અને બેદરકારીને કારણે એનો લાભ મેળવી શકાતો નથી. સરકારે પછાત વર્ગના બાળકોના અભ્યાસ માટે યોજનાઓ રાખી છે એની સાથે હવે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસમાં સહાયતાની યોજના કાર્યરત કરી છે. જેની એમને ખાસ જાણ નથી. સુજાતાએ એ વાત પર ખાસ ભાર મૂક્યો કે લોકોને સરકારની યોજનાઓનો લાભ લેતા કરવાના છે. માત્ર એટલું જ નહીં જરૂર લાગે ત્યાં આપણે ખર્ચ કરવાનો છે. આપણે ચૂંટણી પહેલાં લોકોના દિલ જીતવાના છે. અને મતદારો જ્યારે દિલથી મને મત આપશે ત્યારે ચૂંટાઇ આવતાં કોઇ અટકાવી શકશે નહીં. કેટલાક પક્ષના ઉમેદવારો ચૂંટણી પહેલાં પાંચસો- હજાર રૂપિયા વેરીને કે દારૂની બાટલીઓ વહેંચીને એમને ખરીદી લે છે. જો આપણે એમને એ પહેલાં મદદ કરી હશે તો એમનો મત આપણાને તટસ્થ રીતે વિચારીને આપશે.

જનાર્દનને લાગ્યું કે સુજાતાબેન ચૂંટણી જીતવા માટે અલગ જ વિચારી રહ્યા છે. નેતાઓ તો માત્ર વચનો આપતા હોય છે અને ચૂંટાઇ આવ્યા પછી પણ કામ કરતા નથી. બહુ ઓછા નેતાઓ છે જે પોતાના વિસ્તારના લોકોના કામો કરવા માટે તત્પર રહેતા હોય છે. કેટલાક સંસદ સભ્યો તો વર્ષો સુધી પોતાના વિસ્તારમાં ડોકાતા નથી. સંસદસભ્યો કરતાં ધારાસભ્યો વધુ કામ કરે છે. સંસદ સભ્યને આખા જિલ્લ્નો ખ્યાલ રાખવાનો હોય છે. ધારાસભ્યની જવાબદારી તાલુકા પૂરતી જ રહે છે. પરંતુ લોકો સાથેનો તેમનો સંપર્ક સઘન હોવો જોઇએ. અને એ જ કામ કરવાનું સુજાતાબેન કહે છે. આજના સમયમાં રાજકારણમાં રહીને એમના જેવી વિચારધારા ધરાવતા લોકો બહુ ઓછા હશે અથવા હશે જ નહીં. કદાચ ચૂંટણી જીત્યા પછી એ પણ એવા બની જાય તો નવાઇ નહીં લાગે.

જનાર્દનના વિચારોને પામી ગયા હોય એમ સુજાતાબેન આગળ બોલ્યા:"જનાર્દન, આપણે ચૂંટણી જીતવા સુધી જ આ પ્રકારે લોકોની સેવા માટે, એમના પ્રશ્નોના નિરાકરણ માટે ફરવાનું નથી. ચૂંટણી જીત્યા પછી આપણી જવાબદારી અનેકગણી વધી જશે. આપણે 'નેતા' નહીં 'સેવક' બનીને જ રહેવાનું છે. આપણી સાથે જે પણ જોડાવા માગતા હોય એમને આ વાતની સ્પષ્ટતા પહેલાંથી જ કરી લેજો. હા, આપણા માટે પોતાનો સમય અને મહેનત ખર્ચે એમને એનું વળતર મળે એ પણ જોવું પડશે. સેવા માટે રૂપિયાની જરૂર પડતી હોય છે. જેમ ભૂખ્યા ભજન ના થાય એમ પૈસા વગર કામ ના થાય એ હું જાણું છું."

જનાર્દનને થયું કે એના મનમાં ચાલતા વિચારોને સુજાતાબેન પકડી લે છે કે એ વાસ્તવિકતાને સમજે છે? એ એમ કહેવા માગે છે કે તારા જેવા મહેનત કરશે એમને વળતર મળવાનું છે. અત્યાર સુધી તો ચૂંટણીઓ જીતવા માટે ઉમેદવારો અને પક્ષના હોદેદ્દારો ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને અંધારી આલમની મદદ લેતા રહ્યા છે. સુજાતાબેન આવા લોકો પાસેથી કાળા નાણાં લઇને ચૂંટણી લડે એવા નથી. તો પછી એ કોની મદદ લેશે? ચૂંટણી લડવાના પૈસા ક્યાંથી આવશે? અને એમણે તો ચૂંટણીના છ મહિના પહેલાંથી જ તૈયારી શરૂ કરી દીધી છે. એ કારણે ખર્ચ સામાન્ય રીતે ચૂંટણી વખતે થતા ખર્ચથી વધી જશે.

જનાર્દનને વિચારમાં પડી ગયેલો જોઇ સુજાતાબેન પૂછવા લાગ્યા:"જનાર્દન, શું વાત છે? તને કોઇ મૂંઝવણ છે? તારું કોઇ સૂચન હોય તો જણાવજે. હું આ ક્ષેત્રમાં નવી છું અને કંઇક નવું કરવા જઇ રહી છું...."

"તમારી વાત તો બધી સારી છે..." બોલી સહેજ અચકાતાં જનાર્દને મનની મૂંઝવણને વાચા આપી જ દીધી:"...મારું પૂછવાનું એ હતું કે આ બધું પાર કેવી રીતે પાડીશું? પહેલાં આપણે ખર્ચનો અંદાજ માંડી દઇએ અને એ ક્યાંથી આવી શકે એમ છે એ જોઇ લઇએ તો કેવું રહેશે?"

જનાર્દનની વાત સાંભળી સુજાતાબેન હસી પડયા. પછી બોલ્યા:"જનાર્દન, તારી ચિંતા સાચી છે." પછી હિમાની તરફ ફરીને બોલ્યા:"હિમાની, તારા કરતાં જનાર્દનને ઘર ખર્ચની ચિંતા વધારે રહેતી હશે નહીં?"

હિમાની તરત જ બોલી:"હા બેન, મહિનાની આખર તારીખે જ એ આવતા મહિનાનો કેટલો ખર્ચ થશે અને એની સામે આવક કેટલી થશે એની ગણતરી કરી દે છે. જો આવક વધારે થવાની હોય તો અગાઉ બાકી રહેલાં કામોનો ખર્ચ એમાં ઉમેરી દે છે. અને આવક ઓછી થશે એમ લાગે તો કેટલાક જરૂરી ખર્ચમાં પણ કાપ મૂકાવે છે..."

"વાહ જનાર્દન! તું હિસાબમાં બહુ ચોક્કસ છે. મારે હિસાબનીસ રાખવાની જરૂર નથી..." સુજાતાબેનના વખાણથી જનાર્દન પોરસાયો.

"બેન, રાજકારણ સાથે ધંધા ઉપર પણ ધ્યાન આપવું પડે છે. કોઇ વખત ધંધો નરમ તો કોઇ વખત ગરમ રહે છે. એટલે સમજી-વિચારીને ખર્ચ કરવો પડે છે. આ રાજકારણમાં તો તમારે ખર્ચ જ વધારે થવાનો છે. આવક વિશે ચિંતા કરવી પડે એમ છે. ચૂંટણીનું બજેટ મોટું બનવાનું છે. એ ક્યાંથી આવશે...?" જનાર્દને પોતાના મનમાં ઊભો થયેલો સવાલ સીધો જ પૂછી જ લીધો. તે જાણતો હતો કે સુજાતાબેન પાસે આવકનું કોઇ સાધન નથી અને અગાઉની કોઇ કમાણી નથી કે ખર્ચ કરી શકાય.

"જનાર્દન, તારો સવાલ સમયસરનો છે. આપણે ચૂંટણી લડવા માટે પૈસાની વ્યવસ્થા તો કરવી પડશે. એ પૈસા આવશે જતિન પાસેથી..."

જતિનનું નામ સાંભળી જનાર્દનની સાથે હિમાની પણ ચોંકી ગઇ.

વધુ ત્રીસમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' અને 'ઘર માટે ઘરેલૂ ઉપાય', 'રસોઇની રાણી', 'ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા' વગેરે પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના શોખીનોને 'આત્માનો પુનર્જન્મ', 'આત્માની અંતિમ ઇચ્છા' અને 'પતિ પત્ની અને પ્રેત' જરૂર પસંદ આવશે.

***

Rate & Review

Usha Patel

Usha Patel 1 month ago

Dilip Thakker

Dilip Thakker 10 months ago

Pradyumn

Pradyumn 10 months ago

Rajni Dhami

Rajni Dhami 10 months ago

Bhumi Patel

Bhumi Patel 11 months ago