Personal Diary - Don't be late. books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - દેર ના હો જાયે કહીં..

અંગત ડાયરી
============
શીર્ષક : દેર ના હો જાયે કહીં...
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૨૭, ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર
કેવું વિચિત્ર કહેવાય નહીં? આપણા જીવનના બે મહત્વના પરફોર્મન્સ વિષે આપણને નહીં, બીજાને જાણ કરવામાં આવે છે. એક, આપણે જન્મીએ, ખુલ્લા આકાશમાં પ્રથમ શ્વાસ લઈએ, એ એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ બદલ આપણી બદલે ડોક્ટર આપણા મમ્મી પપ્પાને કોન્ગ્રેચ્યુલેશન્સ આપે. બીજું, જયારે આપણે જિંદગીનો અંતિમ શ્વાસ લઈએ, બધું જ છોડીને જતા રહીએ ત્યારે, આશ્વાસન આપણને આપવાની બદલે આપણા સ્વજનોને આપવામાં આવે. આ બંને પ્રસંગે આપણે જીવને દાવ પર લગાડ્યો હોય છે એનો અહેસાસ શું જગતને નહીં હોય? તમે શું માનો છો? નહીં હોય?

યુવાન અવસ્થામાં આપણને ઉઠમણાંમાં જવાની મજા ન આવે. મેં મારા દાદાજીને આ વાત કહી ત્યારે દાદાજીએ સમજાવેલું ‘ઉઠમણાંમાં જવાની મજા તો વૃધ્ધોને પણ ન જ આવતી હોય, ઉઠમણું એ કંઈ મજા કરવાનો પ્રસંગ છે? જે પરિવારનું વ્યક્તિ મૃત્યુ પામ્યું છે એ પરિવાર પર જે આભ તૂટી પડ્યું છે, આપણે એ સમયે એની પડખે ઉભા રહી, એમનું દુઃખ હળવું કરવા જઈએ છીએ.’ દાદાજીની વાત સાવ સાચી હતી. પણ મને થયું આભ કોના પર તૂટી પડ્યું? પરિવાર પર કે જે જગત છોડીને ગયો એ જીવાત્મા પર...? ‘હિમ્મત રાખજો’ એ શબ્દોની જરૂર, પરિવારને છે કે પેલા જીવાત્માને?

જન્મતા બાળકને ‘શાબાશી’ આપવાની કોઈ પ્રથા આપણે ત્યાં નથી, નહીં?

મારા શ્રીમતીજીએ સીધોને સટ ઉતર આપ્યો: ‘એ બંને સમયે આપણને ક્યાં હોશ હોય છે અભિનંદન કે આશ્વાસન જીલવાના?’ એમનીયે વાત સાચી હતી. મૃત્યુ પછી ક્યાં કોઈને પોતાના પરફોર્મન્સ વિષે કમેન્ટ સંભાળવાના હોશ હોય છે. તમે કોઈ નાટકમાં પરફોર્મ કરો કે ફેસબુક પર કાવ્ય મૂકો કે વર્ગખંડમાં વકતૃત્વ આપો એ પછી ઓડિયન્સના ઓપિનીયન કે પરિણામ સાંભળવાની ઉત્સુકતાની પરાકષ્ઠા તમે અનુભવી હશે. શું જીવનના પરફોર્મન્સ અંગે આવી ઉત્સુકતા આપણને નહીં હોય? આપણે છેલ્લો શ્વાસ છોડી દઈએ, એ પછી બેક દિવસમાં ગોઠવાતા ઉઠમણાંમાં આપણા વિષે બોલાતા વાક્યો માટે લગભગ આખી જિંદગી આપણે તરસતા રહી ગયા હોઈએ છીએ. ‘માણસ બહુ સારા, કોઈ દી' એના મોંએ નબળી વાત નથી સાંભળી, હંમેશા જ્ઞાતિ કે સમાજને માટે ઘસાયા, નોકરી બહુ ઈમાનદારીથી કરી, સાહિત્યમાં કે પાર્ટી પક્ષમાં એમની ખોટ કોઈ નહીં પૂરી શકે, બ્લડ ડોનેશનની કે પૈસાના ડોનેશનની જરૂર હોય, આ માણસ અર્ધી રાત્રે ખડે પગે હાજર રહે, એના જેવો માણસ ન થાય, જિંદગી જીવતા એની પાસે શીખવું પડે, બહુ જોલી માણસ, જિન્દાદિલ માણસ.’ કેટકેટલા વાક્યો આપણે અંતિમયાત્રામાં અને ઉઠમણાંમાં સાંભળીયે છીએ.. કદાચ આ જ વાક્યો એના મૃત્યુના પાંચ દિવસ કે પંદર દિવસ પહેલા એની સમક્ષ બોલાયા હોય તો એ બે પાંચ વર્ષ વધુ જીવી જાત.

પણ ના... માણસના જીવનના પરફોર્મન્સનું પરિણામ એના ખુદના માટે સસ્પેન્સ જ રહે છે.
જીવતે જીવત તો એણે જજૂમવાનું જ રહે છે. કૃષ્ણ પણ જજૂમ્યા, રામ પણ જજૂમ્યા.
કોઈએ કૃષ્ણને, એ જીવતા હતા ત્યારે કહ્યું હોય કે ‘તારું ગીતા જ્ઞાન બહુ મહાન છે કે યુ આર ધી ગ્રેટેસ્ટ મ્યુઝીશીયન કે તારી અંદર પરમાત્મા પૂર્ણ પણે ખીલ્યા છે.’ એવું મેં વાંચ્યું કે સાંભળ્યું નથી.

અમારી કોલેજમાં અમે એક ગેમ રમતા. વર્ગખંડના દરેક વિદ્યાર્થી વિષે એના જ વર્ગના દરેક વિદ્યાર્થીએ એક એક પોઝીટીવ સદગુણ લખવાનો. રમતના અંતે, વર્ગમાં જો ત્રીસ વિદ્યાર્થી હોય તો દરેક વિષે ત્રીસ ત્રીસ વાક્યો ફૂલ સ્કેપ કાગળ પર લખાય. છેલ્લે શિક્ષક દરેક કાગળ ભેગા કરી, જાહેરમાં એ વાંચી સંભળાવે. જેના વિષે લખાયું હોય એ જયારે આ બધું સાંભળે ત્યારે એની ભીતરે એક આત્મવિશ્વાસ પ્રગટે, મારી વિષે મારી આસપાસના લોકો પોઝીટીવ વિચારે છે એવો ભાવ એની અંદર પ્રગટે. આવો ફૂલસ્કેપ કાગળ જો ઘરે ફ્રેમમાં મઢાવીને રાખ્યો હોય તો આખી જિંદગી એમાંથી માણસને પોઝીટીવ એનર્જી મળ્યા કરે. ઓક્સિજન માટે દર વખતે બાટલાની જરૂર નથી હોતી ક્યારેક કોઈના શબ્દો પણ ઓક્સિજન પૂરો પાડતા હોય છે.

મિત્રો, થોડી હિમ્મત કરી, કોઈ અંગત માટે તમને ભીતરે અહોભાવ હોય, થેંક્યું કહેવાની ઈચ્છા હોય તો અત્યારે જ ફોન કરીએ તો કેવું? અને હા, તમે એનો આભાર માનતા પાંચેક વાક્યો બોલો અને બદલામાં સામેથી એ તમારા વિષે દશેક પોઝીટીવ વાક્યો બોલે તો મને કહેતા નહીં!
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)