Priya's Bravery books and stories free download online pdf in Gujarati

પ્રિયાનું પરાક્રમ

દરિયામાં માછીમારી કરતાં પરિવારમાં પ્રિયાનો જન્મ થયો હતો. તેના દાદી તેને રોજ રાત્રે પરીઓની વાર્તા સંભળાવતાં હતાં. આ બધી વાર્તાઓ દ્વારા સમજાવતાં કે હંમેશા સત્ય, ધર્મ અને સારા લોકોનો જ વિજય થાય છે અને અસત્ય, અધર્મ અને ખરાબ લોકોનો હંમેશા પરાજય થાય છે. પ્રિયા તેના દાદીને પૂછતી કે, ' દાદી, શું આ પરીઓ સાચે જ હોય છે? ' દાદી કહેતાં કે, ' હા, બેટા સાચે જ હોય છે અને એક પરી તો આપણા ઘરમાં પણ છે. દાદીની વાત સાંભળી આશ્ચર્ય પામેલી પ્રિયા પૂછતી કે એ કોણ? તો દાદી કહેતાં કે, ' તું કોઈ પરીથી ઓછી થોડી છે? તું પણ મારી પરી જ છે ને...' અને દાદી અને પ્રિયા આ વાત પર ખુબ હસતાં...

એક દિવસ દરિયા કિનારે રમતાં રમતાં પ્રિયાને દૂર રેતીમાં એક ચમકતી વસ્તુ દેખાય છે. પ્રિયા નજીક જઈને જુએ છે તો એ ચળકાટ એક છીપલાંમાંથી આવી રહ્યો હોય છે. પ્રિયાએ છીપલાંને રમવાં માટે જેવું આકાશમાં ઉછાળે છે કે તરત જ એમાંથી પ્રકાશ વધુને વધુ ફેલાઈને બહાર આવી જાય છે અને એક છોકરી દેખાય છે. બે પાંખો અને હાથમાં છડી ધારણ કરેલી એ છોકરી અત્યંત સુંદર હોય છે. તેનો દેખાવ દાદીએ પરીઓની વાર્તામાં વર્ણવેલ પરી જેવો જ હોય છે. પ્રિયા માટે આ એક સ્વપ્ન જેવું હોય છે. પ્રિયા એને પૂછે છે કે તમે કોણ છો? તો એ કહે છે કે, હું જલપરી છું. ' જલપરી? ' પ્રિયા આશ્ચર્યચકીત થઈને સવાલ પૂછે છે. તમે અહી શું કરો છો? આવું શક્ય જ નથી. પરીઓ તો માત્ર વાર્તામાં જ હોય. હકીકતમાં થોડી હોય!

જલપરી તેને સમજાવે છે કે પરીઓ પણ હોય છે. જેમ તું અહીં માનવલોકમાં છે, જેમ પાતાળલોક, સ્વર્ગલોક ,નર્કલોક વગેરે હોય છે તેમ આમારે પણ સતલોક હોય છે..અમે પરીઓ સતલોકની રખેવાળ છીએ..અમારા સતલોક પર કેટલાય સમયથી અસતલોકના રાક્ષસોનું આક્રમણ થાય છે. અમે તેમના આક્રમણ સામે સતલોકનું રક્ષણ કરીએ છીએ. તેમના જ એક અક્રમણમાં એ રાક્ષસે મને આ છીપલાંમાં કેદ કરીને અહીં સતલોકથી દુર માનવલોકનાં દરિયામાં ફેંકી દીધી હતી..આ છીપલમાં હું તણાતી તણાતી છેક અહી દરિયા કિનારે પહોંચી. હું જાતે આ કેદમાંથી છૂટી શકું તેમ ન હતી. પણ તે તારી રમત રમતમાં આ છીપલાંને ઘણી વખત હાથમાં ઘસીને અને આકાશમાં ઉછાળીને મને આ કેદમાંથી દૂર કરી છે. હું તારા પર ખુબ જ ખુશ છું. બોલ હું તારી શી મદદ કરું?

પ્રિયાનું મોં તો ખુલ્લું જ રહી ગયું. તેને તો વિશ્વાસ જ ન ' તો થતો કે જે પરીઓની વાર્તા તે પોતાની દાદી પાસે સંભાળે છે તે સાચે જ આજે તેની સામે છે. તેના આનંદનો પાર ન રહ્યો. તે જલપરીની નજીક જઈને તેનો સ્પર્શ કરવા લાગી અને જલપરીને કહ્યું, ' મારા દાદી પાસે મે તમારા લોક વિશે ઘણું સાંભળ્યું છે. મને એક વાર તમારી દુનિયા સતલોક જોવી છે. મને તમારા સતલોકમાં ફરવા લઈ જાઓ ને પ્લીઝ? જલપરી કહ્યું, ' બસ, આટલી જ વાત. તો ચાલ આજે તને સતલોકમાં ફરવા લઈ જાઉં પણ એક શરત છે. તારે કોઈને પણ આ વાત જણાવવાની નહિ. બોલ મંજૂર? પ્રિયા એ ' હા ' માં માથું હલાવ્યું. જલપરીએ પ્રિયાનો હાથ પકડ્યો અને આકાશમાં ઉડવા લાગી. જોતજોતામાં તો પ્રિયાની આંખો મીંચાઈ ગઈ અને જ્યારે ખુલી તો તે સતલોકમાં હતી. જલપરીએ તેનો હાથ પકડી રાખ્યો હતો. તેના માટે આ સ્વર્ગની શેરીએ ફરવા જેવું હતું. ત્યાંની હવામાં એક મધુર સુગંધ ભલભલાનું મન મોહી લે તેવી હતી. ચોતરફ સફેદ વાદળોની વચ્ચે પરીઓ ઊડી રહી હતી. બધાંના ઘર ત્યાં સોના, ચાંદી, હીરા અને માણેકથી ભરપૂર હતા. બધા લોકો અહીં ખુબ જ ખુશ હતા.

થોડી વાર પછી જલપરી સીધી સતલોકની મુખ્ય પરી એવી રાણીપરીના દરબારમાં પહોંચી. ત્યાં બધા જલપરીને હેમખેમ પાછી આવેલી જોઈને ખુબ જ ખુશ થયા. બધાના ચહેરા પર એક ગજબનું સ્મિત દેખાતું હતું. જલપરીને જોઇને જ રાણીપરી ઊભા થઈ ગયાં અને જલપરીને ગળે લગાવી દીધી. ત્યાં રાણીપરી એ પૂછતાં જ જલપરીએ સઘળી હકીકત બધા આગળ છતી કરી કે, કેવી રીતે યુદ્ધ સમયે અસતલોકના રાક્ષસે તેની પર જાદુ કરીને તેને કેદ કરીને માનવલોકમાં ફેંકી દીધી હતી અને ત્યાં આ પ્રિયાએ તેને આઝાદ કરી. સતલોકમાં બધા પ્રિયાના આ કાર્યંથી ખુબ જ ખુશ થયા. બધી પરીઓએ તેને પોતાનો પરિચય આપ્યો. અહીં દરેક પરીમાં એક ખાસિયત હતી. દરેક પરી પોતાના નામ પ્રમાણે અદભૂત શક્તિઓ ધરાવતી હતી. જેમકે, જલપરી પાસે જલશક્તિ હતી. આગપરી પાસે સળગાવીને ભસ્મ કરી નાખે એવી ભીષણ શક્તિ હતી. નભપરી પાસે ઊંચે ઊંચે ઉડવાની અને આકાશની જેમ વિશાળ કદ ધારણ કરી ખુબ જ શક્તિશાળી બનવાની શક્તિ હતી. વાયુપરી પાસે તોફાન, વંટોળ પેદા કરવાની, ગમે તેવી ભારે ભરખમ વસ્તુને પણ ઉડાડી મૂકવાની શક્તિ હતી. ધરતીપરી પાસે કોઈને પણ પોતાની તરફ ખેંચીને તેનો સંહાર કરવાની શક્તિ ઉપરાંત ગમે તેટલો પ્રહાર થાય તો પણ જરૂર પડ્યે સતલોકના કવચ બનીને રાક્ષસોના પ્રહાર સહન કરવાની શક્તિ હતી. રાણીપરી પાસે આ બધી રાણીઓની શક્તિઓ ઉપરાંત બીજી પણ અનેક શક્તિઓ હતી.

પ્રિયાએ તેમની આટલી બધી શક્તિઓ જાણીને પૂછ્યું કે તેઓ આટલા બધા શક્તિશાળી છે તો પછી પેલા રાક્ષસને મારી કેમ નથી નાખતાં? તે રાક્ષસ કેમ તમારા લોક પર વારંવાર હુમલાઓ કર્યા કરે છે. રાણીપરી એ આ સાંભળી કહ્યું કે, ' પ્રિયા, અમારી પાસે ખુબ જ શક્તિઓ છે છતાં પણ અમે તેને મારી નથી શકતાં, કારણ કે, તેને એક વરદાન મળ્યું છે. તેની પાસે એક જાદૂઈ હાર છે. જ્યાં સુધી એ જાદૂઈ હાર તેના ગાળામાં છે ત્યાં સુધી અમારામાંથી કોઈ પણ પરીની શક્તિઓ તેની પર કામ નથી કરી શકતી. અમે એટલે જ તેની સામે નિઃસહાય થઈ જઈએ છીએ. જો એ હાર તેના ગળામાંથી હટી જાય તો અમે તરત જ એ રાક્ષસનો ખાત્મો બોલાવી દઈએ.' પ્રિયા એ આ સાંભળી પૂછ્યું કે, ' પણ આ રાક્ષસ તમારા પર હુમલાઓ કેમ કરે છે. એ શાંતિથી પોતાના લોકમાં કેમ નથી રહેતો?' રાણીપરીએ કહ્યું કે, ' એને અમારા સતલોકની જાદૂઈ મણી જોઈએ છે. એ જાદૂઈ મણીની મદદથી એ અમને બધાને ગુલામ બનાવવા માંગે છે. અમારા ગુલામ બનતાં જ એના હાથમાં સતલોકની સત્તા આવી જશે. સતલોક પર અસતલોકનું રાજ હશે. તે ખુબ જ શક્તિશાળી બની જશે અને પછી ધીરે ધીરે એ બધા લોકો પર પોતાનું આધિપત્ય જમાવી બેસશે અને ચારેતરફ અસતલોકના રાક્ષસોનું રાજ હશે. તેઓ બ્રહ્માંડમાં બધે જ પાપ ફેલાવશે અને અત્યાચાર કરશે. ' અમારા માનવ લોકમાં પણ? ' પ્રિયા એ ડરતાં ડરતાં પૂછ્યું. રાણીપરીએ કહ્યું, ' હા '. મારા દાદી કહેતાં કે, ખરાબ લોકોની હંમેશા હાર અને સારા લોકોની હંમેશા વિજય થાય છે. આ સાંભળી રાણી રીએ કહ્યું કે, ' હા, અમે એ રાક્ષસને મારવા માટે અમારા આખા સતલોકની શક્તિઓને એક જ જગ્યાએ એકત્રિત કરીને એક જાદૂઈ ખંજર બનાવ્યું છે. એ ખંજર એ રાક્ષસના જાદૂઈ હારને પોતાના એક જ પ્રહારથી કાપવા માટે સક્ષમ છે. પરંતુ તેને મળેલા વરદાનના કારણે અમે તેની નજીક જ જઈ નથી શકતાં. જો અમે એમ કરીએ તો અમે જાતે જ ભસ્મ થઈ જઈએ...પ્રિયાએ કહ્યું કે, ' તમે નથી જઈ શકતાં પણ હું તો જઈ શકું છું ને, તમે મને એ ખંજર તો બતાવો.' રાણીપરીએ કહ્યું કે, ' ના, એ ખંજર ખુબ જ મહત્વનું છે. જો કોઈ ભૂલ થાય તો એ ખંજર નષ્ટ પામે. અમે એક બાળકીનાં હાથમાં તે ના આપી શકીએ.'

આ વાત ચાલુ હતી ત્યાં જ સતલોકના સફેદ આકાશમાં સફેદ વાદળોની જગ્યાએ કાળાં વાદળો છવાવવાં માંડ્યા. ત્યાંની ધરા ડોલવા માંડી. સંકેત સાફ હતો કે આજે ફરીથી પેલો રાક્ષસ પોતાની સેના લઈને ફરીથી યુદ્ધ માટે આવી પહોંચ્યો છે. આ જોઈને બધી પરીઓ ગભરાઈ ગઈ. એક પહેરેદાર પરીએ આવીને કહ્યું કે, ' પેલો રાક્ષસ બધી તૈયારી સાથે સતલોક જીતવાના ઇરાદાથી જ અહી આવ્યો છે. ' રાણીપરી એ તરત જ ધરતીપર ને આદેશ કર્યો કે તમે પ્રિયાની રક્ષા કરજો. એ સતલોકની મહેમાન છે. આજે હું સ્વયં આ રાક્ષસ જો સામનો કરીશ..આજે આપણે બધા પોતાની બધી શક્તિઓ દાવ પર લગાવીને પણ આ રાક્ષસ સામે સતલોકની રક્ષા કરીશું.

રાણીપરીએ યુદ્ધની ઘોષણા કરી દીધી. જોતજોતાંમાં તો સફેદ પાંખો વાળા ઘોડાઓ પર પરીઓ સવાર થઈ ગઈ. પરીઓની સેના પણ કાંઈ ઓછી ન હતી. ધરતીપરી પ્રિયાને એ રીતે સંતાડી દે છે કે કોઈ તેને જોઈ ના શકે, પણ પ્રિયા બધું જોઈ શકે છે. તેની નજર સામે યુદ્ધ જામેલું હતું. એક વિશાળકાય અને એક શિંગડા વાળો, ગેંડાના જેવા મુખ વાળો અને જોતાં જ ડર લાગે અને ભલભલાનાં હાંજા ગગળી જાય એવો ભયંકર રાક્ષસ મેદાનમાં આવી ગયો. તેના ગાળામાં એક ચમત્કારિક હાર શોભતો હતો. તેને પૂરી તાકાતથી સતલોકમાં પોતાનો કહેર વરસાવવાનું ચાલુ કરી દીધું. બંને સેનાઓ પૂરા જોશથી એક બીજા પર જાદૂઈ હથિયારો ફેંકી રહી હતી. નભપરી રાક્ષસ જેટલી જ વિશાળ બનીને અસતલોકની સેનાનો આત્મવિશ્વાસ તોડી રહી હતી અને બધાને ડરાવી રહી હતી. ધરતીપરી દુશ્મનના પ્રહાર પોતે સહન કરીને સતલોકના લોકોની રક્ષા કરી રહી હતી. આગપરી અસતલોકની સેનાને પોતાની ભીષણ આગથી જ પળવારમાં ભસ્મ કરી રહી હતી. વાયુપરી પોતાના વંટોળ અને ચક્રવાત દ્વારા જ વિશાળ સેનાના સમૂહને સતલોકની હદથી બહાર ફેંકી રહી હતી. જલપરી વિશાળ ત્સુનામીનું સર્જન કરી અસત લોકની સેનાને ડુબાડી ડુબાડીને મારી રહી હતી. જલપરીની ત્સુનામીમાં અનેક જળચર જીવો જેવા કે, વ્હેલ અને શાર્ક માછલીઓ તથા વિશાળકાય મગરો જેવા અનેક જીવો અસતલોકની સેના પર તૂટી પડ્યાં હતાં. અસતલોકની સેનામાં બસ એક જ શક્તિ હતી જેને હરાવી મુશ્કેલ હતી અને તે હતી પેલા રાક્ષસની શક્તિ...એક તો તેની પર બધી જ શક્તિઓ વિફળ જતી હતી અને તેનો સામનો કોઈ કરી શકે તેમ ન હતું. રાણીપરી ઉડતા ઘોડા પર બેસીને પોતાની બધી શક્તિઓ એ રાક્ષસ પર અજમાવી રહી હતી પણ એ બધી જ વિફળ જતી હતી. તેમની શક્તિઓ માત્ર એ રાક્ષસને થકાવવાં માટે જ પૂરતી હતી, તેને હરાવવા માટે નહિ...ધીરે ધીરે અસતલોકની સેના તો ઓછી થઈ રહી હતી પણ પેલા રાક્ષસ સામે કોઈની શક્તિ ટકતી જ ન હતી. તેની સામે જે જાય તેના રામ રમી જતાં હતા.. ધીરે ધીરે રાણીપરી પણ થાકી અને તેઓ પણ પેલા રાક્ષસના તીવ્ર પ્રહારથી ઘાયલ થઈ ગયાં. આ જોઈને પરીઓનો એક સમૂહ તેમને ધરતીપરીની પાછળ જ્યાં પ્રિયા હતી ત્યાં મૂકી આવ્યો. પ્રિયા રાણીપરીને કહેવા લાગી કે, તમે આમ પણ આ રાક્ષસ પર જાદૂઈ ખંજરથી પ્રહાર નથી કરી શકવાનાં પણ હું તો માનવ છું. એને મળેલા વરદાનમાં ક્યાંય માનવનો ઉલ્લેખ જ નથી. એટલે હું એની નજીક જઈને એનો જાદૂઈ હાર કાપી શકું છું.તમે મને એ ખંજર આપો. આ સાંભળી રાણીપરી બોલ્યાં કે,' અમે તારો જીવ જોખમમાં નથી મૂકી શકતાં. '

બીજી તરફ નભપરી, જલપરી, આગપરી વગેરે તે રાક્ષસની શક્તિ આગળ પરાસ્ત થઈને અત્યંત ઘાયલ થઈ ગઈ હતી. હવે તેનો સામનો વાયુપરી કરી રહી હતી. વાયુપરી પણ તે રાક્ષસને થકાવી રહી હતી અને તેના દરેક પ્રહારથી બચી રહી હતી. આ જોઇને રાણીપરીની હિંમત તૂટવા લાગી..જોતજોતામાં વાયુપરી પણ પરાસ્ત થઈ ગઈ અને તે પણ ઘાયલ થઈ ગઈ. હવે ધરતીપરીનો વારો હતો. રાણીપરીએ આ જોઈને પ્રિયા સામે જોયું અને કહ્યું કે, ' તું સાચે જ પેલા રાક્ષસના ગળામાંથી એનો જાદૂઈ હાર કાપી નાખીશ? પ્રિયા એ રાણીપરીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ' હા.'.

ધરતીપરી તરફ આવતા રાક્ષસને જોઇને ધરતીપરીની પાછળથી પ્રિયા નીકળી અને તે રાક્ષસને પડકાર ફેંકવા લાગી. તેણે પોતાના ફ્રોકમાં છુપી રીતે જાદૂઈ ખંજર સંતાડી રાખ્યું હતું. પ્રિયા માનવ હતી એટલે તે રાક્ષસની નજીક જઈ શકતી હતી. પ્રિયા ડરતી ડરતી એ રાક્ષસની નજીક ગઈ. પ્રિયા એ વિશાળકાય રાક્ષસની આગળ માત્ર એક કીડી જેવી લાગતી હતી. રાક્ષસે પ્રિયાને જોઈને કહ્યું કે, ' તું કોણ છે? તને તો પહેલાં ક્યારેય જોઈ નથી? ' પ્રિયા એ કહ્યું કે, ' હું અહીંની મહેમાન છું. હું માનવલોકથી આવી છું.' આ સાંભળીને જ રાક્ષસના મોંઢામાં પાણી આવી ગયું. તેણે કહ્યું કે, ' મારી ઘણા વર્ષો જૂની ઈચ્છા હતી કે કોઈ માનવનું માંસ ખાઉં. આજે તું અહીં આવી ગઈ છું તો મારી એ ઈચ્છા પણ પૂરી થઈ જશે. “ હા...હા...હા..”એમ હસવા માંડે છે. આમ પણ આ સતલોક તો મેં મોટાભાગે જીતી જ લીધું છે. તો લાવ પહેલાં તને ખાઈ જાઉં. આમ પણ આ પરીઓ સાથે લડી લડીને મને બહુ થાક અને ભૂખ લાગી છે. પહેલાં તને ખાઈ લઉં પછી આ સતલોકના સિંહાસન પર આરામથી બેસીશ.' ( હા...હા...હા... એમ હસતાં હસતાં તે પ્રિયાને પકડીને પોતાનાં મુખ તરફ લાવે છે..) પ્રિયાની નજર તેના મુખ પર નહિ, પરંતુ તેના ગળા પર હતી. તે તો રાહ જ જોઈ રહી હતી કે ક્યારે તે રાક્ષસના ગાળાની નજીક પહોચે અને તેનો જાદૂઈ હાર કાપી નાખે. રાક્ષસે જેવી પ્રિયાને પોતાના મુખ તરફ લાવી કે તરત જ પ્રિયા એ તે રાક્ષસના ગળા પર રહેલા જાદૂઈ હાર તરફ પોતાની પાસે રહેલા જાદૂઈ ખંજરનો પ્રહાર કર્યો...જાદૂઈ ખંજરના એક જ પ્રહારથી રાક્ષસના ગળાનો હાર તૂટી ગયો અને નીચે પડતાં જ તે ભસ્મ થઈ ગયો.. આ જોઇને રાક્ષસને ખુબ જ ગુસ્સો આવ્યો. તેણે પ્રિયા તરફ લાલ આંખ કરી તો પ્રિયાએ તે જ ખંજરને રાક્ષસની એક આંખમાં ઉતારી દીધું. જેવી રાક્ષસની આંખ ફૂટી કે અસહ્ય પીડાને કારણે તેના હાથમાંથી પ્રિયા છૂટી ગઈ. પ્રિયાના નીચે પડતાં પહેલાં જ વાયુપરીએ પોતાની શક્તિથી પ્રિયાને હવામાં જ ઝીલી લીધી અને તેને સાચવીને નીચે ઉતારી અને ફરી પાછી જ્યાં હતી ત્યાં જ મૂકી આવી. રાક્ષસનો જાદૂઈ હાર તૂટી જવાથી હવે એને મળેલું વરદાન ભંગ થઈ ચૂક્યું હતું. એ જોઈને સતલોકની સેનામાં એક નવો જ જોશ આવી ગયો અને તે પૂરા જોશ સાથે અસતલોકની સેના પર તૂટી પડ્યાં. બીજી તરફ ઘાયલ પરીઓ પણ કોઈ ઘાયલ સિંહણ જેવી ભાસતી હતી. રાણીપરી અને બધી પરીઓ એકીસાથે રાક્ષસ પર તૂટી પડી. જલપરી, આગપરી, નભપરી, ધરતીપરી, વાયુપરી અને રાણીપરીએ પોતાની શક્તિ એક જ બિંદુ પર કેન્દ્રિત કરીને એક શક્તિનો ગોળો બનાવ્યો અને તે ગોળો પૂરજોશથી રાક્ષસ પર ફેંક્યો. શક્તિગોળાનો પ્રહાર થતાં જ રાક્ષસ નાના નાના ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો અને તેના રામ રમી ગયા. આગપરી એ પોતાની ભીષણ આગથી એના એ ટુકડાઓને ભસ્મ કરીને રાખમાં ફેરવી દીધા જેથી બીજી કોઈ શક્તિ તે રાક્ષસને પુનઃજીવિત ના કરી શકે. આજે પ્રિયાના પરાક્રમથી સતલોકનો વિજય અને અસતલોકનો પરાજય થયો. હવે સતલોક પર બીજા કોઈ પણ લોકના આક્રમણનો ભય રહ્યો ન હતો.

રાણીપરી અને બધી પરીઓએ પ્રિયાનો ખુબ જ આભાર માન્યો. રાણીપરી એ કહ્યું કે,' પ્રિયા, આજે તારી વીરતાનાં કારણે સતલોકનો વિજય થયો અને અસતલોકના અત્યાચારી, દુષ્ટ રાક્ષસનો અંત આવ્યો. અમે બધા તારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ત્યારબાદ રાણીપરીએ પોતાની એક જાદૂઈ વીંટી પ્રિયાને આપી અને કહ્યું કે, ' આ વીંટી હંમેશા તારી પાસે રાખજે. જ્યારે પણ તું અમારામાંથી કોઈ પણ પરીને યાદ કરીને આ વીંટીને તારા બીજા હાથ વડે ઘસીશ ત્યારે જે પરીને તું યાદ કરીશ તે પરી તારી પાસે આવી જશે. આ કામ તારે જ્યારે તું તકલીફમાં હોય ત્યારે જ કરવાનું છે.' પ્રિયાએ આ વીંટી બદલ રાણીપરીનો ખુબ આભાર માન્યો. આખા સતલોકમાં વાજતે ગાજતે અને ફૂલો વડે પ્રિયાની વિદાય યાત્રા યોજાઈ.દરેકની આંખો આંસુઓથી છલકાઈ ઊઠી. થોડા જ સમય માટે આવેલી પ્રિયા, હંમેશા માટે સતલોક વાસીઓનાં હૃદયમાં વસી ગઈ હતી...

લેખક:- પાર્થ પ્રજાપતિ