Buddy Bindi Wali Bandi - 2 books and stories free download online pdf in Gujarati

બડી બિંદી વાલી બંદી - 2

બડી બિંદી વાલી બંદી’

પ્રકરણ- બીજું /૨

‘પણ મમ્મી, કોઈની પર બ્લાઈડ ટ્રસ્ટ મૂકીને મનગમતાં શમણાંના જીવનપથ પર સળંગ સંગાથના સહારે ડગલાં ભર્યાના પ્રારંભમાં જ, બન્નેની મંઝીલના અંતિમબિંદુ વિષે ઉત્તર-દક્ષિણ ધ્રુવના અંતર જેટલું અસમંજસ સામે આવ્યાં પછી, એ વજ્રઘાત સમા કળની પીડા ગળી, વન વે જેવા જીવનસફરની મજલ કાપતાં કાપતાં તારી અનંત એકલતાને અવગણી, તે કેટકેટલું અને કઈ રીતે સફર કર્યું, એ મને કહીશ ?’


સ્હેજ સ્મિત સાથે તેની બન્ને હથેળીઓથી તન્વીના ગાલ પંપાળતા સારિકા બોલી..
‘બસ..એક તું, અને બીજી મારી કવિતા. મારા મક્કમ મનોબળના બે મજબુત આધારસ્તંભના આધારે જ.
‘પણ મમ્મી આ કવિતાનો જન્મ ક્યારે થયો..? તન્વીએ પૂછ્યું
‘કવિતા, કવિતાની કુંપણ તો ફૂંટી હતી મારી મુગ્ધાવસ્થાના પ્રથમ પ્રેમની પહેલી વસંતમાં જ, પણ મારા ગુડલક કહો કે બેડલક, એ પરિપક્વ થઈ પાનખરમાં. કવિતાનો જન્મ જ નથી થયો પણ....’

‘શું પણ મમ્મી ?’ તન્વીએ પૂછ્યું
‘પણ.... એ ‘પણ’ વિષે પણ ક્યારેક કહીશ. પણ આજે એક અરસા પછી એ શબ્દઅંકુર અને હું બંને વીંટળાયા છીએ, એકબીજા સાથે વ્હાલની વેલ અને પરસ્પરના પોષણ પર્યાય બનીને.’
સારિકા તેની શબ્દસાધનાના સ્તુતિગાનનું સમાપન કરીને અટકી ગઈ.

‘પણ મમ્મી, તું તારી કવિતાને મારા જેટલો જ પ્રેમ કરે છે, તો તારુ આ કાવ્યસર્જન કોઈની જોડે શેર કેમ નથી કરતી ?
સ્હેજ હસતાં સારિકા બોલી,

‘કારણ કે આ માત્ર શબ્દો નથી. આ મારા અદ્રશ્ય સ્પર્શના સ્પંદનનો ભાવાર્થ છે. મારી એકલતાનો એકમાત્ર અઝીઝ અધિકારી છે. મારા મૌનના મર્મી છે. મારા વિચારોની વાચા છે. શિયાળાની ધૂપ સાથે હુંફ અને ગ્રીષ્મમાં હૈયાની ટાઢક છે. કોઈક શબ્દકોષના સંઘનો સાથીદાર અથવા જાણભેદુ જ મારી બ્રેઇલલિપિ જેવી શબ્દસંજ્ઞા પાછળના ગુઢ અને ગાઢ રહસ્યો ઉકેલી શકે.’

‘પણ મમ્મી તું સોશિયલ મીડિયાના માધ્યમ પર આ રચનાને મૂકે.. તો સાહિત્ય રસિકો તારી સર્જનશક્તિથી પરિચિત થાય.’ તન્વી બોલી

‘મતલબ તું એમ કહેવાં માંગે છે કે, મારા અંતરમનની અંગત અપ્રગટ સંવેદના સાર્વજનિક કરી, મારા પૂર્વાનુરાગનું પ્રદર્શન કરું એમ ? સારિકા બોલી.

‘સોરી મમ્મી પણ તારી આ વન સાઈડેડ મેન્ટાલીટી સાથે હું સમંત નથી. તું તેને પ્રદર્શનનું નામ કઈ રીતે આપી શકે ? તન્વીએ પૂછ્યું

‘દીકરા, આ ખુબ લાંબી ચર્ચાનો વિષય છે, અને આટલાં વર્ષોના નીચોડ પછી હું આવું સચોટ નિવેદન કરી રહી છું. તને ટૂંકમાં એટલું જ કહીશ કે, સોશિયલ મીડિયા પર સુંદર અને ખાસ કરીને સિંગલ સ્ત્રીની સર્જનશક્તિ કરતાં તેની શારીરિક શક્તિની, એક રાતના કદરદાન ટ્વેંટી ફોર બાય સેવન ગ્રીન સિગ્નલ લઈને ઊભા હોય છે. સામાન્ય પરિચય બાદ પહેલાં, બીજા અને ત્રીજા જ પ્રશ્નમાં તો એ નફફટ થઈને પૂછી જ લ્યે કે, રાત્રે બિસ્તરમાં એકલતા કનડતી નથી ? દેહ રચનાને પામવા તે તમારી સાવ ફાલતું રચનાની પણ આડ લઈ, તમારી પ્રસંશાના પુલ બાંધશે, તમારી રચનાને કંઇક એવોર્ડ અપાવશે, વગર પોસ્ટના પ્રમોશન સાથે પારિતોષિક અને પ્રશસ્તિપત્રોની પથારી પાથરશે અને પછી એ જ ખરીદાયેલા પ્રશસ્તિપત્રોની પથારી પર અટ્ટહાસ્ય સાથે તમારા જેવા કંઇકને ખરીદી લીધાના મદ સાથે ખુદના અસલી અશ્લીલ સાહિત્ય રસિકનો પરિચય કરાવશે. દીકરા, છેલ્લાં બાવીસ વર્ષમાં આવાં કંઇક “કામ’ ના કદરદાનથી પીછો છોડાવતા મને નાકે દમ આવી ગયો છે. તું કહે છે કે, મમ્મી તું આટલા વર્ષોથી કેમ વધુ પડતી અનસોશિયલ છો ? તેનું એક જ કારણ છે, કે દાયકાઓથી તેની મર્દાનગી સાબિત કરવાં એક એવી જડ લઘુતાગ્રંથિથી પીડાઈ રહેલો પુરુષપ્રધાન સમાજ કે, જેના માટે અમારા જેવી સિંગલ સ્ત્રીઓ ઇઝી એવિલેબલના લેબલ સાથે તેના બે-ઘડીના તનોરંજનનું હાથવગું અને બાપના માલ જેવું સાધન છીએ.’

‘પણ મમ્મી હું તારી એક વાત પર હંમેશા મંત્રમુગ્ધ થઇ જાઉં છું, અને તેના માટે મને માન પણ ઉપજે છે.’ તન્વી બોલી
‘કઈ વાત ?’

‘આજે બે દાયકાથી હું તને જોઉં છું. વર્ષોથી એક સમાંતર તારી જીવનશૈલી, તારું એકધારું જીવનધોરણ, યુનિફોર્મ જેવો તારો સુતરાઉ સાડીનો ડ્રેસકોડ, મને યાદ નથી કે, એકપણ દિવસ એવો ગયો હોય કે, તારા પરિચયના પર્યાય અને પૂનમના ચાંદ જેવો ચાંદલો ચોડવાનું તું ક્યારેય ભૂલી ગઈ હોય. રીઅલી આઈ લવ ઈટ. છેલ્લાં વીસ વર્ષમાં પરિવર્તનના પવનથી વિશ્વભરમાં પૂર્વ-પશ્ચિમ જેટલો બદલાવ આવી ગયો, પણ તું ન બદલાઈ. અને તને ઝમાનાની સ્હેજ પણ હવા ન લાગી.’

‘એ એટલા માટે કે, મારે મર્યા પછી પણ જીવવું છે. આભાની આવરદા આપણા આયુષ્ય કરતાં વધુ હોય. અને હવે ચલ, દીકરા ખુબ મોડી રાત થઇ ગઈ છે.. હવે તો મને ઊંઘ પણ બહુ આવે છે.’

એમ કહી, તન્વીના બન્ને ગાલ પર ચુંબન ચોડી, સારિકા તેના બેડરૂમમાં જતી રહી..
અને તન્વી તેના બેડરૂમમાં જઈને સૂતા પહેલાં નીકળી પડી વિચારોના વૃંદાવનમાં.

સવારે ઓફિસે નીકળતાં પહેલાં ડાયનીંગ ટેબલ પર તન્વીએ સારિકા જોડે બ્રેકફાસ્ટ કરતાં કરતાં પૂછ્યું..

‘મમ્મી તારી આ કાવ્યરચના વિષે કોણ કોણ જાણે છે ?

‘મારી એકમાત્ર કોલેજની સહેલી રશ્મિ. જેને તું સારી રીતે ઓળખે છે. પણ એ માત્ર એટલું જ જાણે છે કે, હું લખું છું. આમ પણ તેને સાહિત્ય કરતાં સાહિત્યકારોમાં વધુ રુચિ છે. આ રચનાની ગહનતા રશ્મિ ન સમજી શકે. કદાચ કોઈ જાણી પણ શકે. પરંતુ એ શબ્દરચના કાગળ પર અવતરીને શબ્દાકાર લેતાં પહેલાં મારી ભીતર ઉઠતાં વિચાર વંટોળમાં હું કેટલી વિખેરાઈ જાઉં છું, એ સમજવું કોઈ સામાન્ય નહીં પણ શબ્દસાધક વ્યક્તિનું કામ છે. દીકરા, રોજ કરોડો ફૂલ ખીલે છે, અને મુરજાઈ પણ જાય છે. પણ તેમાંથી મુઠ્ઠીભર ફૂલોનું જ સૌભાગ્ય હોય છે, કોઈ દેવ-દેવીના ચરણોમાં સમર્પિત થવાનું. આ શબ્દોની વર્ણમાલા એ મારા ચુનીંદા પૂજાના પુષ્પોની હારમાળા છે.’

‘હમ્મ્મ્મ.. હવે સમજી ગઈ.’
ઊભા થઈ, લેપટોપ બેગના બેલ્ટને ખભા પર મૂકતાં તન્વી બોલી.

‘શું સમજી ગઈ ?’

‘તારી મનોભાવનાના મર્મનો મતલબ. ચલ બાય.’
એમ કહીને તન્વી સારિકાને ભેટ્યા પછી ઓફીસ જવા નીકળી.

આજે તન્વીને તેની ખુશહાલીના ઉમળકાનો કૈંક અલગ જ ઉન્માદ હતો. અને સાથે થોડી અજુગતી ગડમથલ પણ હતી. છતાં ઓફિસે પહોંચતા સુધીમાં તેના દિમાગમાં ચાલતી પઝલ જેવી પળોજણની ગુત્થી સુલજાવવાની તરકીબનો તાગ મેળવી લીધો.

ઓફિસમાં દાખલ થતાં તન્વીએ જોયું તો અગિયાર વાગ્યાંનો સમય થયો હોવા છતાં હજુ રજત રાયચુરા આવ્યાં નહતા. પૂછતાં માલુમ પડ્યું કે તેમના કોઈ ફ્રેન્ડને એરપોર્ટ રિસિવ કરવાં માટે ગયા છે. અને સાડા અગિયાર વાગ્યાં સુધીમાં આવી જશે.

દસ મિનીટ પછી એક મોડેલ જેવી લાગતી બાવીસથી પચ્ચીસ વર્ષની બ્યુટીફૂલ ગર્લની જોડે આશરે તેટલી જ વયનો હેન્ડસમ યુવાન બન્ને ઓફિસમાં એન્ટર થઇ, તન્વીની કેબીન પાસે આવતાં યુવતી બોલી.

‘હેલ્લો, ગૂડ મોર્નિંગ, જાણી શકું કે રજત સરની ચેમ્બર કઈ તરફ છે ?
‘હાઈ, વેરી ગૂડ મોર્નિંગ, જી, ત્યાં સામેની તરફના એન્ડ પર લેફ્ટ કોર્નરમાં તેમની ચેમ્બર છે. પણ, સર તો હજુ આવ્યાં નથી.’ આપનો પરિચય આપશો.’

‘હું ભાર્ગવી રાયચુરા અને આ છે, મારો મિત્ર અનિકેત શુક્લા.’
બન્નેનો પરિચય આપતાં યુવતી બોલી.
‘આઈ એમ તન્વી, તન્વી મલ્હોત્રા. આપ સરના રીલેટીવ્સ છો ? તન્વીએ પૂછ્યું
‘જી, રજત સર અમારા અંકલ છે, મારા પપ્પાના નાના ભાઈ.’
‘ઓહ, સો નાઈસ ટુ મીટ યુ. પ્લીઝ સીટ ડાઉન.’ તન્વીએ તેની સામેની બેઠક પર બંનેને બેસવાનું કહી, પ્યુનને ડ્રીન્કીંગ વોટર લાવવાનો સંકેત આપ્યો.

દસ થી પંદરેક મિનીટની વાર્તાલાપ દરમિયાન ત્રણેય એકબીજા સાથે સારી રીતે ભળી જતાં વાતવાતમાં ભાર્ગવીએ તન્વીને જણાવ્યું કે, અમે અનિકેતના ભૂતપૂર્વ પ્રોફેસરના સાહિત્ય વિષય પર લિખિત પ્રથમ પુસ્તકના વિમોચન સમારંભના ચીફ ગેસ્ટ તરીકે રજત સરને તેની જાણ બહાર સરપ્રાઈઝ ઇન્વિટેશન આપવાં કોલ કર્યા વગર આવ્યાં છીએ.’

અંતે ખાસ્સી રાહ જોયા પછી પણ રજત ન આવતાં અંતે અનિકેતે, રજતનું ઇન્વિટેશન કાર્ડ આપવાની જવાબદારી તન્વીને સોંપ્યા પછી ત્રણેયે પરસ્પર એકબીજાનો મોબાઈલ નંબર શેર કર્યા બાદ આભાર માનીને છુટા પડ્યા.

આ મુલાકાત પછી નિયમિત મેસેજીસ, કોલ્સ અને એકાદ-બે ઔપચારિક મુલાકાત બાદ એક મહિનાના સમયગાળા દરમિયાન તન્વી, ભાર્ગવી અને અનિકેત, ત્રણેય પરસ્પર ખુબ સારી એવી ગાઢ મિત્રતાના એકસુત્રમાં બંધાઈ ગયા.

ભાર્ગવી રાયચુરા શહેરની એક ખુબ નામાંકિત બુટીકમાં ફેશન ડીઝાઈનરની જોબ કરતી હતી અને અનિકેત ધનાઢ્ય શુક્લા પરિવારનો એકનો એક પુત્ર, જે એક રેપ્યુટેડ ફાઈનાન્સ કંપનીમાં એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો હતો.

એક રવિવારની સાંજે તન્વી એક ઇવેન્ટની પૂર્વ સંધ્યાએ તેના એરેજમેન્ટના ઓબ્ઝર્વેશન માટે ગઈ હતી.

અને સારિકા તેના સદાબહાર સ્પોટ, બાલ્કનીના ઝૂલા પર આઈપેડ લઈ તેના મનગમતા વિષય, સાહિત્ય વિષે કશું સર્ચ કરી રહી હતી. જેવું સારિકાએ તેનું એફ.બી. એકાઉન્ટ ઓપન કરીને જોયું.. ત્યાં અચાનક તેની નજર રશ્મિએ ટેગ કરેલાં એક લીટરેચર પેઈજ પર પડતાં જ નજર સ્થિર થઈને ચોંટી ગઈ. ‘કાવ્યદ્ર્ષ્ટિ’ નામના એ કાવ્યરચનાના પેઇજમાં સારિકા તેની રચના જોઇને ચોંકી ગઈ...ધીમે ધીમે આઈપેડની સ્ક્રીન સ્ક્રોલ કરતાં એક પછી એક તેની રચના નજર સમક્ષ આવતી ગઈ. દરેક રચનાના અંતમાં ‘અજનબી’ નામ અંકિત હતું. અને જેણે પોસ્ટ મૂકી હતી તેનું નામ તેણે ‘મુસાફિર’ એવું લખ્યું હતું. સારિકાને સુખદ આંચકો એ વાતનો લાગ્યો કે, દરેક રચનાના અંતે સંક્ષિપ્તમાં સમગ્ર રચનાનો સાર સમજાવતાં એક શેર ટાંકવામાં આવ્યો હતો. કોઈ સાહિત્ય શિરોમણી, સાહિત્ય રસિકે ગહન અભ્યાસ, દિલચસ્પી અને બારીકાઈ સાથે સારિકાની રચનાના એક એક શબ્દાર્થના ભાવાનુવાદનું એવું તલસ્પર્શી નિરૂપણ કર્યું હતું કે, ઘડીભર તો સારિકાને પણ માનવામાં નહતું આવતું કે, ખુદની રચના સાથે કોઈ અનામી આટલો યથાર્થ અને કરીબથી પરિચય કરાવી રહ્યું છે. રચનાની સાથે તેની વેદના-સંવેદના અને વિચારધારાના ભાવવાહી વિશ્લેષણથી સારિકા ગદગદિત અને રોમાંચિત થઇ ગઈ.


બધી જ રચનાની કોમેન્ટસમાં ‘ આભાર અજનબી’ નો સંદેશ હતો. પણ સારિકા માટે ખુશ થયાની સાથે સાથે લાખ રૂપિયાનો સવાલ અને વિડંબણા એ હતી કે, મારી અંગત રચનાઓ કોઈ અજાણી વ્યક્તિ પાસે પહોંચી જ કઈ રીતે શકે ?

તરત જ રશ્મિને કોલ કરીને પૂછતાં રશ્મિએ કહ્યું કે, મને પણ જોઇને નવાઈ લાગી એટેલે મેં તને ટેગ કર્યું. મતલબ કે, રશ્મિ પણ આ ‘મુસાફિર’ થી અજાણ હતી.

એક સેકન્ડ માટે આ વાત વિસરી જઈ, સારિકાએ મનોમન એવું વિચાર્યું કે આ વ્યક્તિ જે કોઈ પણ હોય, પણ તેણે મારા કરતાં મારી રચનાના ગહન ગુઢાર્થનો સરળતાથી તાગ મેળવી લીધો છે. કોણ હશે ? જે હોય, પણ હવે આ વિરલ વ્યક્તિત્વને વરેલાં વ્યક્તિનો તાગ મેળવ્યે જ છુટકો થશે. ‘મુસાફિર’ ના પ્રતિસાદના પ્રત્યુતર સામે અંતરના ઉમળકાથી સારિકાએ ‘શુક્રિયા’ સંદેશો પાઠવતાંની સાથે સાથે વિસ્તૃત પરિચયના પ્રતિક્ષાની અભિલાષા પણ લખી.


આશરે બે કલાક પછી છેક તન્વી આવી ત્યાં સુધી એ ‘કાવ્યદ્ર્ષ્ટિ’ પેઈજ પરથી સારિકાની નજર હટતી નહતી. એક એક રચનાના મર્મસ્પર્શી પ્રતિભાવનું વારંવાર પુનરાવર્તન કરીને મમળાવતી રહી.

મોડેથી...
‘ગૂડ નાઈટ’ કહીને તેના બેડરૂમમાં સૂવા જઈ રહેલી તન્વી બોલી,
‘મમ્મી આજે તારા ચહેરાની રોનક અને આંખોની ચમક કંઇક અલગ જ કહાની બ્યાન કરી રહી છે.’

‘હમ્મ્મ્મ.. બની શકે.’
‘કોઈ ખાસ કારણ ?’ તન્વીએ પૂછ્યું.
‘કોઈ ઠોસ કારણ જેવું લાગશે તો જરૂર કહીશ. ગૂડ નાઈટ.’
‘પણ મને એવું લાગે છે મમ્મી કે, એ ઠોસ કારણ જરૂર મારા હોંશ ઉડાડી દેશે.’ આટલું હસતાં હસતાં બોલીને તન્વી બેડરૂમમાં જતી રહી.


એ પછીના એક મહિનાના સમયગાળના અંત દરમિયાન એક એવી ઘટના ઘટી ગઈ કે, જેનું સારિકાને સ્વપનમાં પણ અનુમાન નહતું, અને ત્યાર બાદ વર્ષોથી સારિકાની સજ્જડ પણ અંતે પોકળ સાબિત થયેલી સંકુચિત માન્યતાનો ખોટી પડતાં સારિકાના લાગણીના બાંધનો બંધ તૂટી પડ્યો. અને નિર્મળ સ્નેહસરિતા સાચી દિશા તરફ ફંટાઈ ગઈ.
અને ત્યાર બાદ એક દિવસ સાંજના પાંચ વાગ્યાની આસપાસ રજતે તન્વીને તેની ચેમ્બરમાં બોલાવીને કહ્યું,

‘સીટ ડાઉન, લિસન તન્વી, બે દિવસ બાદ એક ગેટ ટુ ગેધરીંગના ઇવેન્ટનું આયોજન કરવાનો કોન્ટ્રાક્ટ ફાઈનલ કર્યો છે. ક્લાયંટની રીક્વાયારમેન્ટ, લોકેશન, ટાઇમ. બજેટ, પેમેન્ટ મેથડ સાથેની બધીજ ડીટેઇલ તને મેઈલ કરી છે. બધું તારે જ હેન્ડલ કરવાનું છે, બીકોઝ કે હું બે દિવસ માટે આઊટ ઓફ સ્ટેશન છું. અને હા, કંઇ ક્વેરી હોય તો ક્લાયંટના કોન્ટેક્ટ નંબર મેન્શન કર્યા છે. તો તું મેઈલ ચેક કરી લે પછી આપણે હમણાં જ ડીસ્કશ કરી લઈએ.’

‘જી સર.’

મેઈલનો ડીટેઇલમાં સ્ટડી કરી, સમજી અને તન્વીએ રજતને કહ્યું,
‘પણ સર મને એવું લાગે છે, આમાં ઘણી બધી ઇન્ફોર્મેશન સ્કીપ છે. તો પાર્ટીને પુછોને કે..’ તન્વીને આગળ રોકતાં રજત બોલ્યાં.

‘તન્વી, આમ તો ઇવેન્ટમાં મારે જ હાજર રહેવાનું હતું કેમ કે, ક્લાયન્ટ મારા દૂરના રીલેટીવ્સ અને એન.આર.આઈ છે, થોડા સનકી પણ. આઈ થીન્ક ઓવર સ્માર્ટ છે. મેં વાત કરી તો મને કહ્યું કે, મેં જેટલું કહ્યું એટલું જ કરવાનું છે. ધેટ્સ ઈટ.
સમજી ગઈ ?.’

‘જી સર.’

‘પણ તારે ઇવેન્ટ સ્પોટ પર સ્ટાર્ટ ટુ એન્ડ સુધી હાજર રહેવું પડશે. એ યાદ રાખજે. કયાંય અટકે તો મને કોલ કરજે, હું સંભાળીશ લઈશ. ઓ.કે. હવે આપણે બે દિવસ પછી મળીશું.’

એમ કહીને બન્ને છુટા પડ્યા.

બે દિવસ બાદ.. રવિવારનો દિવસ, સાંજના સાડા ચારનો સમય થયો હશે.
ઇવેન્ટનો સમય સાતથી અગિયાર વાગ્યાંનો હતો. પણ તન્વીએ બે કલાક અગાઉ પહોંચવાનું હતું. આજના શેડ્યુલ વિષે સારિકા જોડે પહેલાથી જ વાત થઇ ગઈ હતી એટલે તૈયાર થઈ, સારિકાની બાજુમાં બેસતાં તન્વી બોલી.

‘મમ્મી મને ઘરે આવતાં આવતાં સ્હેજે બારેક વાગ્યાં જેટલો સમય તો થઈ જશે.તું ડીનર લઈને સુઈ જજે. કદાચને મોડું થશે તો અગાઉથી કોલ કરી દઈશ. પણ ત્યાં સુધી તું શું કરીશ ?’ ક્યાંક બહાર જઈ આવ, તો ફ્રેશ થઇ જઈશ..’

‘એઝ ઓલવેય્ઝ હું અને મારી કવિતા સાથે જ છીએ. તો બહાર જવાની શું જરૂર છે ?
સારિકાએ જવાબ આપ્યો.
હસતાં હસતાં તેનું પર્સ લેતાં બોલી,

‘એ એટલાં માટે કે, કયારેક તારા તરફથી મને એવું પણ સાંભળવાનું મન થાય કે.
‘હું અને મારો કવિ.’ ચલ બાય લવ યુ.’ એમ કહીને તન્વી ફ્લેટનું બારણું ઉઘાડીને નીકળી ગઈ.

‘હું અને મારો કવિ.’
તન્વીના આ શબ્દોના પડઘા સારિકાના કાને પડઘાયા, અને સાથે સાથે હૈયાના ધબકારે ધબકયા પણ ખરાં, એ સાથે તરત જ સારિકા ઝડપથી તેના બેડરૂમમાં જતી રહી.
હવે સમય થયો સાડા છ વાગ્યાનો.. તન્વી ઓપન પાર્ટી પ્લોટના ઇવેન્ટ સ્પોટ પર તેના સ્ટાફ મેમ્બર સાથે એરેજમેન્ટની ચર્ચા કરવામાં મશગૂલ હતી..ત્યાં અચાનક પાછળથી આવી, કોઈકે તેની બન્ને આંખો પર હળવેકથી હથેળી દાબી દીધી. એટલે સ્હેજ પણ વિલંબ કર્યા વગર બીજી જ પળે તન્વી બોલી.

‘અનિકેત.’

‘શું યાર, ખરેખર, તારે તો સી.બી.આઈ. જોઈન કરવાની જરૂર છે, બટ હાઉ ડીડ યુ નો ? અનિકેતે પૂછ્યું,
‘ઇટ્સ સો સિમ્પલ યાર, તારા પરફ્યુમ પરથી.’ ખુશ થઈને તન્વી બોલી.
‘ઓહ... માય ગોડ, તન્વી, રીઅલી યુ આર ટુ જીનીયસ. બટ આઈ ફીલ મોર હેપ્પી ટુ સી યુ હીઅર. એન્ડ ટુડે યુ આર લૂકીગ સો ગોર્જિયસ.’

‘બસ બસ હવે, પણ, એ કહે કે તું અહીં કેમ આવ્યો છે ?’ તન્વીએ પૂછ્યું.
‘મેં આયા નહીં લાયા ગયા હૂં, મેડમ, ત્યાં સામે જો,’
થોડે કોઈની જોડે વાતોમાં મશગૂલ ભાર્ગવી તરફ ઈશારો કરતાં અનિકેત આગળ બોલ્યો.

‘એક્ચ્યુલી આ ફંકશન ભાર્ગવીના અંકલ રજત સરના કોઈ રીલેટીવ્સનું છે, તો ભાર્ગવી મને ફોર્સ કરીને લઇ આવી છે, એટલે હું આવ્યો છું, અને રજત સર હાજર નથી તેથી મને ડાઉટ હતો કે, તારી હાજરી તો હશે જ. એટલે થયું કે ચલ એ બહાને તને થોડી હેલ્પ કરવાનો તો ચાન્સ મળશે.’

‘ઓહ્હ.. ડોન્ટ બી ઓવર સ્માર્ટ સમજ્યો. આઈ નો યુ વેરી વેલ.’
‘મતલબ ?’ અનિકેતે પૂછ્યું

‘મતલબ કે, કહીં પે નિગાહેં કહી પે નિશાના’ તન્વી બોલી
‘તું અડધી વાતમાં સમજી જાય છે તેની જ મજા છે.’ અનિકેત બોલ્યો.

દસ મિનીટ પછી કોઈની જોડે વાત કરતી તન્વીની પીઠ પર કોઈએ ટપલી મારતાં પાછળ ફરીને જોતાં તન્વી એકદમ ખુશ થતાં બોલી,..

‘ઓઓ....ઓ શું વાત છે, રશ્મિ આંટી તમે ? વ્હોટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. વેલકમ.’

‘આ આજે સન્ડે છે, અને મારા હસબંડની તબિયત જરા નરમ છે. તો મને કહે કે તું મારું એક ઇન્વીટેશન એટેન્ડ કરી આવે તો સારું. અને હું અહીં ફંકશનમાં કોઈને ઓળખતી નથી. વિચારતી હતી કે ફંક્શન શરુ થાય એટલે થોડીવારમાં જતી રહીશ પણ, હવે તને જોઈ એટલે મોજે મોજ. શું કરે છે મારી ઘરકૂકડી ?’
સારિકા વિશે રશ્મિએ પૂછતાં, તન્વીએ જવાબ આપ્યો.

‘શું કરે આંટી ? તમે કોઈ કવિ ન શોધ્યો એટલે તે તેની કવિતા જોડે કાવ્ય્સંધ્યામાં મસ્ત હશે. તમે બેસો આંટી, હું આવું છું થોડીવારમાં,’

‘અરે..પણ, એક મિનીટ, સાંભળ તો ખરા, આ ફંકશન છે શેના માટે ? શેનું ગેટ ધ ગેધરીંગ છે, એ ખબર છે ?

‘સાચું કહું તો આંટી આ આટીઘુટીની મને પણ ખબર નથી. ખબર પડે તો તમને કહુંને ?.’
એમ કહીને હસતાં હસતાં તન્વી સ્ટેજ પર જતી રહી.

બે મિનીટ બાદ ટ્રકના ટાયરની સાઈઝ જેવીની ફાંદ, સુટબુટ, ટાઈમાં સજ્જ, ફ્રેંચ કટ દાઢી અને ચશ્માધારી ચાળીસની એઈજ આસપાસનો એક જેન્ટલમેન તન્વી પાસે આવીને ઘોઘરા અવાજમાં બોલ્યો..
’આપ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છો ?
‘ઓ યસ. માય નેઈમ ઈઝ તન્વી. જી બોલો.’
‘જી હું સૌરભ શાહ. મેં જ આપની કંપનીને કોન્ટ્રકટ આપ્યો છે. પણ હું જોઈ રહ્યો છું કે, મને જોઈએ છે, એવો માહોલ આપ ઊભો નથી કરી શક્યા. કંઈ એટ્રેક્ટીવ નથી. આઈ મીન, લૂકિંગ સમથીંગ ડીફરન્ટ જેવું કશું જ નથી લાગી રહ્યું મને.’

‘સર, આપની ડીમાંડ અને બજેટ મુજબ જ અમે પ્રિપેરેશન કર્યું છે.’
‘વ્હોટ ડુ યુ મીન બજેટ ? નો ઇસ્યુ ઓફ બજેટ. આઈ અનહેપ્પી બાય યોર એટીટ્યુડ એન્ડ મેનેજમેન્ટ.’
પરાણે કોઈએ કડવા કરેલાંનો પીવડાવ્યો હોય એમ કાર્ટુન જેવું મોઢું કરીને બોલ્યો.
જેન્ટલમેનનું સાવ ઢંગધડા વગરનું સ્ટેટમેન્ટ સાંભળીને બે ઘડી તન્વીને આશ્ચય સાથે ગુસ્સો આવતાં મનોમન બોલી પણ ખરી કે, કઈ પ્રજાતિનું પ્રાણી છે આ ? પણ કંપનીની ઈમેજ બચાવવા શાંત થઈને બોલી,

‘સર. આઈ થીન્ક કોઈ મીસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ લાગે છે. હું મારા બોસ જોડે વાત કરીને બે જ મીનીટમાં, તમારી જે કઈ પણ કમ્પ્લેઇન હશે તેનું સોલ્યુશન લાવી આપું છું.’

તન્વીએ કોલ જોડ્યો રજત રાયચુરાને.
‘સર.. આ પાર્ટી તો....’
તન્વી હજુ તેની વાત પૂરી કરે ત્યાં રજત બોલ્યાં..
‘આઈ નો... આઈ નો..તન્વી. મને જસ્ટ થોડીવાર પહેલાં જ મિસ્ટર સૌરભ શાહનો કોલ આવી ગયો.. મારે વાત થઇ ગઈ. મારી ટુર કેન્સલ થઇ છે. તેથી હું જસ્ટ હાફ એન અવરમાં સ્પોટ પર આવી રહ્યો છું. ત્યાં સુધી પાર્ટી જે સૂચના આપે તે રીતે એરેજમેન્ટ કરી આપો.’

‘ઓ.કે. સર.’
તન્વીએ થોડો હાશકારો અનુભવ્યો. ત્યાર બાદ તન્વી, સૌરભ શાહની સૂચના મુજબ એરેજમેન્ટ કરતી રહી.

હવે સમય થયો..૭:૩૦ વાગ્યાનો. પાર્ટી પ્લોટના એક કોર્નરમાં ગોઠવાયેલા લાઈવ બેન્ડની મધ્યમ ધ્વનિની માત્રામાં રેલાતી સંગીત સુરવાલીના ધૂનની મસ્તીમાં સૌ મનભાવતા ફેવરીટ ટેસ્ટના સોફ્ટ ડ્રીંક્સ ભરેલાં ગ્લાસ હાથમાં લઈ, તેમના મનગમતાં મિત્રો અને વિષય સાથે ચર્ચા કરવામાં મશગૂલ હતા ત્યાં અચાનક... સ્ટેજ પરના માઈક પરથી એક પરિચિત ઘુંટાયેલો અવાજ પાર્ટી પ્લોટમાં ફરી વળ્યો....

‘ગૂડ ઇવનિંગ એન્ડ વેક્લ્મ ફ્રેન્ડસ.’

સ્ટેજ પર નજર નાખતાં તન્વીએ જોયું તો માઈક રજત સરના હાથમાં હતું. એટલે અચરજ અને ઉમળકા સાથે હળવેકથી ચાલતા ચાલતાં રજતની પાછળ જઈને ઊભી રહી ગઈ.

ફરી રજત આગળ બોલ્યાં,

‘ફ્રેન્ડસ.. બસ હવે થોડી જ વારમાં આજના આ અઘોષિત વિષયના ઉપક્રમનો આશય, સહર્ષ આપની સમક્ષ સાર્વજનિક કરીને, સૌની આતુરતાના અંત સાથે આપણે અનહદ આનંદના ઉજવણીનો આરંભ કરીશું. પ્લીઝ વેઇટ ફોર જસ્ટ ફયુ મિનીટ્સ.’

‘આજની આ ધ મેમોરેબલ એન્ડ રેર ઓફ ધ રેર બનવા જઈ રહેલી, જે મંગલ ઘડીના આપ સૌ સાક્ષી બનવા જઈ રહ્યાં છો, તેનું હવે પછીનું એનાઉન્સમેન્ટ તન્વી મલ્હોત્રા કરશે. આઈ હોપ કે આપ સૌના બ્લેસીંગ્સ અને હર્ષોલ્લાસથી આ વાતવરણ ગુંજી ઉઠશે.’

તાળીઓના ગડગડાટ વચ્ચે રજતે તેનું એનાઉન્સમેન્ટ પૂરું કરી તન્વી પાસે આવીને કહ્યું કે,
‘તારું એનાઉન્સમેન્ટ શરુ થયાંની સાથે જ અંધારું થઇ જશે. ગેસ્ટ જયારે સ્ટેજના સેન્ટર પર આવીને ઊભા રહેશે ત્યારે લાઈટ ઓન થશે. સમજી ગઈ ?’

‘યસ સર.’

તન્વી માઈક હાથમાં લઈને ઉદ્દઘોષણા કરતાં બોલી,

‘એવરીબડી એટેન્શન પ્લીઝ. આપ સૌ સ્ટેજની નજીક આવી જાઓ. બસ થોડી જ ક્ષ્રણોમાં ધ મોસ્ટ એક્સાઈમેન્ટ એનાઉન્સમેન્ટ થવા જઈ રહ્યું છે. કન્ટ્રોલ યોર હાર્ટબીટ. કાઉંન્ટ ડાઉન સ્ટાર્ટ નાઉ... ટેન.. નાઈન.. એઈટ..

બધી જ લાઈટો ઓફ કરી દેવામાં આવી.

‘સેવન.. સિકસ.. ફાઈવ..ફોર...થ્રી.... ટુ...એન્ડ વન...’

તન્વીનું એનાઉન્સમેન્ટ પૂરું થયાની ક્ષ્રણે આકાશ ફાયરવર્કની ચકાચોંધ રોશનીના ઝગમગાટ અને ધ્વનિથી શોભીને ગુંજી ઉઠ્યું. મ્યુઝીકલ બેન્ડના જોરશોરના અવાજ સાથે ફક્ત સ્ટેજની મધ્યમમાં ઊભા રહેલા કપલ પર જ તેજ ફ્લેશ લાઈટનો ફોક્સ પડતાં જ....

અદ્દભુતઆશ્ચર્યથી અચંબિત થતાં સૌએ ગળું ફાડીને કરેલી ચીચયારી સાથેના આનંદઘોષથી સમગ્ર વાતાવરણમાં એક અકલ્પિત મજેદાર મસ્તીનું મોજું ફરી વળ્યું. પ્રત્યક્ષ પરિકલ્પના જેવું દ્રશ્ય જોઇને તન્વી પ્રતિમાની માફક સ્થિર થઈને ચોંટી ગઈ.

-વધુ આવતાં અને અંતિમ પ્રકરણમાં..