Buddy Bindi Wali Bandi - 3 - The last part books and stories free download online pdf in Gujarati

બડી બિંદી વાલી બંદી - 3 - છેલ્લો ભાગ

બડી બિંદી વાલી બંદી’

પ્રકરણ ત્રીજું /૩ (અંતિમ)


મંચની મધ્યમાં એકબીજાની નીતરતી લાગણીની ઉષ્માનો સંચાર કરતાં પરસ્પર તેઓની હથેળીઓ ગૂંથીને પરમાનંદની ક્ષણો માણતાં રજત અને સારિકા ઊભા હતાં.

રશ્મિ, ભાર્ગવી અને અનિકેતને પણ, અચાનક આ અકથનીય, અકપ્નીય નજારો દ્રશ્યમાન થતાં સૌ નિ:શબ્દ થઈને મોઢું અને ડોળા ફાડી, સ્ટેચ્યુ થઈને જોતાં જ રહી ગયાં.

શરમાતાં શરમાતાં સારિકાએ તન્વી તરફ નજર કરતાં જ તન્વીએ દોડતાં આવીને
આનંદાશ્રુ સાથે સારિકાને બથ ભરી લીધી. આ આનંદાતિરેકની ઘડીના અનુભૂતિનો અનુવાદ કરવો બન્ને માટે અશક્ય તો હતું જ પણ, તન્વીની પરિકલ્પનાના પલડામાં આનંદ કરતાં આશ્ચર્યનું પલડું ભારે હતું. જીવનભર એક જ ગતિ અને દાયરાની પરિઘમાં ચાલી આવતી સારિકાની ધરબાયેલી ઊર્મીનો ગ્રાફ આટલી ઊંચાઈએ પણ જઈ શકશે, તેના અંશમાત્રનું અનુમાન પણ તન્વીને નહતું.

એક પછી એક રજતના સૌ મિત્રો, ફેમીલી મેમ્બર્સ સ્ટેજ પર આવી, ભાવવિભોર થઈ, રજતના ગળે વળગી, અભિનંદન અને શુભાશિષની વર્ષા સાથે ગદગદિત થઇ ગયાં.

અનિકેત, ભાર્ગવી અને રશ્મિ પણ સારિકા અને રજત બંન્નેનું મીઠા ઠપકા અને અત્યાનંદ સાથે અભિવાદન કરી, બન્નેને અભિનંદનના અધિકારી બનાવ્યા.

સંગીતની રોમાન્ટિક ધૂનો અને રોમાંચિત વાતાવરણ વચ્ચે મંચ પર અભિનંદન અને અભિવાદનનો અવિરત દોર ચાલુ હતો. ત્યાં એક તરફ રશ્મિ, તન્વી, ભાર્ગવી અને અનિકેત સૌ એકબીજાના ચહેરા પરના આશ્ચર્ય ચિન્હો ઉકેલવામાં ગુંચવાઈ ગયા.

‘તન્વી આઈ કાન્ટ બિલિવ ધીઝ. મારી લાઈફમાં આ હદની સરપ્રાઈઝ પ્રથમ વાર જોઈ રહી છું, છતાં’યે માનવામાં નથી આવી રહ્યું. સારિકાના ચહેરાની ખુશી અને ઉમળકો જોઇ, આજે હું બેહદ ખુશ છું. સાથે સાથે થોડો રંજ પણ છે કે, આ સારિકાને હું કેમ ન ઓળખી શકી ?’
ભીની આંખે રશ્મિ બોલી.

‘યુ આર રાઈટ આંટી, મમ્મી હંમેશા તેની ચૂંટેલી ઉર્મિઓને શબ્દોમાં ઉછરતી રહી. એ આશામાં કે, જરૂર એક દિવસ લીલાછમ્મ થતાં લાગણીના છોડમાં વ્હાલની વસંત જરૂર આવશે. બાવીસ વર્ષની તપસ્યા જેવી સળંગ કારાવાસની પાનખર પસાર કર્યાના અંતે આજે મમ્મીની જિંદગાનીમાં વસંત આવી છે. એ હંમેશા એક જ આશામાં જીવતી કે, એક દિવસ તેના શબ્દોના નિરાકાર પાત્રને કોઈ તેના સંવેદનાના સ્પર્શથી આકાર આપી, અપ્રત્યક્ષ પ્રાણ પૂરીને નવજીવન બક્ષશે. અને સાચું કહું આંટી, જો મમ્મી લખતી ન હોત તો......માત્ર જીવતી હોત, જીવંત નહીં. એક નવજાત શિશુની માફક મમ્મીએ તેના સર્જનનું જતન કર્યું છે. મમ્મીએ તેની કવિતાને એટલો પ્રેમ કર્યો છે જાણે કે, તે તેના અંગનો કોઈ અંશ હોય. શબ્દ જ મમ્મીની સંજીવની છે. અને આજે મને એવું લાગે છે કે,, જાણે ઈશ્વરે ફ્રી ઓફ ચાર્જ અનલીમીટેડ આશીર્વાદના પેકેજની ઓફર આપીને બમ્પર પ્રાઈઝ જેવું સમગ્ર સંસારનું સુખ મારી ઝોળીમાં ભરી દીધું હોય.’

આટલું બોલીને તન્વી સજળનેત્રે રશ્મિને ભેટી પડી.

ધીમે ધીમે સમય પસાર થતાં સૌ મહેમાન ડીનર લઈ, સારિકા અને રજત સાથે અભિનંદન અને આભારના આદાનપ્રદાન સાથે છુટા પડ્યા.

ત્યારબાદ અગિયાર વાગ્યા પછી તન્વી, સારિકા, રજત, રશ્મિ, અનિકેત અને ભાર્ગવી સૌ રાઉન્ડમાં ખુરશીઓ ગોઠવીને બેસતાં રશ્મિ બોલી,

‘અરે.. તમે બન્ને તો ખરેખર ખરા છુપા રુસ્તમ નીકળ્યાં હો. માનવું પડે. પણ હવે આ હવે સુપર સિક્રેટ જેવી વેબસીરીઝના સસ્પેન્સનો ખુલાશો કરીને કહો કે, કવિ અને કવિતાનો સંગમ ક્યાં અને કેવી રીતે થયો ?
એટલે સારિકા અને રજત બન્ને એકબીજાની સામું જોઇને હસ્યાં પછી રજત બોલ્યાં, ‘પણ સૌથી પહેલાં એ કહોને કે આ સંગમસ્થાન તરફ સૌ પહેલાં અંગુલીનિર્દેશ કરવાનો કાંકરીચાળો કરવાનો વિચાર કોને આવ્યો હતો ? ત્યારબાદ એક પછી એક આ સંગમશ્રુંખલાની કડીના પડદા પાછળના કિરદાર સામે આવતાં જશે.’

આટલું સાંભળતા સારિકા અને રજત સિવાય સૌ એકબીજાની સામે જોવા લાગ્યાં.
અંતે રશ્મિએ તન્વી તરફ ઈશારો કરતાં તન્વી બોલી..

‘જે દિવસે મમ્મીને મારી જાણ બહારના તેના ગતકાલીન વિષે પૂછતાં, મમ્મીએ પ્રથમવાર મારી જોડે એક અરસાથી અજનબીની માફક મારાથી અળગા રાખેલા તેના અતિતથી મને અવગત કરાવી, તે દિવસે જ મેં મનોમન એવું પ્રણ લીધેલું કે, સમયના થર સાથે તેની સજ્જડ થઇ ગયેલી શિથિલ સંવેદનાના સંચાર માટે હું શક્ય હોય ત્યાં સુધી કંઈપણ કરી છૂટીશ. અને જોગાનુજોગ તેના બીજા જ દિવસે, ભાર્ગવી અને અનિકેત સાથે થયેલી મારી ઔપચારિક મુલાકાત માત્ર બે-ચાર દિવસોમાં ગાઢ મિત્રતામાં તબદીલ થઇ. એ પછીની અમારી મુલાકાતમાં મેં રજત સરની પર્સનલ લાઈફ વિષે પૂછતાં ભાર્ગવીએ ટૂંકમાં સરની અંગત ઓળખનું જે શબ્દ નિરૂપણ કર્યું તેનાથી આસ્થા સાથે સરની એક વંદનીય વ્યક્તિત્વની છબી મારા માનસપટલ પર ઉપસી આવી.’
‘મારી વાત પૂરી કર્યા પછી હું એવું ઈચ્છું છું કે, એ વાત રજત સર તેમના શબ્દોમાં આપણી વચ્ચે શેર કરશે. પણ, મને સરની એક વાત ખુબ સ્પર્શી ગઈ, તે હતી તેમની સાહિત્ય પ્રત્યેની રુચિ અને ઊંડી સુઝબુઝ. ભાર્ગવીની વાત પરથી એ જાણવા મળ્યું કે, આ જોબ તો તે ફક્ત તે તેના આર્થિક નિર્વાહ માટે જ કરે છે પણ, તેનો ખરો અને પ્રથમપ્રેમ તો સાહિત્ય જ છે. તેમનું ખુબ સારું એવું સાહિત્ય મિત્રવર્તુળ પણ ખરું. એટલે તરત જ મને એવો વિચાર આવ્યો કે, મમ્મીની અપેક્ષા મુજબ તેની રચનાનો ભાવનુવાદ રજત સર કરી આપે તો.... ? કદાચને મમ્મીને તેની કલાનો માંનોવાંછિત નિસ્વાર્થ અને નિસંદેહ કદરદાન મળી જાય અને જીવન જીવવા અને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલી જાય. પણ... હું સરને મમ્મીની રચના કઈ રીતે આપું ? અને આપીને કહું પણ શું ? સર મારાં વિષે શું વિચારે ?
અને મમ્મીની રજામંદી વગર તેની રચના સરને આપું અને મમ્મીનું કોઈ ઉલટું રીએક્શન આવે તો ? આવી કંઇક અસમંજસ વચ્ચે મને યાદ આવ્યાં રશ્મિ આંટી.’


બીજા દિવસે રશ્મિ આંટીને મળી, આ પઝલ જેવી મથામણ શેર કરીને કોઈ આસાન રસ્તો કાઢવાની રીક્વેસ્ટ કરી. હવે આગળની વાત રશ્મિ આંટી કંટીન્યુ કરશે.’

સારિકા અને રજત બંનેને નજીક લાવવા માટે ઘડાયેલી રૂપરેખાના પ્રારંભિક પ્રસ્તાવનાની અસ્ખલિત પ્રસ્તુતિ બાદ ગળું સુકાઈ જતાં તન્વી એકી શ્વાસે અડધી વોટર બોટલ પાણી ગટગટાવી ગઈ.

હવે પછી આગળના વૃતાંતનો દોર સંભાળતા હસતાં હસતાં રશ્મિ બોલી,

‘જયારે તન્વીએ મારી સામે આ વાત રજુ કરી ત્યારે હું હસવાં લાગી, એટલે તન્વીને નવાઈ લાગતાં પૂછ્યું કે, આ તો બગાસા ખાતાં મોં માં પતાસું પડ્યું એવો ઘાટ થયો. કેમ કે અવારનવાર સાહિત્યના ફંકશનમાં મુલાકાત થતાં હું અને રજત એકબીજાથી ખુબ સારી રીતે પરિચિત હતાં. અને આ મલ્ટીટેલેન્ટેડ રજતની એક ખૂબી ખુબ જ ટચી છે, તે એક ખુબ સારો સંચાલક પણ છે. તેનો ઘેઘૂર અવાજ એકવાર તમારા કાનમાં ઘોળાઈ જાય પછી તમે એ અવાજના આશિક થઇ જાઓ તેમાં બેમત નથી. એ પછી તન્વીએ સારિકાના રચનાની ફોટોકોપી મને આપી. મેં કહ્યું કે હું પ્રયત્ન કરીશ કેમ કે રજત અને સારિકા બન્નેના મૂળભૂત સ્વભાવથી હું સારી રીતે પરિચિત હતી. બન્ને વર્ષોથી તેના જન્મજાત ગુણધર્મને વળગી રહેતાં તેમના અંગત જીવનની આસપાસ કવચ જેવી એક એવી લક્ષ્મણ રેખા ખેંચી રાખી હતી કે, તેને પાર કરવાનો વિચાર સુધ્ધાં કોઈ ન કરી શકે.’

‘એ પછી મેં રજતની મુલાકાત લઈ, સારિકાની અનામી રચનાઓ તેની સામે ધરતાં એવી રજૂઆત કરી કે, કોઈ અજ્ઞાતની રચનાઓ છે, તમે જો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આ રચનાઓનું ભાવવાહી ભાવનુવાદ કરી, સાર્વજનિક કરો તો કદાચ આ રચનાના મૂળ સર્જક સુધી આપણે પહોંચી શકીએ. કોણ છે ? કોની રચના છે ? તેનાથી હું બિલકુલ અજાણ છું. પણ આઈ એમ શ્યોર કે તમારી અનન્ય સાહિત્યશૈલીના ભાવાનુવાદથી આપણે આ રચયતાનું પગેરું મળ્યાં પછી, તેનો સંપર્ક કરી, તેમની આ સજર્નશક્તિ અને સર્જક બન્નેનું સન્માન કરી શકીએ.’

‘હવે સર્જકનું પગેરું શોધતાં શોધતાં તેની કઈ છુપી શક્તિથી, કઈ રીતે રજતે સર્જકનો સંપર્ક કરવાના સ્થાને આધિપ્તિત્ય જમાવી, તેનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું એ રહસ્યની રજૂઆત હવે રજત તેની આગવી અદામાં કહેશે તો જ વધુ મજા પડશે.’

આટલું બોલીને રશ્મિએ તેની વાત પૂરી કરી એટલે રજત સિવાય સૌ એ આ વાતને વધાવતાં તાળીઓ પાડી. રજત, સારિકા તરફ ઈશારો કરતાં બોલ્યો,

‘પહેલે આપ.’
‘જી પહેલે આપ.’ શરમની આડમાં હસતાં હસતાં સારિકા બોલી.

એટલે ગળું ખંખેરતા રજત બોલ્યો,

‘સૌ પ્રથમ તો તન્વીએ કહ્યું એમ, ભાર્ગવીએ તન્વી સાથે મારી જે પર્સનલ લાઈફની જે વિગત શેર કરી એ વિષે કહું તો, હું વિધુર છું. આજથી બાવીસ વર્ષ પહેલાં હું અને અંકિતા બન્ને રાજીખુશથી એરેન્જ્ડ મેરેજ દ્વારા લગ્નગ્રંથિથી જોડાયેલાં. પણ શાયદ અમારું ખુશહાલ દાંપત્યજીવન વિધાતાને મંજૂર નહીં હોય.. એટલે લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલાં જ અંતિમ સ્ટેજ પર પહોંચી ગયેલાં બ્રેઈન ટ્યુમરના જીવલેણ રોગે અંકિતાનો ભોગ લઇ લીધો. અને અંકિતાની અણધારી એક્ઝીટ સાથે અમારી જોડી ખંડિત થઇ ગઈ. કુદરતનો એ કારમો વજ્રઘાત હતો. તેની કળ વળતાં ખાસ્સો સમય પસાર થઇ ગયો. બધું ભૂલી, ફરીથી કોઈ મનગમતી જીવનસંગીનીને હમસફર બનાવી, જીવનને નવપલ્લવિત કરવાની સલાહ અવાર-નવાર ફેમીલી અને ફ્રેન્ડસ તરફથી મળતી રહેતી, પણ, દર વખતે મારો એક જ અટલ અને અફર ઉત્તર હતો કે, ધર્મપત્ની તરીકે અંકિતાનું સ્થાન આજીવન અબાધિત રહેશે. ત્યારબાદ મેં એ લગાવના ઘાવની રૂઝ માટે રુખ કરી, સાહિત્યસૃષ્ટિ તરફ. પણ અંકિતાનું સ્થાન હમેશાં રિક્ત અને સુરક્ષિત રહ્યું.

આટલું બોલતાં ભાવાવેશમાં આવતાં રજતનો સ્વર ગળગળો થઇ ગયો અને સ્વ. અંકિતા સાથે તેના અખંડ અનુબંધની અનુભૂતિનો સૌને અહેસાસ થતાં સૌના આંખોની કોર પણ ભીની થઇ ગઈ. સારિકાએ વોટર બોટલ રજતના હાથમાં આપી. પાણી પીધા પછી રજત આગળ બોલ્યો.

‘રશ્મિએ જયારે મને કવિતાની ફોટોકોપી આપ્યાં પછી લગાતાર ફુરસતના સમયે બે દિવસ સુધી એ રચનાઓ વાંચી, તેનું અધ્યન કરતો રહ્યો. એક એક શેરમાં ખુજ ગહન પૂર્વકનું ઊંડાણ હતું. રચનાના શબ્દોમાં રચયતાનું સોહાર્દ પણ ઉકેલાતું હતું.
એ પછી તે સઘળી રચનાનું વિશેષ વિશ્લેષણ કરીને તેના સારાંશના સંદર્ભમાં એક એક શેર ટાંકીને ‘ કાવ્યદ્રષ્ટિ ‘ પેઈજમાં પોસ્ટ કરી. અને રશ્મિને જાણ કરી. નાઉ ઓવર ટુ સારિકા.’

હવે સંગમશ્રુંખલાની અંતિમ કડીના અનુસંધાનને જોડવાની જવાબદારી રજતે સારિકાને સોંપી.

શરમાતાં શરમાતાં સારિકા બોલી,
‘હું શું બોલું ?’

‘તે હમણાં સ્ટેજ પર સરેઆમ કેટરીનાને આંટી મારે એવી બિન્દાસ કેટવોક કરી બતાવ્યું ને એ. શરમની પૂછડી.’ સારિકાના ગાલ ખેંચતા રશ્મિ બોલી.

ત્યાં આનંદવિભોરના અતિરેકથી ખુશખુશાલ તન્વીએ પૂછ્યું.
‘મમ્મી આજે આ જીવનની સર્વોત્તમ ખુશીની ઘડીમાં સૌથી વધુ મને શું ટચ કરી ગયું કહું ?

‘ શું ?’
સારિકાએ પૂછતાં સૌ અધીરાઈથી તન્વી તરફ જોતાં તન્વી બોલી.

‘તારો એ જ સદાબહાર લૂક.. એ જ સુતરાઉ સાડી, લાંબો ચોટલો અને જ ઓલ ટાઈમ આઇડેન્ટિટી જેવો બીગ ચાંદલો. રીઅલી આઈ લવ ઈટ.’

‘આજે તે આ જ લૂકમાં આવશે એવી સારિકાની પ્રથમ શરત હતી.’ રજત બોલ્યો.
‘આજે મારી આ સ્ટ્રોબેરી જેવી મીઠડી સારિકાને જોઇને મને ફિલ્મ ‘પરદેશ’નો સંવાદ યાદ આવી ગયો..

‘કોઈ પ્યાર કરે તો વો હમસે કરે, હમ જૈસે હે વૈસે કરે, અગર કોઈ બદલ કે પ્યાર કરે તો વો પ્યાર નહીં સૌદા કરે.’
‘ચલ હવે ઝડપથી તમારાં અમરપ્રેમનો અંતિમ અધ્યાય પૂરો કર, તો સૌને ખબર પડે કે આ રજતે બ્રહ્માસ્ત્ર જેવું એવું કયું પ્રેમબાણ છોડ્યું કે આ ‘ભૂલભુલૈયા’ ની મંજુલિકા રજત આગળ મિયાંની મીંદડી થઇ ગઈ.’

રશ્મિની આવી રમુજી કોમેન્ટ સાંભળીને સૌ હસીને લોટપોટ થઇ ગયા.
થોડીવાર પછી સારિકા બોલી,

‘જે દિવસે રશ્મિએ તે પેઇજની પોસ્ટ મને ટેગ કરી તે જોઇને હું ખુદ એ અસમંજસમાં પડી ગઈ કે, આશ્ચર્ય અનુભવું કે અચરજ ? અને મને સૌથી વધુ તાજ્જુબ એ વાતનું હતું કે, આ ‘મુસાફિર ’ મારી રચના કરતાં મને વધુ પિછાણે છે. એટલે મેં આભાર માનીને તેમનો પરિચય આપવા માટેનો મેસેજ કર્યો. તેની થોડીવાર પછી ફરી રશ્મિએ ટેગ કરેલી પોસ્ટ પર મારી નજર પડતાં મારી ધારણાને સચોટ આધાર મળ્યો. કેમ કે રજતે પોસ્ટ મુક્યાની બીજી જ મીનીટે રશ્મિએ તે પોસ્ટ મને ટેગ કરી હતી. એટલે કયાંય ને ક્યાંય આ પ્રાયોજિત લાગતાં કાર્યક્રમની રશ્મિ સ્પોન્સર છે, એવી શંકા ગઈ. બીજા જ દિવસે ‘મિ. મુસાફિર’ નો ફોર્મલ મેસેજ આવ્યો. ત્યારબાદ એ સિલસિલો એકાદ વીક ચાલ્યો...અપરિચિત બનીને. છેવટે એક દિવસ આ મહાશયને હળવો આંચકો આપતાં મેં કહ્યું કે, મિસ્ટર હું આપની રીસ્પેક્ટ કરું છું, પણ આ રચનાઓ આપે ક્યાંથી મેળવી એ કહો તો આપણો પરિચય વધુ પારદર્શક બની શકે. પણ.. આ કલાકાર તો રશ્મિએ આપેલી સ્ક્રિપ્ટનું જ રટણ કરી અજાણ બનીને ગલ્લા તલ્લા કરતાં રહ્યા. એટલે મેં અંધારામાં તીર મારતાં કહ્યું કે, અચ્છા એક કામ કરો આપ આપનો કિંમતી સમય ફાળવીને રૂબરૂ મળી શકો એમ હોય તો મારે મારી બીજી રચનાઓ પણ આપને આપવી છે. અને બે દિવસ પછી નિર્ધારિત કરેલાં સમય અને સ્થળ પર મળ્યાં પણ...’

આગળ બોલતા સારિકા અટકી ગઈ...

એટલે ભાર્ગવી બોલી..
‘કેમ શું થયું ? કેમ અટકી ગયા ? આગળ બોલોને પ્લીઝ. આપ બન્નેની સ્ટોરી સાંભળીને તો કડકડતી શિયાળાની ઠંડીમાં પણ ગરમાવો આવી ગયો.’

રજતની સામે જોઇને સારિકાએ પૂછ્યું.. ‘કહી દઉં ?
સસ્મિત રજત બોલ્યાં.. ‘ બિન્દાસ,’

‘ઓહ્હહ.. અરે.. ઓ હરખ ઘેલી કહ્યાગરી આદર્શ ભારતીય નારી. હવે ફાલતું ફૂટેજ ખાધા વગર એઇટીઝની સારિકામાંથી ટ્વેંટીઝની પ્રિયંકા બનીને નેસ્કટ એપિસોડનું ટેલીકાસ્ટ જલ્દી કર અને કલાઇમેકસ પર આવ. નહીં તો ઘરે મારો ઘરવાળો ઠંડીમાં એકલો ઠુંઠવાઈ જશે.’
રશ્મિ તેના અસલી અંદાજમાં આવતાં સૌ હસતાં હસતાં શરમાઈ ગયા.

‘અરે ના.. ના.. ક્લાઈમેક્સ તો હું લાવીશ.’ અનિકેતની સામું જોઇને ભાર્ગવી બોલી.
સૌ આશ્ચયચકિત થઈને ભાર્ગવી સામું જોઈ રહ્યાં, એટલે ભાર્ગવી, સારિકાને સંબોધતા બોલી..

‘પ્લીઝ... આંટી તમે કંટીન્યુ કરો.. હું છેલ્લે મારી વાત કહીશ.’
એટલે તન્વી અને અનિકેત બન્ને આશ્ચર્યભાવથી એકબીજાની સામું જોતા રહ્યા.

હવે સારિકા તેના અને રજતની પ્રથમ મુલાકાતનું શબ્દ:શ વર્ણન કરવા, વાતનો દોર આગળ ધપાવતા બોલી....

‘ગોલ્ડન પ્લાઝા મોલના સેવન્થ ફ્લોર પરના ફૂડ ઝોનની ‘ઇવનિંગ પોસ્ટ’ કોફી શોપમાં જે ક્ષ્રણે અમારા બન્નેની નજર મળી...દસથી પંદર સેકંડ સુધી બન્ને નિ:શબ્દ રહ્યાં. કારણ હતું બન્નેની સાદગી. અને પછી એ અહેસાસ થયો કે એકબીજાની નજરો મળી નહતી, પણ એકબીજામાં એક્બીજાની નજરો પડી હતી. ‘હાઈ’, ‘હેલ્લો’ ના સર્વ સામાન્ય ઔપચારિકતાથી શરુ થયેલો સાહિત્ય વિષયક સંવાદનો સિલસિલો અગાઉથી નિર્ધારિત એક કલાકના સમયગાળાને બદલે પોણા બે કલાકને અંતે પૂરો થયો. એ વાર્તાલાપ દરમિયાન મેં રજતની પારદર્શિતાને માપવા અણધાર્યું નિવેદન કર્યું કે, મિ. રજત હવે આપની જાણકારી માટે કહી દઉં કે આ તમામ રચના મારા કહેવાથી રશ્મિએ તમને પહોંચાડી છે. બોલો હવે કશું કહેવું છે, તમારે ?

મારું વાક્ય પૂરું થતાં બીજી જ પળે રશ્મિનું નામ સાંભળતાં જેવી રજતની આંખો પહોળી થઇ ત્યાં જ હું સમજી ગઈ કે આ ખુરાફાતી આઈડિયા રશ્મિ બદમાશ સિવાય કોઈ ન કરી શકે, અને મારું એ અનુમાન સાચું ઠર્યું. અને મેં અત્ઠે ગત્ઠે મારેલું તીર ઠીક ટાર્ગેટ પર જઈને જ લાગ્યું.’

આટલું સાંભળતા સૌ અચરજના આંચકા સાથે ચોંકી ગયા.

પછી સ્હેજ થોથવાતા રજત બોલ્યો..

‘પણ.. પણ.. તો મને વિશ્વાસમાં લઈ, રશ્મિએ આ વાત મારાથી કેમ છુપાવી ?
એટલે હું ખડખડાટ હસતાં હસતાં બોલી... ‘ કોણ રશ્મિ ?
અને પછી તો રજતના ચહેરાનો જે રંગ ઉડ્યો, એ જોઇને હું એટલી હસી હતી કે વાત ન પૂછો.’

‘રશ્મિનું ચરિત્ર સ્પષ્ટ થઇ જતાં હવે શંકાની સોય વળી તન્વી તરફ, કારણ કે તન્વીએ મને એકવાર પૂછ્યું હતું કે, તારી આ રચના વિષે બીજું કોણ જાણે છે ? ત્યારે મેં રશ્મિનું નામ આપેલું. એટલે લીંક મળી ગઈ કે, રશ્મિ પાસે મારી રચનાઓ ક્યાંથી આવી. એટલે આ મેલોડ્રામામાં રશ્મિ સાથે તન્વીની શું સહિયારી ભૂમિકા છે એ જાણવા બીજું તીર છોડતાં મેં રજતને પૂછ્યું,

‘આપ, તન્વી મલ્હોત્રા નામની કોઈ વ્યક્તિને ઓળખો છો ? ‘

આટલું સાંભળતા તો રજત લીટરલી ચેર પરથી ઊભો થઇ જતાં બોલ્યો..
‘આપ.. આપ.. કોણ છો ? આપ કોઈ સિક્રેટ એજન્સી અથવા સી.બી.આઈ. ઓફિસર તો નથી ને ?

રજતના આશ્ચર્યજનક વર્તન અને પ્રશ્નાર્થથી સારિકાને અત્યંત નવાઈ લાગતાં પૂછ્યું,
‘કેમ ? શું થયું ?
એટલે રજત બોલ્યો...

‘તન્વી મલ્હોત્રા તો મારી આસિસ્ટન્ટ છે, પણ આપ તન્વી મલ્હોત્રાને કઈ રીતે ઓળખો ?

રજતના આ સવાલની સામે સારિકાના ઉત્તર પછી, સારિકા અને રજત એક થવાના નિર્ણય સુધી કઈ રીતે આવ્યાં હશે, હવે તે વાતનું અનુમાન આંકવું આસાન હતું.

બધા જ બૂત બનીને સારિકાને સાંભળી રહ્યા હતા... સૌના ચહેરાના હાવભાવ જોવા જેવા હતાં..

‘તમને લાગે છે હજુ મારે આગળ કશું બોલવાની જરૂર ખરી ? સારિકા બોલી..

‘અરે પણ એ તો કહે કે, અમને સૌને આટલાં સમય સુધી કેમ અને કઈ રીતે અંધારામાં રાખ્યા ?

સારિકાની સામે જોઇને રજત બોલ્યાં..

‘અમે બન્નેએ એવું નક્કી કર્યું હતું કે, ગેમ તમે સ્ટાર્ટ કરી, ઓવર અમે કરીશું, અને એ પણ અમારી સ્ટાઈલમાં.’

‘શાંત પાણી ઊંડા હોય. કહેવત સાંભળી હતી પણ આટલાં ઊંડા હોય એ નહતી ખબર યાર.’
ચેર પરથી ઊભા થતાં રશ્મિ આગળ બોલી..

‘અલ્યા આ તો આંધળાપાટો બાંધ્યો અમને અને રમ્યા તમે. તારી કવિતા અને આ કવિએ તો બંધ બારણે મેરેથોન જેવો મુશાયરો ચલાવ્યો હો, બાકી કેવું પડે.’
સારિકાને તાલી મારતાં રશ્મિએ વાત પૂરી કરી.

‘મમ્મી પણ હવે એ વાત કહે કે, તમારાં વચ્ચે કયુ કારણ કોમન લાગ્યું કે, જેના આધારે આપ બંને આ નિર્ણય માટે એકમત થયાં ?

સારિકાએ રજત તરફ જોતાં થોડીવાર ચુપ રહ્યા પછી, રજત બોલ્યા,

‘ખાસ કરીને કહું તો, છેલ્લાં એક મહિનામાં અમે બન્નેએ શબ્દો કરતાં વર્ષોથી અમારા તપ જેવા મૌનના મર્મને જ મમળાવતાં રહ્યાં. અને બંધ મુઠ્ઠી જેવી એક ઘટના જેના વિષે ફક્ત ને ફક્ત સારિકા જ જાણે છે, જેના વિષે સારિકાએ કહ્યું હતું કે, આજના દિવસ પછી તે સૌની વચ્ચે શેર કરશે.’

અધીરાઈ સાથે તન્વીએ સવાલ કર્યો,
‘મમ્મી, કઈ વાત છે એ ?

થોડી ક્ષ્રણો ચુપ રહીને સારિકા બોલી,

‘સાચું કહું તો આટલાં વષો જે રીતે પાગલપનની હદ સુધી મેં મારી, કવિતાને પ્રેમ કર્યો એ જોતાં કોઈને લાગે કે, મારું ચસકી ગયું લાગે છે. મારી બે દાયકાની એકલતામાં કલાકો સુધી હું જાતને ભૂલી જતી, મારી કવિતાના જતનમાં. કેમ આટલો પ્રેમ ? એવું તે શું છે મારી કવિતામાં ? કોઈ કીમતી જણસ હોય એમ કેમ કયારેય કોઈની જોડે શેર નહ’તી કરતી, મારી કવિતા ?
પછી થોડીવાર ચુપ રહીને તન્વી સામે જોઇને બોલી,

‘જાણે છે કવિતા એટલે શું ? કવિતા કોણ છે ? કવિતા.....તન્વી, તારા જન્મના એક વર્ષ બાદ તારા પપ્પાના ઝેરથી પણ કડવાં અને ધગધગતાં સીસું જેવા શબ્દોથી મારા કાનમાં પડઘાતા પડઘાનો અસહ્ય આઘાત મારાથી ન જીરવાતા અંતે કઠણ કાળજુ પણ ચિરાઈ જાય એવી પીડા સાથે મેં મારા ઉદરમાં ઉછરી રહેલાં માસુમ અને કુમળા એક મહિનનાના અંશનો કારમી ચીસ સાથે ગર્ભપાત કરાવ્યો હતો.... જેનું મેં નામ રાખ્યું હતું...... ‘કવિતા.’ ’

સારિકાનું આ વાક્ય પૂરું થતાં આસપાસ ઠંડીના સુસવાટા સાથે સન્નાટાના સુનામીનું મોજું ફરી વળ્યું.
સૌ સ્તબ્ધ થઇ ગયાં. તન્વીના ચક્ષુ નીતરતાં રહ્યા. સારિકાનું ગળું ભરાઈ આવ્યું. રશ્મિએ સારિકાને ભેટીને સાંત્વના આપતાં પાણી પીવડાવ્યું. ભાર્ગવી અને અનિકેત પણ આ દર્દીલી દાસ્તાન સાંભળીને સૂન થઇ ગયાં.

આજે તન્વીને સારિકાના કવિતા પ્રત્યેના પ્રેમની ચરમસીમાનો મર્મ સમજાયો.
વાતાવરણ હળવું કરવાં રશ્મિ બોલી..

‘ચલો, હવે એ કહો કે તમારા બન્ને માંથી સૌ પહેલાં એ થ્રી મેજિક વર્ડ્સ કોણ બોલ્યું હતું ? પહેલાં પહેલ કોણે કરી હતી ?

એટલે સારિકા અને રજત બન્ને એકબીજા સામું જોઇને હસવાં લાગ્યા.
‘કેમ હસવું આવ્યું ? કે પછી આમાં પણ કંઈ નવું સસ્પેન્સ છે ? રશ્મિએ પૂછ્યું
‘સસ્પેન્સ નહીં પણ..સપનું છે. હવે એ વાત રજત કહેશે.’ સારિકા બોલી.

‘સાચું કહું તો, અમે બન્ને રોજ પ્રતિક્ષા કરતાં કે કોણ પહેલાં હૈયેથી હોઠે આવેલાં સ્નેહસ્પંદનને શબ્દસ્થ કરે. અને એક દિવસ મારી ચેમ્બરમાં આ વાતની અસમંજસમાં આંખો મીંચીને ચેર પર બેઠો હતો ત્યાં.. સરી પડ્યો એક સ્વપ્નમાં...


‘મુઝે કુછ કહેના હૈ.’
‘મુઝે ભી કુછ કહેના હૈ.’
‘પહેલે તુમ,’
‘પહેલે તુમ.’
‘તુમ.’
‘તુ,,,,,’ હજુ સોંગ આગળ કંટીન્યુ પ્લે થાય ત્યાં જ ચેમ્બરમાં એન્ટર થયેલી અજાણી છોકરી ટેબલ પર મૂકેલાં પોર્ટેબલ મ્યુઝીક સિસ્ટમને ઓફ કરતાં સ્હેજ ગુસ્સામાં બોલી...
‘પૂછી શકું કે, આઆ.....આ શું ફિલ્મીવેડા માંડ્યા છે ?
‘વ્હોટ ડુ યુ મીન ? તું કહેવાં શું માંગે છે ? રજતે પૂછ્યું..
‘ઓ યસ, હું પણ એ જ કહી રહી છું મહાશય, આ લખનૌના લખણ ઝળકાવ્યા વગર જે હોય એ કહી દયોને, સાફ સાફ શબ્દોમાં જે કહેવું હોય એ. કે પછી એકલા એકલા આંધળોપાટો રમીને તમે તમારી જાતને છેતરી તો નથી રહ્યા ને ?
બે મિનીટ ચુપ રહીને હતાશાના સ્વરમાં રજત બોલ્યો..

‘હા, કંઇક એવું છે. પણ, સાચું કહું તો..હવે મારામાં હિંમત નથી...કદાચને અપેક્ષા વિરુદ્ધનો પ્રત્યુતર મળ્યો તો...હવે આ ઉંમરે હું તૂટી જઈશ..વિખેરાઈ જઈશ.’

રજતનું વાક્ય સાંભળ્યા બાદ તાળીઓ પડતાંની સાથે એ અજાણી છોકરી બોલી.. ‘શાબાશ’
પછી બીજી જ પળે ગુસ્સામાં ઝડપથી ચેમ્બરનું ડોર ઓપન કરીને બહાર જતી રહી...

અચાનક ધડામ દઈને પટકાયેલા ડોરના આભાસી અવાજથી .. રજતની આંખ ઉઘડી ત્યારે...ભાન થયું કે...એ વાસ્તવિક નહીં પણ સ્વપનસૃષ્ટિમાં રાચતો હતો..


‘એ અજાણી છોકરી કોણ હતી, મને કઈ યાદ નથી.. પણ પછી મેં નક્કી કર્યું અને તે દિવસની સંધ્યાએ...સારિકા સાથે સરપ્રાઈઝ મુલાકાત કરી હિંમત સાથે પ્રસ્તાવ મુક્યો કે..’

રજતની વાત અદ્દ્ધવચ્ચેથી કાપતાં રશ્મિ બોલી...

‘અરે.. એક મિનીટ. આ રીતે નહીં... એ લાઈક નેવર બીફોર જેવી રોમાન્ટિક મોમેન્ટને લાઈવ..કરીને બતાવો ચલો..’
સૌ એ તાળીઓથી રશ્મિની વાતને વધાવી લેતા

સારિકા અને રજત સૌની વચ્ચે આવી, રજત અદ્દલ ફિલ્મી સ્ટાઈલમાં એક પગે ઘૂંટણીયે પડી, સારિકાની હથેળી તેની હથેળીમાં લઈને બોલ્યો..



‘સારિકા.... એક અરસાથી ચૂંટીને સંઘરી રાખેલા પૂજનના પાવન પુષ્પો જેવા શબ્દ સંપુટના શબ્દસેતુ અને સમય, સંજોગના સુનિયોજિત સંકલનથી ગૂંથાઈને સંકળાયેલા સુંદર સ્નેહસાનિધ્ય માટે શતાયુ સુધી કરેલાં સજદાના સંકલ્પ માટે
મને હાથ અને સાથ આપીને તારા સ્પંદન. સંવેદના અને સ્પર્શના સાથીદાર બનવાનું મારું સ્વપ્ન સાકાર કરીશ ?’

અને....આ સાથે સારિકાએ શરમાઈને તેનો ચહેરો રજતની છાતી પર ઢાળી દીધો.
આ દ્રશ્ય જોઇને તન્વી અપારઆનંદના અહેસાસની અનુભૂતિથી અભિભૂત થઇ ગઈ હતી.

શબ્દસાધક રજતે તેની શબ્દસિદ્ધિથી શબ્દસામ્રાજ્ઞી સારિકાની સુક્ષ્મ અને શુષ્ક સંવેદનાને શબ્દ સંજીવનીથી સજીવન કરી, આગવી અદાથી જે રીતે નવપ્રફુલ્લિત કરી હતી તે મધુર મિલનની મંગલઘડીને સૌ હર્ષાશ્રુ સાથે કયાંય સુધી તાળીઓના ગડગડાટથી વધવાતા રહ્યાં.

થોડીવાર પછી તન્વી રજત અને સારિકાને તરફ જોઇને બોલી..

‘આપ બન્નેના સૌભાગ્ય સંધાનનું એક એકસમાન સબબ છે, તમારાં બન્નેની એક અરસાથી સમાંતર ચાલી આવતી અવિભાજ્ય એકલતાની સમરસતા. મમ્મી આજે મને તારા પ્રેમના પરિભાષાનો પરિચય આપતાં પત્થરની લકીર જેવા શબ્દો સાંભરે છે..
સપૂર્ણ હોય કે અપૂર્ણ પણ પ્રેમના ક્યારેય પ્રદર્શન ન હોય. એ નિરાકાર, નિ:શબ્દ અને નિરંકુશ સ્નેહને ફક્ત માણી શકાય, વર્ણવી ન શકાય.’

સમય જોતાં રજતની સામે જોઇને રશ્મિ બોલી..

‘ઓહ્હ માય ગોડ... દોઢ વાગી ગયો...ઓ સારિકા નારાયણ હવે આ આઠમાં અજુબા જેવી પ્રેમકથાનું સમાપન કરો તો પ્રસાદી લઈને જલ્દી સૌ સૌના ઘર તરફ પ્રયાણ કરીએ.’

‘એક મિનીટ.. એક મિનીટ...’ મારે કૈક કહેવું છે. અને આઈ થીન્ક કે, આ શ્રેષ્ઠ અવસર છે.’ ભાર્ગવી હાથ ઉંચો કરતાં બોલી.

‘સૌ સ્ટેજ પર આવો,’
એવું ભાર્ગવી બોલી એટલે સૌ જીજ્ઞાસાવશ એકબીજાની સામું જોતાં સ્ટેજ પર આવ્યાં.

સૌ ભાર્ગવીની સામે ઊભા રહ્યાં એટલે ભાર્ગવી બોલી..

‘રજત અંકલ અને સારિકા આંટી હવે આપ બન્ને.... તન્વી અને અનિકેતને આશિર્વાદ સાથે અનુમતિ આપો એટલે...તેઓ પણ તેના પ્રણયકથાની પ્રસ્તાવના લખે.’

ભાર્ગવીનું અનિર્ણિત નોબેલ પારિતોષિકની ઉદ્દઘોષણા જેવું નિવેદન સાંભળીને સૌ સુખદ આઘાતના આંચકાથી ચોંકી ઉઠ્યા. તન્વીએ સારિકાની પીઠ પાછળ શરમના શેરડાથી તેનો લાલ થયેલો ચહેરો છુપાવી દીધો..

‘આ.. લ્લે લે, આ તો એક જ ઘોડે બે વરરાજા પરણી ગ્યા.’
ખડખડાટ હસતાં રશ્મિ બોલી.

ભાર્ગવીએ તક જોઇને ભાંડો ફોડી નાખતાં તન્વીએ ભાર્ગવી સામે ડોળા કાઢીને સ્મિત સાથે મીઠો ગુસ્સો કરતાં અને અનિકેતે શરમાતાં, સારિકા, રજત અને રશ્મિના ચરણ સ્પર્શ કરી, આશિર્વચન સાથે અભિનંદનના અધિકારી બન્યા.’

‘હવે છેલ્લે મને સાંભળી લો.. પછી આપણે છુટા પડીએ...’ રશ્મિ બોલી..
સારિકાની સામે જોઇને રશ્મિએ પૂછ્યું...

‘સારિકા કોલેજમાં તું ગબ્બરની જેમ ક્યા નામથી પ્રચલિત હતી એ કહી દઉં ?
સારિકા બોલે એ પહેલાં રજત બોલ્યા.. ‘આજે તો બિન્દાસ કહી જ દયો.’

એટલે તાનમાં આવતાં તેમના અને સારિકાના કોલેજના ગોલ્ડન મેમરીઝ જેવા દિવસોના સંસ્મરણને શેર કરતાં રશ્મિએ બોલવાનું શરુ કર્યું,

‘અરે આ..જલેબી જેવી સીધી સારિકા, કોલેજમાં તેની હાઈટ તથા અલગ તરી આવતી ઈમેજ સાથે જીદ્દી અને સ્હેજ આકરા સ્વભાવના કારણે જલ્દી કોઈ તેની પડખે ચડવાની હિંમત કરતાં પહેલાં દસ વાર વિચારે. આજે આ શાંત અને માસૂમ લાગતી એક સમયે કોલેજમાં દબંગ છાપ ધરાવતી સારિકાને સૌ પીઠ પાછળ

‘બડી બિંદી વાલી બંદી’ કહીને ચીડવતા.

‘એ પછી એક જોરદાર રમુજી કિસ્સો થઈ ગયેલો. કોલેજના ફર્સ્ટ યરમાં, ફર્સ્ટ બેન્ચ પર બેસતો પેલો ચસ્મીસ, પઢાકુ માસ્ટર, શું નામ હતું તેનું......?
‘હા.. યાદ આવ્યું, કિરણ જોશી. એ કાર્ટુન આ સારિકા સાથે ખુબ માન અને ઈજ્જત્તથી વાતો કરતો. અને એ એક જ સારિકાને ‘ બડી બિંદી વાલી દીદી.’ કહેતો
તેથી આ સારિકાને પણ એ શરીફ લાગતો.
‘અને એક દિવસ ક્લાસમાં હું અને બીજા દસથી બાર ગર્લ્સ અને બોય્સ ટોળે વળીને બેઠાં હતા, સારિકા તે દીવસે કોલેજ નહતી આવી. ત્યાં ટોળામાંથી મદન માલવિયાએ કિરણ જોશીને પૂછ્યું કે,’
‘એ કિરણ કાકડી, તું કોલેજની બધી જ ગર્લ્સને દીદી કહીને કેમ બોલાવે છે ?
એટલે ઢીલાં પેન્ટ સાથે ચશ્માં ચડાવતાં કિરણ બોલ્યો,
‘દીદી કહેવાથી આપણી નિયત સાફ રહે એટલે.’
એટલે માંડ માંડ હસવું રોકતાં મદન માલવિયા બોલ્યો...
‘અલ્યા, મધ્યસ્થીના મહારથી, તારી નિયતનું તો સમજ્યા પણ, તારા બાપની નિયતનું શું સમજવું. ?
મદનનો જવાબ સાંભળીને જે અમે સૌ પેટ પકડીને હસ્યાં છીએ...હજુ આજે પણ એ દ્રશ્ય યાદ આવે છે, તો હસવું નથી રોકાતું,’
રશ્મિએ જે રીતે તેની લાક્ષણિક અદામાં એ રમુજી કિસ્સાનું શબ્દ:શ વર્ણન કર્યું એ સાંભળતા સૌ હસીને બેવડા વળી ગયા ત્યાં રશ્મિ ફરી બોલી,

‘અરે... હજુ કલાઈમેકસ તો સાંભળો... મદન, કિરણ માટે જે ‘મધ્યસ્થીના મહારથી’ શબ્દ બોલ્યો એ મને સમજણ ન પડતાં મેં પૂછ્યું તો બોલ્યો,
‘પાંચ અને સાત વચ્ચેનો, જન્મજાત મધ્યસ્થી.’
‘એટલે મારાથી બોલાઈ ગયું....ઓ..... તારીની... આ કિરણ જોશી તો... કરણ જોહરની કાસ્ટનો નીકળ્યો. અને પછી શું હસ્યાં છીએ... બાપ રે.. પેટમાં દુઃખી આવ્યું’તું.’

અને ફરી એકવાર હાસ્યના મોજા ફરી વળ્યાં પછી...અંતે

શિયાળાના ઠંડીની નીરવ શાંતિમાં ક્યાંય સુધી સૌનું હાસ્ય પડઘાતું રહ્યું અને...આજના આ પર્વ જેવા અવસર પર પૂર્ણવિરામ મુકીને સારિકા, રજત, તન્વી અને અનિકેત સૌ એ જીવનક્રમના નવજીવન પથ પર પગરવ માંડતા હર્ષોલ્લાસ સાથે પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણનો પ્રારંભ કર્યો.


સમાપ્ત.

-વિજય રાવલ
vijayraval1011@yahoo.com
૯૮૨૫૩ ૬૪૪૮૪