Dhritarashtra's Shool Shaiya. books and stories free download online pdf in Gujarati

ધૃતરાષ્ટ્રની શૂળ શૈયા.


અમાસનો અંધકાર દીશાઓમાં વ્યાપી ગયો હતો. કોઈ નવ યૌવનાએ આંજેલા કાજલ ભાંતી અંધકાર સમયને ડરાવી રહ્યો હતો . ટમ ટમ કરતા તારલાઓ પણ અમાસના પ્રભાવ ને ઓછો કરી શકતા ન હતા. ચો તરફ સ્મશાન વત શાંતિ હતી. પવનના સુસવાટા દિશાઓને વધુ ડરામણી બનાવી રહયાં હતાં. પવનમાં સમાયેલી શીતળતા અગ્નિદાહ સમાન લાગતી હતી.

લથળતા પગે રાજા ધૃતરાષ્ટ્ર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યાં હતાં. માથા પર મુકુટની શોભના સ્થાને ખુલ્લા વાળનું સામ્રાજ્ય હતું. જન્મવત નિસ્તેજ આંખો પર અશ્રુધારાઓનું આધિપત્ય હતું. વસ્ત્રો વેર વિખેર હતાં. ઉતાવળના લીધે કદાચ ચરણ પાદુકા રાજ મહેલમાં જ રહી ગઈ હતી. મદિરાના નશાની માફક લથળતા પગને પાદુકાનો અભાવ લેશ પણ જણાતો ન હતો. અમાપ અંધકારમાં વિરાટ રાજાનું વિકરાળ સ્વરૂપ દેખાય રહ્યું હતું.

" કુંતી....."
" પ્રણીપાત મહારાજ."
" સાંભળ્યું તે? વાસુદેવ શ્રી કૃષ્ણની નારાયણી સેના કૌરવ તરફથી યુદ્ધ કરશે."
" હા મહારાજ."
" કૌરવોનો વિજય નિશ્ચિત છે."
" મહારાજ વાસુદેવ ખુદ પાંડવો ના પક્ષમાં છે."
" હા પણ નિશસ્ત્ર."
" મહારાજ સમગ્ર આર્યાવ્રત ભલી ભાંતી જાણે છે કે જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે."
" કુંતી....."

જ્યોતિષ શાળામાં યુદ્ધ નું પરિણામ જાણીને આવ્યાં છતાં મહારાજ ધૃતરાષ્ટ્ર હદયને નારાયણી સેનાનો દિલાસો આપી રહ્યાં. હદયની વાત લોચન માને ખરા! અશ્રુની ખારાશ કંઈ આક્રંદને સાંતા આપી શકે ખરા! ધૃતરાષ્ટ્ર ની આંખો સમીપ તો હર હંમેશ અંધકાર હતો. છતાં પણ અંધકારમાય અંધકારની પ્રતીતિ થઈ રહી હતી.

" મહારાજ આ યુદ્ધ કોઈ સન્માન કે સંપત્તિ માટે નથી. અપમાન અને પ્રતિશોધ માટે છે. ધર્મ અને અધર્મ માટે છે."
" અપમાન ! ચોપાટમાં સર્વસ્વ હારી ગયા એમાં દુર્યોધનનો શો દોષ."
" પ્રપંચ અને છલ ના સહારે થયેલા અપમાનનો બદલો તો અવસ્ય લેવાશે. કુરુવંશનો કોઈ જ દીપક પ્રજલિત નહિ રહે. અહીં આ શિવાલયમાં એક સો એક દીપ પ્રગટાવી રહી છું. જેમ જેમ તમારા પુત્રોનો વધ થશે એમ આ દીપમાળા ના દીપ બુઝાતા જશે."
" કુંતી...."

ઇન્દ્રના વજ્ર સમાન છાતી ધરાવતો ધૃતરાષ્ટ્ર પામર જણાયો. એના બાહુમાં સો સો હાથીઓનું બલ હતું પરંતુ કુંતી સમક્ષ તો લાચાર અને નિર્બળ જ લાગ્યો. યુદ્ધનું પરિણામ તો એને ખબર હતી આ તો ખાલી આક્રંદ કરતા હદયને શાંત કરવા નો વાર્તાલાપ હતો. કુંતીએ પ્રગટાવેલા દીપનો દાહ એના અંગે અંગને દઝાવી હયો. પરંતુ અંદર પ્રગટેલા દાવાનળ કરતાં દીપનો તાપ શીતળ હતો.પોતાના સંતાન ની સુરક્ષા માટે એ આજ લાચાર હતો.સર્વસ્વ ફના થવા જઈ રહ્યું હતું. ધૃતરાષ્ટ્ર ના હદયમાં ધર્મ સંઘરાયેલો હતો. પરંતુ નાળિયેરનું પાણી ખુદ ચાહે તો પણ બહાર ન આવી શકે એ રીતે અધર્મના પ્રભાવ ની સામે ધર્મ મૌન હતો.

મૌન અને લાચાર ધૃતરાષ્ટ્ર મહેલ તરફ વળ્યો. અર્ધ રાત્રી થઈ ચૂકી હતી. દ્વારપાળો ના માન અને સન્માન ધૃતરાષ્ટ્ર ના કર્ણ સુધી પહોંચતા ન હતાં. થર થર કંપતા પગથી ધરતી ધ્રુજી રહી હતી. દિશાઓ ભેંકાર ભાંસતી હતી. આત્મદાહ ચરમ સીમા પર હતો. અશ્રુ સાગર અવિરત હતો . બારી પર લગાવેલ ઝાલરમાં પવન અટવાયને ડરામણો થઈ જતો. પરંતુ મૃત્યુનાં ભયથી કંપતા ધૃતરાષ્ટ્ર ને એ ભય સ્પર્શી ન શક્યો. નયનો અગ્નિ સમાન તપી રહ્યા હતાં. ભવિષ્યની પ્રતિતી વર્તમાનને દુઃખ દાયી બનાવી રહી હતી. પોતાના અધર્મ ને પામી ચૂકેલા ધૃતરાષ્ટ્ ને પોતાનાં કક્ષમાં પણ શાંતિ ન હતી.

સતા અને સામ્રાજ્ય આજ ધૃતરાષ્ટ્ર ને પરવશ કરી રહ્યાં હતાં. પુત્ર પ્રેમ અધર્મ આચરવા તરફ લઈ ગયો. એ જ અધર્મ આજ એના અને પરિવારના વિનાશ નું કરણ બની રહ્યો. આત્માને ઉથલાવતા પણ એક આગ જ મળી. મંથનનો વ્યર્થ પ્રયત્ન એને જ ઓગળી ગયો. કુંતીએ પ્રગટાવેલ દીપના તાપની પોતાના કક્ષ માં અનુભૂતિ કરી રહ્યો. ચો તરફ થી " અધર્મ.... અધર્મ...."ના સુરો સંભળાઈ રહ્યા. વિનાશનો ડંકો એના કર્ણ ની સમિપ વાગી રહ્યો.

કક્ષના સુવર્ણ સ્તંભો પરની કોતરણી હૈયા ઉપર કોતરાઈ ગઈ. મૃત્યુ શૈયા એના સમીપ લાગી. ધીમે ધીમે ડગલાં ભરતો સમ્રાટ પોતાની શૈયા પાસે પહોંચ્યો. મખમલી મુલાયમ ગાલિચો પથ્થર કરતા પણ કઠોર લાગ્યો. વિચલિત થયેલા મનને અને ભયથી વિલોપાત કરતા શરીરને આ કોમળ શૈયા કઈ રીતે શાંતિ આપશે!

લાચાર મહારાજ બચવાના પ્રયત્નો ફંફોળી રહ્યાં. પરંતુ હાથમાંથી સરતી રેતી માફક બધી જ કોશિષ વ્યર્થ નીકળી. હસ્તીનાપુરના શૌર્ય અને પરાક્રમની બરોબરી સમગ્ર આર્યાવ્રત માં કોઈ ના કરી શકે છતાં આજ સમયનું વિકરાળ મોજું વિનાશ બનીને હસ્તીનાપુરના દ્વારે ઉભું હતું.

ગંધ ને સ્પર્શથી ઓળખનારો બાજુમાં સુતેલી ગંધારીને પણ ન ઓળખી શક્યો.

" આર્ય, શું થયું?"
" ચારે તરફ વિનાશ દેખાય છે. સર્વસ્વ ફના થઈ રહ્યું હોવાની પ્રતીતિ થાય છે. પાંડવોનો પ્રતિશોધ કુરુવંશ ના ધ્વજને ધ્વંશ કરી મુકશે."
" આર્ય, તમારા વલોપાત કરતા હૈયાને સાતા આપો આરામ કરો."
" ગાંધારી પુત્ર પ્રેમ મને શાંતિ નથી આપતો."

ધૃતરાષ્ટ્રે શૈયા પર લંબાવ્યું. પવનના પ્રભાવથી રણકતા ઝુમ્મરમાં સૈન્યનો હાહાકાર સંભળાયો. અંધકારની આદત વાળા લોચન પાછળ તડપતી, વલોપાત કરતી, પોતાની ઈજ્જતની ભીખ માંગતી પાંચાલી દેખાઈ. પાંડવોની દરિદ્રતા દેખાઈ. અધર્મી દુર્યોધન નું પ્રપંચ પાંડવ પુત્રોની દશામાં નૃત્ય કરી રહ્યું. ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર પોતાના ચાર ભાઈઓ સાથે નતમસ્તક ઉભો દેખાયો. સમગ્ર આર્યાવ્રત ની હાંસીનો અવાજ સંભળાય રહ્યો. પરંતુ એ હાસ્ય પાંડવોની દુર્દશાનું હતું કે કૌરવોના વિનાશનું એ નક્કી ન થઈ શક્યું.

એકાંત ધૃતરાષ્ટ્ર ને કોરી રહ્યું. ભવિષ્યની ભીતિ સતાવી રહી. ભિન્ન ભિન્ન ડરામણા અવાજ સંભળાય રહ્યાં.

" ગાંધારી જો આ યુદ્ધનો શંખ ફૂંકાયો."
" મહારાજ અસ્તિત્વનું સ્મરણ કરો, આપ સ્વકક્ષ માં છો."
" ગાંધારી, ગાંડીવથી વરસતા તીર નો વરસાદ સૈન્ય પર ભારી થઈ રહ્યો."
" મહારાજ વિશ્રામ કરો. થવાનું હશે એ થશે જ."

જે થવાનું છે એનો જ ભય મનને વ્યાકુળ બનાવતો હતો. ધૃતરાષ્ટ્ર ની છાતી પર ભગવાન શિવ તાંડવઃ કરી રહ્યા હતાં. દેવ, યક્ષ, કિન્નરો, ગાંધર્વ સર્વે મહારાજની મનોદશા પર હસી રહયા હતા. નગારા, શંખનો નાદ એના કાનમાં ગુંજી રહ્યોં હતો. પાર્થના બાણો ધૃતરાષ્ટ્ ની છાતી વીંધી રહયાં હતાં. બંધ આખો એ પોતાના પુત્રોનો વિનાશ સ્પષ્ટ દેખાય રહ્યોં હતો.

યુદ્ધનું મેદાન રક્તની ચાદર ઓઢીને સૂતું હોય એવું દેખાય રહ્યુ. સર્વત્ર હાહાકાર હતો. લાશોના ઢગલા નજર સામે દેખાય રહ્યાં. દુઃખ દર્દ થી કણસતા કૌરવોની ચીસો સંભળાય રહી.

મલ યુદ્ધ માટે આહવાહન આપતો ભીમ દેખાયો. દુર્યોધન અને ભીમ વચ્ચે ભયાનક મલ યુદ્ધ ખેલાય રહ્યું. બે ભાઈ એક બીજાના દુશ્મન થઈ રહ્યાં. ભીમની ગદાના હર એક પ્રહારે ધૃતરાષ્ટ્ર નો જીવ કપાતો. દુર્યોધન ની જાંઘ તોડવાના ભીમ ના પ્રણ ને યાદ કરતા જ પીડાથી ધૃતરાષ્ટ્ર ની છાતી ભરાઈ ગઈ. મોતને સમીપ નિહાળીને પાડેલી દુર્યોધન ની ચીખ સંભળાઈ રહી. મખમલી શૈયા પર સુતેલા ધૃતરાષ્ટ્ર ની પીઠમાં શૂળ ભોંકાઈ રહી. તંદ્રાવસ્થામાં જ મહારાજના મુખે થી ચીખ નીકળી :

" પુત્ર દુર્યોધન......"