A Allad girl books and stories free download online pdf in Gujarati

એ અલ્લડ છોકરી


ઢોલ અને શરણાઈના સુરો હજુ હમણાં બે કલાક પહેલા બંદ થયા હતાં. ઘરના મુખ્ય દરવાજે લીલુંછમ તોરણ બાંધેલું હતું. ઘરની બહાર ખોડેલા મંડપ ના થાંભલાઓ મંડપ વાળા લોકો ઉખાડી રહ્યાં હતાં. બે ચાર સ્ત્રીઓ ફળિયામાં ઉડેલા કાગળો, ચા અને સરબતના કપ ભેગા કરી રહી હતી, વાળી રહી હતી. મહેમાનો ની દોડ ધામ હતી. કોઈ પોતાની ગાડી સાફ કરી રહ્યું હતું તો કોઈ પોતાની બાઇકને પાર્કિંગમાં થી બહાર કાઢી રહ્યું હતું. જમવાના કાઉન્ટર, ટેબલ અને વાસણ આમથી આમ ફેંકાઈ રહ્યાં હતાં. કોઈ કોઈ જગ્યાએ મહેમાનો ટોળું વળીને વાતો કરી રહ્યાં હતાં.

થોડી વાર પહેલાં અહીં લગ્નનાં લાગણી સફર ગીતો ગવાઈ રહ્યાં હતાં. ફૂલોનો નવદંપતિ ઉપર વરસાદ વરસી રહ્યો હતો. મેકઅપ અને ઘરેણામાં અહીં સન્નારીઓ એક બીજા સાથે રૂપની સ્પર્ધા કરતી હતી. બધાના ચહેરા પર એક સુખદ સ્મિત હતું. લગ્ન પ્રસંગ નો આનંદ હતો. હૈયામાં હેત નો હરખ હતો. ખિલખિલાટ હાસ્ય અને માસ્કરી થી લગ્ન મંડપનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું.

જોત જોતામાં તો આખો મંડપ વિખાઈ ગયો. ફક્ત ઘાસનાં પૂળા થી સજાવેલુ વાંસનું ચોખટુ રહ્યું. જાજરમાન મંડપ સમયની સાથે વિલીન થઈ ગયો. ઘરના મુખ્ય રૂમમાં બેઠેલાં શાંતિલાલ પાસે લોકો જવાની આજ્ઞા માંગવા તો આવતા પરંતુ મંડપ પર સ્થિર થયેલી નજર અને વ્યાકુળ થયેલું મન કઈ પણ વિચાર કે શબ્દો વગર ખાલી માથું નમાવીને હા ભણી દેતા.

બે કલાક પહેલાં અહીં જાનની વિદાય થઈ હતી. હદયનો કટકો થોડી વાર પહેલા એમના હદયથી દૂર થયો હતો. વ્હાલ સોયી દીકરીને પારકા હાથમાં આપતા પિતાના હદયનો વલોપાત કદાચ કોઈ કલમ વર્ણવી શકે! એમની આંખ સામેં તો અલ્લડ છોકરી નિશા હજુ તરવરતી હતી.

આનંદ અને ઉલ્લાસમાં સમય ક્યાંરે સરી ગયો એની ખબર પડી. અને દિવસ આવીને ઉભો રહ્યો કે નિશાને હંમેશને માટે બીજા ઘરે જવાનું થયું. એના પા પા પગલી ભરતા કદમથી માંડી ને ઝાંઝરના ઝણકાર સુધીની સફર એક ફિલ્મની માફક શાંતિલાલની આંખ સામે ચાલી રહી.

" પાપા, હું તો તમારો દીકરો છું. એમ કઈ હું ક્યાંય જવાની નથી."

"દીકરા વાળીની આમ રસોડામાં ચાલ તો, નહિ તો તારી સાસુ મને મેણા મારશે કે માં કઈ શીખવ્યું નથી."

" અરે નિરાંત, આમ અધિરી ના થા. મારી દીકરીને એવા ઘરે વળાવશું જ્યાં આવી કોઈ જફા ના હોય, શું કેવું દીકરા...?"

" યસ પાપા, મમ્મા છે ને જ્યારે જુવો ત્યારે લગન લગન લાગી હોય છે."

"લગન વાળી, તારી માં પણ લગન કરીને આવી છે, તારો બાપ કઈ તને ઘરે બેસાડી નહિ રાખે."

" પાપા, આપડે એક કામ કારીશું, ઘર જમાઈ શોધીશું. કઈ ઝંઝટ નહીં. હું કાયમ તમારી સાથે."

શાંતિલાલની આંખમાંથી નિઃશબ્દ આંસુ વહી રહ્યાં. જીવથી પણ વ્હાલી દીકરી આજ એમનાથી દૂર થઈ ગઈ. પોતાના ઘરની શોભા આજ બીજાના ઘરની આબરૂ બની ગઈ. સ્વતંત્ર જીવનને ભોગવનારી નિશાને હવે મર્યાદાની બેડીમાં બંધાવુ પડશે. કઇ રીતે ત્યાં રહી શકશે? નિશાની રાહ જોઈ જોઈ ને રાત કાઢેલા બાપની આંખમાં નિશાની મજબુર છબી તરી આવી. શાંતિલાલે ઝડપથી વિચારોને ખંખેરી નાખ્યાં.

જેના ઝાંઝરના અવાજથી આખું ઘર ઝનઝણી ઉઠતું નિશા ના કદમ ની છાપ પણ આંગણે ક્યારેક પડશે વિચારથી શાંતિલાલનું મન ખૂબ વ્યગ્ર થઈ ઉઠયું. કોઈએ જીવ તો આપ્યો પણ પ્રાણ હરિ લીધા હોય એવું લાગ્યું ! કોઈએ ઉત્સવ તો આપ્યો પરંતુ ઉત્સવનું કારણ પાછું ખેંચી લીધું હોય એવું લાગ્યું ! કેટલા લાડ કોડ થી ઉછેરી હતી નિશાને. નાનપણમાં એની ડાહી ડાહી વાતો સાંભળીને એમનું હદય ઉત્સાહ થી ભરાય જતું. નોકરી પરથી આવે ત્યારે રોજે નિશા એક અલગ જગ્યાએ છુપાયેલી હોય અને એને શોધે કે તરત નિશા શાંતિલાલને એક વેલી ની માફક વળગી પડતી. બાપ દીકરીનું રોજનું મિલન જોવા સમય પણ ઘડી ભર ત્યાં રોકાઈ જતો. નિશા શાંતિલાલને એવી રીતે વળગી પડતી કે જાણે નોકરીથી લાવેલા થાકના પોટલાને પોતાના શિરે લઈ લેતી.

" સાંભળો છો, મહેમાનો ને સાંજે જમવાનું શું આપીશું?"

" નિરાંત, થોડી નિરાંતની પળો આપ મને, હમણાં કરી શું બધું."

નિશાની કાલી કલી ભાષામાં થતી વાતો શાંતિલાલ આંખ બંદ કરીને વાગોળતાં રહ્યાં. સમય પણ ક્યાં કોઈની રાહ જોઇને ઉભો રહે છે. એમના માનસ પટ પર હજુ નટખટ નિશા કુદી રહી હતી.

મમ્મી જોડે તો બારમો ચંદરમાં. ક્યારેય બને. ઘરમાં દોડા દોડી અને વસ્તુઓ જ્યાં ત્યાં ફગાવાની એનો દૈનિક ક્રમ. નટખટ હતી, અલ્ડ હતી, માયાળું હતી અને વ્હાલી પણ એટલી હતી ને ! સમયના બદલાતા સમીકરણ આજ નિશાને શાંતિલાલના જીવનમાંથી શેષ કરીને ચાલ્યા ગયાં.

" નિરાંત, નિશા ક્યારે મોટી થઈ ગઈ એની ખબર ના પડી."

" તો એવું હોય નિશાના પપ્પા કે દેવું અને દીકરી ક્યારે વધે એની ખબર ના પડે."

" હા સાચી વાત, કાલ સુધી મારા ખોળામાં રમતી આજ ઓસીયારી થઈ ને ચાલી ગઈ."

" ઓસીયારી શેની ? હજુ આપણે છીએ ને."

" હાં, પણ એના ઉપર હોવી આપણો કોઈ હક ના રહ્યોં ને."

" શું કામ ના રહે, મારી દીકરી છે ."

નિરાંતબેનની આંખો પણ આંસુ થી ભરાઈ ગઈ. હૈયું ગદગદ થઈ ગયું. વિદાયની વસમી વેળા નિરાંતબેનના હૈયાને ચીરીને નીકળી ગઈ. નિશાનું આક્રંદ હજુ પણ મંડપમાં ગુંજી રહ્યું હતું. દીવાલ પર પાડેલી નિશાના હાથની કંકુ છાપ એની હાજરીને હજુ પણ ઘરમાં નોંધાવી રહી હતી. સગા હાથે પોતાના હૈયાનો શણગાર ઉતારીને પારકાને આપ્યો હતો. એક માં ની મમતા અને હૈયાની વેદના કોણ સમજી શકે!!

શાંતિલાલ નિશાના નખરા અને અલ્લડ ટીંખલી હજુ ઘરના ખૂણે ખૂણે ફેલાયેલી જોઈ રહ્યાં. અલ્લડ છોકરી આજ થી એના બધા શોખ, બધા સપના, બધા અરમાન અહીં ઘરના ઉંબરે મૂકીને એક અજાણી સફર, અજાણ્યા રસ્તા પર કરવા ચાલી નીકળી. પિતાના નિર્દોષ પ્રેમને અધવચ્ચે છોડીને કોઈ બીજાનો હાથ પકડી લીધો. એક પિતાના હદય સાથે દીકરીના હદયની વ્યથા કેવી કંપારી ઉપજાવે એવી હશે!!! અલ્લડ છોકરી આજ માન અને મર્યાદાની કેદમાં પુરાયને કોઈ નવા ઘરની શોભા અને કોઈની પત્ની બની ગઈ.

* * *