Final Ashram - 4 books and stories free download online pdf in Gujarati

અંતિમ આશ્રમ - 4

રાકેશ ઠક્કર

પ્રકરણ-૪

ઉજેશભાઇને થયું કે અલ્પનાનું જ્યોતિષ જ્ઞાન એના જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થયું એ જાણતા પહેલાં પોતાના જીવન માટે મુશ્કેલી સર્જી જશે. અલ્પનાની પહેલી આગાહી જ ચોંકાવનારી હતી. બાળપણના લખવાના શોખને કારણે પોતે લેખક બનવાનો છે એવી આગાહી કરી છે. ઉજેશભાઇએ એને ખોટી ઠરાવવા કહ્યું:"બાળપણમાં તો બધાને જ લખવાનો શોખ હોય છે. અભ્યાસ કરતી વખતે તો લખવાનું જ વધારે હોય ને! અને હું તો મોટો થયા પછી બેંકની અને બીજી પરીક્ષાની નોકરી આપવા માટે પણ ઘણું વાંચતો અને લખતો હતો...."

ઉજેશભાઇ પોતાની વાતથી અલ્પનાની વાતને બીજા પાટા પર લઇ જવામાં સફળ રહ્યા. એને વધારે વિચારવાની કે ગણતરી કરવાની તક જ ન આપી.

અલ્પનાબેન ખસિયાણા પડી ગયા હોય એમ "એ વાત સાચી. તો હું મારી વાતમાં ક્યાં હતી?" કહી પોતાની વાત પર આવી ગયા. ઉજેશભાઇને થયું કે હવે અલ્પનાની વાત જલદી પતે તો સારું.

અલ્પનાએ પોતાની કથા આગળ ધપાવી:"વિહલનું ભવિષ્ય મને આંખ સામે દેખાતું હતું. અમારું લગ્ન જીવન લાંબું ચાલે એમ ન હતું. ગ્રહો સૂચવતા હતા કે અમારું લગ્નજીવન ટૂંકું રહેશે. હું વિધવા બની જઇશ. મારી આ વાતને પિતાએ ગણકારી નહીં. પિતાની લાગણી સામે મજબૂર હતી. મારા લગ્ન થઇ ગયા. મારી આગાહી મારા જીવનના પચાસમા વર્ષે સાચી પડી. એક અકસ્માતમાં વિહલનું મોત થયું અને હું વિધવા થઇ. ભલે મોડી તો મોડી આગાહી સાચી પડી. પણ એની ખુશી ન હતી. મારી કુંડળીમાં પચાસથી સાઇઠ વર્ષ સુધી લગ્નસુખ લખાયેલું નથી. એ પછી લગ્નના યોગ છે. તમને થતું હશે કે હું આવી વાત કેમ કરી રહી છું. પણ જે લખાયું હોય એ મિથ્યા થવાનું નથી. મારી કુંડળી કહે છે કે આ વર્ષે મારો લગ્નયોગ છે. અને મન કહે છે કે મને આ ગામમાંથી જીવનસાથી મળશે..."

ઉજેશભાઇને થયું કે અલ્પનાનો ઇશારો કોની તરફ છે? હું તો હજુ આજે જ આવ્યો છું. અલ્પનાના ચહેરા પર ખુશીની લાલી ફેલાઇ રહી હતી. તે કોઇ નવોઢાની જેમ શરમાઇ રહી હતી અને ઉજેશભાઇ પણ શરમ અનુભવી રહ્યા હતા.

અચાનક ઘડિયાળમાં જોઇને ઉજેશભાઇ બોલ્યા:"ઓહ! ઘણો સમય થઇ ગયો. ફરી મળીશું. હું ઘરે જઇ આરામ કરું. થાક લાગ્યો છે..."

ઉજેશભાઇને અલ્પનાની વાતો સાંભળીને ખરેખર થાક લાગ્યો હતો. પણ મનના છાના ખૂણે એક ખુશી હતી! એક સારું પાત્ર નવલકથા માટે મળી ગયું હોવાની જ સ્તો!

ઉજેશભાઇએ સાંજે ફરી 'વયવંદન જીવન આશ્રમ'ની ફાઇલ હાથમાં લીધી. એમાંથી અડસટ્ટે જ એક નામ પસંદ કર્યું. એ નામ હતું પરમાનંદનું. સામેના આવાસોની રૉમાં એ રહેતા હતા. આખા દિવસ દરમ્યાન એ બહાર નીકળતા જોવા મળ્યા ન હતા. એ પરથી એવું અનુમાન બાંધ્યું હતું કે પરમાનંદ ઓછાબોલા અને એકાંતવાસી હશે. જમવાનું આવવાની વાર હતી. આશ્રમના નિયમ પ્રમાણે જમીને બધાં સભ્યોએ પંદર મિનિટ ખુલ્લામાં ચાલવાનું હતું. જેને કોઇ કારણસર ઇચ્છા ના હોય એમણે ઘરમાં ટહેલવાનું હતું. ઉજેશભાઇને થયું કે રાત્રે કેટલા જણ ચાલવા આવે છે એની રાહ જોવાને બદલે એક પછી એકનો પરિચય મેળવી લેવો જોઇએ. તેમણે પરમાનંદના ઘરનો અડધો બંધ દરવાજો ખખડાવ્યો. અંદરથી જવાબ આવ્યો:"જે હોય તે આવી જાય...."

ઉજેશભાઇ દરવાજો ખોલીને અંદર જોવા લાગ્યા. બહારના રૂમમાં જ પરમાનંદ ઘૂંટણમાં પાટો બાંધીને બેઠેલા જોવા મળ્યા. તેમના હાથની આંગળીઓમાં માળા ફરી રહી હતી. પરમાનંદ પ્રભુ સ્મરણમાં લીન લાગ્યા. ઉજેશભાઇને થયું કે પાછા વળી જવું જોઇએ. એટલે બોલ્યા:"હું પછી આવું છું..."

"ભાઇ, આવો અને બેસો. આ તો નવરો બેઠો ભગવાનનું નામ લઉં છું. સંધ્યા કાળે અમુક માળા પૂરી કરવી એવું કોઇ વ્રત કે નિયમ નથી. શું નામ તમારું?"

"હું ઉજેશ રાજપરા. આજે જ આશ્રમમાં જોડાયો છું. બધાનો પરિચય મેળવી રહ્યો છું..."

"ભાઇ, પરિચય તો આપણે આપણો જ ક્યાં મેળવી શક્યા છે? આપણે જાતને ઓળખી શક્યા નથી. જીવનના કેટલાંય વર્ષો વીતી ગયા. જાતને ઓળખવા અંદર ડૂબકી મારવી પડે. હું થોડો આધ્યાત્મિક વિચારો ધરાવતો માણસ છું. આમ તો બધાં જ વૃધ્ધાવસ્થામાં ધાર્મિક થઇ જાય છે. યુવાવસ્થામાં પૈસા અને પ્રસિધ્ધિ પાછળ દોટ મૂકવામાં આપણે ઘણું ચૂકી ગયા હોય છે. ભગવાનને પણ ભૂલી જઇએ છીએ. એનું સાટું વાળવા જ ભગવાને આ વૃધ્ધાવસ્થા આપી છે. અને આ રીતે પગ ઘસાઇ જાય પછી તો આપણે નાછૂટકે સર્જનહારનું નામ લેવું જ પડે છે. અને એ જીવન ઉધ્ધાર માટે જરૂરી છે...."

"હું બેંકમાં છેલ્લે મેનેજર હતો. પહેલાં કેશિયર તરીકે રૂપિયા જ ગણતો હતો. આ વૃધ્ધાવસ્થામાં દિવસો ગણવાનો પણ કંટાળો આવે છે!" ઉમેશભાઇ હસ્યા.

પરમાનંદ માળાને બાજુના ટેબલ પર મૂકી હસીને બોલ્યા:"પણ બાજુમાં જો રૂપિયાની મોટી કડકડતી નોટ જેવી લોભામણી સ્ત્રી હોય તો કંટાળો ના આવે ખરું ને?!"

ઉજેશભાઇને થયું કે પરમાનંદ ભગવાનના નામની માળા જપે છે કે અલ્પનાના નામની? તેમની મજાક કરવાનું મન થયું પણ પહેલી મુલાકાતમાં એ યોગ્ય ના લાગ્યું.

"તમે અલ્પનાબેન વિશે વાત કરી રહ્યા છો?" ઉજેશભાઇએ સીધું પૂછી જ લીધું.

"તમે એક જ દિવસમાં બધાંને ઓળખી ગયા લાગો છો." ઉજેશભાઇનો જવાબ સાચો હોય એમ પરમાનંદ બોલ્યા.

પરમાનંદ સાથે થોડી ગપશપ કરીને ઉજેશભાઇ પોતાના નિવાસ પર આવ્યા. જમવાનું આવી ગયું હતું. જમીને ચાલવા નીકળ્યા. ચૌદમાંથી સાત જણ ચાલવા આવ્યા હતા. કેટલાકનો સમય આગળ-પાછળ થતો હોય શકે એમ વિચારી જે મળ્યા એમને ઓળખવાનો પ્રયત્ન કર્યો.

અલ્પના અને પરમાનંદ પછી જેમનો ટૂંક પરિચય થયો એ હતા કીકુભાઇ, નવરામભાઇ, હર્ષદભાઇ અને ગંગારામભાઇ. બધાં પોતપોતાની રીતે જિંદગી જીવી રહ્યા હતા.

ઉજેશભાઇને થોડા દિવસોના વસવાટમાં જે માહિતી મળી એ ચોંકાવનારી હતી. 'વયવંદન જીવન આશ્રમ' જે હેતુથી શરૂ કરવામાં આવ્યો છે એ બાજુ પર જ રહી ગયો છે. હસમુખભાઇએ વૃધ્ધોની એકલતા દૂર કરવા અને શાંતિપૂર્વક સુવિધાઓ સાથે જીવવા માટે આશ્રમ બનાવ્યો છે. અહીં તો આશ્રમના નિયમોનું દેખાડા માટે જ પાલન થતું હતું. હસમુખભાઇ એવા ભ્રમમાં લાગે છે કે તે વૃધ્ધો માટે એક સારો આશ્રમ બનાવીને સમાજ પર ઉપકાર કરી રહ્યા છે. અહીં તો કોઇ પોશ એરિયાની સોસાયટી જેવો માહોલ છે. હસમુખભાઇ નિયમિત મુલાકાતે આવતા નહીં હોય. એમને આ બાબતનો ઇશારો કરવો પડશે. અહીં એવું ઘણું બધું ચાલી રહ્યું છે જે નિયમોના ભંગ સમાન છે. ઉજેશભાઇને થયું કે પોતાની નવલકથામાં અપેક્ષા કરતાં વધુ રંગ ઉમેરાવાના છે. એમણે બધાં જ પાત્રોના નામ સાચા આપવાનું નક્કી કર્યું. આમ પણ અહીં એવી કોઇ વ્યક્તિ નથી જે મને ઓળખે છે. અને વાંચનનો શોખ કોઇને લાગતો નથી. અને કોઇ વ્યક્તિ આત્મકથા લખે ત્યારે મોટાભાગે સાચું જ લખે છે ને? એમાં તેના જીવનમાં આવનારી વ્યક્તિઓની પરવાનગી લેવાની રહેતી નથી કે આપણી વચ્ચેના પેલા પ્રસંગનો ઉલ્લેખ કરું કે નહીં? આત્મકથા લખનારની હિંમત પર એ વાતનો આધાર છે કે તે સત્યનો સામનો કરી શકે છે કે નહીં. હસમુખભાઇ સાથેની પહેલી મુલાકાત યાદ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમણે જે હેતુથી 'વયવંદન જીવન આશ્રમ' ની સ્થાપના કરી હતી એ બહારથી અલગ દેખાય છે પણ અંદરનું જીવન વૃધ્ધો પોતાની રીતથી જીવી રહ્યા છે. કેટલાક એવા વૃધ્ધો છે જે જૂઠું બોલીને આવ્યા છે. હસમુખભાઇએ કોઇની બરાબર તપાસ કરી નથી. એમના પર વિશ્વાસ મૂકીને અહીં પ્રવેશ આપી દીધો છે. હસમુખભાઇ બીજી કોઇ જગ્યાએ આવો આશ્રમ બનાવવા જઇ રહ્યા છે એટલે એમના મનમાં એમ જ હશે કે અહીં બધું બરાબર ચાલે છે. ઉજેશભાઇને થયું કે મારે એમને આ બાબતની જાણ કરવી જોઇએ.

બે દિવસ પછી ઉજેશભાઇએ નક્કી કર્યું કે હસમુખભાઇ અહીં આવતા નથી પણ એમને રૂબરૂ મળીને વાકેફ કરવા જોઇએ.

એ દિવસે ઉજેશભાઇ જ્યારે સુરતમાં આવેલી હસમુખભાઇની ઓફિસ પર પહોંચ્યા ત્યારે બહાર બે વૃધ્ધો તેમની રાહ જોતાં બેઠા હતા. ઉજેશભાઇને થયું કે 'વયવંદન જીવન આશ્રમ' ની માંગ વધારે છે. બંને વૃધ્ધોને મળ્યા પછી હસમુખભાઇએ ઉજેશભાઇને મુલાકાત આપી. ઉજેશભાઇને થયું કે હસમુખભાઇને કઇ રીતે વાત કરું? આખરે સ્પષ્ટવક્તા તરીકે ઉજેશભાઇએ કહી જ દીધું:"હસમુખભાઇ, હું તમને જાનગઢના 'વયવંદન જીવન આશ્રમ' વિશે વાત કરવા આવ્યો છું. તમે સમજો છો એવું ત્યાં ચાલી રહ્યું નથી. તમે વૃધ્ધો માટે જે હેતુથી આશ્રમ શરૂ કર્યો છે એ પાર પડી રહ્યો નથી. ત્યાં બીજું જ કંઇક ચાલી રહ્યું છે. જેમના સંતાનો છે, જીવનસાથી છે એવા લોકોએ પણ પ્રવેશ મેળવ્યો છે અને ત્યાં એમની હરકતો નવાઇ પમાડે એવી છે. કેટલાક તો કોઇ હોટલમાં રહેવા આવ્યા હોય એ રીતે રહે છે...."

ઉજેશભાઇને એમ થયું કે એમની વાત સાંભળીને હસમુખભાઇ ચોંકી જશે. પણ ચોંકવાનો વારો ઉજેશભાઇનો હતો. તે બોલ્યા:"ઉજેશભાઇ, મને બધી ખબર છે. અને તમે પણ કોઇ અલગ હેતુથી જ પ્રવેશ મેળવ્યો છે ને?"

હસમુખભાઇની આ વાત ઉજેશભાઇ માટે તમાચા સમાન હતી.

ક્રમશ: