Revenge 3rd Issue: - 21 - Final Part books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ તૃતીય અંક: - 21 - અંતિમ ભાગ

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-21

અંતિમ ભાગ

માધવપુર કિલ્લો, રાજસ્થાન

આદિત્યના ઓચિંતા આગમને આખી બાજી પલટી દીધી હતી. રાઘવે કરેલા પ્રહારથી જુનેદનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આધ્યાએ માથા પર ફટકારેલા લાકડાના લીધે યુસુફને પણ ગંભીર કહી શકાય એવી ઈજા પહોંચી હતી અને એ બેભાનવસ્થામાં સરી પડ્યો હતો. રાઘવની હાલત પણ ગંભીર હતી છતાં એનામાં હજુ જીવ બાકી હતો. જાનકીને હવે ધીરે-ધીરે કળ વળી રહી હતી.

"આદિત્ય, તું અહીં ક્યાંથી..?" આધ્યાએ આદિત્યને કરેલા આ પ્રશ્નનો ઉત્તર આપવાના બદલે આદિત્ય ક્રિસ્ટોફર, રેહાના અને જુમાનની તરફ આગળ વધ્યો.

"આદિત્ય...આદિ..." આદિત્ય વિધિ રોકવાના આશયથી વર્તુળ નજીક હજુ પહોંચ્યો જ હતો ત્યાં એના કાને જાનકીનો દબાયેલો અવાજ પડ્યો.

પોતે જેને જીવથી વધુ પ્રેમ કરતો હતો એ જાનકીનો કણસતો અવાજ સાંભળી આદિત્યના પગ આગળ વધતા અટકી ગયા. જાનકીની મદદ કરવા હેતુ આદિત્ય જાનકીની નજીક પહોંચ્યો.

"તું ઠીક તો છે ને..!" જાનકીના કપાળે પડેલા ઘામાંથી નીકળતા લોહીને આંગળીઓ વડે સાફ કરતા આદિત્ય ચિંતિત સ્વરે બોલ્યો.

"હું ઠીક છું...પણ તને ક્યાંથી ખબર કે અમે અહીં છીએ.?" જાનકીએ આદિત્યને પૂછ્યું.

આદિત્ય શું જવાબ આપે એ સાંભળવા આધ્યા પણ જાનકીની પાસે આવીને ઊભી રહી ગઈ.

"એ બધી ચર્ચા પછી કરીશું..પહેલા હું સમીર જીજુને બચાવી લઉં." આદિત્ય આટલું કહી વર્તુળ તરફ આગળ વધવા જતો હતો ત્યાં જાનકીએ એનો હાથ પકડી એને રોકતા કહ્યું.

"આદિ, એ લોકો બહુ ક્રૂર છે...તું એકલો કઈ રીતે એમનો મુકાબલો કરી શકીશ.?"

"માનવજાતની રક્ષા માટે એ લોકોને રોકવા જરૂરી છે..અને હું એ કામ કરી શકીશ એનો મને વિશ્વાસ છે કેમકે એ માટે જ મારો પુનર્જન્મ થયો છે." આદિત્યના આ શબ્દોમાં રહેલો ભેદ જાનકીને તો ના સમજાયો પણ આધ્યા જાણી ગઈ કે પોતાની અને સમીરની માફક આદિત્ય પણ એક પુનર્જન્મ છે..એ પણ જેવા તેવાનો નહિ પણ ગુરુ ભાનુનાથનો.

"જાનકી, જવા દે આદિત્યને...આદિત્યને તો શૈતાન ખુદ પણ હરાવી શકે એમ નથી તો પછી આ બધા લોકોની શું વિસાત..!" આધ્યાના આમ બોલતા જ જાનકીએ આદિત્યનો હાથ છોડી દીધો.

"હું જ્યાં સુધી મારુ કાર્ય પૂર્ણ ના કરું ત્યાં સુધી તમે આ બાકીના લોકોનું ધ્યાન રાખો." આધ્યા અને જાનકીને ઉદ્દેશીને આદિત્યએ ઘાયલ પડેલા યુસુફ, રાઘવ અને વલીદ ભણી ઈશારો કરતા કહ્યું.

પોતાની વાતનો એ બંને બહેનો શું પ્રતિભાવ આપે એ સાંભળવાની ચિંતા કર્યાં વિના જ આદિત્ય ક્રિસ્ટોફર, રેહાના અને જુમાન તરફ આગળ વધ્યો. એની ચાલમાં ગજબની મક્કમતા અને ચહેરા પર પોતાનું ધાર્યું કરવાનો નીર્ધાર હતો.

મધ્યરાત્રી થવામાં માંડ પંદરેક મિનિટનો સમય બાકી હતો એટલે આદિત્ય વધુ કંઈ વિચાર્યા વિના પહેલા સમીર તરફ અગ્રેસર થયો..પણ જેવું આદિત્યએ વિધિ માટે બનાવેલા વર્તુળમાં પગલું રાખ્યું એ સાથે જ કોઈ અદ્રશ્ય શક્તિએ એને ઉછાળીને દૂર ફેંકી દીધો.

નીચે પડેલો આદિત્ય ફટાફટ પોતાના પગ પર ઊભો થયો અને પુનઃ સમીર તરફ અગ્રેસર થયો. પણ આ વખતે સમીર વર્તુળ પહેલા અટક્યો અને આંખો બંધ કરી મંત્રોચ્ચાર કરવા લાગ્યો. આદિત્ય દ્વારા કરવામાં આવેલા આ મંત્રોચ્ચારની અસરરૂપે ક્રિસ્ટોફર દ્વારા બનાવવામાં આવેલા એ વર્તુળની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ.

આમ થતા જ આદિત્યએ સમીરની તરફ ડગ માંડ્યા..આદિત્ય સમીરથી ચાર-પાંચ ડગલા જ દૂર હતો ત્યાં રેહાના અને જુમાન કાલરાત્રીને જીવિત કરવા માટે કરવામાં આવતી વિધિ અટકાવીને આદિત્યને રોકવા મેદાને પડ્યા. ક્રિસ્ટોફર હજુ આંખો બંધ કરી શૈતાની શક્તિઓનું આહવાન કરી રહ્યો હતો.

એક વીજળી આદિત્યના પગ જોડે આવીને પડી, જેનાથી બચવા આદિત્ય કૂદકો મારી થોડે દુર ખસી ગયો.

"કોણ છે તું..?" રેહાનાએ ક્રુદ્ધ સ્વરમાં આદિત્યને સવાલ કર્યો. "તું અમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવવાની આશાએ આવ્યો હોય તો એ સમજી જજે કે આજે અમને તમારો ભગવાન પણ નહીં રોકી શકે."

પોતાને આગળ વધતો રોકવા સામે ઊભેલા રેહાના અને જુમાનને પગથી માથા સુધી જોતા આદિત્ય ખૂબ સાવધાની સાથે શરીર પરની ધૂળ ખંખેરતા ઊભો થયો.

"પૂછાયેલા પ્રશ્નનો પહેલા જવાબ આપ..તું કોઈ સામાન્ય મનુષ્ય નથી લાગતો. કેમકે, અહીં બનાવેલા વર્તુળમાં પ્રવેશવાની શક્તિ કોઈ સામાન્ય મનુષ્ય તો ના જ કરી શકે." જુમાને આદિત્ય તરફ જોતા કહ્યું.

"તમારે જાણવું જ છે કે હું કોણ છું...!" આદિત્ય આ પરિસ્થિતિમાં પણ હસી રહ્યો હતો એ જોઈ રેહાના અને જુમાન અચંબિત બની ગયા.

"આજથી બસો વર્ષ પહેલા જે ભાનુનાથ દ્વારા કુબા નામની પર્શિયન જાદુગરની અને તમારા આરાધ્ય એવા કાલરાત્રીનો વધ કરવામાં આવ્યો હતો એ ભાનુનાથનો હું પુનઃ અવતાર છું...સાથે-સાથે હું ચેરાબુઝ નામના મયાંગના મહાતાંત્રિકનો વંશજ અને શંકરનાથ પંડિતનો પૌત્ર છું."

આદિત્યના આ શબ્દો વજ્રઘાત હોય એમ જુમાન અને રેહાના એકબીજાનું મુખ તકવા લાગ્યા. જુમાન પંડિત શંકરનાથને સારી રીતે જાણતો હતો. ભારતની સાથે વિદેશોમાં પણ શૈતાની શક્તિઓને નાથવામાં શંકરનાથનો ફાળો ઘણો હતો એ હકીકતથી જુમાન વાકેફ હતો. જ્યારે કુબાનો અંત કરનારા ભાનુનાથ જોડે રેહાનાને અંગત દુશ્મની હતી.

આદિત્યનો ખાત્મો કરી પોતાની અંગત દુશ્મનાવટ પણ પૂર્ણ કરવાની ઈચ્છા હવે રેહાના અને જુમાન બંનેના મનમાં બળવત્તર બની. પોતાના કુળની શક્તિશાળી તાંત્રિક કુબાનો અંત કરનારા ભાનુનાથના પુનર્જન્મ એવા આદિત્યનો સફાયો કરવા રેહાનાએ વધુ સમય વ્યય કર્યાં વિના એક શક્તિશાળી અગનગોળો બનાવી એનો આદિત્ય તરફ પ્રહાર કર્યો.

આદિત્યએ પૂરી સિફતથી પોતાની તરફ વધતા અગનગોળાને અધવચ્ચે રોકી દીધો. રેહાનાએ કરેલા પ્રહારના પ્રત્યુત્તરમાં આદિત્યએ પોતાની શક્તિથી મદદથી એક લીલા રંગની શક્તિ રેહાના ભણી ફેંકી..જેને રોકવામાં રેહાના અસફળ રહી અને એ વિષધારી શક્તિએ ક્ષણમાં તો રેહાનાનો અંત કરી દીધો.

બસો વર્ષ બાદ સમયે પોતાની જાતને પુનરાવર્તિત કર્યો હતો..કુબાના ભાનુનાથ દ્વારા થયેલા અંત બાદ રેહાનાનો આદિત્યના હાથે થયેલો અંત એની મૂક સાક્ષી હતો.

પોતાની સામે ઊભેલી વ્યક્તિની શક્તિનો અંદાજો હવે જુમાનને આવી ગયો હતો. રેહાનાનો આટલી આસાનીથી ખાત્મો કરનારા વ્યક્તિની સામે પોતે ટક્કર નહિ લઈ શકે એ જાણતો હોવા છતાં, જુમાને કાલરાત્રીને પેદા કરવા માટે થઈ રહેલી વિધિની પુર્ણાહુતી માટે ક્રિસ્ટોફરને થોડો વધુ સમય મળી રહે એ આશયથી આદિત્યનો સામનો કરવા પોતાની જાતને તૈયાર કરી.

 

"હજુ કહું છું કે તું મારા રસ્તામાંથી ખસી જા..." આદિત્યએ જુમાનને લલકારતા કહ્યું. "નહીતો...તારો પણ અંજામ આના જેવો થશે."

 

અદિત્યની ધમકીથી જુમાન થોડો ડરી ગયો હતો પણ જાણે પોતાની ઉપર અદિત્યની ધમકીની કોઈ અસર જ ના થઈ હોય એવા નિર્લેપ ભાવ સાથે જુમાન આદિત્યની સામે ઊભો રહ્યો.

 

આદિત્ય પોતાની પર હુમલો કરે એ પહેલા જુમાને તંત્રની મદદથી આદિત્ય પર સર્પોની વર્ષા કરી દીધી. એ સર્પો આદિત્યને નુકશાન પહોંચડવાના બદલે પુષ્પ બની એની ઉપર વરસવા લાગ્યા. આ દ્રશ્ય વિસ્ફારીત આંખે જોઈ રહેલા જુમાનને ભારે અચરજ થઈ અને આઘાત પણ લાગ્યો.

 

જુમાન સાથે લડાઈમાં વધુ સમય બગાડવો ઉચિત નથી એ વાત સારી પેઠે જાણતા આદિત્યએ આંખો બંધ કરી અને પોતાના આરાધ્ય એવા ઘટોત્કચનું સ્મરણ કર્યું. આમ કરતા થોડી જ ક્ષણોમાં આદિત્યના હાથમાં એક કેસરી રંગની રોશનીનો ગોળો પ્રગટ થયો. આદિત્યએ એ ગોળાને પૂરા વેગથી જુમાન તરફ ફેંક્યો; જુમાને એ ગોળાને રોકવાની કોશિશ તો કરી પણ એ કોશિશ અસફળ રહી અને ગોળાની ટકકરથી જુમાન કિલ્લાની દીવાલ જોડે તીવ્રતાથી અફળાયો. આ અથડામણ એટલી તીવ્ર હતી કે જુમાનની ખોપડીનું કચ્ચરઘાણ નીકળી ગયું અને ક્ષણમાં એનો જીવ નીકળી ગયો.

 

રેહાના અને જુમાનને મોતને હવાલે કર્યાં બાદ આદિત્યએ સમીર તરફ પગલા ભર્યાં. મધરાત થવામાં બે મિનિટ બાકી હતી ત્યારે આદિત્યએ સમીર પર ઢાંકેલું કપડું ઉઠાવી લીધું. આમ થતા સમીર જાણે ઊંઘમાંથી જાગ્યો હોય એમ આંખો ખોલીને આશ્ચર્ય સાથે આદિત્ય તરફ જોઈ રહ્યો.

 

આદિત્યનો ચહેરો પોતાને કોઈકની યાદ અપાવતો હતો એવું સમીરને લાગ્યું..પણ એ ચોક્કસ કયાસ ના નીકાળી શક્યો કે પોતાની મદદે આવનાર આગંતુક બીજું કોઈ નહિ પણ ભાનુનાથનો પુનર્જન્મ છે.

 

મોં પર આંગળી મૂકી આદિત્યએ સમીરને ચૂપ રહેવાનો સંકેત કર્યો..અને ઊભા થઈને આધ્યા અને જાનકી ઊભી હતી તે તરફ જવા જણાવ્યું. સમીર કહ્યાગરા બાળકની માફક ઊભો થયો અને બિલ્લીપગે આધ્યા જ્યાં હતી તે તરફ અગ્રેસર થયો. સમીરને પોતાની તરફ આવતો જોઈ આધ્યા ખુશીથી દોડીને એને ભેટી પડી. સમીરે પણ આધ્યાનું કપાળ ચૂમીને એને હેતથી પોતાની બાહોમાં સમાવી લીધી.

 

અચાનક કંઈક ના બનવાનું બન્યું હોવાનો ખ્યાલ જ્યારે ક્રિસ્ટોફરને આવ્યો ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. કાલરાત્રીને જીવિત કરવાની વિધિ પૂરી થયા પહેલાની અમુક ક્ષણો પહેલા જ આદિત્યએ સમીરને એના સ્થાનેથી ઊભો કરીને ક્રિસ્ટોફરની સાથે જગતના તમામ શૈતાની સમુદાયોની મેલી મુરાદ પર ઠંડુ પાણી ફેરવી વાળ્યું હતું.

"શું થયું ભાઈ, તમારો શૈતાન જીવિત ના થયો..!" પોતાની તરફ જોઈ રહેલા ક્રિસ્ટોફર પર વ્યંગ કરતા આદિત્ય બોલ્યો.

"કોણ છે તું..સાલા હરામખોર, તે આ શું કરી દીધું..?" કાલરાત્રીની ખોપડી પર આવી રહેલી ત્વચા ગાયબ થઈ રહી હતી એ દ્રશ્ય જોતા ક્રિસ્ટોફરે આદિત્યને ઉદ્દશીને કહ્યું.

"મારી ઓળખાણ જોઈએ છે તારે ઇલ્યુમિનાટીના ક્રૂર હેવાન.." આદિત્યના અવાજમાં પણ ક્રોધ વર્તાતો હતો. "તમારા લોકોના લીધે જ ભારત અને અન્ય દેશોમાં ધર્માંતરણ વધ્યું છે..મારા દાદાજીએ તમારા એ ધર્માંતરણ સાથે લડત આપી અને તમારી ગણતરીઓ અવળી વાળવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. હું એ શંકરનાથ પંડિતનો પૌત્ર છું જેની આગળ તમારી તમામ શક્તિઓ વામણી સાબિત થઈ હતી."

"મારુ નામ આદિત્ય છે..હું એ ભાનુનાથનો પુનર્જન્મ છું જેને બસો વર્ષ પહેલા તમારા ઇષ્ટદેવ એવા કાલરાત્રીનો અંત કરવા પોતાનો જીવ કુરબાન કર્યો હતો. ટૂંકમાં હું તારો કાળ છું."

આદિત્યના ઉચ્ચારેલા આ શબ્દો શાંત વાતાવરણમાં, કિલ્લાની દીવાલો વચ્ચે પડઘાતા રહ્યા. આદિત્ય શંકરનાથનો પૌત્ર છે એ જાણ્યા બાદ ક્રિસ્ટોફરનું હૈયું પ્રતિશોધની ભાવનાથી ધગી ઉઠ્યું. જાણે કોઈએ અંતરમાં આગ લગાવી હોય એવી બળતરા અત્યારે ક્રિસ્ટોફર અનુભવી રહ્યો હતો. પોતાના પિતાની મોતનું કારણ આદિત્યના દાદા શંકરનાથ હતા એ વાતથી વાકેફ ક્રિસ્ટોફર આદિત્યને મારીને પોતાનો પ્રતિશોધ પૂરો કરવા ઉતાવળો બન્યો હતો.

નેકી અને બદીનો, અંધકાર અને અજવાસનો, શૈતાની શક્તિઓ અને ઈશ્વરીય શક્તિઓનો આ જંગ ક્રિસ્ટોફર માટે હવે અંગત પ્રતિશોધમાં ફેરવાઈ ચૂક્યો હતો. ક્રિસ્ટોફર ડેવિલ પ્રિસ્ટ હેલેથનનો પુત્ર છે એ બાબતથી અજાણ હોવા છતાં આદિત્યના મનમાં પણ ક્રિસ્ટોફરને તત્ક્ષણ મારવાનું ઝનૂન સવાર હતું.

આદિત્ય કંઈ કરે એ પહેલા તો ક્રિસ્ટોફરે ખૂબ જ ત્વરાથી એની ઉપર કંઈક શૈતાની દ્રવ્ય રેડીને એને બંધનમાં બાંધી દીધો. આદિત્યને સ્વબચાવનો કોઈ મોકો ના મળ્યો અને શક્તિશાળી શૈતાની શક્તિઓની કેદમાં એ સપડાઈ ગયો. ક્રિસ્ટોફરના હાથમાં આદિત્યને ખતમ કરવાની તક અનાયાસે જ આવી પહોંચી પણ એને આદિત્યને જણાવવું હતું કે પોતે કોણ છે.

 

"પંડિત શંકરનાથનો પૌત્ર...ભાનુનાથનો પુનર્જન્મ..હું તો ડરી ગયો હતો આ સાંભળી." આદિત્યની ફરતે ચક્કર લગાવતા ક્રિસ્ટોફર કટાક્ષમાં બોલ્યો.

"તે તારી તો ઓળખાણ આપી દીધી પણ તને હજુ મારી ઓળખ હોય એવું લાગતું નથી..પૂર્વના દેશોમાં ઇલ્યુમિનાટીની પ્રગતિ થાય, શૈતાનનું સામ્રાજ્ય સ્થપાય અને લોકો ભગવાનને ભૂલીને શૈતાનની આરાધના કરે એ મારો ધ્યેય છે. તારા દાદાના હાથે જેનું મોત થયું એ હેલેથન મારા પિતાજી હતા; હું તને મારીને મારો પ્રતિશોધ પૂર્ણ કરવા જઈ રહ્યો છું."

આટલું કહી ક્રિસ્ટોફર આદિત્યની સામે દસેક ડગલાં દૂર આવીને ઊભો રહ્યો અને મનોમન કંઈક મંત્ર બોલ્યો..આ દરમિયાન આદિત્યએ પોતાની જાતને કેદમાંથી મુક્ત કરવાની કોશિશ કરી પણ એ વ્યર્થ નીવડી.

જેવી ક્રિસ્ટોફરે આંખો ખોલી એ સાથે જ એના જમણા હાથમાં એક સફેદ રંગની શક્તિ પ્રગટ થઈ. પોતાનું મોત નજરો સમક્ષ હોવા છતાં અદિત્યની આંખોમાં સહેજ પણ ડર નહોતો, નિર્લેપ ભાવે એ જાણે મોતને આમંત્રણ આપી રહ્યો હોય એવું એના ચહેરા પરથી પ્રતીત થતું હતું. કાલરાત્રીને અવતરિત કરવાની વિધિ અટકાવીને પોતાના જીવનનો ઉદ્દેશ પૂર્ણ થઈ ચૂક્યો હતો એમ વિચારી આદિત્યએ સસ્મિત મોતને ગળે લગાવવાની તૈયારી કરી લીધી.

અચાનક એક ધડાકો થયો અને એની સમાંતર ક્રિસ્ટોફરની પીડાદાયક ચીસ વાતાવરણમાં પડઘાઈ. આદિત્યએ જોયું તો ક્રિસ્ટોફરના જમણા ખભા અને છાતી વચ્ચેથી રક્તની ધાર વહી રહી હતી. એની પાછળ વીસેક ડગલા દૂર ગુજરાલ હાથમાં રિવોલ્વર લઈને ઊભો હતો અને એની જોડે બીજા ચાર પોલીસકર્મીઓ પણ હતા. હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થતાની સાથે જ ખરા સમયે ગુજરાલ પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ લઈને આવી પહોંચ્યો હતો.

જાણીજોઈને ગુજરાલે એમ્બ્યુલન્સ અને જીપની સાયરન બંધ કરાવી હતી જેથી દુશ્મનો ચેતી ના જાય. ગોળી વાગવાના લીધે ક્રિસ્ટોફરની મંત્ર સાધના અટકી ગઈ અને આદિત્ય શૈતાની શક્તિઓના બંધનમાંથી મુક્ત થઈ ગયો.

ગુજરાલ બીજી ગોળી ચલાવવા જતો હતો પણ એને અટકાવતા આદિત્ય બોલ્યો.

"ગુજરાલ, નહિ...આ મારો શિકાર છે. માનવજાતનો ખાત્મો કરવા નીકળેલ આ ક્રૂર વ્યક્તિને હું મારા હાથે સજા આપીશ. તું ત્યાં સુધી બાકીના લોકોને મદદ કર."

આદિત્યની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરતા ગુજરાલ આધ્યા, સમીર અને જાનકી તરફ અગ્રેસર થયો..જ્યાં રાઘવ અને યુસુફને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી થઈ રહી હતી. જુમાન, જુનેદ, રેહાના અને વલીદના મૃતદેહો પર સફેદ કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું.

"શું થયું? પીડા થાય છે..?" ક્રિસ્ટોફરના જેકેટનો કાંઠલો પકડી એના ચહેરા પર જોરદાર મુક્કો રસીદ કરતા આદિત્યએ ક્રિસ્ટોફરને પૂછ્યું.

"માસૂમ લોકો સાથે તમે જ્યારે ક્રૂરતા આચરો છો ત્યારે એમની દયા ભરેલી ચીસો અને આજીજીઓ સામે તો તમે કાન બહેરા કરી દો છો. આજે જ્યારે પોતાના ઉપર વીતી ત્યારે સમજાયું કે પીડા શું હોય, દર્દ શું હોય?"

આ દરમિયાન ક્રિસ્ટોફરે ચાલાકીથી વિષમાં ડૂબાડેલું ખંજર પોતાની જેકેટમાંથી નીકાળી એને આદિત્યના પેટમાં હુલાવી લેવા માટે પ્રયત્ન કર્યો..પણ આદિત્ય અંતિમ સમયે એની ચાલાકી પિછાણી ગયો અને એક ડગલું પાછળ હટી ગયો.

બીજી જ ક્ષણે આદિત્યએ ક્રિસ્ટોફરનો ખંજર પકડેલો હાથ પકડીને એને એકસો એંશી ડિગ્રીએ મરડી દીધો. તીવ્ર ચિત્કાર સાથે ક્રિસ્ટોફરના હાથમાંથી ખંજર છૂટી ગયું અને એ ઘૂંટણભેર જમીન પર બેસી ગયો. આદિત્યએ જોયું કે કોઈ ભેદી કારણથી ક્રિસ્ટોફરના શરીર પર પડેલા ઘા રૂઝાઈ રહ્યા છે..આ દ્રશ્ય જોઈ આદિત્યએ ભગવાન શિવનું આહવાન કર્યું. બીજી જ ક્ષણે એના હાથમાં બ્રહ્મરાક્ષશ બનેલા ભગતલાલ દ્વારા આપવામાં આવેલું ત્રિશૂળ પ્રગટ થયું.

ગુસ્સાથી રાતાચોળ થઈ ગયેલા આદિત્યએ વધુ સમય બગાડયા વિના એનો ખાત્મો કરવાના ઉદ્દેશથી ક્રિસ્ટોફર તરફ ડગ ભર્યાં. પોતાની તરફ આગળ વધી રહેલા આદિત્યને જોઈ ક્રિસ્ટોફર સમજી ચૂક્યો કે એનો અંત નજીક હતો. બચવાના છેલ્લા પ્રયાસ રૂપે ક્રિસ્ટોફર ઊભો થયો અને માથાનો પ્રહાર આદિત્યના પેટ ઉપર કરવા મદમસ્ત હાથીની માફક આદિત્ય ભણી દોડ્યો.

મુસ્તાક આદિત્યએ સહેજ ત્રાંસા થઈને એની ગરદનને પોતાની બગલમાં દબાવી દીધી..આદિત્યની પકડમાંથી છૂટવાના ક્રિસ્ટોફરે ધમપછાડા કર્યાં પણ એનાથી કંઈ ઉપજ્યું નહિ. ઉલટાનું આદિત્યએ એની ગરદન પરનું દબાણ વધાર્યું અને ધીરે-ધીરે એને ગૂંગળાવવાનું શરૂ કર્યું.

મોત પહેલા મોતના ભયથી ક્રિસ્ટોફર કાંપી ઉઠે એવી મંછાથી આદિત્યએ એને પાંચેક મિનિટ સુધી બતાબરનો ગૂંગળાવ્યો અને છેવટે એની ગરદનને અવળી દિશામાં ફેરવી દીધી અને પોતાના હાથમાં રહેલા ત્રિશૂળને ક્રિસ્ટોફરના હૃદયમાં હુલાવી દીધું. આ પ્રહાર ક્રિસ્ટોફર માટે પ્રાણઘાતક નીવડ્યો અને એ મોતની ગોદમાં પોઢી ગયો.

મૃત ક્રિસ્ટોફરને જોઈ આદિત્ય મનોમન બોલ્યો.

"જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી આ જગતમાં શૈતાની શક્તિઓનો સર્વનાશ કરતો રહીશ.!"

ક્રિસ્ટોફરની મોત થતા જ માધવપુર પર ઉમટી પડેલા વાદળો વિખરાઈ ગયા..અમાસની આ કાળી રાતે તારાઓથી ભરેલું આકાશ પુનઃ ઝળહળી ઉઠ્યું.

પોતાની તરફ આવતા આદિત્યને જોઈ જાનકી દોડીને એને ભેટી પડી..પોતાના દીદી અને જીજુની હયાતીમાં પણ એને આદિત્યના અઘરો પર તસતસતું ચુંબન કરી લીધું. છેલ્લા થોડા દિવસથી પોતે આદિત્ય વિના કેટલી એકલતા અનુભવી રહી હતી એનો અનુભવ આદિત્યને કરાવવા જાનકીએ આદિત્યને પોતાના ચુસ્ત આલિંગનમાં લઈ લીધો.

આ દ્રશ્ય જોઈ સમીર અને આધ્યાના મુખ પર પણ સ્મિત ફરી વળ્યું.

*********

રાઘવ અને યુસુફ બંને સારવાર દરમિયાન બચી ગયા. ગુજરાલના કહેવાથી યુસુફે પોતાના બચાવ માટે ગુજરાલે કહ્યા મુજબની જુબાની આપી, જેમાં મૃતક રેહાના, જુનેદ, વલીદ, ક્રિસ્ટોફર અને જુમાનને એને કોઈ ભેદી સંસ્થાના કાર્યકરો બતાવ્યા. જે શૈતાનને ખુશ કરવા નરબલી આપતા હતા.

પોતે અજાણતા એ લોકો જોડે સંડોવાયેલો હતો એટલે પોતાને દુબઈ પાછો મોકલવાની માંગણી પણ યુસુફે કરી, જેનો ગુજરાલે પોતાની વગ વાપરી સ્વીકાર પણ કરાવી લીધો.

આદિત્ય અને જાનકીએ સમીર તથા આધ્યાની સંમતિથી મુંબઈ ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખી સગાઈ કરી લીધી. આદિત્ય અને જાનકીના લગ્નમાં પોતે અચૂક હાજરી આપશે એવા વચન સાથે સમીર અને આધ્યા દુબઈ જવા રવાના થયા.

રેહાનાની મોત બાદ એને કરેલા પોઈઝન સ્પેલની અસર નાબૂદ થઈ ચૂકી હતી. આ ઉપરાંત કુબરા જિન પણ સમીર અને આધ્યાનો ફ્લેટ છોડી ગયો હતો. આમ છતાં એ બંનેએ દુબઈ જતા જ પોતાનો ફ્લેટ વેંચી દેવાનું મન બનાવી લીધું હતું.

પોતે માધવપુર કિલ્લાનો વારસદાર છે એ જાણવા છતાં એને કરોડોની એ પ્રોપર્ટીમાં કોઈ જાતનો રસ બતાવ્યો નહિ. રાકા અને એના સાગરીતો માધવપુરમાં એમના દ્વારા કરવામાં આવેલા કત્લેઆમ બદલ ધરપકડ કરવામાં આવી અને સમીરની જુબાનીને ધ્યાનમાં લઈ એમની વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરાઈ.

સૂર્યા પંડિત પુનઃ આદિત્ય અગ્નિહોત્રી બની પોતાની અંગત જીંદગીમાં પરોવાઈ ગયો. અન્ય લોકો માટે સૂર્યા આદિત્ય બની ગયો હતો પણ જાનકી જાણતી હતી કે જ્યારે-જ્યારે શૈતાની શક્તિઓ માથું ઊંચકશે ત્યારે આદિત્ય પાછો સૂર્યા પંડિત બની જશે.

આમ પણ દુનિયામાં આદિત્ય અગ્નિહોત્રી જેવા લોકોની સંખ્યા લાખોમાં હતી પણ સૂર્યા પંડિત માત્ર એક હતો, અનન્ય હતો.!

માધવપુર કિલ્લામાં બનેલી આ ઘટનાઓની ઓફિશિયલ તપાસ કરવા ગુજરાલ જ્યારે થોડા દિવસ બાદ માધવપુર ગયો ત્યારે એને ત્યાં બાકીની બીજી વસ્તુઓ તો મળી પણ કાલરાત્રીના અવશેષ સમી ખોપડી ત્યાં મોજુદ નહોતી. જે વાતને ગુજરાલે વધુ મહત્વ આપવું જરૂરી ના સમજ્યું કેમકે રેહાના, વલીદ અને ક્રિસ્ટોફરની મોત બાદ ફરીવાર કાલરાત્રીને જીવિત કરવાનો કોઈ પ્રયત્ન નહોતું કરવાનું એવું ગુજરાલે કરેલું અનુમાન ખોટું પણ નહોતું.

પણ શું સાચેમાં ગુજરાલનું અનુમાન યોગ્ય હતું કે પછી...!!

★★★★★★

સમાપ્ત

આ સાથે જ આ પ્રથમ ગુજરાતી હોરર ટ્રાયોલોજીને અહીં પૂર્ણ જાહેર કરું છું..વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળેલા બે લાખ જેટલા ડાઉનલોડ જ આ નવલકથાની સફળતાની કહાની રજૂ કરે છે. ત્રણ અંક, ચોસઠ ભાગ અને સતત છ મહિના સુધી ચાલેલી આ નવલકથાને જે હદે પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એ મારા માટે ગર્વ લેવા જેવી વાત છે.

ચીલાચાલુ ભૂત-પ્રેતની હોરર લખવાનાં બદલે કંઈક નવું કરવાનો મારો આ પ્રયાસ આપ સૌને પસંદ આવ્યો એ જોઈ ભવિષ્યમાં સૂર્યા પંડિત સિરીઝ આગળ ધપાવવાનું વચન આપું છું.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)