Pragati -14 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 14

" ના બા....પરેશાની તો નથી પણ પપ્પા સાથે એક વાત કરવાની છે અને તમારી સાથે પણ. આજે એ સહેજ થાકેલા હતા એટલે આપણે બધા કાલે એકસાથે બેસીને જ વાત કરીશું.....ચાલો અત્યારે સુઈ જઈએ. " પ્રગતિ ખુરશી પરથી ઉઠીને બા નો હાથ પકડી એમને રૂમમાં લઈ જાય છે.

" અચ્છા.... ભલે દીકરા......"

બા હજુ પણ બાજુમાં સુતેલી પ્રગતિને માથે હાથ ફેરવતા રહ્યા. એ હુંફાળા સ્પર્શમાં પ્રગતિને ખરેખર શાંતિ મળતી હતી એને સમજાય રહ્યું હતું કે નાનપણથી જ બા બીજા કોઈપણ સાથે રહેવાને બદલે આ બંને બહેનો સાથે રહેવાનું શું કામ પસંદ કર્યું હતું.....

લગભગ સાંજ પડી ચુકી હતી. સૂર્યનારાયણના સિધાવાને બસ પાંચ એક મિનિટ રહી હતી ઉપરથી આકાશમાં ઘેરાતા વાદળોથી અંધારું વધુ ને વધુ ગાઢ થતું જતું હતું. સફેદ કારને ટેકે ઉભેલા રોહિતની સામે એક સીધી હરોળમાં રહેલી જાતજાતની દુકાનો હતી. ઉપરના બે માળનો રસ્તા પર આવતો ભાગ આખો બ્લ્યુ ગ્લાસથી સજાવેલ હતો. એ ગ્લાસ પર ઢળતા સૂરજના સાવ આછા આછા કિરણો આવતા હતા અને એ જ કિરણો પરાવર્તન પામીને પાછા રોહિતની આંખોમાં એના ચહેરા પર પડતા હતા. બિલ્ડિંગની સૌથી ઉપર " બંસલ ઇન્ડસ્ટ્રીઝ " નો બોર્ડ હતો. ત્યાં ઉભા રહીને છેલ્લી દસ મિનિટથી એ બોર્ડ પર એકધારે તાકી રહેલા રોહિતના પગ જ નહતા ઉપડતા. એને જે કર્યું હતું અથવા એનાથી જાણ્યે અજાણ્યે જે થયું હતું એ પછી વિવેકનો સામનો કરવાને એ પોતાને સજ્જ કરી રહ્યો હતો.

નાનપણથી જ રોહિત વિવેકની ખૂબ જ નજીક હતો. સુબોત બંસલના નાનાભાઈ કેશવ બંસલ અને એમની પત્ની પ્રેરણા બંસલ નો એકમાત્ર દીકરો રોહિત હતો. વિવેકની સગી બહેન અંજલી તો બહુ મોટી હતી એટલે એ તો પોતાની દુનિયામાં રેહતી. વિવેક અને અંજલી વચ્ચે ખાસી ઉંમરનો તફાવત હતો એટલે વિવેકના નાનપણનો સાથી પણ રોહિત જ હતો. બંનેએ સાથે કેટકેટલીય રમતો રમી હતી, ભાગદોડી કરી હતી, એકબીજાને પોતાની મમ્મીઓના ગુસ્સાથી બચાવ્યા હતા. આટલું જ નહીં ઘરમાં રોહિત સૌથી નાનો હતો એટલે સુમિત્રામા નો પણ લાડકો હતો. આખો દિવસ મોટી મા મોટી મા કરીને થાકતો નહતો. રોહિતની શરારતોથી કંટાળીને ક્યારેક પ્રેરણા બંસલ ગુસ્સે થાય અને એને રૂમમાં પુરી દઈને જમવાનું ન આપે ત્યારે સુમિત્રામા જ એને સમજાવતા અને છુપાયને ખાવાનું પણ આપતા. સુબોત બંસલની કડક અને સ્વાર્થી કહી શકાય એવી વર્તણૂકને કારણે બંસલ ખાનદાન જ્યારે વિખૂટું પડ્યું ત્યારે માત્ર ચોથા ધોરણમાં ભણતા લાલચોળ થઈને એકધારું રડી રહેલા રોહિતને વિવેક એ જ સાચવ્યું હતું. સુબોત બંસલના એ જ કડક અને અભિમાની સ્વભાવને કારણે બધા જ એમનાથી દૂર થઈ ગયા હતા. એ ઘટના પછી સુમિત્રા બંસલ સિવાય કોઈની તાકાત નહતી એમની સામે એક શબ્દ બોલવાની અને એ કોઈ વાત માટે ના કહે છતાંય એમની વિરુદ્ધ જઈને ધાર્યું કરવાની.

સુબોત બંસલ અને કેશવ બંસલના સ્વભાવમાં જમીન આસમાન નો ફેર હતો. મા ના મૃત્યુ પછી મોટાભાઈએ જ્યારે કેશવને કંઈ જ આપ્યા વગર અલગ કરી દેવાનો નિર્ણય કર્યો ત્યારે કેશવ બંસલએ હસતા મોઢે એ નિર્ણય સ્વીકાર્યો હતો. જુનીપેઢીની પરવરીશને કારણે મોટાભાઈ સામે બોલવાના કે એમનો વિરોધ કરવાના એમના સંસ્કાર નહોતા. સુબોત બંસલ સિવાય એ નિર્ણયથી કોઈ ખુશ નહતું.

રોહિતને આજે પણ ત્યાં ઉભા ઉભા એ પળો યાદ હતી. રડી રડીને વિવેકને લગભગ ચોંટી ગયેલા રોહિતને એનાથી અલગ કરતી વખતે પોતાની મા નું કાળજું નીકળી ગયું હતું ત્યારે સામે ઉભેલી સુમિત્રામા ની વિવશ થયેલી એ આંખો એકદમ સાફ સાફ યાદ હતી એને.

" એ દિવસ પછી હંમેશા પતિવ્રતા રહેતા સુમિત્રામા કેટલા બદલાય ગયા હતા...." યાદ આવતા જ રોહિતના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું. વ્યંગમાં કરેલા એ સ્મિતથી રોહિત સહેજ ઢીલો પડ્યો. સૂર્યાસ્ત થઈ ચૂક્યું હતું. કાળા ભમ્મર વાદળો યોગ્ય સમય પેહલા જ રાત્રીનું આગમન કરી રહ્યા હતા.

" હું શાને ડરું છું...! આજ સુધી ભાઈ જ તો સાચવતા આવ્યા છે.....સમજતા આવ્યા છે....." રોહિતએ ત્યાં જ ઉભા રહીને એક ઊંડો શ્વાસ લીધો અને સડસડાટ દુકાનોની વચ્ચેથી પસાર થતી એક નાની ખાલી જગ્યામાંથી અંદર જતો રહ્યો.

વેહલી સવારથી એકાઉન્ટ ઓફિસમાં માથું મારી મારીને વિવેકનું મગજ ખરાબ થઈ ગયું હતું. સાંજ થઈ હતી પણ કામ હતું જે ખૂટવાનું નામ નહતું લેતું. પેલી, બીજી, ત્રીજી ફાઈલોના ઢગલા.....જુદા જુદા એકાઉન્ટ્સ , સેટલમેન્ટ્સ, સી.એ સાથેની દલીલો, ઇન્કમ ટેક્સ રિટન આવી જાતજાતની પ્રવૃત્તિઓમાં માથું મારીને વિવેકનું મગજ થાકયું હતું. આખી ઓફિસમાં કોઈ એવી જગ્યા નહોતી કે જ્યાં એસી ન હોય છતાંય વિવેકનું શરીર પરસેવે રેબઝેબ હતું. પેલી જગ્યાએથી બીજી જગ્યાએ આટા મારી મારીને થાકેલા વિવેકએ ક્યારનું પોતાનું કોટ કાઢીને કેબિનમાં રખડતું મૂકી દીધું હતું.વૈચારિક પરિસ્થિતિમાં માથા પર હાથ દઈને ચાલતા બ્લેક પેન્ટ અને પરસેવાથી ચોંટેલ વ્હાઇટ શર્ટમાં સજ્જ થયેલા વિવેકની સામે આવી ઉભેલા રોહિતને જોઈને એને ગજબનો આનંદ થયો. એ એવી જ પરિસ્થિતિમાં રોહિતને ગળે વળગી પડ્યો.

" ભાઈ......" ખૂબ જ નિખાલસતાથી રોહિતના બંને હાથ વિવેકને ફરતે વીંટળાયા. આલિંગન બાદ વિવેકએ પોતાના હાથથી રોહિતના માથાના વાળ વિખેર્યા. પછી પોતાનો હાથ રોહિતને ખભ્ભાની ફરતે મૂકી એકસો એંશી ડિગ્રી ફરીને એને પોતાની કેબીન તરફ લઈ ગયો.....

અહીં સંજયભાઈ અને પ્રગતિ વચ્ચે ઘમાસાણ દલીલો ચાલતી હતી. પહેલેથી જ આ બંને જણમાંથી કોઈ ક્યારેય દલીલોમાં જીતતું નહીં બસ ચર્ચા લંબાઈ જતી. સંજયભાઈ અને પ્રગતિ વચ્ચેની ચર્ચાનો કોઈ અંત જ ન આવતો એટલે આયુએ કંઈક એવું હાસ્યાસ્પદ કરવું પડતું જેથી માહોલ નરમ થાય. પરંતુ અત્યારે વાતની ગંભીરતાને આયુ બરાબર સમજતી હતી એટલે સોફા પર બેઠેલી આયુ પોતે ચૂપચાપ ઘડીક પિતા તરફ તો ઘડીક પ્રગતિ તરફ નજર કરતી હતી તો ક્યારેક સામે બેઠેલા બા ની સામે જોઈ લેતી.

" આયુ, તારું મગજ ખરાબ છે કે શું ? અરે...જે ઉંમર ભણવાની છે, જીવનમાં કંઈક કરવાની છે એ ઉંમરે તારે પરણવું છે.....!? " પ્રગતિ સાથે લપ કરવાનો કોઈ ફાયદો નથી એ વાતને બરાબર સમજતા સંજયભાઈએ હવે આયુ તરફ નિશાનો તાકયો.

" પણ એમાં ખોટું શું છે પપ્પા.....એવું જરૂરી થોડી છે કે ભણો , કંઈક બનો પછી જ લગ્ન કરો....બની શકે કે રોહિત અને આયુશીને સાથે રહીને એકબીજાને સાથ આપીને પોતાના સપના પુરા કરવા હોય " પ્રગતિએ વચ્ચે પડીને જ ઉત્તર આપ્યો.

" પરણીને કોના સપના પુરા થયા છે....! ઉલટાની જવાબદારીઓ વધતી હોય છે....અરે આયુ આંખો ખોલીને જો તો ખરા....તારી બેનને જ જોઇ લે....આજે કોણ નથી ઓળખતું એને...? અરે હજુ તો તું ભણે છે....એમાં...." સંજયભાઈએ અનિચ્છાએ બંને બહેનોની વચ્ચેથી પસાર થાય એવું એક તીર છોડ્યું. આયુને ઘડીભર ઈર્ષા થઈ આવી બેનની પરંતુ પછી એને પ્રગતિની આંખોમાં જોયું....એને તરત સ્મરણ થઈ આવ્યું કે બેન પોતાને માટે પિતા સામે આટલી દલીલબાજી શા માટે કરે છે.....!

" પપ્પા..... એમાં ખોટું શું છે....રોહિત ભણે છે અને છતાંય પાર્ટ ટાઈમ જૉબ કરે છે. એના પપ્પાનો સારો એવો બિઝનેસ છે. પપ્પા તમે ક્યારેક તો ઘરે આવો છો ને.....રોહિતના પપ્પાતો વર્ષોથી અમેરિકા રહે છે, કમાય છે, મેહનત કરે છે....પ્રેરણા આંટીને કમસેકમ પોતાના જીવનનો અંતિમકાળ તો પોતાના પતિ સાથે જ વિતાવવો છે....એ અમેરિકા જવા માંગે છે....તમે વિચારો રોહિતને કોના ભરોસે મૂકી જાય ? અને જો એ એના લગ્ન બીજે ક્યાંક કરાવશે તો હું નહીં જીવી શકું પપ્પા પ્લીઝ...." બોલતા બોલતા આયુની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. સંજયભાઈ દિકરીઓનું દુઃખ ક્યારેય ન જોઈ શકતા એટલે એમણે મોં ફેરવી લીધું. ઊંડો શ્વાસ લઈ પ્રગતિ એમની નજીક ગઈ. એને એમના ખભ્ભે હાથ મુક્યો.

" પપ્પા.... મને આયુએ વાત કરી ત્યારે મારી પણ આવી જ ચિંતાઓ હતી જે તમારી છે.....પણ હું રોહિતને મળી છું. એ સારો અને સમજદાર છોકરો છે.....આયુને સાચવશે.....એટલે ઘણું વિચાર્યા બાદ જ મેં આ વાત તમને કરી છે.....પ્લીઝ પપ્પા...."

" અને તારું શું ? પોતાનું વિચાર્યું છે ? સમાજ શું કહેશે ? પ્રગતિમાં એવી કઈ ખામી હતી કે એનાથી પેહલા આયુને પરણાવી ? શું જવાબ આપીશ તું આ બધાને ? " સંજયભાઈ ની નજર સીધી જ પ્રગતિ પર સ્થિર થઈ.

એક સ્મિત કર્યું પ્રગતિએ અને કહ્યું, " પપ્પા... આપણે શું કરવું છે એ આપણે નક્કી કરવાનું છે.... લોકોએ આપણી પાસે શું કરાવું છે ? એ નથી નક્કી કરવા નથી બેઠા આપણે......જેટલા મોં એટલી વાતો....." સંજયભાઈનું મુખ થોડું ઝંખવાયું. દીકરીઓ કેટલી મોટી થઈ હતી એ એમને આજે સમજાતું હતું. મા વગરની આ છોકરીઓ પહેલેથી જ ઘણું સહન કરતી હતી હવે પોતાને હાથે એમને કોઇ પણ રીતે દુઃખ નહતું જ આપવું સંજયભાઈએ એટલે જો એ આયુની વાત માને તો પ્રગતિને ઓછું આવે ને આયુની વાત ન માને તો પોતાની વ્હાલસોયી દીકરી કે જે બાળક હતી અને જેની કૂખમાં બાળક હતું જેની નોંધ સંજયભાઈને નહતી એને અન્યાય થાય. એ ઊંડા વિચારોમાં ડૂબ્યા. આમતેમ કેટલાય આંટા માર્યા એમણે. બે કલાકની માથાકૂટ પછી આવી ગંભીર પરિસ્થિતિમાં આયુશીને શાંત્વના આપતી પ્રગતિ પિતાની મૂંઝવણો સમજતી હતી. આખરે એને એક નિર્ણય કર્યો. સોફા પરથી ઉભી થઈ એ પિતા તરફ આગળ વધી.

" પપ્પા...." પ્રગતિના સંવાદથી સંજયભાઈ સ્થિર થયા. " તમે મારા માટે આટલું નહીં વિચારો. હું લગ્ન કરવા તૈયાર છું તમે જ્યાં, જેની સાથે કહો એની સાથે......બસ હવે તો આયુની વાત માનો. " સંજયભાઈની ભાવુક દ્રષ્ટિ પ્રગતિની સામે સ્થિર થઈ.

" સાચે બેટા ? " સવાલ પુછાય ગયા પછી સંજયભાઈને સમજાયું કે આ ખોટું થઈ રહ્યું છે.....

" હા.....આમ પણ ડોલીની સગાઈ સમયે બા એ ઘરમાં વાત કાઢી હતી પછી મેં પણ ઘણું વિચાર્યું....હવે હું લગ્ન માટે તૈયાર છું એવું મને લાગે છે...." પ્રગતિએ સંજયભાઈના દિલનો ભાર હળવો કરવા કહ્યું.....આયુ તો બેનના આ ત્યાગને એકીટશે જોઇ રહી.....
To be Continued