Unique gift books and stories free download online pdf in Gujarati

અનોખી ભેટ

"મમ્મી, મારે લગ્ન કરવા જ નથી, તું આમાં ફોર્સ ન કરીશ, મારું ધ્યેય કાંઈક જુદું જ છે, મારે વૃદ્ધાશ્રમમાં રહેતા દાદાદાદી માટે કાંઈક કરવું છે, અનાથ બાળકો માટે કાંઈક કરવું છે, મારું જીવન હું એ લોકો સાથે વિતાવવા માંગુ છું, મને આ લગ્નની જંજાળમાં પડવું જ નથી"
સુલેખાબેન વિચારમાં પડી ગયા, 6 મહિના પહેલા જ ઋતુજાએ કહેલા આ શબ્દો તેમના કાનમાં ગુંજતા હતાં, હજી ઉંમર જ ક્યાં હતી ઋતુજાની આ સમાજસેવા કરવા જેવડી...!!! હજી તો એણે એનું ગ્રેજ્યુએશન પણ પૂરું નોહ્તું કર્યું, અને ઘરની આર્થિક સ્થિતિ પણ એટલી નોહતી કે આ સમાજસેવા કરી શકાય, કઈ રીતે સમજાવવી ઋતુજાને કે આ બધું કરવાની એની ઉંમર પણ નથી અને ક્ષમતા પણ નથી.
હજી તો સુલેખાબેન વિચાર કરતા હતાં ઋતુજાને સમજાવવાની ત્યાં જ હરખમાં ને હરખમાં આજે ઋતુજા બોલી ગઈ કે એ પોતાના ધ્યેય તરફ એક ડગલું ભરી ચુકી છે, અને એ મમ્મીને એના જન્મદિવસમાં સરપ્રાઈઝ આપશે, અને ઋતુજા આ જ ખુશીમાં બમણા ઉત્સાહથી એની મમ્મીના જન્મદિવસની તૈયારીમાં લાગી ગઈ હતી, આમ તો ઋતુજાનું કેન્દ્રબિંદુ એની મમ્મી જ તો હતી, બંને મા દીકરી ખુબ નજીક હતાં એકબીજાથી, કોનો પ્રેમભાવ ચડીયાતો હતો એ જ કહેવું મુશ્કેલ હતું. સુલેખાબેન ઋતુજાનું દિલ તોડવા નોહતા માંગતા પણ એને અત્યારે રોકવી પણ જરૂરી હતી, એટલે હિંમત કરીને કહી જ દીધું કે આ સમાજસેવાના વિચાર અત્યારે મનમાંથી કાઢી નાખે, અત્યારે સ્થિતિ એટલી મજબૂત નથી કે પોતાની સાથે બીજાની પણ જવાબદારી ઉપાડી શકીયે, એના જન્મદિવસમાં આવી કોઈ પણ સમાજસેવાનું વિચારતી હો તો મહેરબાની કરીને અત્યારે એ વિચાર પડતો મૂકે.
"મમ્મી, મને એટલી નાદાન સમજી લીધી તે? શું મને નથી ખબર કે ઘરની શું સ્થિતિ છે? એકલે હાથે તે મને અને ભાઈને ભણાવ્યા છે, અમારો ઉછેર કરવામાં તે ક્યાંય કચાશ નથી રાખી, અને તું એમ સમજે છે કે હું તને અને ઘરની પરિસ્થિતિ ને સમજતી નથી?" ઋતુજા રડતા રડતા બોલી "મમ્મી, તારો જન્મદિવસ યાદગાર બનાવવા માંગુ છું, કોઈએ ન આપી હોય એવી ભેટ આપવી છે મારે તને, તું જ કહે છે ને હું તારી લાકડી પણ છું અને લાડકી પણ...? તો તારી આ લાડકી પર ભરોસો રાખ, તારે એક રૂપિયાનો ય ખર્ચો નથી કરવાનો, બસ મને સાથ આપ."
સુલેખબેન ભેટી પડ્યા દીકરીને અને છાની રાખતા બોલ્યા "ભલે બેટા હું તારી સાથે છું, આજે ખુબ ખુશ છું કે મારી દીકરી હવે ખરેખર મોટી અને સમજુ થઈ ગઈ છે."
અને સુલેખાબેનનો જન્મદિવસ પણ આવી ગયો, સવારથી સુલેખાબેન આતુરતાથી રાહ જોતા હતાં ઋતુજાની એ અનોખી ભેટની, સવારથી સાંજ પડી ગઈ, બપોરે ઘરે જમીને ઋતુજા એમ કહીને ગઈ હતી કે થોડી તૈયારી કરીને એને તેડી જશે, સાંજના 6 વાગે ઋતુજાની બહેનપણી આવી સુલેખાબેનને લેવા.
દૈનિક ચાલવાવાળાઓ માટે બનેલા જોગર્સપાર્કમાં એક જગ્યાએ ઘણા નાના બાળકો સાથે ઋતુજા હતી, જેવા સુલેખાબેન પાર્કમાં દાખલ થયાં, એક પછી એક બાળકો એક એક ગુલાબ આપીને જન્મદિવસ ની શુભેચ્છા આપવા લાગ્યા, સુલેખાબેને જોયું કે એ બાળકો નજીકમાં જ આવેલી ઝુંપડપટ્ટીનાં હતાં, બધા બાળકો ઋતુજાને દીદી કેહતા હતાં, ઋતુજા આ બાળકોને અક્ષરજ્ઞાન આપતી હતી, એણે સાચું જ કહ્યું હતું, એ પૈસા ખર્ચીને નહિ પણ સમય ખર્ચીને સમાજસેવાનું આ કાર્ય કરી રહી હતી, થોડો સમય કાઢીને તે આ ગરીબ બાળકોને ભણાવતી હતી, ઋતુજાના દિલમાં અનાથ /ગરીબ બાળકો માટે કાંઈક કરવાનો જે પ્રેમભાવ હતો એ આજે એના મુખ પર સ્પષ્ટ દેખાતો હતો, ખુબ જ ઓછા સમયમાં ઋતુજા આ બાળકોની માનીતી "દીદી" બની ગઈ હતી, આ બાળકોના મુખ પર જે પ્રેમભાવ ઋતુજા માટે હતો એનું વર્ણન કરવું મુશ્કેલ હતું, આ બધા ગરીબ બાળકોના દિલથી જે શુભેચ્છાઓ મળી હતી સુલેખાબેનને એ ખરેખર સાવ અનોખી ભેટ હતી...!!!