Heir books and stories free download online pdf in Gujarati

વારસ

"મારા જ નસીબમાં આ અભાગણી વહુ લખાણી! પહેલે ખોળે જ પથરો જણીને બેઠી, " ઉષાબા મંજુબા પાસે બળાપો કરતાં હતાં. "હજી ક્યાં ટાણું વયું ગ્યું છે? કાલ સવારે દીકરો જણી દેશે, ઘડીક ધરપત તો રાખો."મંજુબાએ જવાબ આપ્યો.
"અરે પણ આ પાણો પેટ પાક્યો એનું શું કરવું?"
એને વરાવા/પૈણાવાનો ખર્ચો નહીં થાય? વળી એને બે ચોપડી ભણાવવી ય પડશે ને!"
"છોડી એનું ભાગ્ય લઈને જ આવી હોય, નાહક ચિંતા શું કરો છો?"
મંજુબા ઘણું શાંતિથી સમજાવી રહ્યા હતાં, પણ ઉષાબાનું મન તો ક્યાંક બીજા રસ્તે જ ચાલી રહ્યું હતું. પોતાની વહુ આરતીએ દીકરીને જન્મ આપ્યો એ વાતે એ જરાય ખુશ નોહતાં. ઉઠતાં બેસતાં કાયમ મહેણાં મારતા રહેતા અને આરતી ચુપચાપ્ સહન કરતી હતી.
સમય જતાં ક્યાં વાર લાગે છે? આરતીને ફરી સારા દિવસો રહ્યા, આ વખતે તો દીકરો જ આવશેની આશા ઉષાબાને બંધાણી, પણ ઈશ્વરનું કરવું કે ઘરકામ કરતાં આરતીનો પગ લપસ્યો સંતુલન ગુમાવતા એ પડી અને કસુવાવડ થઈ ગઈ, વળી ડોક્ટરએ હવે ગર્ભ ધારણ કરવાનું જોખમ ન લેવાની ખાસ સૂચના પણ આપી. પોતાના વંશનો વારસ હવે આવવાની આશા પર પાણી ફરતું જોઈને ઉષાબાનો ગુસ્સો તો જાણે સાતમા આસમાને પહોંચ્યો.
કુટુંબમાં હમણાં કોઈને આ વાતની જાણ કરવાની ના સાથે જ ઉષાબાએ પોતાની બહેનની દીકરી સુધાને પોતાના ઘરે તેડાવી. સુધા પરણેલી હતી અને બે સંતાનની મા પણ, પણ સુધાનું ઘર જરાં સાધારણ હતું, થોડી મીઠી મીઠી વાતો કર્યા પછી ઉષાબા મુદ્દાની વાટ શરુ કરવા લાગ્યા. "જો બેટા, તારી આ ભાભી એક તો પથરો જણીને બેઠી છે અને હવે બીજું બાળક જણી શકે એમ નથી, મારું માન અને તું એક દીકરો જણ, તને સારા દિવસો રહે ત્યારથી સુવાવડ સુધીનો બધો ખર્ચો હું આપીશ, તારે બસ દીકરાને જન્મ આપીને એ દીકરો તારા ભાઈને દત્તક આપી દેવાનો, બદલામાં તને સોનાના દાગીના /ઘરની કોઈ નાની -મોટી વસ્તુ તારે જેની જરૂર હોય એ હું તને આપીશ, અને તારે એક ઘર પણ વધશે, આ ભાઈનું ઘર તારું પિયર જ ગણજે બેટા!"
ઉષાબાની મીઠી વાતોમાં સુધા ભોળવાઈ ગઈ, અને પોતાના પતિ સુધીરને આ વાત ગળે ઉતારવા લાગી, સુધાની આ જીજીવિષા જોઈને તેના પતિએ આ માટે પોતાની મંજૂરી દર્શાવી, અને સુધાની સાસરીમાં બધાને આ વાત જણાવી, સુધીરની જ મંજૂરી હોવાથી કોઈએ વિરોધ ન કર્યો, પણ બધાની સહમતી મળ્યા બાદ સુધીરે સુધાને સાફ શબ્દોમાં કહી દીધું કે દીકરાના બદલામાં એક રૂપિયો પણ પોતે લેશે નહીં અને સુધાએ પણ કાંઈ ન લેવું.
ઈશ્વરકૃપાથી સુધાને સારા દિવસો રહ્યા, વચન મુજબ ઉષાબાએ સુધાની સુવાવડની જવાબદારી ઉપાડી, નવમે મહિને સુધાને અચાનક રાત્રે પ્રસુતિ પીડા શરુ થઈ, ઘરે જ રક્તસ્ત્રાવ થવા લાગ્યો, તાત્કાલિક તેને દવાખાને પણ લઇ ગયા, પણ ઉષાબાનાં નસીબમાં તેમના વંશનો વારસ લખ્યો જ ન હતો, આરતીના નસીબમાં ઈશ્વરે એક દીકરી જ લખી હતી, એમાં જ સૌ એ સંતોષ માનવાનો હતો. સુધાની પ્રસુતિ સમયે બાળકને ગર્ભનાળ વિટાઇ જતાં પ્રસુતિ દરમિયાન જ બાળકનું મૃત્યુ થયું!
દીકરીના જન્મથી અસંતુષ્ટ ઉષાબાની નજરમાં હવે સુધા પણ ગુનેગાર બની ગઈ, "બે દીકરાની મા થઈને તને ભાન ન પડી કે બાળક ગર્ભમાં જ ગુજરી ગયું છે? મારાં વારસનું ધ્યાન ન રાખ્યું? તારા કારણે જ મેં મારો વારસ ગુમાવ્યો છે."
પોતાનો દીકરો દેવા તૈયાર સુધાના ભાગ્યમાં અપજશનું વિષ આવ્યું, ઈશ્વરે જે અને જેટલું આપ્યું છે એમાં સંતોષ માનવના બદલે દીકરી / દીકરાના ભેદ કરીને અસંતોષ રહેનાર ઉષાબા પ્રભુની લીલા સામે હારી ગયા.
Share

NEW REALESED