Pragati - 17 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 17

" મારી એની સાથે વાત થઈ ચૂકી છે. તું એની ચિંતા નહીં કર. છતાં તારે વાત કરવી હોય તો એમ કરજે....તું તારો સમય લે...કોઈ ઉતાવળ નથી.....ચાલો ત્યારે જયશ્રી કૃષ્ણ. " કહીને જલ્દી જ સુમિત્રા બંસલ ત્યાંથી નીકળી ગયા.......

પોતાના ઓરડામાં છત ને તાકીને એકસામટા વિચારો કરતી પ્રગતિની ઊંઘ આજે જાણે રજા પર હતી. સામે આવી ઉભેલા પ્રશ્નોથી એને ભાગવાની ટેવ તો ક્યારેય હતી જ નહીં પરંતુ અત્યારે એ ગંભીર મુંજવણમાં હતી. આયુની પ્રેગ્નેન્સી વિશે એ બરાબર જાણતી હતી, પોતે પિતાને વચન આપી ચૂકી હતી ને વિવેકની પોતાના પ્રત્યેની લાગણી વિશે પણ એ અજાણ તો નહતી જ છતાં એને કંઈ જ સમજાતું નહતું. જેમ ચાલે છે એમ બધું ચાલવા દે કે પછી પોતાના અંતરનો અવાજ સાંભળે.....! " હું શું ઇચ્છુ છું ? " એને મનોમન પ્રશ્ન થયો. ત્યાં તો એના પેટ પર વીંટળાયેલા આયુના હાથની પકડ વધુ મજબૂત થઈ. આયુ પ્રગતિની નજીક એને લગભગ ચોટીને સૂતી હતી અને પ્રગતિ એના માથા પર હાથ ફેરવતી હતી. પ્રગતિએ આયુની ઊંઘ ન બગડે એ રીતે જરાક મોઢું ફેરવ્યું સહેજ નીચું જોતા એને આયુનો માસૂમ ચહેરો દેખાયો. મીંચેલી આંખો, ભીના હોઠ અને ઢીલા થઈ ગયેલા વાળ માંથી ઊડતી બે ચાર લટો આયુના ચહેરા પર ફરતી હતી.

" અત્યારે આયુની ખુશી કરતા બીજું શું જરૂરી હોય શકે મારે માટે.....! " એને વિચાર આવ્યો અને પોતે આયુના માથા પર પોતાનું માથું સહેજ જ ટેકવીને સુવાનો પ્રયત્ન માંડી રહી....

' બંસલ મેન્શન ' ના ગેટ પર ઉભેલા ચોકીદારએ જાણીતા હોર્નનો અવાજ સાંભળતા બહારનું ગેટ ઉઘાડયું. દૂરથી આવતી નારડો ગ્રે રંગની ઓડી સડસડાટ ગેટ પસાર કરીને અંદર તરફ જતી રહી. ચોકીદારે ગેટ બંધ કર્યો. કાર સીધી જ આગળના ભાગ ને વટાવી બંસલ મેન્શનની એકદમ વચ્ચોવચ આવેલા ફુવારા પાસે ઉભી રહી. ગાડીમાંથી ઊંચા અને આ ઉંમરે પણ પ્રમાણમાં ફિટ કહી શકાય એવા સુબોત બંસલ બહાર આવ્યા. બ્લેક સ્યુટ, ફોર્મલ શૂઝ, લંબગોળ કાચ વાળા ચશ્માં ચડાવેલા સુબોત બંસલના કાળા કરેલા વાળમાં પણ સહેજ સફેદી વર્તાતી હતી. ફુવારા પાસે ગાડી ઉભી રાખીને સુબોત બંસલ ઉતર્યા અને ડ્રાઇવરને ડાબી તરફ આવેલા પાર્કિંગમાં ગાડી મુકવાનું કહી પોતે મોટા મોટા ડગલે આગળ વધતા હતા. બગીચામાં કામ કરતા માળી, ઘરના અગ્ર ભાગમાં સાફસફાઈ કરતા કર્મચારી બધા જ પોતાના સાહેબને આવતા જોઈને ફાલતુ પંચાત મૂકી, સ્થિર ગંભીર થઈને કામે લાગી ગયા હતા. એ ફુવારની આગળનો ભાગ પાર કરીને લગભગ દસ એક પગથિયાં ચડીને ઘરના મુખ્ય દરવાજા તરફ પહોંચ્યા. એમને આમ તેમ નજર કરી એમની આંખો જેને શોધતી હતી એ ત્યાં નહતા. અંદર પ્રવેશતા જ ઘરના મુખ્ય ઓરડામાં બરાબર સામેની દીવાલ પર લટકતી ઘડિયાળમાં એમનું ધ્યાન પડ્યું. સાડા આઠ થયા હતા. એમને જાણે તાગ મળી ગયો હોય કે એ જેમને શોધે છે એ ક્યાં મળશે એવી રીતે ઉતાવળે પગે એ મુખ્ય ઓરડાને વટાવી પગથિયાં ચડીને જમણી તરફ વળી ગયા. જમણી તરફ વળતા જ ડાબા હાથ પર સૌપ્રથમ એમનો જ રૂમ આવતો હતો. એ સીધા જ અંદર ગયા. આખા રૂમમાંથી પસાર થઈને બહારના ભાગ પર રહેલી મોટી અટારીમાં લાગેલા હીંચકે જોયું. ખરેખર સુમિત્રા બંસલ ત્યાં જ હતાં. સોઈ, દોરો અને છાબડીમાં એકઠા કરેલા તાજા ફૂલોથી એ કદાચ ઠાકોરજી માટે હાર બનાવી રહ્યા હતા. સુબોતના આવતાની સાથે જ એમણે આંખ ઉંચી કરી એમની સામે જોયું , જરાક સ્મિત કરી ફરી પાછા કામે વળગ્યા.

" આવી ગયા. પાણી પી લો....મહેશ, સાહેબ માટે પાણી લાવ...." આટલું ચાલીને આવેલા સુબોત બંસલ સહેજ હાંફી રહ્યા હતા એટલે સુમિત્રાબેન એ એમના ઘરમાં કામ કરતા એક સેવકને પાણી લાવવા કહ્યું.....સુબોત બંસલ સુમિત્રાબેન સામે એકીટશે જોઈ રહ્યા હતા....

ઓફિસમાં ધીમે ધીમે હાથ ચલાવતી વિચારમગ્ન પ્રગતિ બસ એની જ રાહમાં હતી કે ક્યારે વિવેક ઓફિસે આવે ને પોતે વાત કરી શકે. વારે વારે એનું ધ્યાન મેઈન ડોર પર પડતું હતું પરંતુ વિવેક સિવાય ત્યાંથી બધા જ આવતા જતા હતા. હવે એનાથી બહુ ન રહેવાયું. એણે મોબાઈલ લઈ વિવેકનો નંબર ડાયલ કર્યો......રિંગ જતી હતી પણ કોઈ ફોન નહતું ઉપાડતું. એને ફરી ફોન ટ્રાય કર્યો હજુ તો આખી રિંગ પુરી થાય એ પહેલા પાછળથી કોઈએ પ્રગતિની આંખો પર હાથ મુક્યો અને એની નજીક જઈને એના કાનમાં કહ્યું, " હાય, પરી....." પહેલાથી જ મૂંઝાયેલી, કંટાળેલી પ્રગતિએ એ હાથ પકડીને જાટકાથી નીચે કર્યો. એ હાથમાં રહેલી બે ત્રણ વીંટી પ્રગતિના હાથને વાગી છતાં " કોણ છે....? " એમ પૂછતાં એ પાછળ ફરી....

" એક્સ્ક્યુઝમી હાઉ ડેર યુ ટુ ટચ મી ? " મધ્યમ કદ, પહોળા ખભ્ભા, વિખરાયેલા વાળ, ફ્રેમલેસ ચશ્માં અને સામાન્ય જીન્સ - ટીશર્ટ પહેરેલા એ અજાણ માણસને જોઈને પ્રગતિ ડરી ગઈ અને એનાથી બે ફૂટ પાછળ ખસી ગઈ.

" અરે....મને ન ઓળખ્યો....." એમ કહેતો એ માણસ પ્રગતિની સહેજ વધુ નજીક આવ્યો.

" સ્ટોપ." સામે આવી રહેલા એ માણસની આગળ એને રોકવા માટે પ્રગતિએ હાથ ધર્યો. " હુ આર યુ ? " પ્રગતિનો અવાજ સહેજ વધુ ઊંચો થયો.

" અરે....હું...ર..." એ કંઈ કહે એ પહેલા જ ત્યાં શ્રેયા આવી પહોંચી. " હેલ્લો... ગુડ આફ્ટરનૂન મિસ્ટર બક્ષી. પ્રગતિ મૅમ આ મિસ્ટર રજત બક્ષી. કાલે આપણી વાત થઈ હતી ને......યુ રિમેમ્બર...." શ્રેયાએ કહ્યું.

" ઓહહ હા....." પ્રગતિને હજુ કંઈ સમજાતું નહતું.

" મિસ શ્રેયા, કેન યુ પ્લીઝ એક્સ્ક્યુઝ અસ...." રજતના ચશ્માંમાંથી એની રાખોડી, શરારતી આંખો સ્પષ્ટ દેખાતી હતી.

" અ... હા ઓહકે. " એમ કહેતી શ્રેયા એક નજર પ્રગતિ તરફ અને એક નજર રજત તરફ કરી ત્યાંથી નીકળી ગઈ.

" હજુ ન ઓળખ્યો મને....? " રજતે પોતાના ફ્રેમલેસ ચશ્માં એક હાથેથી સ્ટાઇલમાં ઉતાર્યા અને પ્રગતિની નજીક સહેજ નમીને એને આંખ મારી ને કહ્યું, " ચાંદનીની ચમચી....." પછી ખડખડાટ હસી પડ્યો. એને પોતાના ચશ્માં વાળીને ટીશર્ટ પર ગોઠવ્યા.

" ર....જ....ત..." પ્રગતિને હવે કંઈક યાદ આવ્યું હોય એમ એને કહ્યું.

" તું તો સાવ જ બદલાય ગયો છે...." પ્રગતિએ રજતને કહ્યું. રજતની આંખોમાં એ મસ્તી હજુ અકબંધ હતી. " હા તો....કેમ ન બદલાવું ? પેલી તારી ચાંદનીની ભાષામાં ઓલું શું.....? કાયમી ઢગલા નો ઢ રહું કે ? " રજત ફરી હસ્યો એની મોતીની સેર જેવી દંતપંક્તિ એકદમ સ્વચ્છ દેખાતી હતી.

" શું તું પણ....આવડો મોટો થયો છે....હવે તો શિક્ષકો નો આદર કરતા શીખ." પ્રગતિએ ગંભીર થઈને રજતને કહ્યું.

" અરે....એવું માત્ર તને જ આવડે....ચાંદ....." રજત આગળ કંઈ બોલે એ પહેલા એની નજર પ્રગતિ સાથે અથડાય. પ્રગતિ તીખી નજરે એની સામે જોઈ રહી હતી.

" ઓહહ....હવે તને ' ચાંદનીની ચમચી ' નહીં કહું બસ...." રજત ફરી ખડખડાટ હસી પડ્યો. " રજત...." પ્રગતિએ એક હાથ ઉપાડી રજતના બાવડા પર જોરથી માર્યું.

" આયે.... હાયે....યાર કેટલું મિસ કર્યું છે મેં આ..." રજતે પ્રગતિએ જ્યાં માર્યું ત્યાં પોતાનો હાથ ઘસીને કહ્યું.

પ્રગતિને ખ્યાલ હતો કે આ માણસ નહિ સુધરે એને એક નિસાસો નાખી નકારમાં માથું ધુણાવ્યું અને પછી કહ્યું, " ચલ ઉપર. ડિઝાઇન્સ બતાવું....." એમ કહી પ્રગતિ આગળ ચાલવા લાગી.

" અરે....." રજતે પાછળથી પ્રગતિનો હાથ પકડી એને પાછી નજીક ખેંચી. " જઈશું...પણ આમ નહીં આમ...." રજતે મેઈન ડોર તરફ ઈશારો કરતા કહ્યું.

" કેમ ? " નવાઈ પામતા પ્રગતિએ પૂછ્યું.

" અરે.....હું આટલા સમય પછી તને મળ્યો છું. મને ઘરે નહીં લઈ જાય ? " રજતે પોતે જાણે ઉદાસ હોય એમ નખરા કરતા કરતા પ્રગતિને કહ્યું.

" ઓફિસ આર્સ છે....રજત. " પ્રગતિએ કહ્યું.

" તો ? હું તમારો કલાયન્ટ છું. મને સર્વિસ આપવી તમારી ફરજ છે......" રજતે પ્રગતિને મનાવા નવું શસ્ત્ર કાઢ્યું.

પ્રગતિ એ માથે હાથ દીધો.... " તું નહીં જ માને ને....." પ્રગતિએ કહ્યું. " ઓફકોર્સ નોટ...." કહીને રજતએ રીતસર પ્રગતિના ચહેરા પર પ્રેમથી જાપટ મારી.

" ઠીક છે...જા બહાર ઉભો રહે....હું હમણાં આવું...." પ્રગતિએ એક હાથે બહાર જવાનો ઈશારો કરીને રજતને કહ્યું....
To be Continued

- Kamya Goplani