Letters to life - 1 books and stories free download online pdf in Gujarati

જીવનના પત્રો - ૧ (પ્રિય પુસ્તકો)

(નમસ્કાર મિત્રો, આપણા રોજબરોજના જીવનમાં ટેક્નોલોજીનો એટલો વ્યાપ વધી ગયો છે કે કોઈને પત્ર લખવાનું તો સાવ ભુલાઈ જ ગયું છે. આંગળીના ટેરવે આપણે કોઈનો પણ સંપર્ક કરી શકીએ છીએ, જે ખુબ આવકારદાયક બાબત છે. છતાં પણ જીવનમાં અમુક એવી વસ્તુઓ છે કે એનો આભાર માનવા માટે આપણે એને પત્ર જ લખવો પડે. આપણા જીવનમાં વણાઈ ગયેલી કે આપડા જીવનને સારી રીતે ઘડવા માટે ઘણી વસ્તુઓ ઉપયોગી હોય છે. તો એ જ બધી વસ્તુઓનો આભાર માનવા માટે જ આ પત્ર સિરીઝ છે. આ પત્ર પુસ્તકો વિશે છે.)



પ્રિય પુસ્તકો,

સૌપ્રથમ તો દરેક વાચકો તરફથી તમને સાદર પ્રણામ.

આ દુનિયાને જડમુળમાંથી બદલી નાખનાર અનેક શોધો પૈકીના તમે પણ એક છો. તમારી સાથે મારી મૈત્રી તો જ્યારથી હું વાંચતા શીખ્યો ત્યારથી જ થઇ ગઈ હતી જે અત્યાર સુધી અડીખમ ઉભી છે અને આજીવન રહેશે.

ઘણા લોકોના એકલતાના સાથી તમે રહ્યા છો. પ્રવાસ દરમિયાન ટ્રેન, બસ કે પ્લેનમાં તમારા સાથને કારણે અમારા ઘણા પ્રવાસ યાત્રા બની જાય છે. અરે! અમારા જીવનને પણ એક સુખદ યાત્રા અમે તમારા દ્વારા જ બનાવી શકીએ છીએ. જીવન દરમિયાન અમારે અન્ય વ્યક્તિઓ સાથેના પરસ્પર સંબંધોમાં ઘણાં ચડાવઉતાર આવે છે. પરંતુ, તમારી સાથે તો અમારો નાતો જળવાઈ જ રહે છે, તમે ક્યારેય અમને નિરાશ કરતાં નથી.

સદીઓ જુના જ્ઞાનને સાચવી રાખવામાં તમારો સિંહફાળો છે. સદીઓ જુના મહાન વ્યક્તિઓ સાથે અમે તમારા દ્વારા જ વાર્તાલાપ કરી શકીએ છીએ. આજે અમારી માનવજાત પ્રગતિના જે પગથિયે ઉભી છે એ ફક્ત તમારા કારણે જ શક્ય બન્યું છે. અમારી જીવનયાત્રાના તમે જ સાચા પથદર્શક છો. અમારી ભાષાની સમૃદ્ધિમાં પણ તમારો જ સિંહફાળો છે.

તમે જ એક એવા છો જેમાં અમે અસંખ્ય દુનિયાની સફર કરી શકીએ છીએ. તમારા દ્વારા જ અમારામાં કલ્પનાશક્તિ ખીલે છે જે અમારા જીવનની સાચી પ્રગતિ માટે ખૂબ ઉપયોગી છે. અમારા ચારિત્ર્યના ઘડતરમાં તમારું અમૂલ્ય યોગદાન રહ્યું છે.

એવું નથી કે તમે ફક્ત ફીઝીકલ સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવો છો, ટેકનોલોજીના આવિષ્કારને કારણે તમે ડિઝિટલ સ્વરૂપમાં પણ અસ્તિત્વ ધરાવો છો. હા, મોટાભાગના લોકો મોબાઈલમાં ગેમ રમવા કે પછી સોશ્યલ સાઈટમાં સમય વ્યર્થ કરતાં હોય છે તો બીજી બાજુ એક બહોળો વર્ગ એવો છે જે તમારા ડીઝીટલ સ્વરૂપને વાંચન તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે. કશેક કોઈ કામ માટે લોકો લાઈનમાં ઉભા રહીને ફરિયાદો કરતાં હોય ત્યારે અમારા જેવા ઘણાં વાચકો મોબાઈલમાં તમને વાંચતા હોય છે. એમેઝોન નામની કંપનીના કિન્ડલ(Kindle) આવિષ્કારથી તમારા ડિઝીટલ સ્વરૂપનો વ્યાપ ઘણો વધ્યો છે.

આજે તમારી પણ એક વિશાળ દુનિયા છે, દર વર્ષે તમારા લાખો જન્મો થાય છે. છતાં, એક વસવસો છે કે લોકો નવું ઘર વસાવતી વખતે જેટલો ખર્ચ ફર્નિચર કે પછી દેખાડો કરવા નિરર્થક વસ્તુઓ પાછળ કરે છે એટલો તમારી પાછળ કરતા નથી. કચરા જેવા મનોરંજન ધરાવતી ફિલ્મો પાછળ પૈસા ખર્ચતી પ્રજા જયારે તમને વાંચવા માટે ખરીદીને બદલે કોઈક પાસે માંગી લે છે ત્યારે તો ખરેખર જીવ બળી જાય છે. ટી.વી. પાછળ દરરોજ કલાકો વેડફી નાખનારા તમને વાંચવા માટે થોડોક સમય પણ ફાળવતા નથી એ લોકો જ નાની-નાની વાતમાં ફરિયાદો કરતાં વધારે જોવા મળે છે.

તમારા સંગ્રહનું સ્થાન પુસ્તકાલયને તો હું જ્ઞાનનું મંદિર જ ગણું છું. કમનસીબે શહેરોમાં જેટલા થીયેટરો હોય છે એટલા પુસ્તકાલયો હોતા નથી. લોકો પોતાના સંતાનોને ધાર્મિક સ્થળોએ નિયમિત જવા માટે જેવો આગ્રહ કરે છે કાશ એવો જ આગ્રહ પુસ્તકાલયમાં જવા માટે કરતાં હોત તો એ પણ સંતાનોને સંસ્કારીત કરવા ખૂબ ખૂબ ફાયદારૂપ થાત.

તમારા સહવાસથી જીવનમાં હું તો ઘણું પામ્યો છું, અને હજુ પણ વધારે સારું સારું પામતો જ રહીશ. અસીમ જ્ઞાનના ભંડારની સાચવણી તથા એ બહુમૂલ્ય જ્ઞાનના સદીઓથી વહન કરવા બદલ અમારા જેવા સૌ વાચકો તરફથી તમારો ખુબ ખુબ આભાર.

એ જ તમને સદા વાંચનારો, તમારો વફાદાર વાંચક.


📚📚📚📚📚📚



✍️... Sagar Vaishnav