Rajkaran ni Rani - 34 in Gujarati Social Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૩૪

રાજકારણની રાણી - ૩૪

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૪

જનાર્દનને થયું કે રતિલાલને મળવા મોટા મોટા રાજકારણીઓ જાય છે ત્યારે તે સુજાતાબેનને મળવા ગયા એ નવાઇની વાત છે. રાજકારણમાં સુજાતાબેન થોડા સમયમાં હોંશિયાર થઇ ગયા છે. રતિલાલ જેવા રાજકારણના ખાંએ તેમને મળવું પડે છે. તે પોતાની દીકરી અંજનાની ભલામણ લઇને સુજાતાબેન પાસે ગયા હોય એવું લાગે છે. સુજાતાબેનની પહોંચ વધી રહી છે. સુજાતાબેનની નજર ધારાસભ્ય પદ પર જ નહીં બધી જ બાબતો પર રહે છે. આજ સુધી ઘણા રાજકારણીઓને જોયા છે, પણ સુજાતાબેનની વાત અલગ છે. સુજાતાબેનની વાત સાંભળી જનાર્દને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું:"શું રતિલાલ તમને મળ્યા હતા? એમણે ક્યારે તમને આ વાત કરી?"

"જનાર્દન, રતિલાલે ઉપર સુધી પોતાની પુત્રીને ટિકિટ અપાવવા કરેલી મહેનત એળે ગઇ છે. એટલે તે નિષ્ક્રિય બની રહ્યા છે. એ પરથી મને ખ્યાલ આવી જ ગયો હતો કે તે પોતે અથવા પુત્રી બીજા કોઇ પક્ષમાંથી કે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કરી શકે છે. ગઇકાલે રાત્રે રતિલાલ મને મળવા આવ્યા હતા. એ આવ્યા ત્યારે એવા જ મિજાજમાં હતા કે મારી ટિકિટ કપાવીને અંજનાને અપાવી દેવાના હોય. એમણે આવતાંની સાથે જ મને કહ્યું કે સુજાતા, ધારાસભ્ય જેવા મોટા પદ પર ચૂંટણી લડવાનું તારું ગજું નથી. તું ના પાડીને મારી દીકરીને એ ટિકિટ આપવા માટે પક્ષના હાઇકમાન્ડને કહી દે. તારે પાલિકા કે તાલુકા પંચાયતના સભ્યથી ચૂંટણી લડવાની શરૂઆત કરવી જોઇએ. થોડો અનુભવ થાય પછી મોટી ચૂંટણી લડવી જોઇએ. તને કયા કારણથી પક્ષે ટિકિટ આપી છે એની મને ખબર નથી પરંતુ તારા માટે આ ચૂંટણી જીતવાનું સરળ નથી. મેં રતિલાલને મારી ટિકિટ પાછી આપવાની ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે તમે લાંબી દોડની સ્પર્ધા જોઇ હશે. એમાં અગાઉનો વિજેતા દોડવીર એવું માનતો હોય છે કે બીજા સ્પર્ધકો તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરી શકશે નહીં. પણ નવા દોડવીર પાસે જોમ અને જુસ્સો વધારે હોય છે. એ ઓછા સમયમાં દોડ પૂરી કરે છે. તમને ક્રિકેટમાં રસ હોય તો એનું ઉદાહરણ આપું. જૂના ક્રિકેટરો જેટલા બોલમાં સદી પૂરી કરે છે એનાથી ઓછા બોલમાં કેટલાક નવા ક્રિકેટરો બેવડી સદી મારી જાય છે. તમને ખબર છે કે રાજકારણ પણ એક રમત જેવું જ છે. મારી વાતથી રતિલાલ ગુસ્સે થયા અને બોલ્યા:"તને બહુ અભિમાન છે તારી જીતનું તો યાદ રાખજે, હું અપક્ષમાં અંજનાને ઊભી રાખીને તને જીતવા નહીં દઉં." મેં શાંતિથી કહ્યું:"વડિલ, જીત કે હાર નક્કી કરવાવાળા આપણે નથી. એનો નિર્ણય તો મતદારો કરશે." ત્યારે તેમણે કહ્યું:"હું પાટનગર જઇને તારી ટિકિટ રદ કરાવીશ. જો રદ નહીં થાય તો તારા હાથ નીચે અંજના કામ કરશે નહીં. એ અપક્ષ તરીકે ચૂંટણી લડશે અને ટક્કર આપશે." મેં કોઇ જવાબ આપ્યો નહીં એટલે પગ પછાડતા જતા રહ્યા હતા.

"બેન, રતિલાલના સમર્થકો ઘણાં છે. એ આપણાને નડશે..." જનાર્દન ચિંતા કરતાં બોલ્યો.

સુજાતાબેન હસીને બોલ્યાં:"આપણે એવા સમર્થકો ઉભા કરીશું કે એમને ખ્યાલ પણ નહીં આવે કે એમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે."

જનાર્દનને હવે વિશ્વાસ આવી ગયો હતો કે સુજાતાબેનને જીતતાં કોઇ અટકાવી શકે એમ નથી.

રતિલાલે અંજનાને અપક્ષ તરીકે ઉભી રાખવાની જાહેરાત કર્યા પછી 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના નેતાઓએ તેમનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હવે રતિલાલની મુદત પૂરી થવાની હોવાથી પક્ષમાંથી કાઢી શકાય એમ ન હતા. રતિલાલ વહેલું રાજીનામું મૂકી દેવા માગતા ન હતા. તે સત્તાનો છેલ્લા દિવસ સુધી ઉપયોગ કરવા માગતા હતા. આમ પણ એમને ખબર પડી ગઇ હતી કે હવે કોઇ પદ માટે ટિકિટ મળવાની નથી.

ચૂંટણી જાહેર થવાની તારીખ નજીક આવતી ગઇ એમ ધારાસભ્ય પદના ઉમેદવારોની સંખ્યા વધી રહી હતી. ઘણા સ્ત્રી-પુરુષો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યા હતા. એક ઉમેદવારે તો સુજાતાબેન પાસે એમ કહીને પૈસા માગ્યા કે તેને અમુક રકમ મળી જાય તો એ ઉમેદવારી નોંધાવશે નહીં. ત્યારે સુજાતાબેને એમ કહ્યું કે ઉમેદવારી રોકવા નહીં જેને ઉમેદવારી કરવી હોય એને સામેથી પૈસા આપીશ. હું સૌથી વધારે મતથી જ નહીં સૌથી વધારે ઉમેદવારો સામે જીતવાનો પણ વિક્રમ બનાવવા માગું છું. ત્યારે પેલા ઉમેદવારની બોલતી જ બંધ થઇ ગઇ.

સુજાતાબેન તેમની ટીમ સાથે સતત પ્રચાર કરી રહ્યા હતા. તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. જનાર્દન અને હિમાની હવે તેમની સાથે વધારે સમય ગાળતા હતા. જતિન સામેનો કેસ જીતી ગયા પછી મોટી રકમ આવી હતી. એનો ઉપયોગ તે લોકોના કામો માટે કરી રહ્યા હતા. તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. સુજાતાબેનને ચૂંટણીમાં સફળતા મળવાની શકયતાઓ વધી ગયા પછી વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હતું.

જનાર્દને સુજાતાબેનને વિરોધીઓથી સાવધાન રહેવા કહ્યું:"બહેન, આપણા વિરોધીઓ કોઇ ષડયંત્ર રચી શકે છે. તમે પોલીસ રક્ષણ માંગી લો. તમારા જીવને જોખમ ઊભું થઇ શકે છે..."

"જનાર્દન, સાચને આંચ આવતી નથી..." સુજાતાબેન બેફિકર હતા.

"બહેન, મને સૂત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે કે આપણી સભામાં વિરોધીઓ ધમાલ કરવાના છે."

"જનાર્દન, આપણા સમર્થકો એવા લોકોને પહોંચી વળે એવા છે..." સુજાતાબેન નિશ્ચિંત હતા.

આખરે એક દિવસ જનાર્દનની શંકા સાચી પડી.

સુજાતાબેન સભાને સંબોધન કરી રહ્યા હતા:"આ વખતની ચૂંટણીને અમે કોઇ સ્પર્ધા તરીકે ગણી નથી. આપ કોઇપણ ઉમેદવારને મત આપવા સ્વતંત્ર છો. તમે તમારા મતનો તટસ્થ મનથી ઉપયોગ કરજો. તમને ખબર હોવી જોઇએ કે તમારો મત કેટલો કિમતી છે. ઘણા એવા ઉમેદવારો છે જે પોતે તમારા મતની કિંમત નક્કી કરી રહ્યા છે. આમ કરીને એ તમારા વિચાર પર પોતાની સત્તા જમાવી રહ્યા છે. જો એ તમને કોઇ પ્રલોભન આપીને તમારા વિચારને બદલવામાં સફળ થશે તો માનજો કે તમારો તમારા વિચાર પર કાબૂ નથી. તમારું મન એમનું ગુલામ બની ગયું છે. તમારે ઉમેદવારની કામગીરી જોઇને મત આપવાનું નક્કી કરવાનું છે. ઇન્ટરનેટ પર ટાઇમપાસ માટે પૂછાતા કોઇ ફિલ્મ કે હીરો-હીરોઇન વિશેના પ્રશ્ન પરનું આ મતદાન નથી. તમારા મતથી કોઇ ફિલ્મ કે કલાકાર વધારે લોકપ્રિય જાહેર થશે કે એને એવોર્ડ મળશે. તમને એમાં કશું મળતું નથી. જ્યારે આ મત આપવાથી તમે તમારું કે તમારા વિસ્તારનું જ નહીં આખા દેશનું ભવિષ્ય નક્કી કરો છો. એટલે મત તમારો અધિકાર છે એનો સમજી વિચારીને ઉપયોગ કરજો..."

સુજાતાબેનની વાત કાર્યકરોની સાથે ઉપસ્થિત સ્થાનિક લોકોના મનમાં બેસી રહી હતી. સુજાતાબેન પ્રવચન કરીને સ્ટેજ પરથી ઉતર્યા ત્યારે લોકો તેમને મળવા દોડી ગયા. જનાર્દન અને બીજા કાર્યકરો મુશ્કેલીથી સુજાતાબેનને કાર સુધી લઇ ગયા. સુજાતાબેને ગાડીમાં બેસતાં પહેલાં હાથ હલાવી બધાંનું અભિવાદન કર્યું. અને જેવા ગાડીમાં બેસવા ગયા કે તેમના પર કોઇ યુવતીએ એકદમ નજીકથી છાતી પર ગોળી ચલાવી. સુજાતાબેન ચીસ પાડીને ગાડીમાં બેસી પડ્યા. ગોળી ચલાવનાર યુવતી ગજબની સ્ફૂર્તિથી નજીકમાં ઉભેલી એક નંબર વગરની બાઇક પર જઇને બેસી ગઇ. કાળા કાચવાળી હેલ્મેટ પહેરીને બેઠેલા યુવાને બાઇકને ઝડપથી ભગાવી મૂકી. આંખના પલકારામાં બધું બની ગયું. લોકોનું ટોળું એ જોવા દોડ્યું કે સુજાતાબેનને કેવી અને કેટલી ઇજા થઇ? ત્યાં ઉભેલો અપક્ષ ઉમેદવારનો એક કાર્યકર વિચારવા લાગ્યો કે સુજાતાબેનનું પત્તું સાફ થઇ ગયું હોય તો સારું છે.

ક્રમશ:

***

Rate & Review

Usha Patel

Usha Patel 1 month ago

Dilip Thakker

Dilip Thakker 10 months ago

Himanshu P

Himanshu P 11 months ago

Kinnari

Kinnari 12 months ago

bhavna

bhavna 1 year ago