Pragati - 21 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 21

" થાકી ગઈ....." બાજુમાં આવેલા રોહિતએ આયુના માથા પર હાથ ફેરવતા કહ્યું. કંઈ જ બોલવાની તાકાત નહતી બચી એટલે આયુએ માત્ર આંખો મીચકારી હામી ભરી.

" સુઈ જા...." રોહિતએ આયુના માથા પર એક હળવી કિસ કરી અને પછી પોતે પણ એના પડખાંમાં સુઈ ગયો......

વહેલી સવારે પ્રગતિ ડ્રેસિંગરૂમના અરીસા સામે ઉભી રહીને તૈયાર થઈ રહી હતી. પોતાનું છાપું અને બેડ ટી ને પૂર્ણ કર્યા બાદ વિવેક જ્યારે ડ્રેસિંગ રૂમમાં દાખલ થયો ત્યારે પ્રગતિ મોટા બ્રશ વડે પોતાના વાળ સવારી રહી હતી. એ બે ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. એ અરીસામાં પ્રગતિને જોઈ રહ્યો હતો. લાલ તેમજ ઓરેન્જ રંગના કોમ્બિનેશન વાળી અને એના પર ગોલ્ડન પ્રિન્ટ કરેલી સાડી, હાથમાં બંગડી, ગળામાં મંગળસૂત્ર અને માથામાં સિંદૂર પુરેલી પ્રગતિ ખરેખર એક સંપૂર્ણ સ્ત્રી લાગી રહી હતી. પ્રગતિ વાળ ઓળીને પાછળ ફરી ત્યારે વિવેક હજુ સુધી એની સામે એમ જ જોઈ રહ્યો હતો. પ્રગતિએ ભવા ઊંચા કર્યા અને જવાબમાં વિવેકએ માત્ર ના માં માથું ધુણાવ્યું....

પલંગ પર આળોટતા આળોટતા આયુએ પોતાની આંખ જરાક જ ખોલી તો સામેની ઘડિયાળમાં નવ વાગેલા જોઈને એ ઝટકા સાથે બેઠી થઈ. એટલી જ વારમાં રૂમનો દરવાજો ખુલ્યો. ટેબલ ટ્રોલીમાં ચા, ગરમા ગરમ થેપલા અને દૂધના ગ્લાસ સાથે રોહિત રૂમમાં પ્રવેશ્યો.

" ઉઠી ગયા....." એણે ટ્રોલી પલંગની સામે ગોઠવતા કહ્યું.

" હા....પણ...." આયુ સહેજ ઉદાસ હતી.

" પણ તને કેમ ન ઉઠાડ્યું એમ પૂછે છે ને...." રોહિત પલાંઠી વાળીને બિસ્તર પર આયુની બાજુમાં ગોઠવાયો.

" મમ્મી ગુસ્સે થયા હશે ને....." આયુ પ્લેટમાંથી થેપલુ લેવા ગઈ ત્યારે રોહિતએ એનો હાથ વચ્ચેથી જ પકડ્યો.

" ના....એ બંને તો બહાર ગયા છે...." રોહિત જ્યારે ખોટું બોલતો ત્યારે એ આયુનો સામનો ન કરી શકતો એટલે મોઢું ફેરવી લેતો. આયુને આ વાતની ખબર હતી પણ એણે રોહિતને આ વિશે કહ્યું નહોતું.

" જૂઠું બોલે છે મારી સાથે...હેં....હેને..." એક હાથ રોહિતના હાથમાં હતો એટલે બીજા હાથની આંગળીઓ આયુ રોહિતના પેટમાં ખોંસી ને એને ગલીપચી કરવા લાગી.

" છોડ...." હવે રોહિતએ આયુના બંને હાથ પકડ્યા અને એને ઉભી કરી...." ચાલો પહેલા બ્રશ કરી આવો..." રોહિત એને પાછળથી ધક્કો મારીને છેક બાથરૂમ સુધી લઈ ગયો.....

પ્રગતિ પલંગ પર પોતાનો સામાન પાથરીને ઉભી હતી. એ ધીરે ધીરે એને જુદા પાડતી પાડતી ગોઠવી રહી હતી. વિવેક રૂમમાં દાખલ થયો.

" પ્રગતિ આ બધું કરવાની જરૂર નહતી. " વિવેકએ કહ્યું.

" શું ? કંઈ સમજાયું નહીં " પ્રગતિએ નાનકડા મેકઅપ કીટ ની ચેઇન બંધ કરીને વિવેકની સામે જોયું.

" આ....આ બધું....આ બધું કરવાની જરૂર નહતી એમ..." વિવેકએ પોતાનો એક હાથ પ્રગતિની સામે ઉપરથી નીચે તરફ હવામાં ફેરવીને કહ્યું. પ્રગતિએ નીચું મોં કરીને પોતાને જ જોયું.

" ઓહહ... અચ્છા... વિવેક, આપણે મંદિરે જવાનું છે. " પછી સહેજ અટકીને ઉમેર્યું...." મા સાથે " કહીને પ્રગતિ બહાર નીકળવા ગઈ.

" કઈ માટીની બનેલી છે આ...? " વિવેકને વિચાર આવ્યો. પછી એણે તરત જ પોતાની મા નો વિચાર આવ્યો. " શું દરેક સ્ત્રી આટલી જ સહનશીલ હોય શકે....! " એટલામાં જ પ્રગતિ એની બાજુમાંથી નીકળીને સીડી ઉતરવા જતી હતી. હજુ એ પોતાનો એક પગ સીડીએ મૂકે એ પહેલાં વિવેક એ પાછળથી જ એનો હાથ પકડ્યો. બંનેના હાથ પકડેલા હતા અને પીઠ વિરુદ્ધ દિશામાં હતી.

" તું ખુશ છે ? " વિવેકએ પૂછ્યું ત્યારે બંનેએ એક સાથે એકબીજા સામું જોયું. જવાબમાં પ્રગતિએ માત્ર પોતાના હોઠના ખૂણા સહેજ હલાવીને સ્મિત કર્યું. એ સ્મિતમાં કોણ જાણે એવું શું હતું કે એ વિવેકથી ન જોવાયુ. એને પોતાની આંખ મીંચી દીધી અને બીજી તરફ જોવા લાગ્યો એટલીવારમાં પ્રગતિ ક્યારે એનો હાથ છોડીને જતી રહી એમાં એનું ધ્યાન જ ન રહ્યું.....

ટેબલ પર પોતાના બંને હાથની આંગળીઓ વાળીને તબલા વગાડતા વગાડતા રોહિત આયુની રાહ જોઈ રહ્યો હતો. થોડીવારમાં આયુ ટોવેલથી પોતાનું મોં સાફ કરતી કરતી બહાર આવી. એ રોહિતની બાજુમાં ગોઠવાયને ચા નો કપ લેવા જ જતી હતી ત્યાં એની પહેલા રોહિતએ એ કપ લઈ લીધો.

" આ મારું છે...." એણે આયુ તરફ છલોછલ ભરેલો દૂધનો ગ્લાસ ધર્યો ને પછી કહ્યું, " આ તારું છે...."

" દૂધ...! " આયુએ ડોક હલાવી ના પાડી. " છી...." પછી એ પોતાની જીભ બહાર કાઢીને નખરા કરવા લાગી.

" પી લે ને યાર...." રોહિતએ કહ્યું.

" ના પ્લીઝ...." રડમસ અવાજે કહીને આયુએ પોતાનું છેલ્લું તીર અજમાવ્યું. રોહિતએ એને પડખામાં લીધી ને એના મોઢે દૂધનો ગ્લાસ ધર્યો. આટલો પ્રેમ જોઈને આયુ પીગળી ગઈ.

બે ચાર ઘૂંટ પીધા પછી એણે પોતાના જમણા હાથની હથેળી ઊંઘી કરી પોતાના મુખ પર લાગેલું દૂધ લૂછયું..." સાચું કહે ને....મમ્મી ગુસ્સે હતા ને ? "

" હા....થોડા થયા હતાં.......એમણે હજુ ખબર નથીને એટલે....તું ચિલ માર...આપણે વાત કરીશું એ નીચે જ છે." રોહિતએ કહ્યું.

" હમ્મ..." એણે રોલ વાળેલા થેપલાનું એક બટકું ભર્યું.

" તને કેમ ખબર પડી કે હું જૂઠું બોલ્યો ? " ચા નો ખાલી કપ નીચે મૂકી એણે કુતૂહલવશ આયુને પૂછ્યું.

આયુએ પોતાનું હાસ્ય અંદર મોઢામાં દબાવાની બહુ કોશિશ કરી પણ એનાથી રહેવાયું નહિ એટલે અંતે એ હસી પડી ને કહ્યું, " તું મને ગાંડી સમજે છે....આ ગરમાગરમ ટેસ્ટી થેપલા શું તે બનાવ્યા એમ...." આયુ ફરી જોરથી હસી. " આવા તો મોટી એ નથી બનાવતી. " એણે હસતા હસતા ફરી થેપલા નું બટકું ભર્યું. જવાબમાં રોહિતએ કંઈ જ કહ્યું નહિ ફક્ત સ્મિત સાથે હા માં મોઢું ધુણાવીને ફેરવ્યું.....

" મારાથી આવું થઈ જ કેમ શકે ? મારે એક વાર પ્રગતિ સાથે વાત કરવી જોઈતી હતી....મારે એના મનની વાત જાણવી જોઈતી હતી. ફક્ત આયુની વાત સાંભળીને જ હું આટલો આગળ કેમ વધી ગયો....! " આયુ અને વિવેકની વાત પછી જ વિવેકએ સુમિત્રાબેન ને પ્રગતિના ઘરે મોકલ્યા હતા એણે મનોમન અફસોસ થઈ રહ્યો હતો કે એણે આ સંબંધ જોડતા પહેલા પ્રગતિ સાથે એક પણ વાર ખુલીને વાત નહતી કરી. એણે પહેલેથી જ પ્રગતિ ગમતી હતી ' કદાચ પ્રગતિને પામવાની આ જ તક છે...' એવો વિચાર ઊંડે ઊંડે ક્યાંક એના મનમાં ધસી ગયો હતો જેની એને જ ખબર નહતી રહી. અચાનક કંઈક વિચારથી એ બેડરૂમમાં ગયો ને પછી મોટે મોટે ડગલે નીચે તરફ જવા માટે આગળ વધ્યો.....

પ્રગતિ જ્યારે રસોડામાં પ્રવેશી ત્યારે એક ચોરસમાં ચારે બાજુ આવેલા ચાર પ્લેટફોર્મ પર શિસ્તબદ્ધ વસ્તુઓ ગોઠવેલી જોઈને એ દંગ રહી ગઈ. આટલું જ નહીં એ રસોડામાં વચ્ચોવચ પણ એક પ્લેટફોર્મ હતું ખરેખર ત્યાં જ રાંધવાનું કાર્ય થતું હતું. એ પ્લેટફોર્મની સામેની બાજુનો પ્લેટફોર્મ એકદમ ખાલી હતું એની ઉપર એક બારી હતી જ્યાંથી ઘરના બગીચાનો થોડો જ ભાગ જોઈ શકાય તેમ હતો. કદાચ ત્યાં બારીની બહાર જોતા બેસી રહેવા માટે એ પ્લેટફોર્મને ખાલી રખાયો હતો. પ્રગતિ આ બધું જ નિહાળી રહી હતી ત્યાં જ....

" એ આભમાં ઉગે ને ચાંદલો....જીજાબાઈને આવ્યા બાળ.... હો...શિવાજીને નીંદરુ આવે...માતા જીજાબાઈ ઝુલાવે...." એક સ્થૂળ કાય, માથે ટાલ સાથે થોડા જ વાળ, આછા સફેદ રંગનું ટી શર્ટ અને પીળા રંગનું ધોતિયું પહેરેલો એક માણસ રસોડાના બહારના ભાગમાંથી એના ઘેરા, સુંદર અવાજમાં ગાતા ગાતા બહાર આવ્યો. પ્રગતિ અનિમેષ નજરે એમને ગાતા સાંભળી રહી.

" વહુબેટા.... આવો આવો.... હું મહારાજ મુરારીલાલ. નામે મહારાજ અને સ્થાને ફક્ત તમારી આ વિરાસતનો માત્ર એક સેનાપતિ આપનું સ્વાગત કરું છું...." મહારાજે આખા રસોડામાં હવામાં હાથ ફેરવીને કહ્યું. પ્રગતિ હસી પડી.

" આટલા વર્ષોથી તમે મહારાજ છો તો હવે આ વિરાસત અમારી કઈ રીતે બની શકે....! અમે તો અહીં એક દાસી માત્ર છીએ....." પ્રગતિ સહેજ ઝૂકી એણે પોતાનો જમણો હાથ આગળ કરી આદાબ કરીને કહ્યું, " ગુસ્તાખી માફ શહેનશાહ... ક્યાં હમ અંદર આ સકતે હૈ ? " કહીને પ્રગતિ ફરી હસી પડી.

" જી જી....બિલકુલ....અને દાસી...! રામ રામ.....વહુદીકરા આ ઉંમરે પાપમાં નાખશો કે...." મહારાજ પોતાનું કામ કરી રહ્યા હતાં. પ્રગતિ પાછળથી એક વાસણ લઈને આવી.

" અરે....ના ના...આ શું પહેલા જ દિવસે....! ના ના...." મહારાજ એના હાથમાંથી એ વાસણ લેવા ગયા.

" અરે, મંદિરે જવાનું છે...પ્રસાદ બનાવું છે....મા એ કહ્યું નથી છતાં પ્રસાદ તો જાતે જ બનાવાય ને...." પ્રગતિએ સ્પષ્ટતા કરી.

" અચ્છા... ભલે ભલે..."

" ખાંડ ક્યાં હશે ? " પ્રગતિએ સાડીનો છેડો લઈ કમરમાં ખોસ્યો ને કામ કરવા લાગી. દરમિયાનમાં મહારાજ જુદા જુદા જોક્સ મારી રહ્યા હતા એ છેલ્લા દસ વર્ષથી આ ઘરમાં કામ કરતા હતા એટલે એ પ્રગતિને જણાવા જેવું બધું જ જણાવી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે ભજન, ગરબાની બે બે લાઈનો પણ ગાતા જતા હતા. દસ મિનિટથી રસોડાની બહાર ઉભેલો વિવેક આ બધું જ નિહાળી રહ્યો હતો. એ પ્રગતિને હસતી જોઈ રહ્યો હતો. અજાણ્યા માણસો સાથે થોડી જ વારમાં સામાન્ય વાતચિત કરવાની પ્રગતિની ઈન્ટરપર્સનલ સ્કીલ્સ તો એણે કામમાં પણ જોઇ જ હતી પરંતુ આમ સાવ સામાન્ય માણસ સાથે પણ એ આટલી જ વારમાં ભળી ગઈ એની વિવેકને નવાઈ લાગી. એ બંને ને જોઈ રહ્યો હતો. મહારાજ મુરારિલાલ ના જોક્સ સાંભળીને વારે વારે પ્રગતિને કોણ જાણે કેમ રજત યાદ આવી રહ્યો હતો. હવે તો બંને વાતે વાતે એકબીજા ને હાઈ ફાઈ પણ આપી રહ્યા હતા. વિવેક સાથે તો પ્રગતિ કેટલાય સમયથી કામ કરી રહી હતી છતાં પોતે એની સામે આટલી ક્યારેય નહતી ખુલી. વિવેકનું મન ફરી એ જ નકારાત્મક વિચારોમાં પરોવાયુ.

" કેમ...? ઘરમાં રસોડા જેવું પણ કંઈક છે એવું આજે યાદ આવ્યું છે તમને....? " વિવેક તંદ્રામાં હતો. સુમિત્રાબેનએ એનો કાન પકડીને મચકોડયો ત્યારે એની તંદ્રા તૂટી.

" આ....ન ના.....હું તો ખાલી પાણી પીવા આવ્યો હતો....." વિવેકએ ખોટી સફાઈ આપી.

" અચ્છા....અહીંયા સુધી....!? " સુમિત્રાના ચહેરા પર આશ્ચર્ય અને પ્રશ્ન બંને હતાં.

" હવે કામ પત્યું હોય તો....સિધાવ....નાસ્તો કરીને મંદિરે જવાનું છે આપણે....." વિવેક ત્યાંથી ચાલતો થયો.
To be Continued

- Kamya Goplani