Sukhano suraj in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સુખનો સૂરજ

Featured Books
Categories
Share

સુખનો સૂરજ

આંશીની ખુશી આજે ચરમસીમાએ હતી કારણ કે તેને બેસ્ટ ભરતકામ માટે એવોર્ડ મળવાનો હતો આજે ઘણાં વર્ષો પછી તેની ઈચ્છા પૂરી થવાની હતી.


સમાચાર પત્રના પહેલા પાના પર તેનું નામ અને તેના કરેલા હેન્ડવર્કનો ફોટો હતો તેથી તે અને તેનો પતિ વિવેક આજે ખૂબજ ખુશ હતા.


તેને આ સ્ટેજ ઉપર પહોંચાડવા માટે વિવેક હંમેશા મદદગાર રહ્યો હતો. તે જ તો તેના અનન્ય સાચા પ્રેમની સાબિતી હતી. એનું વાતે વાતે " હું છું ને! " આંશીની સાચી ઔષધિ બની રહી હતી. આંશીને પોતાના ભાગ્ય પર વિશ્વાસ જ ન આવતો. વિવેક જેવો જીવનસાથી ભાગ્યશાળીના જ પ્રારબ્ધમાં હોય...!! એક નાનકડા ગામના ખુણેથી આવી શહેરની હોસ્ટેલમાં ભણી-ગણીને પોતાની તનતોડ મહેનતેને કારણે નોકરી મેળવી પોતાના પગ ઉપર ઉભું થવું કંઈ નાનીસૂની વાત ન હતી...!!


વિવેક સાથે તેની પહેલી મુલાકાત કોલેજમાં થઈ હતી. સપના વિવેકની કઝિન સિસ્ટર અને આંશીની બેસ્ટ ફ્રેન્ડ હતી કોલેજના પહેલા જ દિવસે સપનાએ વિવેક સાથે આંશીની ઓળખાણ કરાવી હતી. પછી તો ફ્રી પિરિયડમાં, રીસેસમાં અને કોલેજમાંથી છૂટતી વખતે રોજ વિવેકને મળવાનું થતું. બંને વચ્ચે મિત્રતા થઈ અને હાસ્યની અદલાબદલી ક્યારે શબ્દોમાં પરિણમી શબ્દોની વહેંચણી લાગણીઓ અને વિચારોની વહેંચણી સુધી પહોંચી વિચારોની ગુણવત્તા અને સામ્યતા વ્યક્તિત્વ આકર્ષણ તરફ ઝૂક્યા અને બે સંવેદનાઓનો ઝુકાવ ક્યારે પ્રેમના સેતુમાં બંધાઈ ગયો તે વિચારવાનો સમય જ ક્યાં મળ્યો..??


સમાજના મધ્યમ વર્ગની પુત્રીને ગામડામાંથી શહેરમાં જીવનનિર્વાહ માટે પહોંચેલા નવયુવાન જોડે જીવન વસાવવાની પરવાનગી ન મળી પણ વિવેકના ભીતરની સચ્ચાઈ અને ચારિત્ર્યની સાદગીમાં રંગાયેલી આંશી વિવેકને પોતાનો જીવનસાથી બનાવવાના પોતાના નિર્ણય પર અડગ રહી. તેને વિશ્વાસ હતો કે પોતાના માતા-પિતાને તો એક દિવસ તે મનાવી જ લેશે. જે દિવસે વિવેકના પ્રેમની પવિત્રતા તેઓ ઓળખી જશે ત્યારે પોતાની પુત્રીના જીવન નિર્ણય ઉપર અનન્ય ગર્વ લેશે, તેની આંશીના હૃદયને પાક્કી ખાતરી હતી. લગ્નજીવનના છ વર્ષ પછી પણ આજે પણ આંશી અને વિવેક હાર માન્યા ન હતા અને તેમનો પ્રેમ જીતવા અથાક પ્રયત્ન કરી રહ્યા હતા. આ છ વર્ષમાં આંશીએ એક સુંદર દીકરાને અને રૂપાળી ઢીંગલી જેવી એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો.


વિવેક પોતાના માતા-પિતાને શહેરમાં પોતાની સાથે આવીને રહેવા માટે કેટલીય વાર વિનંતી કરી ચુક્યો હતો પણ ગામની માટીને છોડીને ઘરડા મૂળ હવે શહેરની માટીમાં નવેસરથી રોપાવા તૈયાર ન હતા. આમ છતા વિવેક અને આંશી બંને મળીને દૂર બેઠા બેઠા પણ એમની સંપૂર્ણ કાળજી દાખવી રહ્યા હતા. આર્થિક રીતે તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પૂરેપૂરી તકેદારી દાખવી રહ્યા હતા. રજાઓમાં ગામમાં એમના સહવાસ રૂપી આશીર્વાદ લેવા અચૂક પહોંચી પણ જતાં.


આંશી અને વિવેકનું જીવન બહુ ભૌતિક સુખ-સગવડ વાળું કે આરામદાયી તો ન જ હતું પણ આ નાનકડા ઘરમાં પ્રેમ અને સ્નેહની કોઈ કમી ન હતી બે ટંકનું ભોજન ઈશ્વર પહોંચાડી દેતા હતાં અને માથા ઉપર છત હતી ભાડાની હતી તો શું ? જ્યાં સંતોષ અને પ્રેમ એકબીજામાં ભળી જાય ત્યાં ફરિયાદો માટે કોઇ સ્થાન જ ન રહે..!!


દરરોજ આખા દિવસની ભાગદોડ પછી વિવેક પલંગમાં આડો પડીને ટીવી જોતો હોય અને આંશી તેની બાજુમાં બેઠી બેઠી તેનું કંઈનું કંઈ ભરતકામ કરવામાં મસ્ત હોય. આમ આ નાનકડું પરિવાર ખૂબ જ સુખ અને શાંતિથી જીવન નિર્વાહ કરી રહ્યું હતું પણ એક સરખા દિવસો કોઈના પણ ક્યારેય જતા નથી તેમ આંશી અને વિવેક ઉપર પણ આફત આવી પડી હોય તેમ વિવેક જે ફેક્ટરીમાં કામ કરતો હતો તે ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં ફેક્ટરી રાતોરાત બંધ થઈ ગઈ અને વિવેક ઘરે બેસી ગયો કમાવા માટેનું બીજું કોઈ જ સાધન તેની પાસે ન હતું. ખૂબ જ ખરાબ રીતે આંશી અને વિવેક દિવસો પસાર કરી રહ્યા હતા આંશી એકલી પડે ત્યારે રડી પણ લેતી હતી.


એટલામાં એક દિવસ તેની ફ્રેન્ડ અને વિવેકની કઝિન સિસ્ટર સપના તેમના ઘરે તેમને મળવા માટે આવી તેને આ આખીયે પરિસ્થિતિની જાણ થતાં તેને ખૂબ જ દુઃખ થયું અને તેની આંખમાં પણ આસું આવી ગયા પછી તેની નજર આંશીએ કરેલા ભરતકામ ઉપર પડી અને તેને એક આઈડિયા આવ્યો જે તેણે આંશીને અને વિવેકને જણાવ્યો તેણે કહ્યું કે, "આંશી જો આટલું બધું સુંદર ભરતકામ કરી શકતી હોય તો તે પોતાનું ભરતકામ વેચીને તેમાંથી પૈસા મેળવી શકે અને તમારી તકલીફ પણ દૂર થઈ જાય. "


વિવેકને અને આંશીને આ વાત બિલકુલ સાચી લાગી અને તેમણે આમ જ કરવાનું નક્કી કર્યું. આંશી પોતાનું ભરતકામ કરીને પોતાની સોસાયટીમાં અને વિવેકના મિત્ર વર્તુળમાં અવારનવાર બધાને બતાવતી રહેતી હતી આટલું સરસ હેન્ડવર્ક કરેલું દરેકને ખૂબજ ગમતું અને તેની પાસેથી ખરીદી પણ લેતાં આમ આંશીની સખત મહેનત અને ધગસ અને વિવેકનો સાથ ધીમે ધીમે તેમની પૈસાની તકલીફ દૂર કરતા ગયા.


આમ કરતાં કરતાં વિવેક પણ ભરતકામમાં આંશીને મદદ કરવા લાગ્યો અને બંનેએ સાથે મળીને પોતાની હેન્ડવર્કની દુકાન શરૂ કરી. અને આજે તો તેમાં પણ તેને તેના બેસ્ટ ભરતકામ માટે યુનિયન તરફથી તેને એવોર્ડ મળ્યો અને વર્ષોની તેની કંઈક કરીને બતાવવાની જે ઈચ્છા હતી તે પૂર્ણ થઈ.


આંશી અને વિવેક પોતાના આ એવોર્ડને અને બંને બાળકોને લઈને આંશીના મમ્મી પપ્પા પાસે ગયા તેઓ જાણે આંશીની જ રાહ જોઈ રહ્યા હોય તેમ આંશીને જોતાં જ તેને વળગી પડ્યા અને આટલા વર્ષો મળવા માટે કેમ ન આવી તેવી ફરિયાદ પણ કરવા લાગ્યા. આંશી અને વિવેકના જીવનમાં આજે સુખનો સૂરજ ઊગ્યો હતો.


આમ બાળપણમાં શીખેલી હસ્તકલા રંગ લાવી અને ફક્ત આંશી અને વિવેકના ડૂબતા ઘરને જ ન બચાવ્યું પણ તેમને અનન્ય સિદ્ધિ પણ પ્રાપ્ત કરાવી.


~ જસ્મીન