Rajkaran ni Rani - 36 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૩૬

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૬

બાઇક ચાલક યુવાન અને છોકરી જ્યારે કામ સોંપનાર પાસે પહોંચ્યા ત્યારે એ સ્ત્રી ફરી એમને ઓઢણીથી બુકાની બાંધેલી જ દેખાઇ. શહેરના ખૂણે એક અવાવરુ જગ્યાએ એ તેમની રાહ જોતી હતી. તેણે પોતાની પાસેની બેગમાંથી રૂપિયાની થપ્પી કાઢી યુવાનને આપતાં કહ્યું:"લે, આ તમારી ફી. અને છોકરી... પેલી રિવોલ્વર અહીં જમીનમાં દાટી દે...પણ બંને યાદ રાખજો કે તમે કંઇ જાણતા નથી. જો કોઇને જરાપણ શંકા જશે તો તમારી યુવાની જેલમાં વીતશે..."

"બેન, અમે મૂરખ નથી. અમે મજબૂરીમાં તમારું કામ કર્યું છે. અમે કોઇને કંઇ કહેવાના નથી. કોઇ મુશ્કેલી પડે તો ગમે ત્યાંથી આવીને અમને બચાવજો. અમે તમને ઓળખતા પણ નથી. આ કામ અમારી જરૂરિયાતને કારણે કર્યું છે. અમે એને ભૂલી જઇશું. સારું છે કે સુજાતાબેન બખ્તર પહેરીને આવ્યા હતા. નહીંતર અમારાથી આ કામ થયું ન હોત..." યુવતી બોલી.

"પણ...તમે કેવી રીતે જાણ્યું કે સુજાતાબેન આજે બખ્તર પહેરીને જ આવ્યા છે?" સ્ત્રીએ નવાઇથી પૂછ્યું.

"સુજાતાબેન જ્યારે કાર્યક્રમ માટે મંચ તરફ જઇ રહ્યા હતા ત્યારે હું અજાણતામાં એમને બાજુમાંથી પસાર થઇને અથડાઇ હતી. ત્યારે મને એમના શરીરના ઉપરના ભાગમાં સખત વસ્તુનો અહેસાસ થયો એટલે અંદાજ આવી ગયો કે કામ કરી શકાય એમ છે...પણ તમને કેવી રીતે ખબર પડી કે એ જાહેરમાં ચોરીછૂપી બખ્તર પહેરીને ફરે છે..."

"છોકરી... તારે એ જાણવાની જરૂર જ નથી... હવે બંને ઝડપથી ભાગો...જૂની બાઇક પાસે એની તપાસ અત્યારે અટકી ગઇ હોય તો સારું છે. પોલીસ ફરતી ફરતી અહીં સુધી આવી શકે..."

એ સ્ત્રીની વાતને હુકમ માની યુવાન અને યુવતી બાઇક પર બેસી આવ્યા હતા એટલી ઝડપથી ફરાર થઇ ગયા.

એ સ્ત્રી એક મોટું કામ કર્યું હોય એમ ખુશ થતી અડધો કિલોમીટર ચાલી. એક જગ્યાએ ખૂણામાં પાર્ક કરેલી પોતાની કારમાં બેઠી અને ચહેરા પરની ઓઢણી કાઢી મિરરમાં પોતાનો ચહેરો જોયો. તે વાળ સરખા કરવા લાગી.

મિરરમાં રવિના પોતાની સામે જ જોઇને હસી.

રવિનાએ ઘરે પહોંચીને ટીવી ચાલુ કર્યું. સ્થાનિક ચેનલો પર સુજાતાબેન ઉપર થયેલા હુમલાના સમાચારો જ આવી રહ્યા હતા. સુજાતાબેન પરના હુમલાની ઘટનાના ઘણા પ્રત્યાઘાત પડ્યા હતા. રાષ્ટ્રીય ચેનલમાં બ્રેકિંગ ન્યૂઝ ચાલુ થયા. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના રાષ્ટ્રીય પ્રમુખે આ ઘટનાની નિંદા કરી કહ્યું કે વિરોધીઓ ગમે તેટલા ધમપછાડા કરશે પણ અમારા પક્ષની સાથે જનતા ઊભી છે. આ પ્રકારની માનસિક્તા વિરોધ પક્ષની નિર્બળતા છતી કરે છે.

રવિનાને એ જાણીને રાહત થઇ કે સુજાતાબેન તરફથી આ હુમલા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી ન હતી. અચાનક રવિનાને થયું કે સુજાતાબેને આમ કેમ કર્યું હશે? શું એમને કોઇના પર શંકા હશે? ના, મારા પર તો શંકા આવી શકે એમ જ નથી. હું એમના જ પક્ષની છું. મને એમના બખ્તર પહેરવા અંગેની માહિતી એટલી ખાનગી રીતે મળી છે કે એમને ખ્યાલ પણ આવવાનો નથી.

એ દિવસે જૂની કામવાળી રમીલા સાથે રવિનાની વાત ચાલતી હતી. રવિનાને રમીલા સાથે સારું ફાવતું હતું. રમીલા એને પોતાની સુખદુ:ખની વાતો કરતી રહેતી હતી. વાતવાતમાં ચાર દિવસ માટે આવેલી નવી કામવાળીની વાત નીકળી. રમીલાએ એમ કહ્યું કે એને શહેરમાં અચાનક નવી કામવાળી ભટકાઇ ગઇ. તેનો વેશ જોઇને લાગ્યું કે તે પોતાના જેવી સામાન્ય કામવાળી લાગતી નથી. કોઇ મોટી શેઠાણીને ત્યાં કામ મળી ગયું લાગે છે. પૂછયું ત્યારે એણે ભોળાભાવે સુજાતાબેનનું નામ આપી દીધું. રવિનાના મગજમાં કંઇક વાત આવી. એણે રમીલાને એક-બે દિવસમાં તપાસ કરવા કહ્યું. રમીલાએ પાકું કરી દીધું કે તે સુજાતાબેનને ત્યાં કામ કરે છે. રવિનાની સૂચનાથી રમીલાએ એક જ સપ્તાહમાં ટીના સાથે મિત્રતા કરી લીધી. અને તેની પાસેથી કેટલીક વાતો કઢાવી લીધી. એ પરથી જાણવા મળ્યું કે સુજાતાબેન બખ્તર પહેરે છે. રવિનાએ કેટલુંક આયોજન કરી એક ટપોરીને કામ સોંપી દીધું. પેલાએ સુજાતાબેન પર હુમલો કર્યો. હુમલાખોર યુવાન અને યુવતીને ખબર ન હતી કે રવિનાએ કયા કારણથી હુમલો કરાવ્યો છે. રવિના હુમલો કરાવ્યા પછી મનમાં જ મુસ્કુરાતી હતી.

ક્રમશ:

***