My Santa Claus books and stories free download online pdf in Gujarati

મારો સાન્તાક્લોઝ



દર વર્ષે ૨૫મી ડિસેમ્બર નાતાલ નજીક આવતી જાય તેમ તેમ કોણ જાણે કેમ સાન્તાક્લોઝ જોવાની તરસ વધતી જાય છે! બાળપણમાં તો મને આ સાન્તાક્લોઝ માટે બહુ એલર્જી હતી. એવી એલર્જી કે મમ્મી-પપ્પા, આ દિવસોમાં બહાર ફરવા જવાનું કે શોપીંગ કરવાનું નામ લે તો પણ મારો ઉગ્ર વિરોધ ચાલુ થઈ જતો. મારી એલર્જી છાના ખૂણે ભરાયેલી હતી એટલે વિરોધનું કારણ પૂછે તો પણ કહી શકતો નહિ. આ એલર્જી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ક્યાં ભાગી ગઈ છે ને વળી સાન્તાક્લોઝના પ્રેમમાં એવી પલટાઈ ગઈ છે કે મને એના કારણનો તાળો જડતો નથી. સાન્તાક્લોઝ એટલે તમને ગમતી વસ્તુ આપનારો દેવદૂત એવી તો ખબર હતી જ પણ ચાર વર્ષથી એક વ્યક્તિના પરિચયમાં આવ્યો છું ત્યારથી મને ગમતી વસ્તુ તો નહીં પણ મને ગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનું તો મળ્યું જ છે. એ વ્યક્તિ તો અઢાર અઢાર કલાક વ્યસ્ત રહે પણ સાથે આપણને પણ વ્યસ્ત રાખે.
હંમેશા જેના ચહેરા પર બાળક જેવું નિર્દોષ હાસ્ય રમતું હોય છે ને ૨૪×૭ સુકલકડી શરીરને નોકરી માટે તો ખરું જ પણ એ પછી જાતભાતના સેવાયજ્ઞમાં દોડાવતો એ વ્યક્તિ એટલે મારા જીગરનો ટુકડો ,મારો દોસ્ત વિવેક.
ગાંધીનગરના અક્ષરધામ તરફના નાકે આવેલી ગરીબોની વસ્તીમાં પ્લાસ્ટીકના ઢગલા જોઈને ખબર પડી જાય કે અહીંના લોકો પ્લાસ્ટિક વીણવાનું કામ કરતા હશે.આવા ગરીબોના તન પર સરખા કપડાં તો ના જ હોય પણ શરીર પણ સાવ સૂકલકડી જ હોવાનાં .આ સૂકલકડીઓના ટોળામાં કોઈક દિવસ સારા કપડા પહેરેલો સૂકલકડી નવયુવાન આવી ચઢે છે .એના ખભે લટકતા થેલામાં કંઈને કંઈ ખાવાની ચીજવસ્તુઓ હોય જ . જ્યારે આમ સુકલકડી જેવો લાગતો કોઈ તરવરીયો નવયુવાન બાળકોને દૂધ કેળા કે બિસ્કિટ જેવી વસ્તુઓ વહેંચતો હોય તો તે બીજું કોઈ નહીં પણ વિવેકી વિવેક જ હોવાનો.
તો એની પાસે કશી સેવા કરવાનો સમય જ ક્યાંથી હોય? ગાંધીનગરથી ખેડાનું નોકરી માટેનું ૧૪૦ કિ. મી.નું અપડાઉન અને આખા દિવસની મધ્ય ગુજરાત વીજ કંપનીની નોકરી. જુનિયર આસિસ્ટન્ટ તરીકે કેશ કાઉન્ટર સંભાળતો ને આખો દિવસ નોટોની થોકડીઓ ગણનાર સાક્ષીભાવે જ રૂપિયાની નોટોને જોતો હશે ને? નહીંતર રૂપિયા કમાવાના વિચારોને બદલે ,સાંજે ખેડા છોડતાં જ એને કુડાસણ આગળ અકસ્માતમાં ઘવાયેલી કોઈ ગાયની ચિંતા કે મહામારીના સમયમાં જેના ઘરમાં અનાજનો એકે દાણો ના હોય ને કોઈની સામે હાથ લાંબો કરી પણ ના શકે એવા કોઈ સ્વમાનીની ચિંતા કે પછી હોસ્પિટલના બિછાને પડેલા કોઈ નિરાધાર માટે વ્યવસ્થા કરવાની ચિંતા ના સતાવતી હોત .મોટરસાઈકલ પરની યાત્રામાં મન તો આ બધાના નિરાકરણમાં જ વ્યસ્ત હોય. ઘણી વેળા વચ્ચે રોકાઈને ફોનથી કેટલીક આગોતરી ગોઠવણ ચાલે ને ગાંધીનગર પહોંચતા જ ઘેર જવાને બદલે પહોંચે સીધો આ ચિંતાના નિવારણ માટે. એ નિવારણ વગર ઘેર જાય એ બીજા, વિવેક નહીં.

વળી રજાનો દિવસ કંઈ કોઈ પાર્ટી-બાર્ટી નહીં પણ ક્યાંક વૃક્ષારોપણ માટે તો કોઈ પુરાતત્વીય સ્થળની સાફસફાઈ માટે કે પછી ગરીબોની વસ્તીમાં દૂધ-બિસ્કીટની વહેંચણીમાં જ પસાર થાય. તો રોબિનના રોલમાં રોબિનહુડ આર્મીના સભ્ય તરીકે સાંજે ભુખ્યાને ભોજન પહોંચાડવાના કામમાં જોતરાઈ જાય.
આમ તેની કોઈ એક ઓળખ આપવી સહેલી નથી. તેની પાછળ કારણો તો હવે તમે જાણી જ ગયા છો. નાની ઉંમરે જ તે ઘણાબધા ક્ષેત્રો સાથે જોડાયેલો છે . કોઈ રેસ્ક્યુઅરથી ઓળખે , કોઈ ટ્રેકરથી ઓળખે, કોઈ પર્યાવરણપ્રેમીથી ઓળખે તો કોઈ રોબિનહુડ તરીકે .આમ તેને ઓળખવાના ઘણા બધા રસ્તાઓ છે. 28 વર્ષની ઉંમરમાં તે માણસની સંવેદના સમજવામાં પારંગત છે. આ મહામારીના કપરા કાળમાં તે માત્ર એક વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી ગાંધીનગરના એવા લોકોના ઘર સુધી પહોંચ્યો છે કે જેને ખરેખર જરૂર છે અને હાથ લાંબો કરી શકતા નથી કારણ તેઓ સ્વમાનથી જીવનારા લોકો છે . આવા જરૂરિયાતમંદ હતા તે પરિવારને દત્તક લીધા અને અનલોક ન થયું ત્યાં સુધી તેમને જે વસ્તુ જે પ્રમાણે જરૂર પડી તે મુજબ તેમના ઘરે જઈને સલામતીપૂર્વક આપી આવતો અને હાલની ઘડીએ અમુક પરિવારોને આ મદદનો દોર ચાલુ જ છે.
આપણામાં એક કહેવત છે ને કે શરૂઆત પોતાનાથી કરો બસ એજ કહેવતને તેણે સાર્થક કરી છે. પોતાના જન્મદિવસની ઉજવણી તેણે કોઈ કાફેમાં કેક કાપીને નહી પરંતુ પાટનગરના છેડે આવેલી પ્લાસ્ટિક વીણવા જતા શ્રમજીવીઓ અને તેમના બાળકોને દૂધનું એક પાઉચ અને પારલે જી બિસ્કિટ આપીને કરી હતી . આ એક ઉપક્રમની ખરેખર હકારાત્મક અસર થઈ અને તે જોયા બાદ ગાંધીનગરના ઘણા યુવાનો આ બાબતે પ્રેરિત થયા અને પોતાના જન્મદિવસ પર થતા વ્યર્થ ખર્ચા પર કાપ મૂકીને ભુખ્યાને ભોજન ની વ્યાખ્યાને સાર્થક કરી છે. વરસતો વરસાદ હોય કે હાડ થીજવી નાંખે એવી ટાઢ હોય કે પછી દેહ શેકી નાંખે એવો તડકો હોય ગમે ત્યારે રેસ્ક્યુનો કૉલ આવે ત્યારે વિવેક હરહમેંશ તૈયાર જ હોય. ગાયને અકસ્માત થયો હોય તો તેને દવાખાને પહોંચાડતા લગભગ ૨ થી ૩ કલાકનો સમય લાગે છે તો તે પોતાની ટીમ સાથે જે તે સ્થળે સમયની કે મોસમની પરવા કર્યા વગર પહોંચી જાય છે. અને ગાયને સહીસલામત રીતે એક મિત્રની ગૌશાળામાં પહોંચાડી આવે છે.


આજના યુવાનો કુમળા છોડ જેવા છે વાળો એમ વળે એમ છે. અને ગાંધીનગરમાં સંખ્યાબંધ વૃક્ષહત્યા થઈ ત્યારે યુવાનો હચમચી ગયા હતા અને એ સમયે યુવાનોને પ્રકૃતિનું ખરું મૂલ્ય સમજાયું હતું. વિવેકની આ બધી પ્રવૃત્તિને કારણે યુવાનો તેની સાથે હોંશે હોંશે જોડાય છે , તેણે યુવાનો હકારાત્મક માર્ગે પોતાનો વળાંક લે તેવા પ્રયત્નો કર્યા છે અને તેનું ઉત્તમ ઉદાહરણ એ છે કે ગાંધીનગરમાં યુવાનો રેસ્ક્યુ તરફ વળ્યા એક જીવની કિંમત શુ છે તે વિવેક સારી રીતે સમજી અને સમજાવી શકે છે. અને આ બાબતે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા જઈએ તો હું પોતે છું. તે હંમેશા કહેતો હોય છે "દરેક જીવને પોતાની લાઈફ હોય છે અને આપણો રેસ્ક્યુ કરવાનો ઉદ્દેશ એજ છે કે એને સારવાર કરીને એને એના વિસ્તારમાં છોડી દેવું" માટે જ તો તેનો સંવાદ માણસ સાથે જ નહીં પશુ પક્ષી ને સંખ્યાબંધ અબોલ જીવ સાથે થાય છે. કદાચ જીવનમાં આ બાબત જ શીખવી ખૂબ જ જરૂરી છે

મને આટઆટલું આપનારો સાન્તાક્લોઝ સેવાયજ્ઞનો પૂજારી તો છે જ પણ સાથોસાથ સાહિત્યનો ચાહક પણ છે. સાહિત્યના સેવનમાંથી જ એને આ અબોલ જીવો, નિરાધાર લોકો, ગરીબો ને વૃક્ષ પ્રત્યેની સંવેદના મળી છે.

જોઈએ આ ક્રિસમસ પર મારો સાન્તાક્લોઝ મને શાની ગિફ્ટ આપે છે?



ધ્રુવ પ્રજાપતિ 'આઝાદ'.
પ્લોટ નંબર ૫૯૪/૧, સેકટર ૬/બી,
ગાંધીનગર., પીન ૩૮૨૦૦૬
મો. ૯૭૨૫૪૭૩૯૯૯