Perennial Fair books and stories free download online pdf in Gujarati

બારમાસી મેળો

બારમાસી મેળો

મેળો નામ સાંભળીને જ માનસપટલ પર કયું ચિત્ર ખડું થાય ? કે એક મોટું મેદાન હશે એમાં અઢળક રમકડાં વાળા હશે મેદાનના વચ્ચોવચ એક ચકડોળ હશે ખૂણામાં એક જાદુગર પોતાની કરતબો બનતાવતો હશે એક ખૂણામાં નટ બેઠો હશે એક ખૂણામાં મદારી હશે ક્યાંક ટોપલીમાંથી નાગદાદા કાઢે તો ક્યાંક પોતાની પીઠ પર વાનરને રમાડે. કે એકબાજુ ખાણીપીણીના તંબુ બાંધ્યા હશે જ્યાં આબાલવૃદ્ધ સૌ કોઈ પોતાના મનગમતા નાસ્તાની જયાફત માણતું હોય જેવા દ્રશ્યો આપણા મનમાં ઉભા થાય. ક્યાંક કો'કના મિલનની રાહ તો ક્યાંક કો'કના વિરહનું દુઃખ

આપણી સૌની આસપાસ એક મેળો એવો પણ છે કે જે દરરોજ હોય છે. કે જ્યાં પોતાનું અંગત આવવાનું હોય તો એની કાગડોળે રાહ જોવાતી હોય ને જ્યારે કોઈ જવાનું હોય એનું પારાવાર દુઃખ આપણને જ હોય . ને એ મેળો છે આપણું એસ.ટી. બસ સ્ટેન્ડ કે બસ ડેપો. ત્યાં રોજ મેળો હોય સવારના સમયે થોડું શાંત પણ ૧૧ વાગતાની વેંત જ અદ્દલ મેલા જેવું વાતાવરણ સર્જાય. પોતાના પ્રિયજનના આવવાની ખુશી એટલી હદે બેકાબુ હોય છે કે બસ આવવાના સમય કરતા અડધો કલાક વહેલા પહોંચી જઈએ કારણ રખે ને ક્યાંક બસ વહેલી આવી જાય. ને ઘરેથી વહેલા નીકળવા માટે બિચારા બસ ડ્રાઈવરનો વાંક કાઢે કે એ બસનું કઈ ઠેકાણું નહીં ક્યારેક વહેલી આવી જાય છે. પણ ભઈલા બસ એના સમયે જ હોય પણ આપણી ધીરજ ખૂટતી નથી.

તો એકબાજુ આવું દ્રશ્ય પણ હોય કે જલ્દી કરો જલ્દી કરો બસ ચૂકી જવાશે ને ઉતાવળમાં ને ઉતાવળમાં બસ સ્ટેન્ડ પર ઘણીવાર વહેલા પહોંચી જઈએ છીએ ને એ સમયે આગળ વાત કરી એ કરતા ઉંઘો ઘટનાક્રમ હોય ત્યાં અપાર ખુશી હતી તો અહીંયા અમાપ દુઃખ છે. કારણ પોતાનું અંગત પોતાનાથી વિખૂટું પડે તો કોને ગમે ? પણ આવનજાવન એ દુનિયાનો ઘટનાક્રમ છે. ને સામે એસ.ટી.નો પણ. આમ રિઝર્વેશન કરાવ્યું હોય તો ય એકવાર બસમાં ચડીને જોઈ આવીએ કે કે સીટ મળી કે નહીં ?

જીવનના મેળામાં પણ આ જ વાત છે. જીવન એ સુખ દુઃખનો ઘટનાક્રમ છે. ને એ હોય તો જ જિંદગીમાં રસ જળવાઈ રહે. બસ સ્ટેન્ડ તો માત્ર માધ્યમ છે આ બાબતનું પણ ખરેખર પોતાના ગમતા વ્યક્તિના આગમનમાં જેટલો રાજીપો આપણને થાય એટલું જ દુઃખ એનાથી વિખુટા પડતી વખતે થાય. પણ તો ય બસ સ્ટેન્ડ એ બારમાસી મેળો તો ખરો જ ને કારણ ત્યાં પણ મેળાની જેમ ફૂડપેકેટ્સ વહેંચનાર મિત્રો મળી જ રહે ને નટને ત્યાં ખેલ કરતા બાળકો અહીંયા એક પારલે જીના પેકેટ માટે "બાબુજી એક રૂપિયો " ની ભીખ માગતા આપણી સામે ઉભા હોય છે.

બસ ડેપો મારું ગમતું સ્થળ છે. ને ત્યાં જાઉં એટલે મને રમેશ પારેખ અવશ્ય યાદ આવે કે "આ મનપાંચમના મેળામાં સૌ જાત ધરીને આવ્યા છે" ડેપોમાં ખાસ કરીને હું ને મારો પરમમિત્ર ધ્રુવલ જોડે જઈએ. ને ત્યાં ગોપાલના સેવમમરાની જયાફત માણતા કેટલાય મિલન વિરહના દ્રશ્યો જોતા અમારી આંખમાં આંસુ આવી જાય ને પછી અમે બંને સ્વસ્થ થઈને ધ્રુવલના ફોનમાં ઈયરફોન કનેકટ કરીને રમેશ પારેખને સાંભળીને મેળામાંથી રજા લઈને બે મિત્રો છુટા પડીએ એ ય પાછા અઢળક વિરહ સાથે.....

આમ, આ મેળો તો માત્ર એક પ્રતિક છે વાત કરવાનું આવા અસંખ્ય મેળા છે જે માનવમનના અંદર પણ ચાલે છે, પણ એની વાત ફરી ક્યારેક કરીશ

© ધ્રુવ પ્રજાપતિ ' આઝાદ'