JISM KE LAKHO RANG - 4 books and stories free download online pdf in Gujarati

જીસ્મ કે લાખો રંગ - 4

જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ-ચોથું-૪

બસ આ રીતે...સમયચક્ર સાથે આવતાં દરિયાના ભરતી ઓટની માફક આરુષી અને દેવની મુલાક્તાનો સીલસીલો પણ અવિરત ચાલતો રહ્યો. એક અપરિચિત પુરુષ માટે કોઈપણ સ્ત્રીએ ખેંચેલી ન્યુનતમ લક્ષ્મણરેખા અજાણતામાં પણ પાર કરવાની ચેષ્ટા દેવે નહતી કરી. આરુષીને એ વાત વધુ સ્પર્શી ગઈ કે, એ બાબતમાં દેવ સજાગ નહીં પણ સહજ હતો. એટલે.....

ઠીક એક મહિનાના અંતે બંનેની ચોથી મુલાકાતની એક રાત્રીએ આરુષીની મનોસ્થિતિ એક એવી સપાટી સ્થિર થઈ જતા તેને એવો ભાસ થયો કે... હવે એકમાત્ર દેવ જ તેના અંગત પરિચયનો હકદાર છે.

એ જ દરિયા કિનારે...ભરતીના પ્રથમ પ્રહરની સાથે... રાત્રીના આશરે બારેક વાગ્યાની આસપાસ કિનારા સામે ઉંચી પાળ પર બન્ને એક બીજાની પીઠનો ટેકો લઈ બેઠા હતા. ત્યારે...હજુ આરુષી તેના વિચારોને વાચા આપે તે પહેલાં દેવ બોલ્યો..

‘આરુષી... તને એવું નથી લાગતું કે...પ્રારંભિક પરિચયના પ્રસ્તાવનાની પુર્ણાહુતી પછી....આપણે પરસ્પર અંગત પરિચયના અધ્યાયનો આરંભ કરવો જોઈએ..?
‘એ સાચું દેવ, પણ....હું એવું માનું છું કે, આજીવન અંગતનો એકાધિકારી કોઈ એક જ હોવો જોઈએ.’
‘એ એકાધિકાર માટે હું શ્રેષ્ઠ છું ? દેવે પૂછ્યું
‘આટલા પરિચય પશ્ચાત, શ્રેષ્ઠ નહીં પણ એટલી શ્રદ્ધા તો છે...કે, મંઝીલની અંતિમ ક્ષણ સુધી સાયાની માફક હમસફર બની મારી આકાંક્ષા પર તું જરૂર ખરો ઉતરીશ.’

‘આરુષી.... તારા આ નિવેદનથી હું વિશ્વનું સર્વશ્રેષ્ઠ પારિતોષિક કે બિરુદ મળ્યાની અનુભૂતિ અનુભવી રહ્યો છું... કારણ કે...રણભૂમિ કરતાં સ્ત્રીહ્રદય પર જીત હાંસિલ કરવી કઠીન છે. અને એ પણ મારા અર્ધસત્ય અપૂર્ણ પરિચય વગર.’

‘બસ એક વાત હરદમ યાદ રાખજે દેવ..... જૂઠનો સ્વીકાર કરવાં કરતાં હું ઝેર પીવાનું વધુ પસંદ કરીશ.’

થોડીવાર માટે દેવ ચુપ થઇ ગયો...એટલે આરુષીએ પૂછ્યું.....

‘શું થયું દેવ... ? કેમ વિચારમાં પડી ગયો ? કોઈ એવી પરિસ્થિતિ છે કે, મારે મારી વાત કહેવી ન જોઈએ ?

‘હા....’ ધીમા અવાજે દેવ બોલ્યો..
‘મતલબ ?
‘આઈ થીંક.... આરુષી કે...હાલ તારા સત્યની ગરિમાને સન્માનિત કરી સંઘરી શકું એવું પાત્ર મારી પાસે નથી... એટલે...’
દેવ આગળ બોલતા અટકી ગયો..

સ્હેજ ધબકતાં ધબકારા સાથે આરુષીએ પૂછ્યું..
‘એટલે.... એટલે શું દેવ ?’ વાક્ય પૂરું કર.’

‘આરુષી... મને એટલો સમય આપ...કે ત્યાં સુધીમાં હું તારી પાવન અગ્નિ જેવી આત્મશ્રદ્ધાની અગ્નિપરીક્ષામાં મારા શત પ્રતિશત સાતિત્યસભર સત્યસુવર્ણને આંખ મીંચી હોમી શકું. કદાચ એ પછી હું ભષ્મ થઈ જાઉં તો પણ મને રંજ નહીં રહે.’

થોડીવાર સુધી.... બન્નેએ ચુપકીદી સેવી, ચક્ષુ વિનિમય દ્વારા એકબીજાની અપ્રગટ અનુરાગનો અનુવાદ કરતાં રહ્યાં.

સળંગ મૌનના મણકાની માળા તોડતાં આરુષી બોલી..

‘પ્રિય પાત્રની પરિસીમા વિહીન પુર્વાનુરાગની પ્રતિક્ષા કરવાનું કિરદાર નિભાવવુંએ સૌના સૌભાગ્યમાં નથી હોતું દેવ.’

એ પછી ઉભાં થઈ હસતાં હસતાં આરુષીએ પૂછ્યું...
‘દેવ... તારું નામકરણ કોણે કર્યું હતું ?
‘મારી મમ્મી એ...કેમ, બંધબેસતું નથી કે ઓલ્ડ ફેશન છે ? દેવે પૂછ્યું

‘ના, બિલકુલ સાર્થક અને સચોટ નામ છે... ઓલ્ડ ઈઝ ગોલ્ડ. તે મારી પાસે માંગેલા સમયના સંદર્ભમાં કહું તો ....આમ પણ કયારેય દીર્ધ પ્રતિક્ષાની પરીક્ષા કર્યા વગર કોઈપણ ભાવકની મનોકામના દેવ ક્યાં પૂરી કરે છે ? ‘ આરુષી બોલી

‘ના.. ના..એવું જરા પણ નથી..કેમ કે... અહીં તો સાધકની આકરા તપ જેવી તપસ્યાને જોતાં દેવને ખુદ તેની કાબેલિયત લાજમી છે કે નહીં તેની શંકા ઉપજે છે.’ દેવ બોલ્યો

‘ખબર નહીં કેમ પણ.... જિંદગીમાં આજે પહેલીવાર કોઈની પાસે કશું માંગવા માટે ઈચ્છાનું કુંપણ એ રીતે ફૂંટયુ છે જેમ, કોઈ કાળમીંઢ પત્થરની ભીંત ફાડીને પીપળો ઉગી નીકળે. બસ.....એટલી મન્નત છે કે...મહાદેવ કરતાં પણ મારા દેવને હું વધારે પિછાણું છું, એવું ગરુર સાથે ગર્વથી કહી શકું. આને તું મારા એકાધિકારની અરજી કે મરજી જે સમજે એ.’ આરુષી બોલી

આરુષિના આંખોની આછેરી ભીનાશ અને એક એક શબ્દમાંથી ભારોભાર ભાવાવેશ સાથે આરુષીના ટપકતા અપ્રત્યક્ષ પાવન પ્રેમાસ્પદ સ્પર્શના સ્પન્દનથી દેવનું રોમ રોમ નેહથી નીતરી રહ્યું હતું.

ગળગળા સ્વરે દેવ માત્ર એટલું જ બોલી શક્યો...

‘આરુષી.....તે બક્ષેલી સાત્વિક દેવત્વની છબીને હું આજીવન બેદાગ રાખીશ એવા પ્રણ સાથે વચન આપું છું.’
આરુષીનું ધ્યાન અચાનક કાંડા ઘડિયાળ તરફ જતાં બોલી ઉઠી..

‘ઓહ્હ... દેવ સમય તો જો..૪:૪૫... હવે શું કહું...ગૂડ નાઈટ કે ગૂડ મોર્નિંગ ?
હસતાં હસતાં ઉભાં થઈ કાર તરફ ચાલવા લાગી. એટલે દેવે પૂછ્યું

‘ગમતીલો સંગાથ પછી બધું ગૂડ જ હોય તો, પછી શું નાઈટ કે શું મોર્નિંગ.’
‘પણ...આરુષી તને નથી લાગતું કે...આપણા મહાનિબંધ જેવા વાર્તાલાપના અંતે કોઈ અતિ અગત્યનું ચેપ્ટર સ્કીપ થઇ ગયું હોય ?

‘હમમમ...હા, લાગે તો છે.’ કારનું ડોર ઓપન કરતાં આરુષી બોલી..

‘તો... આરુષી હવે પછીના આપણા પુનર્મિલનની એક શરત છે.’
દેવ બોલ્યો..

કારમાં બેસતાં આરુષીએ પૂછ્યું..
‘અરે યાર... સંબંધની શરૂઆતમાં જ શરત ?

‘અરે... મને વાત તો પૂરી કરવા દે... શરત નહીં....પણ ઈચ્છું છું કે...હવે મળીએ ત્યારે ફક્ત અને ફક્ત આપણા પૂર્ણ પરિચય સિવાય કોઈ વિષય પર ચર્ચા નહીં કરીએ.’

કાર સ્ટાર્ટ કરતાં હસી આરુષી બોલી...
‘કબૂલ... મેરે સરકાર પણ... ફરી મળતા પહેલાં છુટ્ટા તો પડવું પડશે ને ?
ચલ બાય... ટેક કેર.. સી યુ સૂન..’

‘એએએ....એક મિનીટ લિસન... આરુષી... નોટ શ્યોર બટ બે- ચાર દિવસ માટે હું આઉટ ઓફ સીટી હોઈશ... કદાચ ન મળી શકું યા કોલ પર કોન્ટેક્ટ ન કરી શકું તો...પ્લીઝ.. ડોન્ટ વરી.’

‘ઓહ્હ....જો તને લાગતું હોય કે, હું વરી થઈશ અને તેનું કારણ તું હોય તો પછી હું શું કરી શકું ? દરિયાની રેતી ભીંજાવા માટે માત્ર ભરપુર ભરતીની પ્રાથના કરી, પ્રતિક્ષા કરે છે સમજ્યો...’

એમ કહી બે મીનીટમાં આરુષી દેવની આંખોથી જે દિશામાં ઓઝલ થઈ ગઈ તે દિશા તરફ ક્યાંય સુધી દેવ તેની નજર તાકતો રહ્યો....
વધુ આવતાં અંકે...