JISM KE LAKHO RANG - 10 books and stories free download online pdf in Gujarati

જીસ્મ કે લાખો રંગ - 10

જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ-દસમું/૧૦


‘જેમ ઈશ્વરને જીગરના સારપની ઈર્ષા થઇ તેમ તેના ધંધાદારી હરીફ અને નીકટના દગાબાજની આંખમાં જીગરનું પરિવર્તન કણાની માફક ખટકવા લાગ્યું... અને અંતે રાજકારણી અને ટોચના પોલીસ અધિકારીઓની મિલી ભગતથી ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે ઘડાયેલી સ્ક્રિપ્ટેડ હત્યાના કાવતરાને એન્કાઉન્ટરનું નામ દઈ અંજામ આપતાં જીગરના નામ આગળ હંમેશ માટે સ્વર્ગસ્થ લાગી ગયું. ૬ ઓગસ્ટનો એ ગોજારો દિવસ આજે પણ મને યાદ છે. બે-રહેમીથી ચારણીની જેમ વિંધાયેલા લોહીથી લથપથ જીગરના મૃતદેહના નજરાનું સ્મરણ થતાં આજે પણ રુંવાડા ઊભા થઇ આવે છે.’

‘મને અનહદ ચાહવાની હોંશ અને દોડમાં અચનાક મને એકલી મુકી જીગર ખુબ આગળ નીકળી ગયો. પણ એ વાતનું ગર્વ છે કે, જે જીગર દુનિયાનો જાગીરદાર હતો અને હું જીગરની એકમાત્ર જાગીરદાર હતી.’

થોડીવાર માટે સન્નાટો પ્રસરી ગયો.
‘એ પછી તારા પપ્પાનું શું રીએક્શન હતું ?’ દેવે પૂછ્યું

‘એ ઘાતકી ઘટના પછી પપ્પા અત્યંત દુઃખી અને નારાજ પણ હતાં. પણ... બે વર્ષ પહેલાં ટૂંકી બીમારીના અંતિમ સમયે પથારીવશ અવસ્થામાં આખરી શ્વાસ ભરતાં પહેલાં મારી સામે ઝળઝળિયાં ભરી આંખે બે હાથ જોડી માફી માંગતા એટલું બોલ્યાં કે,

‘મને સત્ય સમજાતા ખુબ મોડું થઇ ગયું.’ ગળગળા અવાજમાં કામિનીએ કહ્યું.

‘જીગરની અનુપસ્થિતિ બાદ તે કઈ રીતે તારી જાતને સંભાળી ?
દેવે પૂછ્યું

સ્મિત કરતાં કામિની બોલી...

‘દુનિયા માટે જે હું કામિની નામદેવથી પરિચિત હતી, એ તો જે દિવસે મેં મારા પતિનું ઘર છોડ્યું તે દિવસે જ મરી ગઈ હતી. યા એમ કહો કે મેં જાતે જ તેને ગાળાટુંપો આપીને ખત્મ કરી નાખી હતી. આ તન, મન અને ધન માટે તો હું જીગરની ઋણી છું. તેના સહવાસમાં હું ધીમે ધીમે હું જીગરમય થતી ગઈ. તેની એક એક નાનામાં નાની બાબતમાં હું જીગરનો પડછાયો બની ગઈ, ત્યારે જીગર એવું કહેતો કે મર્યા પછી પણ જીગર તારા જીવમાં જીવતો રહેશે. અને મેં એ જ કર્યું.....પળે પળમાં હું જીગરને જીવું છું, શ્વસુ છું. જે બીજાને જીવ આપી જીવાડે એ મરી શકે ?’
ટચલી આંગળીએ આંખોની કોરેથી ટપકવાં જઈ રહેલા અશ્રુ બિંદુ ટેકવતા કામિની બોલી.

‘કોઈ એક શબ્દમાં જીગરનો પરિચય આપવો હોય તો.. ? દેવે પૂછ્યું
સ્હેજ હસતાં ઝૂલા પરથી ઊભા થતાં કામિની બોલી..

‘દેવ....કોઈ પરિમલનો પરિચય શું હોય ? કોઈ પુષ્પ પાંગરે... પમરાટ પામે.. તેના મધુર મધમધાટથી માહોલ મહેંકી ઉઠે...પાનખરના પ્રહારથી તેના અસ્તિત્વનું પતન થાય, છતાં....સમીરમાં સમાઈને સદાય સંમોહિત કરતી તે ખુશ્બૂને ન તો તમે ખત્મ કરી શકો કે ન કૈદ કરી શકો.’

હળવેકથી તાળીઓ પાડતાં ઝૂલા પરથી ઊભા થઈ દેવે પૂછ્યું,
‘તારા સિવાય જીગરને આટલાં કરીબથી કોણ ઓળખતું હતું ?

‘હમ્મ્મ્મ.. જીગરને ઓળખવા નહીં.. તેની પડખે ઊભા રહેવા માટે પણ જીવ હથેળી પર રાખવો પડતો. જેને જીવ વ્હાલો ન હોય તે જ જીગરને વ્હાલાં થઇ શકે. તું પહેલો વ્યક્તિ છે, જેની સમક્ષ એ દિલદાર હસ્તીની દાસ્તાન કહી કે.. તેણે માત્ર તેનું જીગર નહીં પણ સમગ્ર જીવન મને સમર્પિત કરી દીધું હતું.’

‘કામિની, મને એ જ વાતનું આશ્ચર્ય થાય છે કે, તે મારામાં એવું શું જોયું.. ?
દેવની સામું જોઇ કામિની બોલી...
‘ખબર નહીં દેવ પણ...તારી આંખો જોઇ મને આવું લાગે છે કે....’ આગળ બોલતાં કામિની અટકી ગઈ...

‘મારી આંખો ? શું લાગે છે ? અચરજ સાથે દેવે પૂછ્યું.

‘શાયદ જીગર અને કામિનીની કથા ફરી એક વાર દોહરાવા જઈ રહી છે... પણ એવું કેમ લાગે છે ? અચ્છા ચલ.. હવે તું તારા પરિચય પુસ્તકના પાના ઉઘાડ પછી હું કંઇક ઠોસ અંદાજ લગાવી શકું.’

આ સાંભળી દેવ ચુપ થઇ ગયો...

એટલે કામિનીએ પૂછ્યું.. ‘કેમ શું થયું ?

એ પછી દેવે કામિનીને ઉપરછલ્લી સામાન્ય ઓળખથી અવગત કરાવ્યાંના અંતે બોલ્યો... ‘પણ....’

‘અરે....વિધતા એ ગંગાજળ જેવી પાવન, પૂનમના ચાંદ જેવી રોશની અને સીધી લીટી જેવી લાઈફ તારા લલાટે લખી છે, પછી... આ ‘પણ’ નો પાણો કેમ વચ્ચે આવે છે ?. ગાર્ડનમાંથી ડ્રોઈંગ રૂમ તરફ જવાનો ઈશારો કરતાં કામિનીએ પૂછ્યું.

‘પણ.... ગંગાજળ દુષિત અને ચાંદમાં દાગ છે...બહારથી લાગતી સીધી લીટી ભીતરથી અનિયંત્રિત ધબકારાના કાર્ડિયોગ્રાફ જેવી છે.’
દેવે ઉત્તર આપ્યો

‘મતલબ.. ? એવું તો શું છે દેવ ?
ડ્રોઈંગરૂમમાં એન્ટર થઇ બન્ને સામ સામે સોફા પર બેસતાં કામિનીએ પૂછ્યું.

થોડીવાર દેવની ચુપકીથી અકળાઈ કામિનીએ ફરી પૂછ્યું..

‘દેવ.... એકવાર હિંમત કરીને ઉભરો ઠાલવી દે. નહીં તો તારી ભીતરનો અજાત શત્રુ એકદિવસ તને જ ભરખી જશે.’

‘હું સ્વયં જ મારો શત્રુ છું.’ દેવ બોલ્યો

‘હું શું મદદ કરી શકું ? કામિનીએ પુછ્યુ.

‘બસ એ જ કે મારા ખરા દિલથી કરાયેલા પશ્ચાતાપનું પોસ્ટમોર્ટમ ન કરીશ...પ્લીઝ.’

‘પ્રોમિસ... નહીં કરું...તું નહીં પૂછે ત્યાં સુધી હું અડધા શબ્દની પ્રતિક્રિયા પણ નહીં આપું બસ,’

કામિની...આજે પહેલીવાર મારા સમગ્ર વર્તમાન અને વ્યક્તિત્વ પર હંમેશા હાવી રહેતા કાળોતરા ભૂતકાળને હું છંછેડવા જઈ રહ્યો છું.

થોડી ક્ષણો ચુપ રહ્યાં પછી દેવએ તેના દાહ જેવા દાગની દાસ્તાન સંભળાવવાનું શરુ કર્યું.....અને અંતે.... તેની બંને હથેળીમાં તેનો ચહેરો છુપાવી છાનું રુદન કરવા લાગ્યો.


દેવની વ્યથા અને વેદનાથી વિચલિત થયેલી કામિની બે પળ માટે આંખો મીંચી ગઈ. દેવને તેના ગંગાજળ જેવા પાવન પશ્ચાતાપ પર અશ્રુજળનો અભિષેક કરતાં જોઇ કામિનીને દેવ પ્રત્યે ભારોભાર સહાનુભુતિ અને આદરનો સાગર ઉમટ્યો પણ...તેણે લેશમાત્ર પ્રતિક્રિયાનો સંકેત ન આપ્યો...

પાંચેક મિનીટ પછીની ચુપકીદી તોડતાં કામિની બોલી..

‘મારા આંશિક અનુમાન અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર નહીંવત નીકળ્યું. પણ તારી ખતા સામે ખેદનું પલડું ભારે છે. આ રંજ તારી જિંદગીમાં જરૂર કોઈ નવો રંગ લાવશે.’ હજુ કામિની આગળ બોલે એ પહેલાં જ...

દેવ સોફા પરથી ઊભો થઈને એક પણ શબ્દ બોલ્યા વગર એ રીતે ચાલ્યો ગયો... જાણે સરેઆમ કોઈ સ્ત્રીની આબરૂ લુંટાઈ ગયા પછી માંડ માંડ લાજ ઢાંકી જાત છુપાવવા કોઈ આડશ શોધતી હોય.


આજે દેવ તેની ભારેલાઅગ્નિ જેવી વ્યથાકથાના અંતે મુકેલા અર્થપૂર્ણ અલ્પવિરામથી કામિનીની આસપાસ સન્નાટા સાથે ભારેખમ ખાલીપાનો ખડકલો ખડકતો ગયો હતો.
પશ્ચાતાપના પરિતાપથી પીડાતા દેવની કપરી કઠણાઈ જેવી કમનસીબીથી કામિનીને કષ્ટ સાથે કરુણા ઉપજી છતાં મનોમન નક્કી કર્યું કે... જ્યાં સુધી ફરી દેવ આ ઉદ્વેગનો ઉલ્લેખ નહી કરે ત્યાં સુધી તેના શૂળની પીડા જેવા સદમાનું સ્મરણ નહીં કરાવે.


દેવની વેદનાના વ્યાસ અને સંતાપના ત્રાસની ત્રિજ્યાનું ક્ષેત્રફળ એટલું વિશાળ હતું કે, સાગરના સાનિધ્યમાં ખુલ્લા આકાશ તળે બેસ્યા વગર તેના ઉકળતાં ઉત્પીડનનું શમન શક્ય નહતું. ધીમે ધીમે સમંદરના ઘૂઘવાટ અને દેવની ભીતરના ધૂધવાટની જાણે કે જુગલબંધી શરુ થઇ હોય એવું લાગતું હતું. એક સમયે દેવને એવી પીડા ઉપડી હતી જાણે કે કોઈ અધૂરા મહીને ગર્ભવતી સ્ત્રીને પ્રસુતિની પીડા ઉપડી હોય.
છેક અંદર સુધી ખૂંચી ગયેલાં કાચની કરચને બળપૂર્વક ખેંચી કાઢતાં જે કારમી ચીસ નિકળે એવી મનોમન ચીસ ઉઠતાં દેવે તેની બન્ને હથેળી જોરથી લમણે પર ભીંસી તેનું માથું બન્ને ઘૂંટણ પર મૂકી દીધું.

કાચી કુંપણ જેવી ફૂટતી જુવાનીની ઉંમરના ઉંબરા પર મંડાતા ડગ અને પરિપક્વતાની ઉણપથી લપસણી લાલચમાં આવી ભાગ્યનો ભોગ અને ભાગ બન્યા પછી સમયાંતરે દેવને ખ્યાલ આવ્યો કે....ધીમે ધીમે એ એક એવા દલદલમાં ધસતો રહ્યો હતો કે જેનો તારણહાર સ્વયં સિવાય કોઈ નથી.
એ વાતની કચકચાવી મનોમન બાંધેલી ગાંઠ,
દેવે કામીની પાસે તેના બેગુનાહીની આપેલી સફાઈ,
આરુષી સામે તન પહેલાં મન ઉઘડવાના જાતને આપેલા વચન, અને
મહા મુશ્કિલથી દેવ ખુદને માફ કરી શક્યાની અનુભૂતિ, અને આશરે કલાક સુધી એ જ અવસ્થામાં પડ્યા રહ્યાં પછી...
મન શાંત થતાં પળનો પણ વિલંબ કર્યા વિના કોલ જોડ્યો...આરુષીને.

‘હાઈ... મને તો એમ કે, સાત દિવસ પહેલાં તારો કોલ પણ નહીં આવે, બટ... સરપ્રાઈઝ... બોલ દેવ...’
‘આઆ...આરુષી આજે સાંજનું તારું શું શેડ્યુલ છે ?
‘એ પછી કહું પણ... તારો આવાજ કેમ આટલો ભારેખમ છે, આર યુ ઓ.કે. ?
‘ના... આઈ એમ પરફેક્ટ. ઊંઘ પૂરી નથી થઇ એટલે. તું મને સાંજનું કહે,’
‘હમ્મ્મ્મ.. આજે એક ડીયર અને નીયર ફ્રેન્ડ સાથે ડીનર પર જવાનું છે. બોલ.. કંઇ ખાસ છે ? તો.. ડીનર કેન્સલ કરું.’ આરુષી બોલી

‘બીફોર ડીનર આપણે દસથી પંદર મિનીટ માટે મળી શકીએ ?
‘હમમમ..અચ્છા એક કામ કર મારી ઓફિસની નજીક...ઇન્દ્રપ્રસ્થ મોલ છે ત્યાં આવીજા..પણ મારી પાસે એક કલાક જ છે, એ પછી અરજન્ટ મીટીંગ છે, તો હું બીઝી થઇ જઈશ.’

‘બસ હું...પંદર મિનીટમાં પહોંચ્યો સમજી લે.’
‘હું વેઇટ કરું છું.’
આરુષી આટલું બોલી એટલે દેવે કોલ કટ કરી ઉતાવળે બુલેટ હાંકી આરુષીની ઓફીસ તરફ.

બુલેટના ઇંધણ અને ગતિ કરતાં દેવના બળાપાના બળતરાની માત્રા વધુ તીવ્ર હતી એટલે નિર્ધારિત સમયે પહેલાં આરુષીએ સુચવેલા સ્થળ પર પહોંચતા રઘવાટ થોડો શાંત થયો.

બે મિનીટ પછી દેવની પીઠ પર હળવો ધુંબો પડતાં પાછળ વળી જોયું તો..
કોર્પોરેટ ડ્રેસ કોડમાં પહેલી વાર આરુષીને જોતાં દંગ રહી ગયેલા દેવને જોઇ હસતાં હસતાં આરુષી બોલી...

‘અરે.. યાર તું તો એવું રીએક્ટ કરે છે જાણે કે કોઈ આદિમાનવને પહેલીવાર વસ્ત્ર પરિધાનમાં જોયો હોય....અને તારા હેયર અને ચહેરો તો જો, જાણે કોઈની જોડે દંગલ કરીને આવ્યો છે કે શું ?

આરુષીના હાથમાં સનફલાવરનું બૂકે આપતાં સ્મિત સાથે સ્હેજ શરમાતાં દેવ બોલ્યો..
‘અરે... આરુષી યુ લૂકિંગ ટુ ગોર્જિયસ એન્ડ સો પ્રિટી. આ લૂકમાં હું તને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું.. સો કાન્ટ બીલીવ.’

‘ઊઊઊઊ...વાવાવ....વાઉ સનફલાવર. થેન્ક્સ. પણ તને ખબર છે દેવ મારો સનફલાવર સાથે શું સંબંધ છે ?

‘નહીં.. શું નાતો છે ?
‘હમ્મ્મ્મ.. ના અત્યારે નહીં કહું, કેમ કે અત્યારે તો હું ફક્ત તને સાંભળવા આવી છું. એન્ડ આઈ હેવ ઓન્લી ટેન મિનીટ્સ... પણ એ પહેલાં કોલ્ડ ડ્રીંક્સ શેર કરવાની ઈચ્છા છે. વુડ યુ લાઈક ટુ શેર પાઈનેપલ જ્યુસ ?

‘યા શ્યોર...’ સ્હેજ અટક્યા પછી દેવ આગળ બોલ્યો...
‘આરુષી... મેં તારી પાસે સાત દિવસ માંગ્યા હતાં પણ..સત્તર કલાકમાં જ હું એ આખરી નિર્ણય પર આવી ગયો કે, હવે પછી તારી કોઈપણ મંછા પર મારી મંજુરીની મૂક મહોર હશે,’

આટલું સાંભળતા આરુષીની આંખો અને ચહેરા પર એક અનન્ય ચમક સાથે ખુશીની લહેર છવાઈ ગઈ.

‘દેવ.....તો હું આ તારા વિધાનને અંતિમ આધારભૂત ફેંસલો સમજુ એમ ?
‘તારા કોઈપણ ઈચ્છાપૂર્તિ માટે મારો એક જ ઉત્તર હશે....’ તથાસ્તુ.’
બોલતા દેવ અને આરુષી બન્ને હસવાં લાગ્યાં..
‘તો.... હવે સત્તર સેકન્ડ પણ વેડફવા કરતાં હું મારો પ્રસ્તાવ મૂકતા કહું કે...’

વધુ આવતાં અંકે..