Shivarudra .. - 6 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 6

6.

(શિવરુદ્રા ટ્રેન દ્વારા અમદાવાદ આવી પહોંચે છે, અને તે કાલુપુર રેલવેસ્ટેશન પર ઉતરે છે, કાલુપુર રેલવેસ્ટેશન પર પગ મુકતાની સાથે જ જાણે શિવરુદ્રાને ગુજરાતની જમીન સાથે વર્ષો જુના સંબધ હોય તેવી અનુભૂતિ થાય છે, પછી શિવરુદ્રા રેલવેસ્ટેશનથી થોડેક દૂર આવેલ હોટલમાં નાસ્તો કરીને બહાર આવી રહ્યો હતો, એ જ સમયે તે નિખિલને મળે છે, જે એક મહેનત, ઉત્સાહ, ખુમારી, ખંત, જુસ્સા, ખાનદાની વગેરે ગુણોથી ભરેલ હતો, જે શિવરુદ્રાનાં હૃદયને પૂરેપૂરી રીતે સ્પર્શી ગયેલ હતો, દેખીતા લાગણીનો કોઈ જ સંબંધ ન હોવા છતાંપણ નિખિલ શિવરુદ્રાને પોતાનું જ કોઈ અંગત હોય તેવું લાગી રહ્યું હતું, આથી શિવરુદ્રાએ નિખિલ અને હોટલનાં માલિકને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો, ત્યારબાદ શિવરુદ્રા એક ગેસ્ટહાઉસમાં ફ્રેશ થવાં માટે જાય છે….અને ફ્રેશ થયાં બાદ શિવરુદ્રા ટેક્ષી દ્વારા ગાંધીનગર જવાં માટે રવાનાં થાય છે….!)

સ્થળ : ડિપાર્ટમેન્ટ ઓફ આર્કીયોલોજી, ગાંધીનગર.

સમય : સવારનાં 10 કલાક.

શિવરુદ્રા મનમાં એક અલગ જ પ્રકારનાં ઉત્સાહ અને ઉમંગ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કીયોલોજીનાં ભવનમાં પ્રવેશે છે, તેનું યુવાહૈયુ બધાં કરતાં કંઈક અલગ કરી બતાવવા માટે થનગની રહ્યું હતું, ચારે દિશામાં પોતાના નામનો ડંકો વગાડવાની મહેચ્છા શિવરુદ્રા પોતાનાં મનમાં સેવી રહ્યો હતો, પર્વતો અને ઊંચી ઊંચી ખડકો પરથી મુક્તમને વહેતા ઝરણાની માફક દુનિયાનાં આ પ્રવાહમાં શિવરુદ્રા મુક્તમને ખળ-ખળ કરીને વહેવા માંગતો હતો.

શિવરુદ્રા ટેક્ષીમાંથી ઉતર્યા બાદ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કીયોલોજી માં પ્રવેશે છે, અને સુનિલ યાદવ કે જે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કીયોલોજીનાં હેડ હતાં…

"ગુડ મોર્નિંગ સર !" - શિવરુદ્રા સુનિલ યાદવની ચેમ્બરમાં પ્રવેશીને બોલે છે.

"યસ ! ગુડ મોર્નિંગ…!" - સુનિલ યાદવ અભિવાદન કરતાં - કરતાં બોલે છે.

"સર…! માય સેલ્ફ શિવરુદ્રા….હું મારી ફરજ પર હાજર થવાં માટે અહીં આવેલ છું…!" - અપોઈમેન્ટ લેટર સુનિલ યાદવને આપતાં શિવરુદ્રા બોલે છે.

"ઓહ...યસ…!" - અપોઈમેન્ટ લેટર પોતાનાં હાથમાં લેતાં - લેતાં સુનિલ યાદવ બોલે છે.

અપોઈમેન્ટ લેટર વાંચ્યા બાદ સુનિલ યાદવ ગહન વિચાર કરે છે, અને થોડુંક વિચાર્યા બાદ તેઓ શિવરુદ્રાનાં અપોઈમેન્ટ લેટરમાં કંઈક લખે છે...અને પોતાનાં ટેબલની બાજુમાં બેસેલાં કોમ્પ્યુટર ઓપરેટરને શિવરુદ્રાનો જોઈનિંગ ઓર્ડર ટાઈપ કરવાં માટે સૂચના આપે છે...થોડીવારમાં પેલો કોમ્પ્યુટર ઓપરેટર શિવરુદ્રાનો જોઈનિંગ લેટર ટાઈપ કરીને તેની પ્રિન્ટ કાઢી, સુનિલ યાદવની સહી કરવાં માટે તેમનાં ટેબલ પર રાખે છે, ત્યારબાદ સુનિલ યાદવ શિવરુદ્રાનાં જોઈનિંગ ઓર્ડર પર સહી કરી શિવરુદ્રાનાં હાથમાં આપતાં કહે છે કે…

"ડિયર ! શિવરુદ્રા….તમારી આજથી સૂર્યપ્રતાપ ગઢ ખાતે આર્કીયોલોજીસ્ટ તરીકે અને ઓપરેશન હેડ તરીકે નિમણુંક કરવામાં આવે છે….!"

"ઓહ...થેન્ક યુ સો મચ...સર...બટ...સૂર્યપ્રતાપ ગઢ…?" - શિવરુદ્રા થોડાંક હેરાની ભરેલાં અવાજે પૂછે છે.

"યસ….હાલ આ ડિપાર્ટમેન્ટનાં અન્ય તમામ સેન્ટરો ખાતે પૂરતો સ્ટાફ અવેલેબેલ છે, આથી તારી વધુ જરૂર સૂર્યપ્રતાપ ગઢ ખાતે આવેલાં આપણાં સેન્ટર પર છે, માટે લાંબો વિચાર કર્યા બાદ તેને આ સેન્ટર ખાતે નિમણુંક આપવાનો મેં વિચાર કરેલ છે, ત્યાં તારી સાથે અન્ય સ્ટાફ પણ હશે...અને આ સેન્ટર દસ કે બાર વર્ષ પહેલાં જ બન્યું છે, માટે આ સેન્ટર પર તારે તારા કામ ઉપરાંત ત્યાં રહેલાં તમામ સ્ટાફની લીડરશીપ પણ તારે જ લેવાની છે….અને હું માનું છું કે તું તેમાં ખરો ઉતરીશ….!" - સુનિલ યાદવ પોતાનાં અનુભવનો નિચોડ કરતાં કરતાં બોલે છે.

"ઓહ...સર...ઇટ્સ માઈ પ્લેઝર….થેન્ક યુ વેરી મચ સર….!" - અપોઈમેન્ટ લેટર પોતાનાં હાથમાં લેતાં શિવરુદ્રા બોલે છે.

"વેલકમ ડિયર...એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર…!" - ચહેરા પર સ્મિત સાથે સુનિલ યાદવ બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાનો અપોઈમેન્ટ લેટર લઈને, મનમાં અનેક પ્રશ્નો સાથે પોતાનો સામાન લઈને ડિપાર્ટમેન્ટ ઓફ આર્કીયોલોજી માંથી બહાર નીકળે છે, જ્યારે સુનિલ યાદવ આ બાબતની જાણ પોતાનાં કર્મચારી દ્વારા સૂર્યપ્રતાપગઢ ખાતે આવેલ સેન્ટર પર કરાવડાવે છે. જેથી કરીને તે લોકો શિવરુદ્રાનાં આગમનની પૂર્વતૈયારીઓ કરી શકે. ત્યારબાદ શિવરુદ્રા સૂર્યપ્રતાપ ગઢ જવાં માટેની ટેક્ષીની રાહ જોવા માંડે છે, થોડીવાર બાદ એક ટેક્ષી શિવરુદ્રા પાસે આવીને ઉભી રહે છે…

"બોલો ! સાહેબ…!" - ટેક્ષી ડ્રાઇવર શિવરુદ્રાની સામે જોઇને પૂછે છે.

"જી..મારે સૂર્યપ્રતાપ ગઢ જવું છે….!" - શિવરુદ્રા ટેક્ષી ડ્રાઇવરની સામે જોઇને કહે છે.

"સાહેબ ! સૂર્યપ્રતાપ ગઢ અહીંથી 70 કિ.મી દૂર આવેલ છે….!" - ટેક્ષી ડ્રાઇવર શિવરુદ્રાને જણાવતાં બોલે છે.

"તમારે જે ભાડું થશે એ હું ચૂકવવા તૈયાર છું….!" - શિવરુદ્રા અધિરાઈપૂર્વક બોલે છે.

"સાહેબ ! મીટરમાં જે ભાડું થશે એ ચૂકવવું પડશે…!" - ટેક્ષી ડ્રાઇવર ખાતરી કરતાં જણાવે છે.

"હા…!" - શિવરુદ્રા પોતાનું માથું હલાવતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાનો બધો સામાન ટેક્ષીની ડેકીમાં મૂકી દે છે, અને પાછળની સીટ પર ગોઠવાઈ જાય છે, આ બાજુ ટેક્ષી ડ્રાઇવર સેલ્ફ મારીને કાર સ્ટાર્ટ કરે છે, અને સૂર્યપ્રતાપગઢ તરફ જતાં રસ્તે પોતાની ટેક્ષી દોડવવાં માંડે છે.

લગભગ 2 કલાક બાદ ટેક્ષી સૂર્યપ્રતાપગઢ આવી પહોંચે છે, સૂર્યપ્રતાપગઢ એટલે કુદરતનાં ખોળે રમતું અને ઉછરતું એક નાનું એવું એક ગામ, આ ગામ પર જાણે પ્રકૃતિ મહેરબાન હોય તેવી રીતે ખુબ જ છૂટથી હેત વરસાવી રહ્યું હોય તેવું લાગે...આખું ગામ ચારેબાજુએથી લીલીછમ્મ અને આંખોને ટાઢક આપે તેવી મનમોહક ટેકરીઓથી ઘેરાયેલું હતું, એ ટેકરીઓ પરથી મુક્તમને ખળ કળ કરીને વહેતુ ઝરણું સૂર્યપ્રતાપગઢની મોહકતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં, રસ્તાની બંને બાજુએ દૂર દૂર સુધી આવેલાં ખેતરો વાતાવરણ એક અલગ જ તાજગી ભરી રહ્યાં હતાં, સૂર્યપ્રતાપગઢનું વાતાવરણ એટલું શુદ્ધ અને સ્વચ્છ હતું કે બધાં પક્ષીઓ પણ મંત્રમુગ્ધ બનીને ઉચ્ચ ગગનમાં વિચરી રહ્યાં હતાં, સૂર્યપ્રતાપગઢની વરસાદ પછીની માટીની એ ભીની ખુશ્બુનો આનંદ શિવરુદ્રા પહેલીવાર જ માણી રહ્યો હતો…..આ બધું જોઈને શિવરુદ્રા એવું મહેસુસ કરી રહ્યો હતો કે જાણે પોતાનો સૂર્યપ્રતાપગઢ સાથે વર્ષો જૂનો કોઈ સંબધ હોય…..

એવામાં શિવરુદ્રાનું ધ્યાન ગામનાં પાદરમાં આવેલ એક મોટી હવેલી પર જાય છે, આથી શિવરુદ્રા પેલાં ટેક્ષી ડ્રાઇવરને કાર ઉભી રાખવાં માટે જણાવે છે….શિવરુદ્રા કારનો દરવાજો ખોલીને બહાર આવે છે, અને કુતૂહલતા અને જિજ્ઞાસા સાથે એ હવેલીની ચારેકોર પોતાની નજરો દોડાવે છે….એવામાં તેનું ધ્યાન હવેલીનો બહાર આવેલ દરવાજા પાસે લટકતાં બોર્ડ પર પડે છે….જેનાં પર લખેલ હતું…."પ્રતાપ મહેલ" …..!

"જી ! સર ! એ હવેલી આજથી વર્ષો પહેલાં રાજવંશી પ્રતાપ પરીવાર દ્વારા નિર્માણ પામેલ છે, આ હવેલીમાં દર વર્ષે રાજવંશી પરીવાર રજાઓ માણવા આવતાં હતાં, અને ત્યારબાદ બ્રિટિશ શાસન દરમ્યાન આ હવેલીમાં બ્રિટિશ લોકોએ પોતાનાં મહેમાનો માટે ગેસ્ટહાઉસ બનાવેલ હતું, જ્યારથી બ્રિટિશ લોકો આ દેશ છોડીને જતાં રહ્યાં ત્યારથી માંડીને આજસુધી આ હવેલી આમ બંધ હાલતમાં જ છે…….!" - ટેક્ષી ડ્રાઇવર શિવરુદ્રાની સામે જોઇને જણાવે છે.

"શું…વાત છે…?" - શિવરુદ્રા નવાઈ પામતાં પેલાં ટેક્ષી ડ્રાઇવરને પૂછે છે.

"હા ! સાહેબ !" - ટેક્ષી ડ્રાઇવર પોતાનું માથું હલાવતાં બોલે છે.

"ઓકે...તો...આ હવેલી વર્ષોથી બંધ હાલતમાં છે...એમ ને…?" - શિવરુદ્રા ખાતરી કરતાં હવેલી તરફ ઈશારો કરતાં શિવરુદ્રા પૂછે છે.

"જી….સાહેબ…!" - જવાબ આપતાં ટેક્ષી ડ્રાઇવર જણાવે છે.

"ઓકે..!" - હવેલીનાં પોતાનાં મોબાઈલમાં ફોટા પાડતાં - પાડતાં શિવરુદ્રા બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા ફરી પાછો પેલી ટેક્ષીમાં બેસી જાય છે, અને પેલો ટેક્ષી ડ્રાઇવર સૂર્યપ્રતાપગઢ ખાતે આવેલ આર્કીયોલોજીની બ્રાન્ચ તરફ જતાં રસ્તા તરફ પોતાની ટેક્ષી ભગાવે છે….થોડી મિનિટો બાદ

"સર….તમારી ઓફીસ આવી ગઈ….!" - કારમાં બ્રેક લગાવતાં પેલો ટેક્ષી ડ્રાઇવર બોલે છે.

"ઓકે…!" - શિવરુદ્રા બારીની બહાર નજર કરતાં - કરતાં બોલે છે, પછી શિવરુદ્રા ટેક્ષીનું ભાડું ચુકેવે છે, અને થોડીવારમાં એ ટેક્ષી ડ્રાઇવર પોતાની ટેક્ષી ફરી ગાંધીનગર તરફ જતાં રસ્તા પર ભગાવે છે.

એવામાં આર્કીયોલોજી બ્રાન્ચની ઓફિસનાં સિક્યુરિટી અને પ્યુન દોડીને ઓફિસની બહાર આવે છે, અને શિવરુદ્રાનો સામાન ઉઠાવી લે છે….અને શિવરુદ્રાનું અભિવાદન કરે છે, એવામાં ઓફિસમાંથી અન્ય કર્મચારીઓ પણ શિવરુદ્રાનું સ્વાગત કરવાં માટે ઓફિસની બહાર આવી જાય છે, અને પુષ્પગુચ્છ આપીને શિવરુદ્રાનું ઉમળકાભેર સ્વાગત કરે છે…..

ઓફિસનાં તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ પોતાનાં આવા ઉમળકાભેર સ્વાગતથી શિવરુદ્રા પોતાની જાત પર ગર્વ મહેસુસ કરી રહ્યો હતો, પોતે મનોમન વિચારી રહ્યો હતો કે આ ગામ ખુબજ રમણીય અને માનમોહક છે, એટલે અહીં પોતાને કામ કરવાની મજા તો આવેશે જ તે, આ ઊપરાંત અહીંનાં તમામ કર્મચારીઓ ખૂબ જ માયુળુ અને સહકાર આપવાં વાળા લાગી રહ્યાં છે, આથી પોતે પોતાની ફરજ ખુબ જ નિષ્ઠાપૂર્વક બજાવી શકશે…..!

ત્યારબાદ એક કર્મચારી શિવરુદ્રા માટે જે ઓફીસ બનાવેલ હતી તે ઓફીસ સુધી લઈ જાય છે, જે ઓફિસની બહાર લખેલ હતું…"મિ.શિવરુદ્રા - ઓર્કિલોજીસ્ટ એન્ડ ઓપરેશન હેડ" - આ બોર્ડ જોઈને શિવરુદ્રાની છાતી ખુશીને લીધે પહોળી થઇ ગઇ, ત્યારબાદ શિવરુદ્રા એ ઓફિસમાં પ્રવેશે છે, અને ત્યાં ટેબલ પાસે રહેલ રિવોલવિંગ ચેર પર બેસે છે….

"વી...આર કમ ઇન સર….!" - આ ઓફિસનાં અમુક કર્મચારીઓ શિવરુદ્રાની કેબિનની બહાર ઉભા રહીને પૂછે છે.

"યસ...કમ ઇન…!" - શિવરુદ્રા પરમિશન આપતાં બોલે છે.

"સર...મારું નામ આકાશ તન્ના છે….અને મને આ સેન્ટર ખાતે જુનિયર સાયન્ટિસ્ટ તરીકે નિમણુંક મળેલ છે...!" - એક કર્મચારી શિવરુદ્રા સાથે હાથ મેળવતા બોલે છે.

"સર..મારું નામ શિવાની મહેતા છે, હું હાલ આ સેન્ટર ખાતે ઇન્ટર્ન તરીકે જોબ કરી રહી છું….!" - પોતાનો પરિચય આપતાં શિવાની બોલે છે.

"વેલ….એ સિવાય ટોટલ સ્ટાફ કેટલો છે...આ સેન્ટર ખાતે…!"

"સર આ સેન્ટર ખાતે હું, શિવાની, એક ક્લાર્ક, ત્રણ પ્યુન, એક ડ્રાઇવર, બે સિક્યુરિટી ગાર્ડ…..એમ કુલ 9 સ્ટાફ હાલ આ સેન્ટર ખાતે નિમાયેલા છે….!" - સ્ટાફનો પરિચય આપતાં - આપતાં આકાશ જણાવે છે.

"ઓકે….અને રહેવાં માટે….?" - શિવરુદ્રા આકાશની સામે જોઇને પૂછે છે.

"જી ! સર…આ ઓફિસની પાછળનાં ભાગે એક બ્લોક આવેલ છે, જેમાં કુલ 20 કવાર્ટર છે, હાલ તેમાં જ આપણાં સેન્ટરનો તમામ સ્ટાફ રહે છે, અને તમારા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કવાર્ટરની સાફ સફાઈ કરીને તૈયાર કરાવડાવેલ છે….!" - આકાશ વધુ માહિતી આપતાં જણાવે છે.

"ઓહ...થેન્ક યુ વેરી મચ…!" - શિવરુદ્રા આકાશનો આભાર માનતાં બોલે છે

ત્યારબાદ શિવાની અને આકાશ પોત પોતાની ચેમ્બરમાં જવા માટે શિવરુદ્રાની ચેમ્બરમાંથી બહાર નીકળે છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા પોતાને જે કાંઈ ફરજો નિભાવવાની હતી, તે ફરજો તેને આપવામાં આવેલ જોઈનિંગ લેટરમાં વાંચવા માંડે છે….અને ત્યારબાદ આખા સેન્ટરનું ઓરિયન્ટેશન કરે છે....!

સાંજે પાંચ વાગ્યે શિવરુદ્રા પોતાનો બધો સામાન લઈને પોતાનાં માટે જે કવાર્ટર સાફસફાઈ કરાવડાવીને તૈયાર કરવામાં આવેલ હતું, ત્યાં જાય છે, અને આકાશ શિવરુદ્રા માટે સાંજે ટિફિન લઈને આવે છે, અને શિવરુદ્રા એ ટીફીનમાં આવેલ જમવાનું જમ્યા બાદ, એ કવાર્ટરમાં રહેલ બેડ પર સુઈ જાય છે, આખા દિવસની દોડાદોડી અને થાકને લીધે શિવરુદ્રા થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી જાય છે.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"