Shivarudra .. - 8 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 8

8.

(શિવરુદ્રા પોતાનાં કવાર્ટર પર ભગવાન શિવની પૂજા અર્ચના કરીને ચા નાસ્તો કરી રહ્યો હોય છે, પવનને લીધે અથડાતી બારી બંધ કરતી વખતે શિવરુદ્રાને ઘડિયાળમાંથી વાદળી રંગનો ક્રિસ્ટલ મળે છે, ત્યારબાદ શિવરુદ્રાને રવજીભાઈ પાસેથી આલોક શર્મા વિશે માહિતી મળે છે, ત્યારબાદ શિવરુદ્રા આલોક શર્મા અને પોતાની સાથે ઘટેલ બધી ઘટનાઓને એકબીજા સાથે સાંકળવા માટે પ્રયત્ન કરે છે, જેમાં તેને આંશિક સફળતા પણ મળે છે….)

ઘોર અંધારી રાત જેટલો મનુષ્યના મનમાં ડર પ્રસરાવે છે, એટલી જ હિંમત, ઉત્સાહ અને જુસ્સો ઘોર અંધારી રાત પછી આવનાર સવાર પ્રસરાવે છે, સવાર એ કુદરતે મનુષ્યને આપેલ એક અલૌકીક ભેટ છે, પરંતુ આ સવાર કેટલાક લોકો માટે તેનાં સપનાઓ પુરા કરવાં માટેની તકો પોતાની સાથે લઈને આવતી હોય છે, તો કેટલાક લોકો માટે આ આવનાર સવાર ગોઝારા સમાચારો લઈને આવતી હોય છે, આમ સવાર અને રાત એ કુદરતે ગોઠવેલ એક સમયચક્ર છે, અને પૃથ્વી કે ધરતી પર રહેતાં તમામ મનુષ્યોને તે અનુસરવું જ પડે છે, પછી ભલે ને તે દુનિયાનાં કોઈપણ ખૂણમાં કેમ ના રહેતાં હોય……!

આવી જ એક સવાર શિવરુદ્રાનાં જીવનમાં દસ્તક દેવાં માટે થનગની રહી હતી, તે પોતાની સાથે ઘણી સારીઆશાઓ લઈને તો આવી જ હતી, પરંતુ એ આશાઓની સાથો - સાથ ઘણાબધાં રહસ્યો, હતાશા, વિરહ, ઉદાસી, દુઃખ, માયુસી, લાચારી, નિરાશા અને ઉતાર - ચડાવો લઈને આવવાની જ જતી, જેમાં બેશક કોઈ બેમત ન હતો.

બીજે દિવસે સવારે….

સ્થળ : શિવરુદ્રાની આર્કીયોલોજી સંસ્થા.

સમય : સવારનાં 11 કલાક.

શિવરુદ્રાનાં મનમાં હજુપણ પેલાં વાદળી રંગના ક્રિસ્ટલ સાથે જોડાયેલાં ગૂઢ રહસ્યો રમી રહ્યાં હતાં, શિવરુદ્રા આ ચક્રવાતની બહાર નીકળવા માટે જેટલા પ્રયત્નો કરી રહ્યો હતો, તેટલો જ તે આ ચક્રવાતમાં વધુને વધું ઊંડાણમાં ધકેલાય રહ્યો હતો.

એવામાં એકાએક મહેશ શિવરુદ્રાની ચેમ્બરનો દરવાજો ખટખટાવે છે, આથી શિવરુદ્રા એ વિચારોનાં ચક્રવાતમાંથી ઝબકારા સાથે બહાર આવી જાય છે.

"મે..આઈ...કમ..ઇન..સર…?" - મહેશ શિવરુદ્રાની પરમિશન મેળવવા માટે પૂછે છે.

"યસ...કમ...ઇન…!" - શિવરુદ્રા પોતાનું માથું હલાવતાં બોલે છે.

"સર...બહાર...એક મેડમ આવ્યાં છે...તેઓને તેમની ઇન્ટર્નશિપનાં ભાગ રૂપે અહીં ફરજ પર મૂકવામાં આવેલ છે….જે તમને મળવા માંગે છે, તો એમને આપની પાસે મોકલું….?" - મહેશ આખી બાબત જણાવતાં બોલે છે.

"યસ…!" - શિવરુદ્રા પોતાનું માથું હલાવતાં બોલે છે.

ત્યારબાદ મહેશ શિવરુદ્રાની ચેમ્બરમાંથી બહાર નીકળીને પેલી યુવતી પાસે જાય છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા પાણી પીવા માટે પોતાનાં ટેબલ પર રહેલ પાણી ભરેલ ગ્લાસ ઉઠાવીને પોતાનાં મોઢે વળગાડે છે, એવામાં પેલી યુવતી શિવરુદ્રાની ચેમ્બરનો દરવાજો ખટકાવતા - ખટકાવતા પોતાનાં મીઠા અને સુરીલા અવાજમાં પૂછે છે.

"મે...આઈ...કમ...ઈન...સર….!"

"યસ….ક…..મ…..ઇ...ન….!" - શિવરુદ્રા આશ્ચર્ય અને નવાઈ સાથે અટકતા - અટકતા બોલે છે, કારણ કે આ સુરીલો અને મીઠો અવાજ તેણે ક્યાંક તો સાંભળેલ જ હતો.

આ સાથે જ જાણે શિવરુદ્રાનાં હૃદયમાં વર્ષોથી શાંત પ્રેમ રૂપી સાગરમાં જાણે જોર - જોરથી ઊંચા ઊંચા મોજા ઉછળવા લાગ્યાં, વર્ષોથી ઉજ્જડ અને વેરાન જમીન ઉપર જાણે એકાએક પ્રેમરૂપી ધોધમાર વરસાદ મન મુકીને વરસવા માંડ્યો હોય તેવું શિવરુદ્રા અનુભવી રહ્યો હતો….તેનાં હૃદયનાં કોઈએક ખુણામાં આવેલ પ્રેમ રૂપી ડેમમાં રહેલ પાણી જાણે એ ડેમનાં દરવાજા પરથી ઓવરફ્લો થવાની તૈયારીમાં હોય તેવું હાલ શિવરુદ્રાને લાગી રહ્યું હતું….!

જાણે થોડીક મિનિટો માટે ઘડિયાળનાં કાંટા અટકી ગયાં હોય તેવું તે બનેવ અનુભવી રહ્યાં હતાં, શિવરુદ્રા પણ પેલી યુવતીને પ્રેમ ભરેલ નજરોથી જોઈ રહ્યો હતો, તે યુવતીનું વ્યક્તિત્વ શિવરુદ્રાને ખુબ જ આકર્ષક લાગી રહ્યું હતું….તેણે પહેરેલ વ્હાઇટ શર્ટ અને બ્લેક રંગનું જેગીન્સ તે યુવતીની સુડોળ કાયની ચાડીઓ ખાઈ રહી હતી, જેમાં તે યુવતી ખૂબ જ આકર્ષક અને મોહક લાગી રહી હતી….એમાં પણ તેણે હાથમાં પહેરેલ એપલની બ્લેક વોચ તેની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી રહી હતી, તેનાં લાંબા, ઘેરા, રેશમી અને મુલાયમ વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં, એમાં પણ તેણે પહેરેલ ગુલાબી રંગના ચશ્માં તેના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં.

"શ્લોકા….તું….અહીં….?" - શિવરુદ્રા આશ્ચર્ય પામતાં અને ખુશ થતાં - થતાં પૂછે છે.

"યસ…! હું…પણ તમને એ જ પૂછી રહી હતી કે શિવરુદ્રા તમે...અહીં….? - શ્લોકા ખુશ થતાં થતાં શિવરુદ્રાને પૂછે છે.

"હા ! શ્લોકા હું છેલ્લાં અઢી વર્ષથી અહીં….આર્કીયોલોજીસ્ટ એન્ડ ઓપરેશનલ હેડ તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું….!" - શિવરુદ્રા શ્લોકોને જણાવતાં બોલે છે.

"યસ...મને મનમાં થોડુંક તો એવું લાગ્યું….!" - શ્લોકા થોડું યાદ કરતાં - કરતાં બોલે છે.

"એ કેવી રીતે….?" - શિવરુદ્રા અચરજ ભરેલાં અવાજે શ્લોકાને પૂછે છે.

"હું...જ્યારે તમારી ઓફીસ તરફ આવી રહી હતી, ત્યારે મારી નજર તમારી ચેમ્બરની બહાર લગાવેલ નેમ પ્લેટ પર પડી, તેનાં પર લખેલ "શિવરુદ્રા" નામ વાંચીને એકદમ ઝડપથી ચાલતાં મારા પગ ક્ષણવાર માટે એકાએક થંભી ગયાં, મનનાં કોઈ એકખૂણામાંથી સતત એવું જ થઈ રહ્યું હતું...કે ભગવાન આ શિવરુદ્રા એ જ વ્યક્તિ હોય તો સારું કે જેને હું મારા સાચા હૃદયથી પ્રેમ કરું છું….અને જ્યારે હું તમારી ચેમ્બરનાં દરવાજા પાસે પહોંચી તો મારી ખુશીઓ અને આનંદનો કોઈ જ પાર જ ના રહ્યો કારણ કે હું જે શિવરુદ્રાને બેપનાહ પ્રેમ કરતી હતી, તે જ શિવરુદ્રા આજે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતભરનો નામાંકિત અને ખ્યાતનામ આર્કીયોલોજીસ્ટ બની ગયેલ છે….!" - શ્લોકા રાજીનાં રેડ થતાં - થતાં બોલી ઉઠી.

"પણ….તે...તારી ઇન્ટર્નશિપ માટે આખા ભારતમાંથી ગુજરાતમાં આવેલ આ નાનકડા સૂર્યપ્રતાપગઢની જ પસંદગી શાં માટે કરી….? તારી પાસે તો ઘણાં બધાં વિકલ્પો હશે ને….?" - શિવરુદ્રા શ્લોકાની સામે જોઇને પૂછે છે.

"હા….શિવરુદ્રા...તમારી વાત સાચી છે, મને પણ તમારી જેમ જ આપણા દેશમાં રહેલ જુનાં પ્રાચીન મહેલો, શિલ્પો, ઇમારતો, ગુફાઓ વગેરે વિશે જાણવાનો ખુબ જ ઉત્સાહ હતો, એમાં પણ ગુજરાત એટલે "જેનાં ચરણો અરબી સમુદ્ર પંપાળતો હોય, જેની બરાબર મધ્યમાં અમૂલ્ય વારસા સમાન પોતાની છાતી ઠોકીને એ ગરવો ગઢ ગિરનાર ઉભેલો હોય, જે પોતાનો ભવ્ય ભૂતકાળ લઈને બેસેલો હોય, જ્યાં ગીરનાં સુંદર જંગલો આવેલાં હોય, જ્યાં કેશરી અને ડાલામથા સિંહો મુક્તમને વિચરી શકતા હોય, જ્યાં રાજા - રજવાડાંનો ભવ્ય ઇતિહાસ સર્જાયેલા હોય અને ભવ્ય યુદ્ધો ખેલાયેલાં હોય એ ઘરા એટલે આ ગુજરાત…..આમ ગુજરાતનાં ભવ્ય અને ખમીરવંતી ઈતિહાસ જાણ્યાં બાદ હું મારી જાતને ગુજરાત આવવાથી રોકી નાં શકી…...પછી એ મારા નસીબ કહો તો મારા નસીબ, કે પછી તમને મળવા માટે જોગાનુજોગ કહો તો જોગાનુજોગ……!" - શ્લોકા જાણે પોતાનાં મનમાં ઘણાસમયથી વાતો દબાવેલી વાતો એક જ શ્વાસમાં જણાવી રહી હોય તેમ થોડુંક હાંફતા - હાંફતા બોલે છે.

"યસ….કદાચ….એવું પણ બની શકે…!" - શિવરુદ્રા શ્લોકા સામે થોડુંક હળવું સ્મિત આપતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા મહેશને બોલાવીને પોતાનાં માટે ચા અને શ્લોકા માટે કોફી લઈને આવવાં માટે જણાવે છે, પછી શિવરુદ્રા અને શ્લોકા પોતાનાં મનમાં ઘણાં સમયથી દબાવી રાખેલ અધૂરી વાતો, એકબીજાને જણાવે છે, એટલામાં મહેશ ચા અને કોફી લઈને શિવરુદ્રાની ચેમ્બરમાં પ્રવેશે છે, શ્લોકા કોફી પીતા - પીતા શિવરુદ્રાની સામે જોઇને પૂછે છે કે….

"શિવરુદ્રા ! તમને એવું નથી લાગતું કે આપણાં વચ્ચે હમણાંથી ઘણુંબધું અંતર આવી ગયું હોય….?" - નિખાલસતાપૂર્વક શ્લોકા શિવરુદ્રાને પૂછે છે.

"શ્લોકા….હું જ્યારે કોલેજમાંથી રીલિવ થયો, ત્યારે તને જેટલો લવ કરતો હતો એટલો લવ હું હાલમાં પણ કરું જ છું….બસ ફર્ક માત્ર એટલો જ છે, કે એ સમયે મારા માથા પર એકપણ પ્રકારની જવાબદારી હતી નહીં….જ્યારે હાલમાં મારા માથે ઘણીબધી જવાબદારીઓ આવી ગયેલ છે….માટે હું તને સમય ફાળવી શકતો નથી….જેનો અર્થ એવો ક્યારેય ન સમજવો કે હું તને લવ નથી કરતો……!" - શિવરુદ્રા પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાં માટે શ્લોકાને જણાવે છે.

"હું તમારી વાત ખૂબ સારી રીતે સમજી શકુ છું….!" - આંખોની કિનારીએ આવેલાં આંસુ લૂછતાં - લૂછતાં શ્લોકા બોલી.

"એક સાચી વાત કહું….તો શ્લોકા હાલ મારું નામ સમગ્ર ભારત અને ગુજરાતમાં સન્માન સાથે લેવામાં આવી રહ્યું છે, જે મારા માટે ખરેખર ગર્વની બાબત ગણાય….પરંતુ વાસ્તવમાં હું આ દુનિયામાં સફળતા કે નામનાં મેળવવા માટે જેમ - જેમ આગળ વધતો ગયો….તેમ તેમ મારા અંગત લોકોથી ધીમે - ધીમે દૂર થતો રહ્યો છું….હું મારા ઘરે પણ મહિનામાં માંડ એકાદવાર કોલ કરી શકુ છું….જાણે મારું જીવન યંત્રવત થઈ ગયું હોય તેવું હાલ હું અનુભવી રહ્યો છું, હું મનમાં કોઈએક ખુણામાં કાયમિક માટે ખાલીપો અને એકલતા અનુભવી રહ્યો છું, જાણે મારી હસતી, રમતી, નિર્દોષ અને નિખાલસ જિંદગી "સફળતા" લેબલ પાછળ દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે…..પણ….હવે…..!" - શિવરુદ્રા પોતાની ચેર પરથી ઊભાં થતાં થતાં બોલ્યો.

"પણ...હવે….શું….? શિવરુદ્રા….?" - શ્લોકા અચરજ અને નવાઈ ભરેલાં અવાજે શિવરુદ્રાને પૂછે છે.

"જેવી રીતે ડુબતા માણસને તણખલાનો સહારો મળી જવાથી…...મહિનાઓથી લાચારી પૂર્વક આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહેલ ખેડૂત ધોધમાર વરસાદ વરસવાથી….કે પછી તમારી એવી ઈચ્છા કે જે તમે કોઈને પણ કહી જ ના હોય અને અચાનક એ ઈચ્છાઓ એકાએક પુરી થવાથી વ્યક્તિ જેટલી ખુશી મળે છે, હાલ તને જોયા બાદ હું તેટલી જ ખુશી અનુભવી રહ્યો છું….મારી બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીમાં એકાએક તારા આવી રીતે આવવાથી મનમોહક રંગો પુરાઈ ગયાં હોય તેવું મને હાલ લાગી રહ્યું છે…...બહારથી ખુશ રહેતો હું..દિલનાં ઊંડાણમાં ક્યાંય તો એકલતા મહેસુસ કરતો જ હતો, મને પણ ક્યારેક એવું થઈ રહ્યું હતું હતું કે કાશ હાલ મારી સાથે કોઈ મારું અંગત હોય તો કેવું સારું કહેવાય કે જેને હું મારા તમામ સુખ - દુઃખ વહેંચી શકુ….કે જેનાં ખોળામાં હું મારું માંથું રાખીને થોડીવાર ઊંઘીને મારા માથાનો બધો બોજ હળવો કરી શકુ…..પરંતુ એક કહેવત છે ને કે, "ઉપરવાલે કે ઘરમે દેર હે લેકીન અંધેર નહીં….!" એ જ કહેવત પ્રમાણે ઈશ્વર, કુદરત, પ્રકૃતિ, કે નસીબે તને કોઈપણ રીતે મારા સુધી પહોંચાડી જ દીધી...કે જ્યારે મારે ખરેખર તારી જરૂર હતી…..!" - શિવરુદ્રા લાગણીશીલ થતાં પોતાની વ્યથા શ્લોકાને જણાવતાં બોલે છે.

"યસ…! એક્ઝેટલી...શિવરુદ્રા...જો આપણો પ્રેમ સાચો હોય તો પછી ભગવાન પણ આપણને કોઈપણ સંજોગોમાં મેળાવવીને જ રહે છે….!" - શ્લોકા પોતાની જાત પર ગર્વ મહેસુસ કરતાં બોલે છે.

"ધીસ ઇસ ફોર યુ….!" - શિવરુદ્રા પોતાનાં ટેબલનાં ખાનાં રહેલ રોઝ શ્લોકાને આપતાં બોલે છે.

"બટ...આ...રોઝ સુકાય ગયેલ કેમ છે….?" - શ્લોકા આશ્ચર્ય પામતાં શિવરુદ્રાને પૂછે છે.

"શ્લોકા ! આ એ જ રોઝ છે કે જે મને તે કોલેજનાં છેલ્લાં દિવસે આપેલ હતું….આ રોઝ ભલે હાલ એકદમ સુકાયેલ કે મુરઝાયેલ હોય...પરંતુ તારા આવવાથી આ રોઝમાં પણ જાન આવી ગઈ છે….એમાં પણ હવે પ્રેમની કુંપળો ફૂટશે….!" - શિવરુદ્રા એ મુરઝાયેલાં અને કરમાઈ ગયેલાં રોઝ સામે જોતાં - જોતાં બોલે છે.

"ઓહ….સો...સ્વીટ...ઓફ...યુ...શિવરુદ્રા…!" - શ્લોકા ખુશ થતાં થતાં બોલે છે.

"યસ….! ઓફકોર્સ…..!" - શિવરુદ્રા સસ્મિત બોલે છે.

"તો...હવે...થોડી કામની વાતો કરી લઈએ….?" - શ્લોકા શિવરુદ્રાની સામે જોઇને પૂછે છે.

"યા….વ્હાઈ નોટ….?" - શિવરુદ્રા એક પ્રેમીમાંથી એક અધિકારી બનતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા હિતેનને પોતાની ચેમ્બરમાં બોલાવીને શ્લોકો માટે જે કઈ ઓફિસીયલ ફોર્માંલીટી હતી, તે પુરી કરવાં માટેની સુચના આપે છે, અને કેમ્પસમાં આવેલ સ્ટાફ કવાર્ટરનો ફાળવણી આદેશ કરવાં માટે સુચના આપે છે…..

એ જ દિવસે રાતે….

શિવરુદ્રા અને શ્લોકા એ ગામનાં એક નાના એવાં રેસ્ટોરન્ટમાં જમવાં માટે જાય છે, ત્યારબાદ શિવરુદ્રા અને શ્લોકા પોતાનાં સેન્ટર પર ફરત ફરે છે, અને એકબીજાને "ગુડ નાઈટ એન્ડ સ્વીટ ડ્રિમ" વિશ કરીને પોત - પોતાનાં કવાર્ટર પર જવાં માટે છુટા પડે છે…..પરંતુ શિવરુદ્રાને એ બાબતની જરાય ભણક જ ન હતી કે તેની સ્વીટ નાઈટ આજે એકદમ ભયાનક, ડરામણી થવાની હતી...શ્લોકાને મળવાને લીધે તેનો આખો દિવસ જેટલો આનંદ અને ખુશીઓ સાથે પસાર થઈ ગયો….રાત એટલી જ એક ભયાનક સપનાં સમાન બની જશે.

સમય - રાતનાં બે કલાક…

શિવરુદ્રા શ્લોકાને આજે ફરીવાર મળ્યો હોવાથી, પોતે મનોમન ખુબ જ ખુશ થઈ રહ્યો હતો, પોતે આજે શ્લોકા સાથે વિતાવેલ એક એક પળ યાદ કરતાં - કરતાં બેડ પર ઘટઘસાટ ઊંઘી ગયેલ હતો, આ બાજુ શિવરુદ્રા ભર ઊંઘમાં ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો...તો બહારની તરફ એકદમ ઘનઘોર અંધકાર છવાયેલ હતો….વાતાવરણમાં એકદમ સન્નટો વ્યાપેલ હતો, વાતાવરણમાં એટલી હદે સન્નટો છવાઈ ગયેલ હતો કે બહારની તરફથી કિટકોનો અવાજ પણ શિવરુદ્રાનાં રૂમમાં સ્પષ્ટપણે સંભળાય રહ્યો હતો….

એવામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, જોર - જોરથી સુસવાટા મારતો પવન ફૂંકાવા માંડ્યો, રૂમમાં રહેલ પંખામાંથી એક વિચિત્ર પ્રકારનો કિચુડ - કિચુડ અવાજ આવવાં માંડ્યો, બારીનાં દરવાજા એકાએક એની જાતે જ ખોલબંધ થવાં લાગ્યાં, બારી પર લટકાવેલ પડદામાં જાણે જીવ આવી ગયો હોય, તેમ ફફડવા માંડ્યા હોય એવું લાગી રહ્યું હતું….જ્યારે બહારની બાજુએ ગલીઓના કુતરાઓ જોર - જોરથી ડરામણા અવાજમાં રડી રહ્યાં હતાં, એવામાં શિવરુદ્રાનાં કાને એક યુવતીનો અવાજ સંભળાયો….

"શિવરુદ્રા…મારી પાસે આવ….હું કેટલાય વર્ષોથી તારી રાહ જોઈ રહી હતી….તું મારી મદદ નહીં કરીશ….શિવરુદ્રા મારી પાસે આવ…..!"

આ અવાજ સાંભળીને અને પોતાની આસપાસ બનતી બધી ઘટનાઓને લીધે શિવરુદ્રા પળભર માટે તો હેબતાઈ ગયો હતો, પોતાને શું કરવું…? અને શું ન કરવું…? તેનાં વિશે સમજ નહોતી પડી રહી….શિવરુદ્રા હાલ સ્પષ્ટપણે પોતાનાં હૃદયનાં ધબકારા અનુભવી રહ્યો હતો, તેનાં શ્વાસોશ્વાસ ધમણની માફક વધી ગયેલાં હતાં, ચહેરા પર ડરને લીધે ઉપસી આવેલ રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી, કપાળ પર પરસેવો બાઝી ગયેલ હતો…..આથી શિવરુદ્રા પોતાનાં બેડ પાસે ભરેલ પાણીની અડધી બોટલ એક જ શ્વાસમાં પી ગયો….

એવામાં શિવરુદ્રાને ફરી પેલો અવાજ સંભળાયો…

"શિવરુદ્રા…મારી પાસે આવ….હું કેટલાય વર્ષોથી તારી રાહ જોઈ રહી હતી….તું મારી મદદ નહીં કરીશ…? શિવરુદ્રા મારી પાસે આવ…..!"

આથી શિવરુદ્રા હિંમત કરીને પોતાનાં બેડ પરથી ઉભો થયો...અને પેલો અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો, તે દિશાને ફોલો કરવાં લાગ્યો….આ અવાજને ફોલો કરતાં - કરતાં શિવરુદ્રા પોતાનાં કવાર્ટરનાં બીજા રૂમમાં રહેલ પેલાં કબાટ સુધી પહોંચી ગયો….શિવરુદ્રા જેવો બીજા રૂમમાં પ્રવેશે છે...એ સાથે જ તેની આંખો આશ્ચર્ય અને નવાઈ સાથે પહોળી થઇ જાય છે, કારણ કે આ અવાજ પેલાં કબાટમાંથી જ આવી રહ્યો હતો, કે જે કબાટમાં શિવરુદ્રાએ પેલો વાદળી રંગનો ક્રિસ્ટલ રાખેલ હતો….એવામાં એકાએક તે કબાટ આપમેળે જ એક ધડાકા સાથે ખૂલી જાય છે. જોતજોતામાં એ કબાટમાંથી આંખોને આંઝી દે તેવી પ્રચંડ રોશની પ્રચંડ પુરેપુરા રૂમમાં ફેલાઈ ગઈ…...

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"