Shivarudra .. - 14 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 14

14.

આજથી લગભગ છસો વર્ષ પહેલાં.

સૂર્યપ્રતાપગઢથી થોડે દૂર એક ગાઢ જંગલ આવેલ હતું, જેમાં ઘટાદાર ઊંચા - ઊંચા વૃક્ષો, ખળ - ખળ વહેતી નિર્મળ નદીઓ, ઝરણાંઓ, ચારેબાજુએ ઊંચા - ઊંચા લીલાછમ ડુંગરો જ આવેલાં હતાં, આ જંગલ એટલું ઘટાદાર હતું કે તમે જો તેમાં પ્રવેશ્યાં બાદ રસ્તો ભટકી જાવ, તો પછી ત્યાંથી પાછા ફરવું ખૂબ જ કપરું હતું, આ જંગલોમાં વન્યપ્રાણીઓ પણ મુક્તમને આરામથી વિચરી શકતાં હતાં, એકવાર મહારાજા હર્ષવર્ધન પોતાનો રથ અને સૈનીકો લઈને આ જંગલમાં શિકાર કરવાં જવાં માટે જાય છે, તેઓને આ જંગલમાં પહોંચતાં - પહોંચતાં જ મધ્યાહનનો સમય થઈ જાય છે, આથી મહારાજ હર્ષવર્ધન પોતાનાં સૈનિકોની ટુકડી લઈને આ જંગલમાં કોઈ શિકાર વહેલીતકે મળે તે હેતુથી આ જંગલમાં આમતેમ ફાંફાં મારવાં માંડે છે, લગભગ એકાદ કલાક સુધી આ ઘનઘોર જંગલમાં આમ - તેમ ફાંફાં મારવાં છતાંપણ તેઓને શિકાર મળ્યો નહીં, આથી મહારાજા હર્ષવર્ધનનાં ચહેરા પર નિરાશા છવાય ગઈ અને પોતે મનોમન વિચારવાં લાગ્યાં કે, “હું જો આ જંગલમાંથી એકપણ વન્યપ્રાણીઓનો શિકાર કર્યા વગર જો સૂર્યપ્રતાપગઢ પરત ફરીશ તો લોકો કેવી - કેવી વાતો કરશે ? લોકો શું વિચારશે કે આટલો મોટો મહાન, યશસ્વી, બાહુબલી, સમ્રાટ, મહારાજા જંગલમાંથી એકપણ પ્રાણીઓનો શિકાર કર્યા વગર જ સૂર્યપ્રતાપગઢમાં ખાલી હાથે પરત ફર્યા..!” - આવી ચિંતાઓ રાજા હર્ષવર્ધનને અંદરથી સતાવી રહી હતી..

ધીમે - ધીમે સેકન્ડો, મિનિટો અને કલાકો વીતવા માંડી, જોત - જોતામાં સૂરજ પણ હવે આથમવાની તૈયારી કરી રહ્યો હોય, તેમ પોતાનો આકારો તાપ હવે ઠંડો પાડીને સંકેલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, જેમ જેમ સમય વીતી રહ્યો હતો, એ સાથોસાથ રાજા હર્ષવર્ધનની ચિંતાઓમાં પણ વધારો થઈ રહ્યો હતો, પોતે મનોમન ખૂબ જ મુંઝવણ અનુભવી રહ્યા હતાં, આથી રાજા હર્ષવર્ધન એક ઊંડો નિસાશો નાખતાં - નાખતાં પોતાનાં સૈનિકોની ટુકડી સામે જોઈને બોલે છે કે..

“સૈનિકો ! હું તમને આદેશ આપું છું કે તમે બે -બે ટુકડીમાં અત્યારે જ વહેચાય જાવ, અને આ ઘનઘોર જંગલની ચારે દિશાઓમાં ફેલાઈ જાવ, અને જો તમને કોઈ જગ્યાએ શિકાર દ્રશ્યમાન થાય તો તુરંત જ મને એ બાબતની જાણ કરો, હું અહી રથમાં જ ઊભા રહીને તમારા તરફથી મળતાં સંદેશાની પ્રતિક્ષા કરીશ..!” - રાજા હર્ષવર્ધન પોતાનાં સૈનિકોને આદેશ આપતાં - આપતાં બોલે છે.

“જો ! આજ્ઞા..! મહારાજ..!” - આટલું બોલી બધાં જ સૈનિકો જંગલની ચારે દિશાઓમાં શિકારની ખોજ માટે જોત - જોતામાં ફેલાઈ ગયાં..

જ્યારે આ બાજુ રાજા હર્ષવર્ધન પોતાનાં સૈનિકો તરફથી શિકારનો કોઈ સંદેશો કે સંકેત મળે તેની કાગડોળે આતુરતાપૂર્વક મીટ માંડીને રાહ જોવાં માંડયા, જ્યારે આ બાજુ ધીમે - ધીમે રાજા હર્ષવર્ધનનાં હાથમાંથી સમય રેતીની માફક સરકી રહ્યો હતો, જેમ - જેમ સમય પસાર થઈ રહ્યો હતો, તેમ - તેમ રાજા હર્ષવર્ધનની ચિંતાઓમાં પણ વધારો થઈ રહ્યો હતો, લગભગ એકાદ કલાક જેટલો સમય વીતવા છતાંય રાજા હર્ષવર્ધનને પોતાનાં સૈનિકો તરફથી શિકારનો કોઈપણ સંદેશ કે સંકેત હજુ સુધી મળ્યો નહીં......

બરાબર એ જ સમયે મહારાજા હર્ષવર્ધનની જમણી બાજુએ આવેલ ઝાડી- ઝાંખરામાંથી સળ- સળાટ ભરેલો એક અવાજ સાંભળાયો, આ અવાજ સાંભળતાની સાથે જ મહારાજા હર્ષવર્ધનની નિરાશ અને હતાશ થયેલી આંખોમાં અંતે પોતાને કોઈ શિકાર મળી જ ગયો - એ વિચાર આવતાં જ ચમક આવી ગઈ, આથી રાજા હર્ષવર્ધન પોતાનું ધનુષ અને બાણ લઈને પોતાનાં રથમાંથી છલાંગ લગાવીને પેલો અવાજ જે ઝાડી- ઝાંખરામાંથી આવી રહ્યો હતો, તે દિશામાં શિકાર મળવાની ની લાલશા અને ઘેલછામાં આગળને આગળ વધતાં ગયાં, એવામાં રાજા હર્ષવર્ધનની નજર એક હરણ પર પડી, જે હરણ એટલુ બધુ આકર્ષક અને મનમોહક લાગી રહ્યું હતું કે પોતે એ હરણનો પીછો કરતાં પોતાની જાતને રોકી શક્યાં નહીં, આ સુંદર અને મોહક હરણ જોઈને પોતાની રાણી સુલેખા ખૂબ જ ખુશ થઈ જશે આ વિચાર આવતાં રાજા હર્ષવર્ધન એ હરણનો પીછો કરે છે, રાજા હર્ષવર્ધન પેલાં હરણને અનુસરતાં - અનુસરતાં જંગલનાં ઘણાં જ ઊંડાણમાં પહોંચી ગયેલાં હતાં, જે બાબતનો પોતાને અણસાર જ ન હતો, 

જંગલનાં ઊંડાણમાં પહોંચ્યા બાદ પેલું હરણ થાકી ગયેલ હોયથી ઝાડની પાછળ એક જગ્યા આરામ કરવાં માટે ક્ષણવાર માટે ઊભું રહે છે, જ્યારે રાજા હર્ષવર્ધન આ તકનો લાભ લઈને પોતાનાં હાથમાં રહેલ ધનુષમાં બાણ ચડાવીને તેની કમાન પોતાનાં કાન સુધી હળવેકથી ખેંચે છે, અને આંખોના ઝબકારા સાથે જ કમાન છોડે છે, જેવી રાજા હર્ષવર્ધન ધનુષની કમાન છોડે છે, એ સાથે જ ધનુષ્યમાંથી સનનન - સનનન કરતું બાણ છૂટે છે, જે સીધું જ પેલા હરણનાં ગળાનાં ભાગે ખૂંચી જાય છે, આ સાથે જ પેલું હરણ તરફડિયાં મારવાં માંડે છે, આથી રાજા હર્ષવર્ધન ઝડપથી પેલાં હરણ પાસે જાય છે, અને હરણને પોતાનો હાથ વડે સ્પર્શે છે.

જેવો રાજા હર્ષવર્ધન પોતાનો હાથ પેલાં હરણનાં માથા પર ફેરવે છે, એ સાથે જ પેલા હરણમાંથી એકાએક પીળા રંગની રોશની નીકળે છે, અને જોત - જોતામાં પેલું હરણ એક સુંદર યુવતીનું સ્વરૂપ ધારણ કરી લે છે, આ જોઈ રાજા હર્ષવર્ધનની આંખો વિસ્મયતાને લીધે પહોળી થઈ જાય છે, પોતાની સાથે હાલ જે કાંઈ ઘટનાઓ ઘટી રહી હતી તે પોતાની સમજ બહાર હતી..

“આપનો ! ખૂબ - ખૂબ આભાર !” - પેલી સુંદર યુવતી રાજા હર્ષવર્ધન સામે પોતાનાં બનેવ હાથ જોડીને આભાર માનતાં - માનતાં પોતાનાં સૂરીલા અવાજે બોલે છે.

“પણ...હે...સુંદરી તમે છો કોણ..? તમારું નામ છું છે ? તમે શાં માટે મારો આભાર માની રહ્યાં છો..?” – હર્ષવર્ધન પોતાનાં મનમાં રહેલ મૂંઝવણો પેલી યુવતીને જણાવતાં - જણાવતાં પૂછે છે.

“જી ! મારુ નામ શિવાની છે, અને હું આજથી ઘણાં વર્ષો પહેલાં સ્વર્ગમાં એક અપ્સરા હતી, પરતું એક ઋષિમુનીની તપસ્યા ભંગ કરવાં બદલ મને મળેલ શ્રાપને લીધે હું હરણમાં પરિણમી હતી, ત્યારબાદ મને મારી ભૂલ સમજાઈ આથી મે મારી ભૂલનાં પાશ્ચતાપ માટે એ ઋષિમુની પાસે ઘણી જ માફી માંગી, , મારી ભૂલ મને ખૂબ જ સારી રીતે સમજાય ગયેલ હોવાથી અને મારી ભૂલનો મને પાશ્ચતાપ હોવાથી તે ઋષિમુનીને અંતે મારા પર દયા આવી અને એમણે મને જણાવ્યું કે, “ઘણાં વર્ષો બાદ એક તેજસ્વી, મહાન, વીર, અને પરમ શિવભક્ત એવાં એક મહારાજાનાં તીર દ્વારા જ મારો ઉધ્ધાર થશે.. અને એમનાં ધનુષ્યમાંથી છૂટેલ તીર જ મને આ શ્રાપમાંથી મુક્તિ અપાવશે..!” - શિવાની મહારાજ હર્ષવર્ધનને આખી વિગત જણાવતાં બોલે છે.

“ તો ! શું ! એ....તેજસ્વી, મહાન, વીર, અને પરમ શિવભક્ત મહારાજા હું જ છું..?” - રાજા હર્ષવર્ધન શિવાનીની સામે જોઈને પૂછે છે.

“હા ! મહારાજ ! એ વીર અને યશસ્વી મહારાજ તમે જ છો..!” - શિવાની રાજા હર્ષવર્ધનની સામે જોઈને જણાવતાં બોલે છે.

આટલું બોલતાની સાથે જ શિવાની જોત - જોતામાં પીળા રંગની રોશનીમાં ફેરવાઇ ગઈ, અને પ્રકાશનાં એક ઝબકાર સાથે એકાએક અદ્રશ્ય થઈ ગઈ, આ જ સમયે હરણનાં રૂપમાં રહેલ શિવાની ઘાયલ થઈને જે સ્થળે પડેલ હતી, તે જગ્યાએથી એક ધડાકા ભેર એક “રુદ્રાક્ષ” જમીનમાંથી બહાર આવે છે, આ રુદ્રાક્ષ એટલો તેજસ્વી હતો કે તેની રોશની સામે હર્ષવર્ધનની આંખો ક્ષણિક માટે અંજાય ગઈ, ત્યારબાદ પેલી ચમકાદર રોશની હળવી પડે છે, અને જોત - જોતામાં એ રુદ્રાક્ષ લાલ, પીળા અને વાદળી રંગના તેજ પ્રકાશનાં વલયોથી ઘેરાય જાય છે, અને જોત- જોતામાં તે રુદ્રાક્ષ રાજા હર્ષવર્ધનની એકદમ નજીક આવી જાય છે, આ જોઈ રાજા હર્ષવર્ધન અચરજ રૂપી સાગરમાં ડૂબી જાય છે, પોતાની સાથે શું બની રહ્યું હતું - તે પોતાની સમજમાં નહોતું આવી રહ્યું, પરંતુ હાલ પોતે કોઈ દિવ્ય શક્તિઓ દ્વારા ચારેબાજુએથી ઘેરાય ગયેલો હોય તેવું પોતે અનુભવી રહ્યાં હતાં, આ રુદ્રાક્ષ સાથે રહેલ આ દિવ્ય શક્તિઓ જાણે કોઈ ઈશારો કરી રહી હોય તેવું હર્ષવર્ધનને લાગી રહ્યું હતું.

ત્યારબાદ હર્ષવર્ધન પોતાની નજરો સામે રહેલ પેલાં દિવ્ય રુદ્રાક્ષને સ્પર્શ કરવાં માટે પોતાનો હાથ લંબાવે છે, જેવો હર્ષવર્ધન પોતાનો હાથ પેલાં રુદ્રાક્ષને સ્પર્શવા માટે લંબાવે છે, એ સાથે જ પેલો દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ એક ઝબકાર સાથે કાચની એક પારદર્શક પેટીમાં પુરાય જાય છે, જેમ માતાં યશોદાને બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનનાં મુખમાં સમગ્ર બ્રહ્માંડનાં દર્શન થયેલાં હતાં, તેવી જ રીતે આ પેટીમાં રહેલ રુદ્રાક્ષ જોતાં રાજા હર્ષવર્ધને જાણે સમગ્ર બ્રહ્માંડનાં દર્શન કરી લીધા હોય તેવું પોતે હાલ અનુભવી રહ્યાં હતાં, ઉપરાંત પેલાં રુદ્રાક્ષની ફરતે આવેલાં વલયો રુદ્રાક્ષનાં તેજમાં વધારો કરી રહ્યાં હતાં.

ત્યારબાદ હર્ષવર્ધન કાચની નાની પારદર્શક પેટીમાં રહેલ રુદ્રાક્ષને એક પોટલીમાં રાખીને પોતાની કમરે રહેલાં કમરબંધ સાથે બાંધી દે છે, એવામાં બરાબર તેમનાં સૈનિકો હાંફળા - ફાફળા થતાં - થતાં હાલ હર્ષવર્ધન જે જગ્યાએ ઉભેલ હતાં, ત્યાં આવી પહોંચે છે, અને જણાવે છે કે, 

“મહારાજ ! અમે તમારા આદેશનું પાલન કરીને જ્યારે પેલાં જંગલમાં શિકારની શોધ માટે ગયેલાં હતાં, ત્યાં અમને એક દીપડો મળેલ હતો, જેની બાતમી આપવાં માટે અમે તરત જ તમે જે જગ્યાએ રથમાં બેસેલાં હતાં, ત્યાં દોડતાં - દોડતાં પાછા ફર્યા, પરંતુ ત્યાં તમને અમે લોકોએ જોયા નહીં આથી અમે બધાં ગભરાય ગયાં, અને તમને શોધવાં માટે અમે આખું જંગલ ફરી વળ્યાં, અને તમને અહી ઉભેલાં જોઈને અમારા જીવને પરમ શાંતિનો અનુભવ થયો..!” - એક સૈનિક પોતાનાં ગભરાયેલાં અવાજે રાજા હર્ષવર્ધનને પોતાની મનોવ્યથા જણાવતાં બોલે છે.

“હા ! તમારા લોકોનું હાલ આટલું વ્યાકુળ થવું, સ્વાભાવિક છે, જ્યારે તેમે લોકો શિકારની શોધ માટે જંગલમાં જતાં રહ્યા હતાં, એની થોડીક ક્ષણો બાદ મને એક હરણ દેખાયું આથી એ હરણને અનુસરતાં - અનુસરતાં હું જંગલમાં ઘણો જ દૂર આવી ગયેલો હતો, જે બાબતનો મને જરા પણ ખ્યાલ રહેલ નાં હતો, પરંતુ અફસોસ એ ચાલક હરણ હું તેનો શિકાર કરૂ એ પહેલાં જ અહીથી નાસી છૂટ્યું..!” - રાજા હર્ષવર્ધન પોતાનાં સૈનિકોથી મૂળ વાત છુપાવતાં બોલે છે.

“તો ! મહારાજ ! હાલ આપણી પાસે સમય પણ ઓછો છે, અને થોડાં જ સમયમાં સૂર્યાસ્ત પણ થઈ જશે, માટે હાલ આપણે પેલાં દીપડાનો શિકાર કરવાં માટે જેટલું શક્ય હોય તેટલું અહીથી ઝડપથી નીકળવું હિતાવહ રહેશે..!” - સેના અધ્યક્ષ રાજા હર્ષવર્ધનની સામે જોઈને પોતાનું મંતવ્ય જણાવતાં બોલે છે.

ત્યારબાદ રાજા હર્ષવર્ધન, સેના અધ્યક્ષ અને અન્ય સૈનિકો ને સાથે લઈને જે જગ્યાએ પેલો દીપડો આરામ ફરમાવી રહ્યો હતો, જે જગ્યાએ વહેલી તકે પહોંચી જાય છે, ત્યાં પહોંચ્યા બાદ તે બધાં ખૂબ જ ચપળતાથી અને હળવાં પગલે પેલાં દીપડાની થોડાં વધુ નજીક જાય છે, જ્યારે આ બાજુ રાજા હર્ષવર્ધન પોતાના ધનુષ્ય પર પાણીદાર તીર ચડાવે છે, અને પોતાની અર્જુન જેવી તેજ નજર દ્વારા પેલાં દીપડાં પર નિશાન સાધે છે, પછી સનન - સનન કરતું તીર પોતાનાં ધનુષ્યમાંથી હવામાં તરતુ મૂકે છે, જે સીધું જ દીપડાંનાં પેટનાં ભાગે ખૂંચી જાય છે, અને થોડીવારમાં પેલાં દીપડાંનાં રામ રમી જાય છે, આ સાથે જ બધાં સૈનિકો, “મહારાજ ! હર્ષવર્ધનની જય હો..!” - એવાં નાર લગાવવાં માંડે છે, ત્યારબાદ રાજા હર્ષવર્ધન પોતાનાં સૈનિકોની ટુકડી સાથે સુર્યપ્રતાપગઢ ખાતે વાજતે - ગાજતે પરત ફરે છે, અને આખા સૂર્યપ્રતાપગઢમાં “રાજા હર્ષવર્ધને એક ખૂંખાર દીપડાનો શિકાર કરેલો છે..!” - એ વાત વાયુ વેગે પ્રસરી જાય છે, આ જોઈ મહેલમાં સૌ કોઈ રાજા હર્ષવર્ધન પર ગર્વની લાગણી અનુભવી રહ્યાં હતાં, પરંતુ હાલ રાજા હર્ષવર્ધન પોતે મનોમન ખૂબ જ મૂંઝાયેલાં હતાં, કારણ કે જંગલમાં પોતાની સાથે જે રહસ્યમય અને અવિશ્વનિય ઘટનાઓ ઘટેલ હતી, તેણે રાજા હર્ષવર્ધનનાં મનમાં વિચારોનું એક ચક્રવાત સર્જેલ હતું, આથી રાજા હર્ષવર્ધન સાંજની ભોજન વિધિ પતાવીને સીધાં પોતાનાં રાજગુરુ “શંકરાચાર્ય” પાસે તેમનાં કક્ષમાં પોતાની સાથે રહેલ પેલો દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ લઈને પોતાનાં મનમાં રહેલાં પ્રશ્નો કે મૂંઝવણોનાં નિરાકરણ માટે પહોંચી જાય છે.

રાજગુરુ શંકરાચાર્યનાં કક્ષમાં પ્રવેશતાંની સાથે જ રાજા હર્ષવર્ધને દ્વારપાળને સૂચનાં આપી કે ભલે કોઈ પણ વ્યક્તિ આવે તેને કોઈપણ સંજોગોમાં રાજગુરુનાં કક્ષમાં આવવા દેવા નહીં - એવી કડક સૂચનાં આપ્યાં બાદ પોતે શંકરાચાર્યનાં કક્ષમાં પ્રવેશે છે, અને પોતાની સાથે આજે સવારે જંગલમાં જે કઈ અવિશ્વનિય અને રહસ્યમય ઘટનાઓ ઘટેલ હતી તેનાં વિશે વિસ્તારપૂર્વક જણાવે છે..

“ગુરુદેવ ! આ એ જ રુદ્રાક્ષ છે કે જે મને પેલાં જંગલમાંથી મળેલ છે..!” - શંકરાચાર્યનાં હાથમાં રુદ્રાક્ષ રહેલ કાચની પેટી મુકતાં - મુકતાં રાજા હર્ષવર્ધન બોલે છે.

શંકરાચાર્ય રુદ્રાક્ષ વાળી કાચની પેટી પોતાનાં હાથની હથેળીમાં રાખીને પોતાની બને આંખો બંધ કરે છે, અને થોડીવાર માટે ધ્યાનમગ્ન થઈ જાય છે, થોડીક મિનિટો બાદ શંકરાચાર્ય પોતાની બનેવ આંખો ખોલીને કહે છે કે..

“વત્સ ! ઈશ્વરે ! તારા શિરે એક વધારે જવાબદારી સોંપેલ છે..!” - હર્ષવર્ધનની સામે જોઈને ગુરુદેવ આંખોમાં ચમક સાથે બોલે છે.

“ગુરુદેવ ! મને કઈ સમજાયું નહીં !” - હેરાની ભરેલાં અવાજે હર્ષવર્ધન ગુરુદેવ સામે જોઈને બોલે છે.

“વત્સ ! અત્યાર સુધી, જેમ તું તારી જનતા કે પ્રજાને શત્રુઓથી બચાવતો આવ્યો છો અને તેઓને તે રક્ષણ પૂરું પાડેલ છે, તેવી જ રીતે તારે આ રુદ્રાક્ષને દુશ્મનો કે જે આ દુનિયામાંથી ધર્મનો નાશ કરીને સમગ્ર ભારતવર્ષમાં અંધકાર અને પાપ ફેલાવવાં માંગે છે, તેવાં પાપી અને અધર્મી લોકોથી તારે આ રુદ્રાક્ષને બચાવવાનો છે..!” - શંકરાચાર્ય પોતાની દિવ્ય દ્રષ્ટિ અને બધી જ્ઞાનેન્દ્રિયોની મદદથી જણાવે છે.

“જી ! ગુરુદેવ ! પણ આ રુદ્રાક્ષ હકીકતમાં છે શું..?” - મૂંઝાયેલાં અવાજે હર્ષવર્ધન પૂછે છે.

“વસ્ત ! જ્યાં સુધી મને ખ્યાલ છે, અને મારી જ્ઞાનેન્દ્રિયોનાં જ્ઞાનનાં આધારે તને જણાવું.. તો આ કોઈ સામાન્ય કે જેવો તેવો રુદ્રાક્ષ નથી, એવું માનવામાં આવે છે કે આ રુદ્રાક્ષ એકસમયે દેવોનાં દેવ એવાં “મહાદેવ”નાં ગળાની શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યો હતો..!” - રાજગુરુ હર્ષવર્ધનની સામે જોઈને રહસ્ય જણાવતાં - જણાવતાં બોલે છે.

“તો..! ગુરુદેવ આ રુદ્રાક્ષ આપણી ધરતી પર કેવી રીતે આવ્યો ?” - મૂંઝાયેલાં અવાજે હર્ષવર્ધન ગુરુદેવની સામે જોઈને પૂછે છે.

“વસ્ત ! આ વાત છે, મહાદેવનાં “ઉમા વિરહની વેદનાની” કે જેનો ઉલ્લેખ આપણાં હિન્દુધર્મનાં અતિ પવિત્ર એવા શિવપુરાણમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ છે, જ્યારે માતા ઉમા પોતાનાં પતિ એવાં “દેવોનાં દેવ મહાદેવ”નું આમંત્રિત બ્રહ્મા, વિષ્ણુ, દેવતાઓ અને ઋષિમુનીઓની હાજરીમાં ઘોર અપમાન થયું, આ જોઈ ઉમાં માતાનું હૈયું કકડી ઉઠયુ, પોતે પોતાની બાળહઠને લીધે જ પોતાનાં પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત આ યજ્ઞમાં વગર આમંત્રણે આવેલાં હતાં, એ ઉમા દેવીને પોતાની મોટામાં મોટી ભૂલ લાગી, આથી તેઓ ક્યાં મોઢે પોતાના પતિ પાસે જશે..? આવું અપમાન પોતાનાથી સહન નાં થવાને કારણે તેઓએ પોતાની દિવ્ય શક્તિ વડે પોતાના શરીરને અગ્નિદાહ આપી દીધો અને જોત - જોતામાં તેઓનું પૂરેપૂરું શરીર અગ્નિને લીધે બળી ગયું, અને પોતાનાં પતિનાં અપમાનનો બદલો લેવા કાજે ઉમાદેવી એ પોતાનાં પ્રાણ ત્યાગમાં પણ પાછું વળીને નાં જોયું.. જ્યારે આ સંદેશ દેવોનાં દેવ મહાદેવને મળે છે, ત્યારે મહાદેવનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે, આંખો ક્રોધને લીધે લાલઘૂમ થઈ જાય છે, તેઓ એટલી હદે પ્રચંડ વિલાપ કરે છે કે સમગ્ર ભૂ - લોક, દેવ લોક અને પાતાળ લોક થર - થર ધ્રૂજવાં માંડે છે, સમુદ્રમાં સુનામીની માફક ઊંચા - ઊંચા મોજાઓ ઉછળવા માંડે છે, વાતાવરણમાં ઘેરા ઘનઘોર વાદળો છવાય જાય છે, વિજળીઓ ગળગળાટ કરવાં માંડે છે, ધરતીનાં પેટાળમાં રહેલ લાવારસ ધડાકા સાથે પર્વતોમાંથી અગનગોળાની માફક ભભૂકવા માંડે છે, તેમ છતાંપણ શિવજીનો ગુસ્સો હજુસુધી શાંત પડેલ હતો નહીં, આથી તીવ્ર ગુસ્સા અને ક્રોધને કારણે “મહાદેવ” ખુદ દેવી ઉમાનાં વિરહનાં અસહ્ય દુ:ખ અને વેદનાંને લીધે નૃત્ય કરે છે, જેને આપણે “શિવ તાંડવ” તરીકે ઓળખીયે છીએ, શિવજી જ્યારે આ તાંડવ નૃત્ય કરી રહ્યાં હતાં, બરાબર તે જ સમયે મહાદેવનાં ગળામાં રહેલ માળા તૂટી ગઈ, જેમાંથી એક રુદ્રાક્ષનું મોટી આ પૃથ્વી પર આવીને પડેલ હતું.. આ રુદ્રાક્ષ એ શિવજીનાં ગુસ્સાની એક નિશાની સમાન છે, જેમાં આખી સૃષ્ટિનો નાશ કરવાની અપાર શક્તિ રહેલ છે, અને જો આ રુદ્રાક્ષ કોઈ સારા વ્યક્તિનાં હાથમાં આવે તો આ સમગ્ર સૃષ્ટિ અને માનવજાતનું કલ્યાણ કરવાની અપાર શક્તિ રહેલ છે.. માટે તારે આ રુદ્રાક્ષનું દુશમનો અને અધર્મી લોકોથી રક્ષણ કરવાનું છે..!” - રાજગુરુ શંકરાચાર્ય રાજા હર્ષવર્ધનને સંક્ષિપ્તમાં સમજાવતાં જણાવે છે..!

“જી ! ગુરુદેવ ! હવે મને તમારી વાત પૂરેપૂરી રીતે સમજાય ગઈ છે, એ સાથોસાથ મને એ પણ બાબત સ્પષ્ટપણે સમજાય ગઈ છે, કે આ રુદ્રાક્ષ કોઈ સામાન્ય રુદ્રાક્ષ નથી પરતું તે ખુદ “દેવોનાં દેવ એવાં મહાદેવનાં જ એક અંશ સમાન છે..! આ સાથે જ અત્યાર સુધી મારા મનમાં જે કાંઈ મૂંઝવણો હતી, તે બધી જ મૂંઝવણો અને વ્યથાઓ આપે નિવારી દીધેલ છે.. આ સાથે હું આપને મારા ક્ષત્રિયધર્મની શપથ લઈને વચન આપું છું કે, “ જ્યાં સુધી મારા એટલે કે મહારાજા હર્ષવર્ધનનાં શરીરમાં જીવ હશે, ત્યાં સુધી એટલે કે મારા અંતિમ શ્વાસ સુધી હું આ “દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ” નું રક્ષણ કરીશ અને તે ક્યારેય કોઈ અધર્મી વ્યકિતનાં હાથે નહીં આવવાં દઇશ..! મને આશીર્વાદ આપો ગુરુજી..!” - પોતાનાં બે હાથ જોડીને અને મસ્તક ઝુકાવીને હર્ષવર્ધન ગુરુદેવ શંકરાચાર્ય પાસે આશીર્વાદ માંગે છે..!

“તથાસ્તુ..! તારો અને ધર્મનો વિજય ભવ :..!” - ગુરુદેવ હર્ષવર્ધનને આશીર્વાદ આપતાં - આપતાં બોલે છે.

ત્યારબાદ રાજા હર્ષવર્ધન ગુરુદેવની આજ્ઞા લઈને પોતાનાં કક્ષમાં પરત ફરે છે, અને સૂઈ જાય છે, થોડાં જ દિવસોમાં રાજા હર્ષવર્ધન આ “રુદ્રાક્ષ” ને પોતાનાં વિશ્વાસપાત્ર મંત્રીઓ અને કારીગરોની મદદથી એક એવી રહસ્યમય ગુફાનું નિર્માણ કરાવડાવે છે કે જયાં કોઈપણ વ્યક્તિ ક્યારેય પહોંચી નાં શકે, પછી તે વ્યક્તિ ભલે ને ગમે તેટલો બહાદુર જ કેમ નાં હોય..! રાજા હર્ષવર્ધનએ આ ગુફામાં અલગ - અલગ પડાવો બનાવડાવે હતાં, જે ભેદવા કોઈ સામાન્ય વ્યક્તિની સમજ અને ક્ષમતા બહાર હતાં, તેમ છતાંપણ જો કોઈ વ્યક્તિ છેલ્લાં પડાવે પહોંચી જાય તો, છેલ્લાં પડાવે તો તે વ્યક્તિને પોતાનો પ્રાણ ગુમાવવાની નોબત આવી જ જાય એવી માયાજાળ રાજા હર્ષવર્ધને આ રહસ્યમય ગુફામાં બનાવડાવેલ હતી.. અને રાજા હર્ષવર્ધને પોતાનાં રાજ્યગુરુ શંકરાચાર્યને આપલે વચન પ્રમાણે પોતાનાં છેલ્લાં શ્વાસ સુધી આ રુદ્રાક્ષનું રક્ષણ કરવામાં સફળ રહેલાં હતાં..!

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"