Shivarudra .. - 24 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 24

24.

( શિવરુદ્રા, શ્લોકા અને આકાશ એક નવી મુસીબતમાં ફસાય જાય છે, ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે હાલ તેઓ કોઈ ખીણની ઉપરની તરફ આવી ગયેલાં છે, ત્યારબાદ એકબીજાનાં મંતવ્યો, અઘોરીબાબાએ આપેલ પૌરાણિક પુસ્તક અને સ્મશાનની ભસ્મ તેઓને રસ્તો શોધવામાં મદદરૂપ સાબિત થાય છે. શિવરુદ્રા પોતાની કુશાગ્ર બુધ્ધિ અને શ્લોકા અને આકાશનાં અભિપ્રાયની મદદથી પેલાં પૌરાણિક પુસ્તકમાં રહેલ કોયડો ઉકેલવામાં સફળ રહે છે. જમીનનાં કિનારે રહેલ લોખંડનાં ટુકડા પર શિવરુદ્રા રુદ્રાક્ષની માળા બાંધીને અઘોરીબાબાએ આપેલ સ્મશાનની ભસ્મને હવામાં ઉછાળે છે, અને ઈશ્વરને પોતાની મદદ કરવાં માટે પ્રાર્થના કરે છે. જોતજોતમાં ત્યાંથી લાકડાંનો એક મજબૂત પુલ નીકળે છે, જે સામેનાં છેડે રહેલ જમીન સુધી લંબાય જાય છે. આ જોઈ બધાં એકદમ રાજીનાં રેડ થઈ જાય છે. તેઓ મનોમન ભગવાનનો આભાર વ્યક્ત જ્યારે છે. ત્યારબાદ બધાં ખુશ થતાં - થતાં તે લાકડાનાં પુલ તરફ આગળ વધે છે. શિવરુદ્રા શ્લોકા અને આકાશની ચિંતાને લીધે લાકડાનાં એ પુલ પર સૌ પ્રથમ પોતે જશે એવું જણાવે છે, પછી શિવરુદ્રા પોતાનો જમણો પગ એ પુલ પર હિમ્મત કરીને મૂકે છે.)

શિવરુદ્રા પેલાં લાકડાનાં પુલ પર થોડા ડર સાથે પોતાનો જમણો પગ મૂકે છે, ત્યારબાદ તે પોતાનો ડાબો પગ મૂકે છે. પોતાનાં બંને પગ લાકડાનાં પુલ પર મુકતાં શિવરુદ્રાને એ બાબતની ખાતરી થઈ ગઈ હતી, કે હાલ આ પુલ પર ચાલવામાં કોઈ જ જોખમ નથી. જે કદાચ શિવરુદ્રાની મોટામાં મોટી ભૂલ હશે. શિવરુદ્રા પરિસ્થતિ સમજવામાં કે ઓળખવામાં અહી થોડો થાપ ખાય ગયો હતો, હાલ ભલે તે બધાનો આવી પડેલ આફતમાંથી આબાદ બચાવ થઈ ગયો હતો, પરંતુ હજુસુધી તેઓએ આ પડાવ પૂરેપૂરો પાર નહોતો કર્યો. આજુબાજુની પરિસ્થિતિ જોતાં શિવરુદ્રાને એવું લાગી રહ્યું હતું કે હાલ આફત ટળી ગઈ છે, હાલ જે નીરવ શાંતિ રહેલ છે તે તોફાન પહેલાંની શાંતિ છે - આ બાબત સમજવામાં શિવરુદ્રા થાપ ખાય ગયો હતો.

આથી શિવરુદ્રા આકાશ અને શ્લોકાને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પુલ પર આગળ વધવા માટે ઈશારો કરે છે, આથી શ્લોકા અને આકાશ નિશ્ચિત થઈને પુલ પર આગળ ધપે છે. હાલ તે બધાં ખૂબ જ ખુશ હતાં જે તેઓનાં ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. તે બધાં વાતો કરતાં કરતાં પુલ પર આગળ ચાલવા માંડે છે.

“શિવા ! આ વખતે તો તમે ચુટકીમાં કોયડો ઉકેલી નાખ્યો હો, બાકી !” શ્લોકા શિવરુદ્રાનાં વખાણ કરતાં - કરતાં વાતની શરૂઆત કરતાં બોલે છે.

“હા ! સર, આ કોયડો આપણે આગવ જે કોયડાઓ ઉકેલ્યા તેટલો જટીલ નહોતો !” આકાશ શિવરુદ્રાની સામે જોઈને જણાવે છે.

“યસ ! એનું કારણ એ છે કે આ કોયડો મારા ઇષ્ટદેવ એટલે કે “મહાદેવ” સાથે સંકળાયેલો હતો, અને હું મારા મહાદેવનાં “આભૂષણ” અને “શૃંગાર” વિશે નાં જણાતો હોય તેવું બને ખરું ?” પોતાની જાત પર ગર્વ અનુભવતાં શિવરુદ્રા આકાશને પૂછે છે.

“સર ! પણ તમે ભગવાન શિવ વિશે આટલું બધુ કેવી રીતે જાણો છો ?” આકાશ આશ્ચર્ય પામતાં બોલે છે.

“ડિયર ! આકાશ, આપણી દુનિયામાં રહેલ દરેક વ્યક્તિન કોઈને કોઈ ભગવાન પર અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવતો હોય જ છે, એવી જ રીતે મને “દેવોનાં દેવ” મહાદેવ પર પણ અતૂટ વિશ્વાસ અને અપાર શ્રધ્ધા રહેલી છે. જેનું કારણ એ જ છે કે મારા ઘરમાં પણ ખૂબ જ ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવતી હતી, જેનો મારા માનસપટ્ટ પર સારો એવો પ્રભાવ પડેલ છે. ત્યારથી માંડીને આજસુધી હું ભગવાન શિવનો પરમભક્ત બની રહ્યો છું.” પોતાની છાતીના ભાગે રહેલ મહાકાલનું ટેટૂ દર્શાવતા શિવરુદ્રા બોલે છે.

“શિવરુદ્રા ! પાછળ જુઓ !” શ્લોકા વિસ્મયતા ભરેલાં અવાજે બોલે છે.

આથી શિવરુદ્રા અને આકાશ પાછળની તરફ ફરીને જોવે છે, તેમની પાછળ રહેલું દ્રશ્ય જોઈને તે બંનેનાં મોં માંથી “ઓહ માય ગોડ !” એવો એક ઉદગાર નીકળી ગયો, કારણ કે તેઓ આગવ જે જગ્યાએ ઉભેલાં હતાં તે પર્વતની ચોંટીની મુખાકૃતિ આબેહૂબ પેલાં પૌરાણિક પુસ્તકમાં દર્શાવેલ દાનવનાં મુખ જેવી જ હતી, જેમાં મોટાં મોટાં ધારદાર દાંત આવેલાં હતાં.

“ઓહ ! માય ગોડ ! તો આપણે કાળનાં કે મોતનાં મુખમાં જઈને આવ્યાં એવું ?” આકાશ અચરજ ભરેલાં અવાજમાં પૂછે છે.

“એ જ ને !” શ્લોકા ટૂંકમાં જવાબ આપતા બોલે છે.

“શ્લોકા ! એ દાનવ તને ચાવી ગયો હોત તો ?” શિવરુદ્રા શ્લોકાને ચીડવવાં પૂછે છે.

“કેમ ! મે કઈ ગુનો કર્યો છે ? હું એક જ શાં માટે તે દાનવનો કોળિયો બનુ ?” મોઢું ચડાવતાં અને નસકોરાં ફૂલવતાં શ્લોકા બોલે છે.

બરાબર એ જ સમયે એ પુલમાં જોરદાર એક ઝટકો લાગે છે, લાકડાં અને દોરડામાંથી બનેલો એ પુલ હવામાં ડોલવાં માંડે છે, જોત - જોતમાં ખીણમાં રહેલ પાણીનો રંગ દૂધિયામાંથી લાવા જેવાં લાલ રંગનું બની ગયું, ઊંચા ઊંચા મોજાઓ ઉછળવા લાગ્યાં. શરીરને દઝાડી દે તેવી વરાળ નીકળવા માંડી.જ્યારે પાછળની તરફ રહેલ દાનવ જેવી મુખાકૃતિમાંથી વાવાઝોડાની માફક જોર - જોરથી પવન ફુંકાવવા લાગ્યો, જોત જોતમાં દાનવ જેવી મુખાકૃતિ ધરાવતો પર્વત આપમેળે જ તૂટવા લાગ્યો, અને તેમાંથી મોટાં મોટાં પથ્થરો, પુલ તરફ ફેંકાવા માંડયા..

આ જોઈ શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ખૂબ ગભરાય જાય છે, બે મિનિટ પહેલાં જે વાતાવરણ ખુશી, આનંદ અને હર્ષોલ્લાસ ભરેલ હતું, એ વાતાવરણ હાલ ખોફનાખ અને દેહશતભર્યું બની ગયું. હાલ તે બધાં મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઉદ્ભવી રહ્યો હતો કે, “હાલ તેઓ સાથે હકીકતમાં શું ઘટી રહ્યું છે ?” આવો પ્રશ્ન ઊભો થતાંની સાથે જ તેઓ એકમેકનાં ચહેરા સામે અવાક બનીને જોવાં માંડે છે, જોત જોતમાં તેઓ આગવ જે બાજુ ઉભેલાં હતાં તે તરફથી આ લાકડાનાં પુલમાં આગ ભભૂકી ઉઠે છે. આ આહ જોઈને શિવરુદ્રા ખૂબ જ ગભરાય જાય છે.

“શ્લોકા ! આકાશ ! ભાગો..!” શિવરુદ્રા ગભરાયેલા અવાજમાં મોટી ચીસ પાડે છે.

શિવરુદ્રાની આ વાત સાંભળીને શ્લોકા, આકાશ અને શિવરુદ્રા પોતે આ પુલ પર પોતાનાં શરીરમાં જેટલું બળ હતું. તે બધુ જ બળ એકઠું કરીને બંને હાથની મુઠ્ઠીઓ વાળીને ખૂબજ ઝડપથી પુલનાં બીજા છેડા તરફ દોડવા લાગે છે, આ બાજુ જેમ જેમ તેઓ આગળ વધી રહ્યાં હતાં, તેમ તેમ પુલમાં લાગેલી આગ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તેઓની વધુને વધુ નજીક આવી રહી હતી. શિવરુદ્રા અને આકાશ દોડતાં - દોડતાં પેલાં પુલનાં છેડે પહોંચી જાય છે, જ્યારે આ બાજુ શ્લોકા થોડી પાછળ રહી જાય છે, જ્યારે પેલી વિકરાળ આગ શ્લોકાની વધુને વધુ નજીક રહી હતી.

“શ્લોકા ! ઝડપ કર ! શિવરુદ્રા પુલનાં બીજા છેડે ઊભા રહીને બૂમ પડે છે.

હવે ધીમે ધીમે આગ જાણે મુખ પહોળું કરીને શ્લોકાને પોતાની બાહોપાશમાં લપેટવા જ જઈ રહી હોય તેવું શિવરુદ્રાને લાગ્યું, આથી પોતાનાં જીવની પરવાહ કર્યા વગર શિવરુદ્રાએ પોતાની બેગમાંથી દોરડું બહાર કાઢી એક છેડો પોતાની કમરે બાંધ્યો, જ્યારે બીજો છેડો આકાશ તરફ ફેંક્યો. આકાશ પણ જાણે શિવરુદ્રાનાં મનની વાત સમજી ગયો હોય, તેમ દોરડાનો બીજો છેડો બાજુમાં રહેલા વિશાળ પથ્થર સાથે બાંધી દે છે.

“શિવા ! પ્લીઝ ! સેવ મી !” - રડતાં અવાજે શ્લોકાએ ચીસ પાડી.

શ્લોકની આવી દર્દ ભરેલ ચીસ સાંભળીને જાણે શિવરુદ્રાનાં પૂરેપૂરા શરીરમાં લોહીની જગ્યાએ હિંમત અને બહાદુરી દોડી રહી હોય તેવું લાગ્યું.. આથી શિવરુદ્રા પાછળની તરફ બે ડગલાં ભરીને પૂરેપૂરા જોશથી પોતાનાં પ્રેમને બચવવા માટે જીવની પરવાહ કર્યા વગર જ શિવરુદ્રા પોતાનો હાથ શ્લોકા તરફ લંબાવતા - લંબાવતા બોલે છે.

“શ્લોકા ! પુલ પરથી છલાંગ લગાવીને મારો હાથ કસીને મજબૂતી થી પકડી લે..!

શ્લોકા શિવરુદ્રાની આંખોમાં પોતાનાં પ્રત્યે રહેલો આટલો અનહદ અને અપાર પ્રેમ જોઈને શ્લોકાના અંગ અંગમાં જુસ્સો દોડવા લાગ્યો, અને મારો શિવા મને એક સામાન્ય ખરોચ પણ નહીં આવવાં દેશે એવું હજુ તો મનોમન વિચારી રહી હતી, બરાબર એ જ સમયે તે લાકડાનો પુલ સામેની તરફથી તૂટી જાય છે, આથી શિવરુદ્રા શ્લોકાને બચાવવા માટે ખીણમાં છલાંગ લગાવે છે. આ જોઈ શ્લોકા શિવરુદ્રા પોતાને બચાવી લેશે એવાં આત્મવિશ્વાસ સાથે પોતાનાં શરીરનું તમામ જોર લગાવીને એક મોટી છલાંગ લગાવે છે. જ્યારે બીજી બાજુ “એક પિતા જેવી રીતે પોતાનાં સંતાનને આકાશમાં ફેકીને પ્રેમ અને હેતપૂર્વક ઝીલી લે છે.” તેવી જ રીતે શિવરુદ્રા પોતાનાં બંને હાથો વડે શ્લોકાને ઝીલી લે છે. જેવો શિવરુદ્રા શ્લોકાને ઝીલે છે. થોડીવારમાં જ લાકડાનો આખે આખો પુલ બળીને નીચેની તરફ આવેલ ઊંડી ખીણમાં પડે છે.

“જોયું ને ? એમ હું તને પેલાં દાનવનાં મુખનો થોડીને કોળિયો બનવાં દઉં !” શિવરુદ્રા સસ્મિત શ્લોકા સામે જોઈને બોલે છે.

“યસ ! શિવા ! થેન્ક યુ સો મચ ફોર સેવિંગ માય લાઈફ.” શ્લોકા શિવરુદ્રાની આંખોમાં જોઈને બોલે છે.

“શ્લોકા ! તારા નસીબમાં આવતી દરેક મુશ્કેલીઓને પહેલાં આ પહાડી શિવરુદ્રા પાસેથી પસાર થવું પડશે, હું તને કઈ જ નહી થવાં દઇશ ! પ્રોમિસ !” - શ્લોકાનાં કપાળ પર ચુંબન કરતાં કરતાં બોલે છે.

ત્યારબાદ શ્લોકા નિશબ્દ બનીને જેવી રીતે કોઈ નાનું બાળક તેનાં માતાનાં ખોળામાં માથું રાખીને બેફિકર થઈને સૂઈ જાય, તેવી જ રીતે શ્લોકા એકપણ શબ્દ બોલ્યા વગર શિવરુદ્રાનાં શરીરને મિનિટો સુધી વળગી રહે છે.

“આકાશ ! હવે તું જ મને શ્લોકાથી બચાવી શકે એમ છો, ! માટે ઝડપથી ઉપરની તરફ ઝડપથી ખેચ, નહિતર આ મેડમ મને કાચે કાચો ખાય જશે !” શિવરુદ્રા મજાક કરતાં કરતાં શ્લોકની સામે જોઈને બોલે છે.

જ્યારે આ બાજુ આકાશ પૂરેપુર જોર લગાવીને શિવરુદ્રા અને શ્લોકાને દોરડાની મદદ વડે બહારની તરફ ખેંચે છે, અને થોડી જ વારમાં તે બંને ખીણમાંથી બહાર આવી જાય છે, અને રાહતભર્યો એક ઊંડો શ્વાસ લે છે.શ્લોકા મનોમન શિવરુદ્રા પોતાનાં પ્રેમી પાત્ર મળવા બદલ ભગવાનનો આભાર વ્યકત કરે છે. જ્યારે આ બાજુ તે બંને આકાશનો આભાર માને છે.

ત્યારબાદ તે બધાં સામેની તરફ રહેલ મેદાન તરફ આગળ વધે છે. આ મેદાનમાં ચારેકોર આંખોમાં તાજગી ભરી દે તેવી લીલોતરી છવાયેલ હતી. માથે ખુલ્લુ ચોખ્ખું આસમાન આવેલ હતું. જેમાં પક્ષીઓ મુક્તમને ઊડી રહ્યાં હતાં. સૂર્યનારાયણ ભગવાન હળવો હળવો સૂર્યપ્રકાશ રેલાવી રહ્યાં હતાં. તે મેદાન પર પાલતુ પ્રાણીઓ જેવા કે ગાયો, બકરીઓ અને ઘેટાઓ કોઈપણ પ્રકારનાં ડર વગર મુક્તમને ચરી રહ્યાં હતાં. આ દ્રશ્ય શિવરુદ્રા, આલોક અને શ્લોકાનાં જીવને એક હાશકારો થયો. જાણે વર્ષો બાદ તે લોકો કોઈ ખુલ્લુ મેદાન, તાજગીભર્યું વાતાવરણ, ઘાસ ચરતાં પાલતુપ્રાણીઓ, મુક્તમને ઉચ્ચ ગગનમાં ઉડતાં પક્ષીઓ અને સૂર્યપ્રકાશ જોઈ રહ્યાં હોય તેવું અનુભવી રહ્યાં હતાં. બાકી હાલ તો તે લોકોએ ગાઢ રહસ્યો અને અંધકારનો જ સામનો કરેલ હતો.

“વાવ ! કેટલું મસ્ત વાતાવરણ છે !” શ્લોકા ખુશ થતાં થતાં બોલી ઉઠે છે.

“હા ! મેમ ! જાણે આજે આપણે વર્ષો બાદ આવું વાતાવરણ જોઈ રહ્યાં હોય તેવું મને લાગી રહ્યું છે.” આકાશ શ્લોકાની વાત સાથે સહમત થતાં બોલે છે.

“હવે ! મને એવું લાગી રહ્યું છે કે આપણે હવે થોડા જ સમયમાં આ ગાઢ રહસ્યો ઉકેલી શકીશું અને આપણે આપણી દુનિયામાં પરત ફરીશું.” શિવરુદ્રા મનોમન કાંઇક વિચાર્યા બાદ બોલે છે.

“ખરેખર ! શિવા ?” શ્લોકા ખુશ થતાં શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“પણ ! સર તમને એવું શાં માટે લાગી રહ્યું છે ?” આકાશ શિવરુદ્રાને અચરજભર્યા આવજે પૂછે છે.

“ગાયઝ ! આપણે થોડીવાર પહેલાં જે રહસ્યથી કે કોયડાથી ઘેરાયેલાં હતાં, તે કોયડાનો ઉકેલ મેળવવા માટે જ્યારે અઘોરીબાબાએ આપેલ પેલું પૌરાણિક પુસ્તક આપણે ફંફોળી રહ્યાં હતાં, ત્યારે મને ખ્યાલ આવ્યો કે તે પુસ્તકમાં આગળનાં બધાં જ પેઇઝ કોરા હતાં.” શિવરુદ્રા જાણે કોઈ સસ્પેન્સ જણાવી રહ્યો હોય તેમ યાદ કરતાં કરતાં જણાવે છે.

“સર ! ત્યાં શું છે ?” આકાશ પોતાનાં હાથ વડે સામે રહેલ મેદાન તરફ ઈશારો કરતાં શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“હા ! એ મને કોઈ પૌરાણિક મૂર્તિ જેવુ કઈ હોય તેવું લાગી રહ્યું છે.” શ્લોકા આકાશનાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.

“હા ! શ્લોકા તારી વાત સાચી છે, તે કોઈ મૂર્તિ હોય તેવું મારુ અનુમાન છે.” શિવરુદ્રા શ્લોકાની વાત સાથે સહમત થતાં બોલે છે.

“પણ.. તે મૂર્તિ આવી રીતે મેદાનની વચ્ચોવચ શાં માટે સ્થાપિત કરવામાં આવેલી હશે?” આકાશ હેરાનીભર્યા અવાજે અચરજ સાથે પૂછે છે.

“એ તો આપણે એ મૂર્તિની વધુ નજીદીક જઈશું પછી જ એ બાબતનો ખ્યાલ આવી શકે.” શિવરુદ્રા પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે.

“પણ ! ગાયઝ ! ત્યાં જવામાં જોખમ તો કહેવાય.. જો એ કોઈ શાપિત મૂર્તિ હશે તો ? શું તે મૂર્તિ આપણાં જીવનમાં કોઈ નવી આફતો લઈને આવશે તો ? શું તે મૂર્તિ સાથે કોઈ ગાઢ રહસ્યો જોડાયેલાં હશે તો ? શું તે મૂર્તિ આપણાં માટે જોખમકારક નીવડશે તો ? શું આપણે આપણો જીવ ગુમાવવાની નોબત તો નહીં આવશે ને ?” શ્લોકા પોતાનાં મનમાં રહેલાં બધાં જ પ્રશ્નો એકસાથે શિવરુદ્રા અને આકાશની સામે જોઈને પૂછે છે.

“હા ! પણ હાલ આપણી પાસે એ સિવાય કોઈ વિકલ્પ પણ નથી. એવું પણ બની શકે ને કે એ મૂર્તિ આપણને આ બધી આફતોમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધવામાં મદદરૂપ સાબિત થાય ?” શિવરુદ્રા જણાવે છે.

“હા ! સર ! તમારી વાત એકદમ સાચી છે !” આકાશ શિવરુદ્રાની સામે જોઈને જણાવે છે.

“હા ! તો પછી ચાલો..! આપણે ક્યાં એ માટે કોઈ સારા મુર્હુત જોવાની જરૂર છે.” શ્લોકા પોતાનાં પગલાઓ આગળ માંડતા માંડતા બોલે છે.

ત્યારબાદ તેઓ પેલાં મેદાનની વચ્ચોવચ રહેલ પેલી પૌરાણિક મૂર્તિ તરફ આગળ વધવાં માંડે છે. શું આ મૂર્તિ તે લોકોને આવી પડેલ આફતોમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધવામાં મદદરૂપ સાબિત થશે કે પછી તેઓનાં જીવનમાં કોઈ નવી જ આફતો કે મુશ્કેલીઓ લઈને આવશે ? હાલ તે ત્રણેય આ બાબતથી એકદમ અજાણ જ હતાં. આવનાર થોડી જ મિનિટોમાં તે લોકોને આ બાબતનો સામનો કરવાની નોબત આવી જ પડશે. જ્યારે આ બાજુ આ બધી બાબતોથી અજાણ એવાં શિવરુદ્રા, આકાશ અને શ્લોકા ખુશ થતાં થતાં પેલી મૂર્તિની વધુને વધુ નજીક જઈ રહ્યાં હતાં.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"