Pragati - 30 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 30

" યાર....ચાલ ને હવે...ત્રણ મહિના જ જવાનું છે...ત્રણ વર્ષ નહીં...." આખરે રજતની ધીરજ ખૂટી એણે પ્રગતિનો હાથ પકડી એને ખેંચ્યું. " સો કોલ્ડ મેલો ડ્રામાઝ....! હજુ ચેક ઇન કરવાનું ય બાકી છે....." પ્રગતિ એની પાછળ ઢસડાય....

હોટલમાં પહોંચીને પ્રગતિ ફ્રેશ થઈ આવી. મુંબઈમાં પોતાનું ઘર હતું છતાં રજત પ્રગતિ જ્યાં સુધી કમ્ફર્ટેબલ થઈ જાય ત્યાં સુધી પ્રગતિ સાથે રોકાયો હતો. એણે પૂછવા ખાતર પ્રગતિને પોતાના ઘરમાં રહેવા માટે પૂછ્યું હતું પણ એ જાણતો હતો કે રોજ એટલે દૂરથી ટ્રાવેલ કરવું અઘરું પડે એમ હતું વળી, પ્રગતિને કંપની તરફથી જ હોટેલમાં રહેવા મળતું હતું ને જે હોટેલમાં અકોમોડેશન હતું ત્યાંથી આઈ.એમ.એફની ઓફિસે ચાલીને જઈ શકાય એમ હતું. રજત પ્રગતિ માટે કંઈક ખાવાનું લેવા માટે બહાર ગયો હતો અને પ્રગતિ બેડ પર પોતાની બૅગ ખોલીને સામાન ગોઠવતી હતી....

બધા જ કપડાં વ્યવસ્થિત રીતે બહાર કાઢતી વખતે પ્રગતિને કપડાંની વચ્ચેથી એક મોટું કવર મળ્યું. એને એમ હતું કે કદાચ એક બે ડિઝાઇન્સ ઉતાવળમાં એણે ભૂલથી કપડાંના બૅગ માં મૂકી દીધી છે એટલે અત્યારે એણે એને એમજ બાજુ પર મૂકીને સામાન ગોઠવવા માંડ્યો. બધા જ કપડાં વ્યવસ્થિત ગોઠવીને એ આરામથી પલંગ પર બેઠી ત્યારે એનું ધ્યાન બાજુમાં પડેલા કવર પર પડ્યું.......એમાંથી જે નીકળ્યું એ જોઈને પ્રગતિની આંખો પહોળી થઇ ગઇ....

પ્રગતિ એક પછી એક પેઇજ ફેરવતી રહી....વચ્ચે વચ્ચે વિવેકની સાઈન જોઈને એની આંખોમાં પાણી આવી ગયું. પેપર્સની બરાબર વચ્ચેથી એને પીળા રંગનો એક કાગળ મળ્યો. બધા જ સફેદ કાગળોની વચ્ચે એ સૌથી અલગ પડતો હતો. પ્રગતિએ એ ખોલ્યો.....

" આશા રાખું છું સુખેથી પહોંચી ગઈ હોઈશ.....પ્રગતિ તને કદાચ ખબર નહિ હોય પણ મેં તને પહેલીવાર જોયું હતુંને ત્યારથી જ હું તને પસંદ કરવા લાગ્યો હતો છતાં આવી રીતે તને મારી જિંદગીમાં લાવવાની કોઈ ઈચ્છા નહતી મને. આપણા લગ્ન નક્કી થયા એ પહેલા આયુ આવી હતી મારી પાસે......તારા ઘરની પરિસ્થિતિ જાણ્યા પછી મારાથી નહતું રહેવાયું એટલે મેં સામેથી મા સાથે વાત કરી હતી. બસ આ જ મારી ભૂલ હતી. મારે તારી સાથે બેસીને એકવાર બધી જ સ્પષ્ટતા કરવી જોઈતી હતી જે મેં ન કર્યું. હું તો તને વડોદરા ગયા ત્યારે જ પ્રપોઝ કરવાનો હતો પણ સંજોગો એ સાથ ના આપ્યો.....એના પછી તરત રોહિત અને આયુ વાળી ઘટના બની એટલે મને એમ હતું કે કદાચ ઈશ્વરને આ જ મંજુર હશે....! એટલે મેં તારી સાથે કોઈપણ ચર્ચા કર્યા વગર લગ્ન માટે તૈયારી બતાવી. પ્રગતિ, હું તને પ્રેમ કરવા લાગ્યો હતો.....મતલબ કરું છું......મને એમ હતું કે સમય સાથે આપણા સંબંધોને એક દિશા મળશે....પણ હું ખોટો હતો. જો ને આપણા લગ્નને દસ મહિના જેટલો સમય થવા આવ્યો છે છતાં આપણી વચ્ચે સામાન્ય પતિ પત્ની જેવા સંબંધો નથી એટલે હવે મને તારા પર આવી રીતે સંબંધોનો બોજ લાદવો નથી ગમતો.....મેં તને રજત સાથે કે બીજા લોકો સાથે જેટલી ખુશ જોઈ છે એટલી મારી સાથે ક્યારેય નથી જોઈ. એટલે જ આજથી, આ ક્ષણથી તું મુક્ત છે...... મારી સલાહ માન તો રજત સારો માણસ છે.....તને ગમે તો....! બાકી મારે તારી જિંદગીમાં દખલ દેવાનો કોઈ અધિકાર નથી. આખરે તારી ખુશીથી વધારે શુ જરૂરી હોય શકે મારા માટે....!

- વિવેક "

કાગળ પૂરો કર્યા પછી એમાં ઓછામાં ઓછી કળ પડે એ રીતે વિવેકએ એની ઘડી કરીને ડાઇવોર્સ પેપર્સની વચ્ચોવચ નાખીને એણે કવરમાં ગોઠવી દીધા. ત્યારપછી એણે એ કવર ભારે હૃદયે બેડ પર પડેલા પ્રગતિના સુટકેસમાં વ્યવસ્થિત ગોઠવીને મૂકી દીધુ. બૅગની ચેઇન બંધ કર્યા પછી વિવકેના ગળે ડૂમો ભરાયો. એણે રૂમમાં પડેલો પાણીનો ગ્લાસ એક શ્વાસે આખેઆખો અંદર ઉતારી દીધો. પ્રગતિ ડ્રેસિંગરૂમમાંથી બહાર આવી.

" જઈએ....? " પ્રગતિએ બેડરૂમની આડશે આવીને પૂછ્યું. વિવેક જાણતો હતો કે એ પ્રગતિને છેલ્લી વખત પોતાના રૂમમાં જોઈ રહ્યો હતો. એણે માંડ કરીને પોતાનો ડૂમો ગળે રોકી રાખ્યો.

" ચાલો...." વિવેકએ પ્રગતિની બેગ ઊંચકીને બેડ પરથી ઉતારી પછી એની સાથે બહાર નીકળી ગયો....

બિસ્તર પર બેઠા બેઠા પ્રગતિ નખશીખ ધ્રુજી ઉઠી હતી. પોતાના કપડામાંથી ડાઇવોર્સ પેપર અને આવી રીતે વિવેકની ચિઠ્ઠી નીકળશે એવી એને કલ્પના પણ નહોતી. લેટર વાંચ્યા પછી એ પોતે વિવેકને મળી ત્યારથી શરૂ કરીને એરપોર્ટ પર વિવેક એને મુકવા આવ્યો ત્યારે કઈ રીતે વર્તી રહ્યો હતો એ બધું જ આંખો સામે ફરવા લાગ્યુ.....

" પરી.....ઓ પરી...." પ્રગતિ હજુ તો આઘાતમાંથી બહાર નીકળે એ પહેલાં એને રજતનો અવાજ સંભળાયો. રજત ખડખડાટ હસતો હસતો પ્રગતિના રૂમમાં આવી રહ્યો હતો. એના એક હાથમાં મોબાઈલ હતો તો બીજા હાથમાં નાસ્તાની થેલી હતી. પ્રગતિ હજુ કઈ સમજે, વિચારે એ પહેલાં રજત આવી પહોંચ્યો એટલે એણે તરત જ બધા કાગળો બિસ્તર પર પડેલી ચાદરની અંદર ખોસી દીધા. રજત હસતો હસતો પ્રગતિ ની બાજુમાં પલંગ પર પેટ પકડીને સુઈ ગયો.

" આ જો તો.....મને તો વિશ્વાસ નથી આવતો કે કોઈ....કોઈ માટે આટલું બધું કરી શકે.....! " રજતએ પ્રગતિ તરફ મોબાઈલ ધર્યો. શ્રેયાએ રજત માટે સરસમજાનું કાર્ડ બનાવ્યું હતું એની જુદી જુદી તસવીરો એણે રજતને મોકલી હતી. પ્રગતિ એ જોઈ રહી હતી પણ એના મનમાં કશુંક જુદું જ ચાલી રહ્યું હતું.

" લોકો કેટલા બેવકૂફ હોય છે નહીં....." રજત ફરી જોરથી હસ્યો......પ્રગતિએ એની સામે જોયું.

પ્રગતિની નજર રજતના ચહેરા પર પડી ત્યારે એ આંખોનું તેજ એનાથી સહન ન થયું એટલે રજતએ પોતાની આંખો નીચી કરી દીધી...." કોઈની લાગણીઓની કદર કરતા શીખ." આ બોલતી વખતે પ્રગતિને પોતાનો જ ભૂતકાળ આંખો સામે તરવરી ગયો. એને એવું લાગવા માંડ્યું કે શરૂઆતમાં એ વિવેકની લાગણીઓ વિશે જાણતી હોવા છતાં એને એ તરફ ધ્યાન નહતું આપ્યું એટલે જ અત્યારે એની સાથે આવું થઈ રહ્યું છે.....પ્રગતિએ મોઢું બીજી તરફ ફેરવીને સાવ ધીમેથી ઉમેર્યું, " નહિ તો જિંદગીભર એકલો રહી જઈશ...." રજત ઝાટકા સાથે ઉભો થયો. " હવે એકલતાનો ડર નથી રહ્યો મને...." રજતએ પ્રગતિના ખોળામાં પડેલો એનો હાથ પકડીને કહ્યું.

રજતનું ધ્યાન અચાનક જ પ્રગતિના ચહેરા પર પડ્યું...." પરી, તું ઠીક છે ને....." રજતએ પૂછ્યું.

" હા...." રજત પ્રગતિનો સાવ કોરો અવાજ અનુભવી શક્યો....

" સાચું કહે છે....? " એણે ફરી પૂછ્યું.

" હા...."

" લાગતું નથી...." રજતએ કહ્યું.

" તું હવે પ્લીઝ ઘરે જા ને.....મારે થોડો આરામ કરવો છે...." પ્રગતિ ઉભી થઇ.

" તો કરને....હું કંઈ તને મારી નથી નાખવાનો...." રજતએ કહ્યું.

" રજત પ્લીઝ...." પ્રગતિએ શાંતિથી પોતાના હાથ જોડ્યા....એને ખ્યાલ હતો કે રજત સાથે લપ નહીં કરી શકાય ને થશે તો પણ અંતે એ જ જીતવાનો હતો. દલીલની બાબતોમાં પ્રગતિ ફક્ત રજત સામે જ હારતી અને અત્યારે તો એનું મન વિચલિત હતું એટલે એ કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં ઉતરવા નહતી માંગતી.

" ઠીક છે....પહેલા કંઈક ખાય લે....ચાલ. " રજતએ વાત પતાવી.

જેમ તેમ રજતને રવાના કરીને પ્રગતિએ રૂમનો દરવાજો બંધ કર્યો. અંદર આવીને એ સીધી જ પલંગ પર પડી. સાવ શાંત ઓરડામાં એને ફક્ત એરકન્ડિશન અને ધીમે ધીમે ચાલતા પંખાનો અવાજ સંભળાય રહ્યો હતો. એ છતને તાકતી કેટલીયવર સુધી એમ જ પડી રહી. આંખોમાં અવિરત વહેતા આંસુ સાથે કેટકેટલાય ધૂંધળા થઈ રહેલા દ્રશ્યો એની સામે છત પર દેખાતા અને ભૂંસાતા રહ્યા.....

આખરે એ ઉભી થઇ. આસપાસ ફેલાયેલું બધું જ સમેટીને એણે બાથરૂમમાં જઈને મોઢું ધોયું. અરીસામાં પોતાને જોતા જોતા એણે આવનારી પરિસ્થિતિ માટે જાતને તૈયાર કરી.....

વિવેક વારે વારે મોબાઈલ જોતો હતો. એને પ્રગતિના એક મેસેજ કે ફોનની આશા હતી. એ હેમખેમ પહોંચી ગઈ છે એવી ખબર તો એને રજતએ આપી જ દીધી હતી. છતાં પોતે જે કદમ લીધો હતો એ વિશે પ્રગતિનું શુ માનવું છે એ બાબતે વિવેક હજુ અજાણ હતો. એણે એક બે દિવસ સુધી રાહ જોઈ પણ પ્રગતિએ ફોન ન જ કર્યો. આખરે ઓફિસમાં બેઠા બેઠા એણે જ ફોન કાઢીને પ્રગતિનો નંબર ડાયલ કર્યો ત્યારે એક કર્મચારીએ અંદર આવીને વિવેકના ટેબલ પર પ્રગતિએ સાઈન કરેલા પેપર મૂક્યાં....
To be Continued

- Kamya Goplani