Pragati - 35 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 35

વિવેક પોતાના ખોળામાં સુતેલી માસૂમ પ્રગતિને જોઈ રહયો....એને આજે ફરી સંજયભાઈની કહેલી વાત યાદ આવી ગઈ....લગન પછી બંને દીકરીઓને વળાવતી વખતે આયુ અને પ્રગતિ જ્યારે બા ને ભેટી રહી હતી ત્યારે સંજયભાઈએ ધીમે રહીને વિવેકના કાનમાં માત્ર એને સંભળાય એટલા અવાજથી જ કહ્યું હતું, " ઢીંગલીથી રમવાની ઉંમરે મારી દીકરીએ એક જીવતી જાગતી ઢીંગલીની સંભાળ લીધી છે, જે ઉંમરે દીકરીઓ રસોઈ કરવાના રમકડાઓથી રમે એ ઉંમરે એણે રોટલી વણતા શીખી છે.... એટલું જ નહીં જે ઉંમરે બાળકો મા - બાપના પૈસા ઉડાડીને જલસા કરે ત્યારે એણે આંગળીના વેઢે એક એક પૈસો ગણીને ઘર ચલાવ્યું છે......તમારાથી થાય તો એને અસલમાઈનામાં જીવતા શીખવજો....એને ખુશ રાખજો...." સંજયભાઈએ બધાની સામે હાથ જોડ્યા હતા ત્યારે વિવેકએ એમના હાથ પકડી લીધા હતા......આજે આ ક્ષણે પણ વિવેકને એ વાત યાદ આવતી હતી. એને લાગતું હતું કે પ્રગતિએ આજે શરીર સાથે પોતાનું હ્ર્દય પણ એની સામે ખુલ્લું મૂક્યું હતું જેની માવજત હવે એને જ કરવાની હતી......

બપોરના સમયે પ્રગતિ પલંગ પર ઊંધી સૂતી હતી. એ પગ હવામાં આમ તેમ ઝુલાવતી હતી. એના હાથમાં એક સફરજન હતું જે કાપીને એ પોતે પણ ખાઈ રહી હતી અને એની બાજુમાં સુતેલા વિવેકને પણ ખવડાવી રહી હતી. વિવેક માથે હાથ દઈને સૂતો હતો. એ પ્રગતિને પોતાનો પરિવાર કઈ રીતે જુદો થયો અને ત્યારબાદ કેવી રીતે બધાયે સુબોત બંસલથી એક અંતર જાળવી લીધું હતું એ વિશે કહી રહ્યો હતો. આમ તો મહારાજએ પ્રગતિને આ બાબતે ઘણું જ કહ્યું હતું. એ લગભગ બધું જ જાણતી હતી છતાં એ ચુપચાપ વિવેકને સાંભળી રહી હતી અને સાથે સાથે એના મોં માં સફરજનના ટુકડા પણ મુકતી જતી હતી. આખી વાત પૂરી કર્યા પછી વિવેકની આંખો ભીની થઇ ગઈ.

પ્રગતિએ પોતાનો હાથ વિવેકના વાળમાં નાખીને એના વાળ વિખેર્યા, " ઈટ્સ...ઓહકે....." વિવેકએ એનો હાથ પકડી લીધો. પ્રગતિ એની નજીક ગઈ....બંને હજુ આ ક્ષણને માણે એ પહેલાં જ પ્રગતિના ફોનની રિંગ વાગી. પ્રગતિ વિવેકથી અળગી થઈ. પોતાના ફોનની સ્ક્રીન પર રજતનું નામ વાંચીને અનાયાસે જ પ્રગતિથી વિવેક તરફ જોવાય ગયું....

" મારી સામે શું જુએ છે.....ઉપાડ...." વિવેકએ કહ્યું. પ્રગતિએ એપલ પકડેલા હાથને ઊંધો કરી વચ્ચલી આંગળીથી ફોન ઉપાડીને સ્પીકર પર મુક્યો....

" એ પરી....નવરી...." રજતએ મોટા અવાજે કહ્યું. પ્રગતિની આંખો પહોળી થઇ ગઇ. એની બાજુમાં સૂતેલો વિવેક જોરજોરથી હસી રહ્યો હતો.

" ક્યાં છે તું....? મૅસેજના જવાબ નથી આપતી. મારા ફોન નથી ઉઠાવતી...." રજતનો અવાજ સહેજ લથડતો અને સહેજ રડમસ હતો. પ્રગતિના ચહેરાના ભાવ પલટાઈ ગયા. એણે ફોન હાથમાં લઈને કાન પર ધર્યો.

" થયું શું ? શ્રેયા સાથે ઝઘડો કર્યો કે ? " પ્રગતિએ પૂછ્યું.

" એ જ તો વાંધો છે....એ ઝઘડા કરતી જ નથી...." રજતનો અવાજ હવે વધુ લથડવા લાગ્યો હતો. આ જોઈને પ્રગતિએ મક્કમ અવાજે પૂછ્યું, " કેટલું ઢીંચીને બેઠો છે ? "

" એએકક...." રજત હવે માંડ બોલી શકતો હતો.

" એક પેગમાં આટલી બધી ચડી ગઈ...." પ્રગતિ બિસ્તર પર બેઠી થઈ. પ્રગતિને ચિંતિત જોઈને વિવેક પણ બેઠો થયો.

" એક બાટલી....." રજત આગળ ન બોલી શક્યો.

" રજત, તું સમજતો કેમ નથી....." પ્રગતિ આગળ કંઈ કહે એ પહેલાં જ સામેથી પ્રભુદાદાનો અવાજ સંભળાયો, " પરી બેટા, બાબા સો ગયે...."

પ્રગતિએ ફોનમાં આવતો ટ્રેનનો અવાજ સાંભળીને પૂછ્યું, " તમે મુંબઈ છો ? "

" હા.....કલ રાતકો હી આયે...." દાદાએ કહ્યું.

" અચ્છા....હું...હું આવું છું. " પ્રગતિએ ફોન કાપ્યો. એ સીધી જ પલંગ પરથી નીચે ઉતરી. ઉતાવળને કારણે એણે પહેરેલા કપડાં પર જ રેપ અરાઉન્ડ સ્કર્ટ બાંધ્યો અને સફેદ રંગના સ્પગેટી ટોપ પર ફૂલ સ્લીવનું સફેદરંગનું ટોપ પહેરી લીધુ. વાળ ઊંચા કરીને, બટરફલાય ભરાવીને એણે ડ્રેસિંગ ટેબલ પર પડેલા પોતાના ચશ્માં ઉઠાવીને આંખો પર ચડાવ્યા પછી સાઈડ પર્સ લઈને એ વિવેકની પાસે આવી. વિવેકએ પ્રગતિની ઉતાવળ જોઈને એને કંઈ જ પૂછ્યું નહિ એ ચૂપચાપ પાછો બિસ્તર પર આડો પડી ગયો હતો. પ્રગતિ એની નજીક ગઈ એણે વિવેકના માથા પર એક કિસ કરી, " આવું છું...." પ્રગતિ જતી જ હતી કે વિવેકએ એનો હાથ પકડી લીધો એને પોતાની નજીક ખેંચીને વિવેકએ એના હોઠ પર એક હળવું ચુંબન કર્યું.....પ્રગતિએ પોતાનો હાથ છોડાવ્યો. વિવેક પણ પોતાની બાજુમાં પડેલા પ્રગતિના તક્યા પર એક હાથ અને એક પગ નાખીને ઊંઘી ગયો.....

પ્રગતિ મરીન લાઇનથી વોકિંગ ડિસ્ટન્સ પર આવેલા રજતના ટુ બી.એચ.કે પર પહોંચી ત્યારે રજત વોશરૂમમાં ઉલટી કરી રહ્યો હતો.

પ્રગતિ એની પીઠ પર હાથ ઘસી રહી હતી, " રિલેક્સ.....રિલેક્સ...." રજત ઉભો થયો, " ડન ? " પ્રગતિએ પૂછયું. દાદાએ આપેલું મીઠા વાળું પાણી રજતને આપતા પ્રગતિ કહ્યું, " પચતી નથી તો શું કામ પીએ છે....?" રજત કંઈ જ જવાબ આપ્યા વગર પોતાનું કામ કરી રહ્યો. પ્રગતિએ એના માટે લીંબુપાણી બનાવ્યું.

" લે...." એણે રજતની સામે ગ્લાસ ધર્યો ને પછી પોતે પણ સોફા પર ગોઠવાય, " આ બધું ક્યાં સુધી ચાલશે ? " રજત હજુ પણ કંઈ જ જવાબ આપ્યા વગર ખાલી ગ્લાસ લઈને ચૂપચાપ કિચેનમાં જતો રહ્યો. પ્રગતિ પણ એની પાછળ પાછળ ગઈ. ફ્રીજ પર પડેલા માઉથ ફ્રેશનરની ડબ્બીમાંથી એક ચ્વિન્ગમ પોતાના મોઢામાં સરકાવીને એ ચૂપચાપ રસોઈ કરવા લાગ્યો. પ્રગતિ પણ રજતને બોલવા માટેનો અવકાશ આપતી હોય એમ કંઈ જ બોલ્યા વગર એની મદદ કરતી રહી.....અને ખરેખર થયું પણ એવું જ એની ધારણા મુજબ રસોઈ કરતા કરતા ટૂંકસમયમાં જ રજતએ પોતાના શ્રેયા સાથેના સંબંધની વાત પ્રગતિ સામે મૂકી દીધી.

રજતએ જાતે બનાવેલી દાળ પ્રગતિને ચખાડી, " વાઉ...." લગભગ બધું જ કામ રજત કરતો હતો એટલે પ્રગતિ બે હાથના ટેકે ઉછળીને પ્લેટફોર્મ પર બેસી ગઈ....

" મૂરખ છે એ....મેં મારા જીવનમાં મારી મા પછી પ્રેમમાં પડેલી બીજી મૂરખ સ્ત્રી જોઈ છે....." રજત હજુ પણ પ્રગતિની સામે પોતાની મુંઝવણ વ્યક્ત કરી રહ્યો હતો, " મારી મા ને જ જોઈ લો ને....નક્કી ઈશ્વરના ખોળામાં બેસીને પણ એ હજુ સુધી મારા બાપને વાગોળતી હશે...."

" રજઅઅત......તારી જીભને કાબુમાં રાખતા શીખ. " રજતએ મોઢું ફેરવી લીધું, " આઈમિન કંઈક....કંઈક તો સેલ્ફ રિસ્પેક્ટ જેવું હોય કે નહીં....જો તું...તું તને જ જોઈ લે...." રજતએ પ્રગતિની સામે જોયું, " તું તારું સ્વાભિમાન ક્યારેય ગીરવે ન મૂકે....." ગેસ પર તાવડી મૂકીને રજતએ લાઈટરથી ગેસ ઑન કર્યું.

રજતની વાત સાંભળીને પ્રગતિને પોતાની વિવેકનો સંપર્ક ન કરવાની જીદ યાદ આવી ગઈ. એણે ત્યાં બેઠા બેઠા જ રજતના ખભ્ભા પર હાથ મુક્યો, " રજત, બધા એક સરખા નથી હોતા.....દરેક સ્ત્રીમાં પોતાનું સ્વાભિમાન ટકાવાની હિંમત નથી હોતી એ સ્વાભાવિક છે.....અને એટલું જ સ્વાભાવિક એ પણ છે કે દરેક સ્ત્રીમાં શ્રેયા જેટલું સમર્પણ કરવાની તાકાત પણ નથી હોતી......" રજત વિચારમાં પડી ગયો. એની આંખો સહેજ ભીની થઇ ગઇ.....

" ઑય...." પ્રગતિએ એના ચહેરા આગળ ચપટી વગાડી, " શું ? "

" કદાચ તું સાચું કહે છે.....મારી મા પણ આખી જિંદગી સ્વાભિમાન અને સમર્પણની રમત વચ્ચે ઝૂલતી રહી....." પ્રગતિ કૂદકો મારીને નીચે ઉતરી. એણે દાળ અને ભાતના બાઉલ બંને હાથમાં ઉચક્યાં અને ચાલતી થઈ, " ચલ હવે નહિતર ફાઈવ સ્ટાર હોટલનું ભાણું ઠંડુ થઈ જશે......" એ ખડખડાટ હસતી બહાર આવી ગઈ. રજતએ આજે પહેલીવાર પ્રગતિને મજાક કરતા જોઈ હતી. આમ પણ એ આવી ત્યારથી કંઈક અલગ જ મિજાજમાં હતી, એના ચહેરા પર કોઈ અલગ જ પ્રકારની ચમક છલકાતી હતી. રજતને થોડું વિચિત્ર લાગ્યું.....એ વિચારતા વિચારતા બહાર આવી ગયો....

પ્રગતિ ડાઇનિંગ પર ગોઠવાય. રજતએ સોફા પર લંબાવેલા દાદા ને બોલાવ્યું," એકડે આયે...." પ્રભુદાદા ઉભા થઈને પોતાની થાળી ભરીને ત્યાંથી જતા જ હતા કે, " ક્યાં જાવ છો ? " પ્રગતિએ કહ્યું.

" મલા ટીવી બઘાયચા આહે...." પ્રગતિએ ખભ્ભા ઉલાળ્યા. દાદા ચાલતા થયા.

" કાયે ? " રજતએ પૂછ્યું ત્યારે દાદા એ ફક્ત એની સામે જોયું. રજત સમજી ગયો કે બંને મિત્રોને પોતાની પ્રાઇવસી મળી રહે એ માટે દાદા પહેલેથી જ એમની વચ્ચે નહતા આવતા. રજતને યાદ આવ્યું કે સામાન્ય રીતે જાતે જ રસોઈ કરતા દાદા આજે રજત ડિનર બનાવતો હતો છતાં એની મદદ કરવા પણ રસોડામાં નહતા આવ્યા. રજતએ કંઈ પણ દલીલ કર્યા વગર હાથના ઇશારાથી એમને જવાની છૂટ આપી.

" સુપર્બ...." પ્રગતિએ દાળની વાટકી હાથમાં લઈને એમાંથી છેલ્લી ચમચી ભરી....જમતી વખતે એણે પોતે મુંબઈ આવી ત્યારથી લઈને લગભગ બધી જ વાત રજતને કરી હતી...

" શું વાત કરે છે....! આટલું બધું થયું ને તું મને હવે કહે છે.... પહેલા કહ્યું હોત તો...." રજત બોલતા બોલતા અટકી ગયો.

" તો ? તું શું કરી લેવાનો હતો...." પ્રગતિએ જ્યુસથી ભરેલો જગ ઊંધો કરીને અડધો ગ્લાસ ભર્યો.

" તો....તો..." રજત બોલી જ રહ્યો હતો કે પ્રગતિના ફોનની રિંગ વાગી.

વિવેકનું નામ વાંચીને પ્રગતિએ એક આંગળી ઊંચી કરીને ઈશારો કર્યો, " એક મિનિટ "

" હું બસ થોડી વારમાં આવી. " પ્રગતિએ ફોન ઉપાડીને તરત જ કહ્યું.

" જરૂર નથી....આઈ મીન તું નીચે આવ....હું અહીંયા જ છું...." વિવેકએ કહ્યું.

" શું....! " પ્રગતિના ચહેરા પર સ્મિત રમી ગયું, " ઉપર આવો ને...." એણે કહ્યું.

" ના....તું નીચે આવ....બની શકે એટલું જલ્દી....."

" પણ ડિનર ? " પ્રગતિએ પૂછ્યું.

" કરી લીધું. " પ્રગતિ આગળ કોઈ પણ બીજી દલીલ કરે એ પહેલાં જ સામેછેડેથી ફોન કપાય ગયો.

" વિવેક ? " પ્રગતિએ ફોન મુક્યો કે રજતએ તરત જ પૂછ્યું.

" હમ્મ....." પ્રગતિએ ઉતાવળે ગ્લાસ ખાલી કરીને ટેબલ પર મુક્યો, " મારે જવું પડશે...."

" એ ઉપર કેમ નથી આવતો....? " રજત ચિડાયો. આમેય વિવેક સાથે બનેલી ઘટના પછી એણે ઘણી કોશિશ કરી હતી કે એ વિવેકનો સંપર્ક કરે ને એની સાથે વાત કરે....પણ એ કોઈ રીતે શક્ય નહતું બનતું. સર કામ માટે બહારગામ ગયા છે...વિવેકના બધા જ અંગત માણસો એને આ જ જવાબ આપતા હતા. આજે પ્રગતિએ એને બધું જ જણાવ્યું ત્યારે એને ખબર પડી કે વિવેક આટલા સમયથી મુંબઈમાં હતો.

" મે બી હી ડોંટ વોન્ટ ટુ કમ બીટવીન અસ...." પ્રગતિ ઉભી થઇ. ટેબલ પર મૂકેલું સાઈડ પર્સ ખભ્ભે લટકાવીને એ રજતને ભેટી, " ચલ બાય...."

" હા હા....હવે જા...." રજતએ પોતાના ગળામાંથી પ્રગતિ નો હાથ હટાવ્યો. " તારો સાત જન્મનો સાથી તારી રાહ જોતો હશે...." પ્રગતિ હસીને ત્યાંથી નીકળી ગઈ.

ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટનો દરવાજો ખુલ્યો ત્યારે વિવેક પ્રગતિની સામે ઉભો હતો. પ્રગતિ બહાર આવી. એણે બે આંગળીઓથી વિવેકનો ગાલ ખેંચ્યો, " મારી રાહ જોયા વગર જમી લીધું ? " પ્રગતિએ આંખો જીણી કરી.

"હા..... કારણ કે મને ખ્યાલ જ હતો કે વર્ષો પહેલા કુંભમેળામાં છૂટો પડેલો તારો મિત્ર તને જમાડ્યા વગર તો પાછી નહિ જ મોકલે....." વિવેક હસ્યો.

પ્રગતિ પણ સહેજ હસી, " મને તો એ જ નથી સમજાતું કે તમને બંનેને એકબીજાથી વાંધો શું છે....!? " પ્રગતિના હોઠ ફફડ્યા. એ આગળ ચાલવા માંડી. વિવેક પણ એની પાછળ ચાલવા લાગ્યો, " કેમ શું થયું ? " વિવેકએ પૂછ્યું.

" કઈ નહિ....." પ્રગતિએ કહ્યું.

પ્રગતિના ગયા પછી રજત બિનબેગ પર પડ્યો. એ બંને હાથ વાળીને માથા પર હાથ દઈ કંઈક વિચારતો હતો કે, " બાબા, મીઠા લોગે ? " દાદાએ પૂછ્યું.

" નહિ. આપ ખાવ...." રજતએ એ જ સ્થિતિમાં બેઠા બેઠા આંખો બંધ કરી દીધી.

રજતના ઘરેથી વૉક કરીને જ મરીન ડ્રાઇવ પહોંચેલા વિવેક અને પ્રગતિ ત્યાં ચાલતા ચાલતા દરિયાકિનારાના વાતાવરણને માણી રહ્યા હતા. અમાસ પછીના પાંચ દિવસના ચંદ્રમાં અને આછી આછી સ્ટ્રીટ લાઈટથી દરિયાના કાળા પડી ગયેલા પાણીની સપાટી ચમકી રહી હતી. અમાસ ગયાને પાંચ દિવસ થઈ ચૂક્યા હતા એટલે દરિયામાં કિનારા તરફ આવતા મોજાનો અવાજ, દરિયાના ઠંડા પવનની લહેરખી સાથે કોઈ અલગ જ તાલમેલ જોડી રહ્યો હતો. વિવેક અને પ્રગતિ કિનારા પર ચાલી રહ્યા હતા ત્યારે પ્રગતિએ પોતાના વાળમાં ભરાવેલું કલ્ચ કાઢીને પર્સની દોરીમાં ભરાવ્યું. એ દરિયા સામેં બંને હાથ પહોળા કરીને ઠંડા પવનને માણી રહી હતી......

" આજે તારા વાળ ખરાબ નથી થતા નહીં....! " વિવેકએ પ્રગતિને કહ્યું.

" ના....." પ્રગતિએ ડોકું ધુણાવ્યું, " આજે મારું મન સ્વસ્થ થાય છે.....! " એણે વિવેક સામે જોઈને સ્મિત કર્યું.

" અં હં....." વિવેક પાળી પર બેસી ગયો. પ્રગતિના ચહેરાના સતત બદલાતા રંગને જોઈને એણે પૂછ્યું, " એની પ્રૉબ્લેમ ?"

" ના....કંઈ ખાસ નહીં....પણ...." પ્રગતિ અટકી ગઈ.

વિવેકએ પ્રગતિના ગાલ પર એક હાથ મુક્યો, " પણ શું ? "

" કઈ નહિ....આજે રજત કોઈ ચિંતામાં લાગતો હતો...." પ્રગતિ પણ વિવેકની બાજુમાં ગોઠવાય.

" અરે...હશે કોઈ ધંધાની ચિંતા...." વિવેક બોલ્યો.

" એવું કંઈ હોત તો એણે મને કહ્યું જ હોત.... " પ્રગતિએ પુરા આત્મવિશ્વાસથી કહ્યું.

" એવું ન હોય....તે એને આજ સુધી કંઈ કહ્યું ? નહિ ને.....તો..." પ્રગતિએ વિવેકને વચ્ચેથી જ અટકાવ્યું, " તો....?" પ્રગતિએ વિવેકની આંખોમાં જોયું,"અમારી વચ્ચે કંઈ વાટકી વ્યવહાર નથી કે તમે આપો તો જ અમે આપીએ....." એણે કહ્યું. વિવેક હસ્યો, " અચ્છા.....છોડ ને હશે કઈ....સમય આવ્યે કહી દેશે તને....તું નકામી ચિંતા કરે છે....." વિવેક પ્રગતિને લઈને ઉભો થયો....

" હમ્મ...શાયદ...." પ્રગતિને મજાક સુજી. વિવેક જેમ પ્રગતિનો હાથ પકડવા જાય એમ એ એનાથી દૂર થતી જતી હતી.....લાંબી દોડા દોડી પછી આખરે હાંફીને પ્રગતિ પેટ પકડીને ઉભી રહી, " બસ.....મેં સેન્ડલ પહેર્યા છે....હું પડી જઈશ...."

" એવી હવે ખબર પડી....." વિવેક પ્રગતિને પડકવા જતો હતો, " પહેલીવાર જોઈ હતી ત્યારે ચાર ઇંચના સેન્ડલમાં દોડતી હતી તું.....ને હવે મને ઉલ્લુ બનાવે છે...." વિવેક હવે પ્રગતિથી ફક્ત બે ફૂટ જ દૂર હતો.

" ત્યારની વાત અલગ હતી....." પ્રગતિ સામેથી વિવેકની નજીક આવી, " ત્યારે કોઈ બચાવા વાળું નહતું ને.....! " એમ કહીને પ્રગતિએ પડવાનો ઢોંગ કર્યો. વિવેક એને બચાવા ગયો તો પ્રગતિએ એનો હાથ પકડીને એને પણ પોતાની સાથે નીચે પાડ્યો......બંને ખડખડાટ હસી પડ્યા......

જરૂરી પુસ્તકો અને ક્રોકરી સાથે બે ખાલી બોક્સ લઈને આયુ જમીન પર બેઠી હતી. એ કાચની વસ્તુઓને એકદમ ધ્યાનથી કાર્ટુનમાં ગોઠવી રહી હતી. રોહિત અચાનક જ એની બાજુમાં આવીને બેસી ગયો. એણે ચોકલેટ કેન્ડી આયુની સામે ધરી, " લો બચ્ચા....." એણે કહ્યું.

આયુએ ડોક ધુણાવી, " મન નથી....."

" વ્હોટ....!? " રોહિતને નવાઈ લાગી, " તને....તને ચોકલેટ ખાવાનું મન નથી....! આર યુ સિરિયસ.....? " એણે પૂછ્યું. આયુનું મોઢું પહેલેથી જ ઉતરેલું હતું. રોહિતના આ સવાલ પછી એની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા......

" અરે....." રોહિતએ ત્યાં પડેલા કાચના ગ્લાસમાં કેન્ડી ઊંઘી મૂકી, " કેમ ? " એણે બંને હથેળીઓ વચ્ચે આયુનો ચહેરો લીધો. આયુ કંઈ પણ બોલ્યા વગર રોહિતને લગભગ ચોંટીને રડવા લાગી.....

" મારે નથી જવું...." રોહિતની છાતીમાં દબાયેલો આયુનો રડમસ અવાજ રોહિતને મૂંઝવી ગયો.

" અરે......" એણે આયુના બંને હાથ પકડીને એને પોતાનાથી અળગી કરી.....રોહિતને બેંગ્લોર જૉબ મળી હતી. પુરા એક મહિના પછી એનું કામ ચાલુ થવાનું હતું એટલે હમણાં થોડાક જ દિવસમાં એમણે બેંગ્લોર શિફ્ટ થવાનું હતું. આયુ એના માટે જ પેકીંગ કરી રહી હતી. એ નાનપણથી જ અહમદાવાદ રહી હતી ઉપરથી પ્રગતિ સહિત બધા જ અહીં રહેતા હોવાથી એને શહેર છોડીને જવાનું બિલકુલ મન નહતું.

" બચ્ચાં, જવું તો પડશે ને.....ફોર અ બ્રાઇટ ફ્યુચર...." જ્યારથી બેંગ્લોર શિફ્ટ થવાની વાત થઈ હતી ત્યારથી આયુ બે ચાર દિવસે આમ જ રડતી અને રોહિત એને એટલા જ વ્હાલથી સમજાવતો.....

આખરે થાકીને વિવેક અને પ્રગતિ પાળી પર દરિયાને જોતા બેસી ગયા. બંને વચ્ચે કેટલીયવાર સુધી મૌન રહ્યું એ પછી, " વિવેક..." પ્રગતિએ વિવેકની સામે જોયું, " હવે ? " પ્રગતિમાં અવાજમાં માર્દવ હતો. વિવેકએ કોઈ જ જવાબ આપ્યા વગર પ્રગતિના ખભ્ભે હાથ વીંટાળીને એને પોતાના આશ્લેષણમાં લઈ લીધી......
To Be Continued

- Kamya Goplani