Ego - 14 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 14

અહંકાર – 14

લેખક – મેર મેહુલ

બેન્કની બહાર નીકળીને પોલીસની જીપ મોહનલાલ નગર પોલીસ ચોકી તરફ રવાના થઈ હતી. જીપમાં ડ્રાઇવિંગ સીટ પર ભૂમિકા બેઠી હતી, ભૂમિકાની બાજુમાં જયપાલસિંહ બેઠો હતો.

“ભૂમિકા, મને એક સવાલનો જવાબ આપ…” જીપ દવે સર્કલ ક્રોસ કરીને શિવાજી સર્કલ પર ચડી એટલે જયપાલસિંહે પૂછ્યું, “જેટલા લોકોનાં આપણે સ્ટેટમેન્ટ નોંધ્યા છે, એમાંથી કોણ સાચું બોલતું હતું અને કોણ ખોટું બોલતું હતું ?”

“અત્યારે તો બધા જ સાચું બોલતાં હોય એવું લાગે છે અને જ્યાં સુધી આ લોકોએ આપેલાં સ્ટેટમેન્ટને વેરીફાઇડ ના કરીએ ત્યાં સુધી કોઈ નિર્ણય પર આવવું મને યોગ્ય નથી લાગતું..” ભૂમિકાએ કહ્યું.

“બરાબર સમજી..” જયપાલસિંહે મુસ્કુરાઈને કહ્યું, “આ લોકોનાં સ્ટેટમેન્ટને વેરીફાઇડ કરવાની જવાબદારી હું તને સોંપુ છું”

“સાંજે સુધીમાં થઈ જશે સર..” ભૂમિકાએ જીપનાં પરસાળમાં વાળતાં કહ્યું. ભૂમિકાએ જીપ થોભાવી એટલે બંને ઉતરીને ચોકીમાં પ્રવેશ્યાં. બંને જયપાલસિંહની ઓફીસ પાસે પહોંચ્યા ત્યાં અનિલ જયપાલસિંહની રાહ જોઇને બેઠો હોય એવી રીતે બંનેને જોઈને ઉભો થઇ ગયો.

“અંદર આવી જા..” જયપાલસિંહે દરવાજો ખોલીને ઓફિસમાં પ્રવેશતાં કહ્યું.

જયપાલસિંહ પાછળ ભૂમિકા અને અનિલ ઓફિસમાં પ્રવેશ્યાં. ભૂમિકાએ આગળ ચાલીને થોડીવાર પહેલા લખેલા બધાનાં સ્ટેટમેન્ટની ફાઇલ ટેબલ પર રાખી.

“હું સાંજે મળું સર..” કહેતાં ભૂમિકા બહાર નીકળી ગઈ.

“બેસ…” ભૂમિકા બહાર ગઈ એટલે જયપાલસિંહે સામેની ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું.

“કોઈ લીડ મળી સર ?” અનિલે ખુરશી પર બેઠક લઈને પૂછ્યું.

“લીડ તો ઘણીબધી મળી છે પણ કંઈ લીડ મહત્વની છે એ સાંજે ખબર પડશે..” જયપાલસિંહે કહ્યું, “તું જણાવ, પેલાં ચારેયમાંથી કોઈ કશું બોલ્યું ?”

“ના સર…એ લોકોએ પહેલાં આપ્યું હતું એ જ સ્ટેટમેન્ટ આપ્યું છે..”

“ઓહહ..” જયપાલસિંહે હુંહકાર ભર્યો, “હવે તું શું કરવાનો છે ?”

“તમે કહો સર…” અનિલે કહ્યું.

“મારી સાથે ચાલ…આપણે ફરી એકવાર હાર્દિકનાં ઘરે તપાસ કરી આવીએ…એ દિવસે ઉતાવળમાં કશું રહી ગયું હોય તો આજે મળી જાય..” જયપાલસિંહે ઉભા થઈને કેપ માથે ચડાવતાં કહ્યું.

“ચાલો..” કહેતાં અનિલ પણ ઉભો થયો અને પોતાનું ઈનશર્ટ વ્યવસ્થિત કરીને બહાર તરફ ચાલ્યો.

પંદર મિનિટમાં જીપ તુલસી પાર્ક નં-2 નાં ગેટમાં પ્રવેશી. અનિલે જીપને હાર્દિકનાં ઘર બહાર થોભાવી.

“જય હિન્દ સાહેબ…” ગેટની બહાર ખુરશી પર બેઠેલા ઓમદેવકાકાએ ઉભા થઈને સલામી ભરી.

“કાકા…સાહેબે ના કહો..” જયપાલસિંહે કંટાળીને કહ્યું.

“આદત પડી ગઈ છે..”

“સારું…” જયપાલસિંહે કહ્યું, “ઘર ખોલો હવે..”

ઓમદેવકાકાએ આગળ ચાલીને દરવાજા પર લગાવેલું તાળું ખોલ્યું. જયપાલસિંહ અને અનિલ દરવાજો ખોલીને હોલમાં પ્રવેશ્યાં. જયપાલસિંહે ગજવામાંથી સિગરેટ કાઢીને સળગાવી.

“આ વખતે તું ગેલેરીમાં તપાસ કર…હું ઘરની તપાસ કરું છું” ઊંડો કશ ખેંચીને હવામાં ધુમાડો છોડીને જયપાલસિંહે આગળ ચાલ્યો. અનિલ પણ હાથમાં ગ્લવ્ઝ પહેરીને, હોલ પાસેનાં બારણે રહેલી પટ્ટીની ઊંચી કરીને રૂમમાં પ્રવેશ્યો.

ઘરની સ્થિતી હજી એ દિવસ જેવી જ હતી. જો કે પુરાવા તરીકે અમુક વસ્તુઓ ફોરેન્સિક લેબમાં લઈ જવામાં આવી હતી, જેમાં રસોડામાં પડેલી પ્લાસ્ટિકની બેગ, દારૂની બોટલો અને હાર્દિકને સંબંધિત થોડો સામાન શામેલ હતો. રસોડામાં તો આપ પણ કશું જ નહોતું એટલે ઉતાવળથી બધા ડ્રોવર તપાસીને જયપાલસિંહ નીચેનાં રૂમમાં પ્રવેશ્યો. નીચેનાં રૂમની તપાસમાં પણ જયપાલસિંહને નિરાશા જ હાથ લાગી હતી.

ત્યારબાદ અનિલ પાસે ચક્કર લગાવી, સિગરેટને બહાર ફેંકીને જયપાલસિંહ ઉપરનાં રૂમની તલાશી લેવા નીકળી ગયો. ઉપરનાં રૂમની સ્થિતિ પણ કોઈ વ્યક્તિની અવરજવર ન થવાને કારણે એ દિવસ જેવી જ હતી. બેડ પર રહેલો મોટો બ્લેન્કેટ અસ્તવ્યસ્ત હતો, બાજુમાં એટેચ ડ્રેસિંગ કાચ પર રૂમ ફ્રેશનર પડ્યો હતો. જયપાલસિંહે પુરા રૂમમાં ઊડતી નજર ફેરવી. નીચેનાં માળે કશું નહોતું મળ્યું અને હાર્દિક ઉપરનાં માળે રહેતો પણ નહોતો એટલે હવે જયપાલસિંહને આગળની કાર્યવાહી કરવામાં કંટાળો આવવા લાગ્યો હતો. રૂમમાં ઊડતી નજર ફેરવતાં જયપાલસિંહની નજર ધાબાવાળી દીવાલ(રૂફ) પર અટકી. દીવાલ પર પીઓપી કરેલું હતું અને એક તરફ ફુટેક જેટલું પીઓપી તૂટી ગયેલું હતું. જયપાલસિંહ ત્યાંથી આગળ ચાલીને બાજુમાં રહેલા એટેચ સંડાસ-બાથરૂમનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે આપોઆપ જયપાલસિંહનો હાથ નાક પર આવી ગયો. સંડાસમાંથી મળની દુર્ગંધ આવતી હતી. જયપાલસિંહે તરત જ દરવાજો બંધ કરી દીધો.

જયપાલસિંહે ઉપરની અગાસી પર જવા માટે પગ ઉપાડ્યા પણ એ એક કદમ ચાલતાં તેનાં પગ થંભી ગયા. આ બધી ઘટનાં સેકેન્ડની ગણતરીમાં થઈ હતી. જયપાલસિંહે ગજવામાંથી હાથ રૂમાલ કાઢ્યો અને નાક રાખીને ફરી દરવાજો ખોલ્યો.

દરવાજો ખોલતાં જયપાલસિંહની નજર સંડાસનાં રમકડાં પર પડી. રમકડાંની નાળીનાં પાણીમાં ત્રણ ઇંચ લાંબી પ્લાસ્ટિકની બેગ તરતી હતી. જયપાલસિંહે આંખો ઝીણી કરીને જોયું ત્યારે એ પ્લાસ્ટિકની બેગ ડોક્ટર પાસેથી મળતી દવાની બેગ હતી એવું જાણવા મળ્યું હતું. જયપાલસિંહ બહાર આવ્યાં અને રૂમમાંથી એક પુઠું શોધી, પૂંઠાને વાળીને ચિપિયા જેવું બનાવી દીધું. ત્યારબાદ રમકડાંમાં પુઠું ભરાવીને એ પ્લાસ્ટિકની બેગ ઊંચી કરી. એ બેગમાં કાળા રંગની થોડી દવાઓની ગોળી હતી.

પૂંઠાને નળ નીચે લઈ જઈ જયપાલસિંહે નળની ચકલી શરૂ કરી પણ નળમાં પાણી નહોતું આવતું. જયપાલસિંહે બેગને ધોયા વિના જ બેગને એવીડન્સ બેગમાં સરકાવી દીધી. ત્યારબાદ એ એવિડન્સ બેગને ગજવામાં સરકાવીને જયપાલસિંહ આગસી તરફ આગળ વધ્યો. અગાસીનો દાદરો ચડીને એ ઉપર આવી ગયો. ઉપર ચડીને તેણે ચારેદિશામાં નજર ફેરવી. અગાસી પર માત્ર કાળો ટાંકો જ હતો, જેનું પાણી તળિયે હતું. ત્યાંથી આગળ ચાલીને જયપાલસિંહ પાછળની સાઈડ, જ્યાં નીચે ગેલેરી દેખાતી હતી એ પાળીએ આવીને ટેકો દીધો.

“મળ્યું કંઈ ?” જયપાલસિંહે મોટા અવાજે પૂછ્યું. નીચે ગેલેરીમાં અનિલ જ્યાંથી ડેડીબોડી મળી આવી હતી અને સફેદ ચુના વડે બોડી દોરેલી હતી ત્યાં ઉભડક બેઠો હતો.

“ના સર…તમને?” અનિલે પણ મોટા અવાજે પૂછ્યું.

“હા.. ઉપરનાં રૂમનાં સંડાસનાં રમકડાંમાંથી થોડી દવાની ગોળી ભરેલી પ્લાસ્ટિક બેગ મળી છે..”

“આવું હું ઉપર ?” અનિલે પૂછ્યું.

“ના.. હવે અહીં કશું નથી..હું નીચે આવું છું” જયપાલસિંહે કહ્યું. બરાબર એ જ સમયે જયપાલસિંહની નજર પહેલાં માળનાં લિન્ટરનાં સઝા પર પડી. સઝા પર બધી જગ્યાએ ધૂળ જામી ગઈ હતી પણ એ ધૂળની વચ્ચે પગનાં તળીયાનાં અચ્છા નિશાન હતાં.

“ઉપર આવતો અનિલ…” જયપાલસિંહે કહ્યું. અનિલે ફટાફટ અગાસી પર આવી ગયો.

“અહીં જો..અહીં કોઈ ઉભું રહેલું છે” જયપાલસિંહે કહ્યું, “અને પહેલાં માળની બારીનાં સઝા પર બે હાથનાં પંજાનાં નિશાન છે..”

“મતલબ, આ મોહિતનાં પગનાં નિશાન હોય શકે..” અનિલે કહ્યું.

“હા, સંડાસમાંથી દવાની ગોળીઓ મળવી અને અહીં ઉતર્યાનાં નિશાન મળવા…, આ બંને પુરાવા મોહિતનાં ગુન્હેગાર હોવાની શંકામાં વધારો કરે છે”

“આ નિશાન એ જ રાતનાં હશે એની શું ખાત્રી છે સર ?” અનિલે પૂછ્યું, “બીજા કોઈ દિવસનાં પણ હોય શકે..”

“તું સરખી રીતે નિશાન જો…પગનાં અને હાથનાં નિશાન પર સાવ ઓછી ધૂળ બાજેલી છે, મતલબ નિશાન તાજા છે….હવે એકવાતનો મને જવાબ આપ.., બારીમાંથી લિન્ટરનાં સજા પર આવીને ગેલેરીમાં જવાની જરૂર ક્યારે પડે ?”

“જ્યારે નીચેનો રસ્તો બ્લૉક હોય અથવા નીચેનાં રૂમમાં તાળું લાગ્યું હોય..” અનિલે કહ્યું.

“બરાબર.. હવે નીચે તો ચાર લોકો સુતા હતા એટલે મોહિત નીચે ના જઈ શકે અને ગેલેરીમાં જવા માટે આનાથી સારો રસ્તો બીજો કોઈ છે પણ નહીં..”

“તો પણ કાજલનું શું ?, મોહિત સાથે કાજલ પણ હતી…”

“કદાચ કાજલને પ્લાનમાં શામેલ કરવામાં આવી હોય અથવા સંડાસમાંથી મળેલી દવા બેહોશીની હોય એવું બની શકે. કાજલને બેહોશ કર્યા બાદ આરામથી નીચે ઉતરીને હાર્દિકને ઠંડુ મૌત આપી… એ ફરી ઉપર આવીને કાજલની બાજુમાં સુઈ ગયો હોય… જેથી પોલીસની ઇન્કવાઇરીમાં પુરી રાત એ કાજલ સાથે જ સૂતો હતો એની સાબિતી કાજલ આપી દે અને પોતે વાંકમાં ન ગણાય”

“એક કામ કરીએ, આ પગનાં નિશાનનાં ફોટા લઈ લઈએ અને મોહિતનાં પગ સાથે મેચ કરીએ, જો બંને એક જ નીકળે તો મોહિત જ હત્યારો છે એવું સાબિત થઈ જશે..”

“ગુડ આઈડિયા..” જયપાલસિંહે કહ્યું.

અનિલે દીવાલની પાળીએ ઝુકીને બની શકે એટલી નજીકથી બંને છાપનાં ફોટા લઈ લીધાં.

“હવે નીકળીએ ?” અનિલે પોતાનું કામ પતાવીને કહ્યું.

“હા, હું મોહિતને મળવા ઉતાવળો થાઉં છું” જયપાલસિંહે કહ્યું.

“તો ચાલો, આજે જ કેસને સોલ્વ કરી દઈએ..” અનિલે હળવું હસીને કહ્યું.

બંને ઉતરીને બહાર નીકળ્યા એટલે ઓમદેવકાકાએ ઘરને તાળું લગાવી દીધું.

અનિલે જીપને પાછી વાળી અને ચોકીનાં રસ્તે દોરી લીધી.

(ક્રમશઃ)