Cultured girl books and stories free download online pdf in Gujarati

સંસ્કારી છોકરી


સાગરની લહેરો બંંને તરફથી ઉછળી ઉછળીને સમીપે ગોઠવાયેલાં કાઢમીંઢ પથ્થરો ઉપર અથડાઇ રહી હતી...ખુલ્લા અાકાશમાં ખીલેલો સુરજ કૃષ્ણરંગી જળધારાઓમાં પોતાનું પ્રતિબિંબ પાડ્યે ઉપર ચડતો જતો હતો...!! હું નિષ્પલક બનીને તાકતી રહી અા કુદરતનાં ચમત્કારને...

અા શીતળ પવન...ખુલ્લું ગગન...ઉત્કટતાથી ભરેલું મન...અને..? અને ભીની રેતીમાં પગલા પાડતી અાકાશમાં ઉડતા પરીન્દાઓનો પીછો કરી રહેલી હું...!!

"કુમુદ...?? કુમુદ ઉઠી જા દિકરી...!!" બાપુજીનો અવાજ અાવ્યો અને હું ઝબકીને જાગી. અાજુબાજુ જોયું તો દરિયાકાંઠે નહીં પણ શયનકક્ષમાં હતી..!! દરરોજની જેમ જોકે અાજે દાદી અને મારી બહેન મારી બાજુમાં નહોતી ઉંઘી રહી...પરોઢીયું ઉગતાં જ શરું થઇ જતો દાદીમાનો કજીયો અાજે કાનનાં પડદાઓ ઉપર દયા ખાઇ રહ્યો હતો..શેરી માંથી સંભળાતો ભેંસોનાં દોહવાનો અને છાશ વલોવતો ઘમ્મણનો અવાજ પણ સંભળાતો નહોતો...ભરઉંઘ માંથી સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરી અાવેલું મારું મગજ કાંઇક સમજી શકે એ પહેલાં જ સામે જયશ્રી કાકીબા દેખાયા અને યાદ અાવ્યું કે હું અને બાપું ગામડે નથી પણ ચંદ્રકાન્ત કાકાનાં ઘરે મુંબઈમાં હતાં...

"શું બાપુ તમે પણ..?? કેટલું સુંદર સપનું હતું...!!" મે લાડથી ચિડાઇને કહ્યું..

બાપુજી હસી પડ્યાં. સ્વપ્નો જોવા મારી માટે નવી વાત નહોતી...નિંદ્રારાણીને અાધીન થઇ ક્યારેક દરિયાકાંઠે તો ક્યારેય પહાડોમાં પહોંચતાં મને વાર નાં લાગતી...ત્રણ વખત તુટીને મોચીજીનાં હાથનો માર ખાઇ ચુકેલી ચંપલ પહેરીને હું ઉભી થઇ...મારી બહેન સાચું કહેતી હતી...અા ચંપલ દાદીને નક્કી મોહે-જો-દડોનું ઉત્ખનન કરતાં મળ્યાં હશે...!! એ ચિબાવલી હંમેશા હસતાં હસતાં કહેતી...ક્યારેક તો મને પણ શંકા થઇ અાવતી..

ચંદ્રકાન્ત કાકા બાપુનાં જુનાં મિત્ર...વર્ષો પહેલાં ગામ છોડીને મુંબઈ અાવી ગયેલાં. અામ તો અમારા કોઇ સંબંધી નહીં પણ બાપુનાં જીગરજાન મિત્ર ખરા...!! કદાચ અમારા ગામડાનાં લોકોની અા જ ખોટ હતી કે અમે સંબંધો નિભાવવા માટે લોહીનાં પારખા નથી કરતાં...!!

નાહી ધોઇને હું બહાર અાવી. જયશ્રી કાકીબા હાથમાં છાપું લઇને ચા પીવામાં મશગુલ હતાં. કાકાજી અને બાપુજી બાળપણનાં પ્રસંગો યાદ કરીને ભજીયાની જાયફત ઉડાવતાં હતાં...હું ધીમા પગલે અાગળ વધી કે રસોઇ માંથી કાંઇક ભાંગફોડનો અવાજ અાવ્યો...મને સમજતાં વાર ના લાગી કે કાકીબાની દિકરી પ્રીતિ અાજે ફરીથી પાકકળામાં નિષ્ફળ હાથ અજમાવી રહી હતી...!!

પ્રીતિ...!! અહિયાં અાવ્યાને હજું તો ફક્ત ૨ જ દિવસ થયાં હતાં. જોકે હું એટલું સમજી ચુકી હતી કે પ્રીતિ અલ્લડ અને મનમોજી છોકરી હતી. હા એ બાપુજીને હંમેશા માન અાપતી પણ કાકાજીનાં તુંડમિજાજી સ્વભાવને વશ થવાનું એને પરવડતું નહીં...

હું ટેબલ ઉપર ચુપચાપ અાવીને ગોઠવાઇ...સૌને પોતપોતાનાં કામમાં પરોવાયેલાં જોઇ હું પોતે જ પોતાને પીરસવામાં લાગી ગઇ..

"નાસ્તો કરીને પ્રીતિ સાથે બ્યુટીપાર્લર જઇ અાવજે...સરસ નવી હેરસ્ટાઇલ કરાવી લઇશ તો વધારે સારી લાગીશ...!!" કાકીબા ધીમેથી સહેજ સ્મિત સાથે બોલ્યા અને મે કાંઇ ના કહેતાં હકારમાં માથું હલાવ્યું..

"તું સુંદર છે કુમુદ એમાં કોઇ શંકા નથી પણ જે સંબંધ જોડવા માટે અાવી રહ્યાં છે એમને કદાચ તારી અા સાદગી પસંદ ના પડે એટલે થોડું જમાના પ્રમાણે ચાલવું જરુરી છે...!!" કાકાજીને કદાચ વિગતે સમજાવવાની અાવશ્યકતાં જણાઇ અને મે કોઇ પ્રતિભાવ અાપવાનું ટાળ્યું..

"કુમુદનાં વાળ બીચ વેવ સ્ટાઇલમાં કપાવીએ તો કેવું લાગશે મમ્મી..?? હું વિચારતી હતી કે અાટલાં લાંબા વાળ છે એનાં તો કપાવીને થોડા ટુંકા કરાવી નાખું અને ડાર્ક બ્રાઉન હેર-કલર કરાવું...!?" એક હાથમાં સફરજન અને બીજા હાથમાં બળેલું પરાઠું લઇને પ્રીતિ ટેબલ ઉપર અાવીને ગોઠવાઇ...સમસમીને બેસી રહેલાં કાકાજીને અા અભિપ્રાય પસંદ નહોતો પડ્યો એ એમનાં મોઢાં ઉપર દેખાતું હતું. કાકીબા ચિંતામાં ક્યારેક કાકાજી તો ક્યારેક પ્રીતિની સામે જોવા લાગ્યાં...કાકાજીને એમની દિકરી સાથે ખાસ બનતું નહીં એવું દેખાઇ અાવતું હતું...!!

"કુમુદને છોકરાવાળા જોવા અાવવાનાં છે અાવતીકાલે...ખબરદાર જો અાવા નટીવેડા કર્યાં છે તો...!!" કાકાજી બરાડીને શાંત પડી ગયાં...પ્રીતિએ જોકે સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને ખભા ઉછાળીને ચાલતી થઇ...જાણે કાંઇ બન્યું જ ના હોય એમ ફરીથી ટેબલ ઉપર શાંતિ છવાઇ ગઇ..

હા અા જ કારણ હતું...!! અા જ કારણ હતું ગામડેથી મુંબઇ મહાનગરનો પ્રવાસ ખેડવાનું...મારા સંબંધની વાત ચાલતી હતી. કાકાજી જેમની માટે કામ કરતાં એ પેઢીનાં માલિકને એક સુંદર વહુની શોધ હતી અને કદાચ એમની અા શોધ મારા ફોટોગ્રાફ ઉપર અાવીને અટકી હતી...

પણ ક્યારેક વિચારું છું કે મારી શોધ શું હતી...?? ગામડાની શાળામાં બારમાં સુધી ભણીને બે વર્ષથી ઘરકામમાં દાદી અને માની મદદ કરતાં કરતાં હું શું કોઇ પેઢીનાં વારસદાર સાથે લગ્નની રાહ જોઇ રહી હતી...?? મારો અંતરાત્માં મને પુછી બેઠો..

દાદીમાં હંમેશા કહેતાં માણસ અાદતોનો દાસ છે. એક વાર પડી જાય તો જલ્દી છુટે નહીં...અાજે કદાચ સાચી લાગી રહી હતી એમની અા વાત...માનાં હાથનો વધારેલો રોટલો ખાવા ટેવાયેલો અા હાથ કાકીબાનાં પરોઠા ખાતાં અટકતો હતો...એવું નહોતું કે સ્વાદ નહોતો એમનાં હાથમાં પણ કાકાજીનાં ઘરમાં જે કડક વાતાવરણ રહેતું એની ઝાંકી અા પરોઠામાં પણ દેખાતી હતી...ઓછા ઘી-મસાલામાં બનેલું અા જમવાનું સ્વાસ્થ્ય માટે સારું હતું એવું કહીને પોતાને મનાવવાનો પ્રયત્ન કરી જોયો પણ જીભે સહકાર ના અાપ્યો..

નાસ્તો પુરો કરીને હું અંદરનાં ઓરડામાં અાવીને બેઠી. સામે પિંજરામાં પુરાયેલાં રંગબેરંગી પંખીઓ ક્યારનાં મારું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં...સ્વપ્નનાં જોયેલાં પરિન્દાઓ પણ અાવા જ મનમોહક હતાં...વિચારતાં જ ચહેરાં ઉપર એક હળવું સ્મિત અાવી ગયું..

"વડાપાંઉ ખાઇશ...??" પ્રીતિ અચાનક ઓરડામાં અાવી અને મારું ધ્યાનભંગ કર્યું..

"હમ્મ્મ...?? ના બિલકુલ નહીં...અાભાર તમારો...તમે ખાઇ લો. અાપણે પાર્લર પણ જવાનું છે..કાકીબાએ કહ્યું હતું...!!" મે થોડી વારની શાંતિ પછી કહ્યું...થાળીમાં ગોઠવીને સજાવેલાં વડાપાઉં જોકે સ્વાદિષ્ટ લાગી રહ્યાં હતાં અને મારા મોમાં પાણી અાવી ગયું..

"ના ખાવું હોય તો ના ખાઇશ...મને લાગ્યું તને અમારા ઘરનું બેકાર જમવાનું ભાવ્યું નહીં હોય એટલે લઇ અાવી...તારી ઇચ્છા...!!" કહીને પ્રીતિ મારી બાજુમાં જ ગોઠવાઇ અને રસ લઇને વડાપાઉં ખાવા લાગી. વડાપાઉંની સુંગધ અને પ્રીતિનાં હાથમાં રેલાતી ચટણી જોઇને હવે મારાથી રહેવાયું નહીં..

"હું પણ ખાઇશ...!!" મે તરત જ છાપામાં વીંટળાયેલો બીજો વડાપાઉં લઇ લીધો અને પ્રીતિ પેટ પકડીને હસવા લાગી..

"મુંબઈનાં વડાપાઉંની વાત જ અલગ હોય છે...કોઇ ના રોકી શકે પોતાને...!!" પ્રીતિએ વડાપાઉંનુ મોટું બટકું ભરતાં કહ્યું..

"સાચું કહ્યું તે...મુંબઈનાં વડાપાઉંની વાત અલગ છે...!!" મે પણ સહેજ સ્મિત સાથે કહ્યું..સવારે નાસ્તો સરખી રીતે થયો નહોતો અને હવે વર્ષોનાં જતનથી ઉગાડેલાં અા વાળ કાપવા મારે ખરેખર શક્તિ ભેગી કરવાની હતી..!!

"અા થઇ ને વાત...જે મન થાય એ ખાઇ લેવાનું...એટલું શું વિચારવાનું...?? મને જ જોઇ લે...!! પપ્પાએ સીએ કરવાનું કહ્યું હતું પણ અાપણે તો કહી જ દીધું ચોખ્ખું કે બનીશ તો રેડિઓ જોકી...અરે અાખા શહેરને તમારા તાલ ઉપર નચાવવાની મજા જ કાંઇક અલગ છે...મારું મ્યુઝિક કલેક્શન જોઇશ...??" પ્રીતિ ઉત્સાહથી મને પુછી બેઠી..

હું જોકે નિ:શબ્દ થઇને એને તાકી રહી...ખરેખર કેટલી અલગ પડી અાવતી હતી પ્રીતિ અા સ્મશાનવત્ ઘરમાં..!! કાકાજીનો મહત્વકાંક્ષી મોટો દીકરો પ્રશાંત એમની જ પેઢીનાં કામમાં વ્યસ્ત રહેતો અને ભાગ્યે જ ઘરે અાવતો...કાકીબાનો અાખો દિવસ કાકાજીનાં પડ્યાં બોલ ઝીલવામાં નીકળી જતો...પણ પ્રીતિ...!!

પ્રીતિને હું અનિમેષ નજરે તાકી રહી...ઉભી થઇને હું એને જોરથી ભેટી પડી...વારેતહેવારે ગામડે અાવતાં ચંદ્રકાન્ત કાકાજીની અા નાની દિકરી ભાગ્યે જ કોઇક દિવસ ગામ અાવતી...કદાચ એટલે જ એનામાં રહેલી બળવાની ભાવના હું મુંબઈ અાવ્યા બાદ નજીકથી જોઇ રહી હતી...બાપુજીને તો બીજું ક્યાંય જોવાનો સમય જ ક્યાં હતો..?? કાકાજી એમની દિકરીનું વેવિશાળ અાટલાં મોટા કુટુંબમાં કરાવી રહ્યાં હતાં એ વિચારીને જ પોતાને એમનાં ઉપકાર નીચે દબાયેલાં માનતાં...

વડાપાઉં ખાઇને હું ઉભી થઇ. પ્રીતિ સ્કુટી લઇને પહેલાં જ તૈયાર થઇ ગઇ હતી...જતાં જતાં મારી નજર કાકાજીનાં ઘર ઉપર પડી...અાલીશાન પણ નિર્જીવ...!! જાણે સાવ ફિક્કું...!! જાણે કોઇ રુંઘાયેલાં અવાજ કે ભાવનાઓ સમજવાની કોમળતાં જ નહોતી અા ઘરમાં...!!

"તમને ખરેખર કુમુદની ચિંતા હોય તો એને સમજાવો કે જીવનમાં ભણી-ગણીને અાગળ વધે...જે નબીરા જોડે એનું લગ્ન નક્કી કરવા જઇ રહ્યાં છો એ કેટલો ચરિત્રહીન છે એ શું તમે નથી જાણતાં...??" હું દાદરા ઉતરીને નીચે અાવી તો પ્રીતિ કાકીબા સાથે વાતોમાં મશગુલ દેખાઇ..

"કુમુદ એક ખેડુતની દિકરી છે...એનું લગ્ન સારી જગ્યાએ થઇ જશે તો એનાં નાની બહેન અને ભાઇનું લગ્ન પણ સારી જગ્યાએ થશે...!!" કાકીબા ઉંડો નિસાસો નાખીને બોલ્યાં..

"એ છોકરીની ઇચ્છા જાણવા જેટલી મહેનત કરી છે કે નહીં...??" પ્રીતિનાં અવાજમાં અણગમો અાવી ગયો...

"કુમુદ સંસ્કારી છોકરી છે...વડીલોનાં નિર્ણયો ઉપર સવાલ નહીં ઉઠાવે...!!" કાકીબાએ ધીમા અવાજે કહ્યું અને ત્યાંથી ચાલી નીકળ્યાં...એમની વાતો વધારે સાંભળવાની હવે મારામાં પણ હિંમત નહોતી...હું એકલતામાં ખોવાઇને મનભરી રડી લેવા માંગતી હતી...એમણે અાપેલી સંસ્કારી છોકરીની ઉપમાં મારા મનમષ્તિસ્કમાં ભણકારા મારી રહી હતી...મારા ભાગ્યની ચાવીઓ એક એવાં માણસનાં હાથમાં સોંપી દેવામાં અાવી હતી જેને ના મે ક્યારેય જોયો હતો અને ના હું જાણતી હતી...

અાખરે શું હતી અા સંસ્કારી છોકરી...??
સમાજનાં બનાવેલાં બીબાઢાળ ઢાંચામાં ઢળી જાય એ સંસ્કારી અને અવાજ ઉઠાવે એ સ્વછંદ...!!

ચહેરો લુંછીને હું પ્રીતિ પાસે પહોંચી...

"તારે પાર્લર જવું હોય તો હું લઇ જાઉં તને...સવારે તો હું મજાક કરતી હતી...સાદી અને સુઘડ હેર-સ્ટાઇલ કરાવીશું તારી અને કોઇ ભડકીલો હેરકલર નહીં...!!" પ્રીતિ હાસ્યમિશ્રિત સ્વરમાં બોલી..

હું કોઇ પણ જવાબ અાપ્યા વિના શુન્યમાં તાકી રહી...કેટલું પોતિકાપણું હતું અા બે દિવસ પહેલાં મળેલી છોકરીનાં અવાજમાં...બિલકુલ નાના બાળકની જેમ ચમકતી એની અાંખો...માસુમ અને નિર્દોષ...ક્ષણભર માટે મને ગામડામાં રહેતાં મારા ભાઇ-બહેનોની યાદ અાવી ગઇ...

"તું જેવી છે એમ જ રહે કુમુદ...!! વાળ કપાવવા હોય તો તારી મરજીથી કપાય અને ના કપાવવા હોય તો નહીં...!! અજાણ્યા લોકો માટે તો પોતાને બદલાતું હોય...??" પ્રીતિએ મારા માથે પ્રેમથી હાથ ફેરવીને કહ્યું અને જાણે મારો જવાબ સમજી ગઇ હોય એમ સ્કુટી ફરી પાર્કિંગમાં લગાવીને અંદર ચાલી..

મને વાળ કપાવ્યા વિના પાછી અાવેલી જોઇ બાપુજી ચોંક્યાં પરંતુ છોકરીઓની વાતમાં એમણે વચ્ચે પડવાનું ટાળ્યું...

સાંજ પડવા અાવી હતી...કાકીબાની સો વિનંતીઓ છતાં મે એમની મોંઘી સાડીઓ પહેરવાનું ટાળ્યું અને દાદીમાએ કાપડમાં વીંટાળીને અાપેલી બાંધણીની સાદી પણ સુંદર સાડી પહેરી લીધી. મેકઅપ એટલો જ જેટલો હું અાજ સુધી કરતી અાવી હતી - સહેજ અમથું કાજળ બસ...!!

"સરખી રીતે તૈયાર કરી દો કુમુદને...જોઇએ પેઢીનાં લોકોને અાપણાં ગામડાની ગોરી પસંદ પડે છે કે નહીં...અને હા કુમુદ મહેમાનો માટે મુકેલો નાસ્તો તું ના ખાવા લાગતી...રખેને સમોસા-કચોરી જોઇને તારી દાનત બગડી જાય...??" રેડિયો સ્ટેશનેથી અાજનો પ્રોગ્રામ પુરો કરીને પાછી અાવેલી પ્રીતિએ ટીખળ કરી અને કાકીબા હસી પડ્યાં..મારા ચહેરા ઉપર પણ સ્મિત અાવી ગયું...

બંને વિખેરાયા એટલે હું ફરીથી પિંજરાનાં પંખીઓ પાસે અાવીને બેઠી. થોડો સમય હું મારી પોતાની સાથે વિતાવવા માંગતી હતી...મે થાકીને અાંખો બંધ કરી જ હતી કે દરવાજો ખુલવાનો અવાજ અાવ્યો. હું સમજી ગઇ કે કાકાજી છોકરાવાળાને લઇને અાવી પહોંચ્યા હતાં..

બહારનાં ઓરડા માંથી વાતચીતનો અવાજ સંભળાવવા લાગ્યો...ના ઇચ્છવા છતાં મારું ધ્યાન એ જ તરફ જઇ રહ્યું હતું. એક અજાણ્યો છોકરો મને જોવા અાવવાનો હતો અને એનાં હા કે ના ઉપર મારા ભવિષ્યનો નિર્ણય લેવાવવાનો હતો..!!

"ડરવાની કોઇ જરુર નથી...!! જો છોકરો તને જોવા અાવ્યો છે તો તને પણ પુરો હક છે એને સમજવાનો અને પસંદ ના પડે તો ના કહેવાનો...!!" અચાનક ક્યાંકથી પ્રીતિ મારી બાજુમાં બેસી ગઇ...હું ચહેરાં ઉપર અાવી ગયેલી ગભરાટની રેખાઓ દુર કરવાનો નિષ્ફળ પ્રસાસ કરવામાં લાગી...

મારા તરફથી કોઇ પ્રત્યુત્તર ના મળતાં પ્રીતિ એક હળવું સ્મિત અાપીને પોતાનાં ઓરડામાં જતી રહી...કાકીબા મને બોલાવવા અાવ્યાં અને હું ધીમા પગલે એમની પાછળ દોરવાઇ...

કાકીબાની શિખામણ શિરોમાન્ય રાખીને હું સૌને પગે લાગી અને બાજુમાં ઉભી રહી. છોકરાવાળા સાથે અાવેલાં એક ઉંમરલાયક મહિલાએ મને પોતાની પાસે બોલાવી અને ઇશારો કરીને સોફા ઉપર બેસવા જણાવ્યું..

"વાઉ મસ્ત દેખાય છે...!!" હું અાવીને સોફા ઉપર બેઠી અને કોઇક છોકરાનાં અવાજે મારું ધ્યાનભંગ કર્યું..

મારી અાંખો અનાયાસે જ ઉપર ઉઠી ગઇ...બોલવાવાળો ખુબ જ નફ્ફટ રીતે મને ઉપરથી નીચે જોઇ રહ્યો હતો...હું અસ્વસ્થતાથી ઉપર નીચે થવા લાગી....

"લો ભાઇ...અમારા છોકરાએ તો જોઇને જ પસંદ કરી લીધી...જોકે કહેવું પડે તમારી છોકરી ખુબ સુંદર છે...!!" એ મહિલાએ મારો ચહેરો એમનાં હાથમાં લઇને પોતાની તરફ કર્યો પણ મારી અાંખો ઢળેલી જ રહી ગઇ...

કાકાજી અને બાપુજી મહેમાનો સામે વાતો કરવામાં લાગેલાં હતાં. મારી બાજુમાં બેઠેલી મહિલા મારા પરિવાર અને ભાઇ-બહેનો વિશે અનેક સવાલો પુછી રહી હતી જેનો સંતોષકારક જવાબ પહેલેથી નક્કી કર્યાં પ્રમાણે કાકીબા જ અાપી રહ્યાં હતાં...

મને ગંદી રીતે એકીટશે નિહાળી રહેલો એ છોકરો હવે વિચિત્ર હાવભાવથી કોઇક ઇશારા કરવા લાગ્યો હતો...અંદરથી બહાર અાવી ગયેલી પ્રીતિ ચુપચાપ ઉભી હતી..વધારે સહન ના થતાં હું સૌની પરવાનગી લઇને અંદર અાવી...

મુઠ્ઠીઓમાં બંધ હથેળીઓ ખોલીને જોયું તો છોકરાનાં પિતાએ અાપેલી બે હજારની નોટ અાંખો સામે તરવરવા લાગી...મારા પગમાં હતું એટલું બળ ભેગું કરીને હું પિંજરા પાસે પહોંચી...કલરવ કરતાં રહેતાં સૌ પંખીઓ મૌન થઇને બેઠા હતાં...મારા મનમાં ચાલતાં દ્રંદ્રયુદ્ધને પારખી ગયા હતાં જાણે...!!

અાખી સાંજ પ્રીતિનાં ઓરડામાં એકલી વિતાવીને રાત્રીભોજનનો સમય થતાં હું બાપુજી સાથે ટેબલ ઉપર અાવી પહોંચી...કાકીબા પીરસવામાં લાગ્યાં હતાં કે એમનાં મોબાઇલની ઘંટકી વાગી ઉઠી...

"તમારા બોસનો ફોન હતો...એમનાં છોકરાને લગ્નની ઉતાવળ છે. એમનાં પંડિતજીએ અાવતા જ મહિનાની તારીખ નક્કી કરી છે લગ્ન માટે....કહ્યું છે કે સગાઇની વિધિનો રીવાજ નથી એમનાં ઘરમાં...અને લગ્નનો ખર્ચો પણ બંને તરફનો ઉઠાવી લેશે...એમને લાગે છે કે છોકરીવાળા એમનાં સ્ટેટસ જેટલો ખર્ચો નહીં કરી શકે...!!" કાકીબાએ ફોન મુકતાં કહ્યું..

મારો શ્વાસ ગળામાં જ રુંઘાઇ ગયો. અાશાભરી નજરે મે બાપુજી સામે જોયું. એમની અાંખો નીચી પડી ચુકી હતી જોકે એમણે બનાવટી સ્મિત જાળવી રાખ્યું...

"હા ઠીક છે. જેવું છોકરાવાળાને યોગ્ય લાગે...!!" બાપુજીએ મહામહેનતે કહ્યું. અાટલા વર્ષોમાં મારા લગ્ન માટે ભેગા કરેલાં પૈસાં અને હોંશ બધું જ ધોવાઇ જતું લાગ્યું...

હું અનિમેષ નજરે દુર દેખાતાં પિંજરામાનાં પંખીઓને તાકી રહી. મારાં ઉજ્જવળ ભવિષ્યની ઠગારી અાશાએ પેઢીનાં માલિક સામે હાથ જોડીને અાંખો નીચી કરીને ઉભેલાં મારા બાપુજી....એની ગંદી નજરોથી મારા અસ્તિત્વનો સોદો કરવા નીકળેલો એમનો છોકરો...!! સઘળું જાણે અાંખો સામે તરવરી રહ્યું..

મને કમકમા થઇ અાવ્યાં...પિંજરાથી મારી નજર હટીને અનાયાસે પ્રીતિ ઉપર અટકી...એ મને એકીટસે જોઇ રહી હતી...

જાણે કોઇ પડકાર અાપતી હતી મને...!! માપી રહી હતી મારી સીમાઓને...!!

મે બધી હિંમત ભેગી કરીને ઉપર જોયું...બાપુજી સહિત સૌ કોઇ મને તાકી રહ્યાં હતાં...

"હું એ છોકરા સાથે લગ્ન નહીં કરી શકું...મને એ બિલકુલ પસંદ નથી...!!" હું એકીશ્વાસે બોલી ગઇ અને ક્ષણભર માટે બાપુજીનાં ચહેરાં ઉપર ગર્વની રેખાઓ ઉપસી અાવી...

"હું અાગળ ભણવા માંગુ છું...પગભર થવા માગું છુ....હમણાં લગ્ન કરવા નથી માંગતી...!!" કહીને હું ઝડપથી પ્રીતિનાં ઓરડામાં અાવી પહોંચી..

પિંજરામાં બંધ એ પંખીઓને ઉઠાવી હું બાલ્કનીમાં બહાર અાવી...સ્વપ્નમાં અનુભવ્યો હતો કદાચ એવો જ મુક્તિનો પવન હું અનુભવી રહી....મે બંને હાથોથી પિંજરાના દરવાજા ખોલી નાખ્યા અને કેદને પોતાનું જીવન માની ચુકેલાં પંખીઓ પહેલાં તો ડર્યા...પણ પછી અાગળ અાવ્યાં અને નવી શરુઆત કરતાં ખુલ્લા અાકાશમાં ઉડી ગયાં...

મારા ચહેરા ઉપર અનાયાસે જ હાસ્ય ફુટી નીકળ્યું...બંને હાથ ફેલાવીને હું એમને છેલ્લી વિદાય અાપી રહી...

"અરે વાહ...!! તું તો ખરેખર સંસ્કારી છોકરી છે...!!" પાછળથી અાવીને પ્રીતિએ ઉડી રહેલાં પંખીઓની તરફ ઇશારો કરતાં કહ્યું અને મે સંમતિસુચક સ્મિત અાપ્યું...!!