New TV books and stories free download online pdf in Gujarati

નવું ટીવી

"એક કામ કરો અા વાયરને પાછળથી લઇ લો એટલે સેટઅપ બોક્સ અહિયાં ગોઠવાઇ જશે..!!" શોરુમ માંથી નવું ટીવી ફીટ કરવાં અાવેલો માણસ પંદર મિનિટની ભારે કવાયત પછી બોલી ઉઠ્યો અને અમે સૌએ રાહતનો શ્વાસ લીધો..

સોનીનું અા નવું નક્કોર ટીવી ખરીદવાનું કાલે રાત્રે જ નક્કી થયું હતું ઉગ્ર ચર્ચા બાદ. નવા ટીવીની ખુશી જોકે ઝાઝો સમય ટકી ના શકી અને જમ્યાં બાદ બંને બાળકો અને તેજલ મોબાઇલ લઇને પોતપોતાનાં ખુણાંમાં ભરાઇ ગયાં. હું નિસાસો નાખીને નવા ટીવીને જોતો રહ્યો. કિટ્ટી પાર્ટીની સહેલીઓ સાથેની ચડસાચડસીમાં ખરીદાયેલું અા ટીવી અાવો અનાદર હવે દરરોજ પામવાનું હતું..

અામ તો કોઇ જરુર નહોતી અા નવું મોડેલ ખરીદવાની...દલીલ બસ એક જ હતી તેજલની..

"અરે હર્ષદ અાપણે વેલ સેટલ છે. અાટલી નાની ખરીદી માટે શું અાટલું વિચારવાનું ?"

હા વેલ સેટલ તો હતાં અમે શહેરી વ્યાખ્યા પ્રમાણે. બેંકની અા મારી ઘરેડમય મેનેજરી નોકરી અને ઇન્શ્યોરન્સ કંપનીમાં ક્લાર્ક એવી મારી પત્ની. શાંતિથી જીવન જીવવા માટે બધું જ તો હતું. હું નવરા પડેલાં ટીવી અને ચાર વ્યક્તિઓથી ભરેલાં અા ખાલી ઘરને જોઇ રહ્યો. વર્ષો પહેલાં બાપુજીએ ગામનાં અમારા ફળીયામાં પહેલવહેલું રંગીન ટીવી ખરીદ્યું ત્યારે એની ઉજાણી પુરા બે અઠવાડિયા ચાલી હતી અને એ પણ અાખા ફળીયામાં..

સારો સમય જોઇને બાપુજી સામે મુકેલી પ્રસ્તાવનાઓ, રીતસરની અાજીજીઓ, ફળીયાનાં હાથવાટકા જેવાં મારા ભાઇ કમલેશે લગાવેલું મણમણનું માણસ અને બાને વચ્ચે રાખીને મહિના સુધી ચાલેલી વાટાઘાટોનાં અંતે એ ટીવી ઘરે અાવી જ ગયું હતું..

કેવો કોલર ઉંચો રાખીને ફરતાં શાળામાં..!! રવિવારે મહાભારતનો એપિસોડ જોવા અાવતા ફળીયાનાં મિત્રો અને માથે ઘુંઘટો તાણીને શ્રધ્ધાપુર્વક પ્રસાદમાં ઘઉંનો શીરો બનાવતી મારી બા..!! વસ્તુઓ ઓછી હતી અને સપના વામણાં..!!

કેટલું લાલચું છે ને અા મનડું..? એને શહેરની જાહોજલાલી પણ જોઇએ છે અને ગામની હુંફ પણ. સ્વતંત્રતા પણ ઝંખે છે અને સથવારો પણ..

ગામની યાદ અાવતાં જ હું ઢીલો પડી ગયો. અાવતાં અઠવાડિયે રજા લઇને ગામ જઇશ અને કોઇ પણ રીતે બા-બાપુજીને અહિંયા અમારી સાથે રહેવા અાવી જવા મનાવી જ લઇશ. શહેરની હવા ના ગોઠવાની ફરિયાદ હવે બહું થઇ..

"નિકુ જો તો બેટા દરવાજે કોણ છે..?" અંદરથી તેજલની બુમ સંભળાઇ અને હું મારા વિચારો માંથી બહાર અાવ્યો. નિકુનાં બદલે મે જ દરવાજો ખોલ્યો. સામે અમારો નોકર ભાવેશ ઉભો હતો.

"અરે અાજે કેમ અાવ્યો? રવિવારે તો રજા હોય છે ને તારે..?" હું એને રજાનાં દિવસે જોઇને ચોંક્યો. કામનાં દિવસે રજા માંગ્યા કરતો અને અાજે રજાનાં દિવસે કામ ઉપર અાવ્યો છે..

"સોરી સર અા રીતે કહ્યાં વગર અાવવા માટે. મારું ટીવી ખરાબ થઇ ગયું છે અને અાજે જ ઇન્ડિયા-વેસ્ટઇન્ડિઝની ફાઇનલ મેચ છે. મને નાના અમથા મોબાઇલમાં ક્રિકેટ જોવાનું નથી ગમતું એટલે વિચાર્યું કે જો તમને કોઇ તકલીફ ના હોય તો..!!" કહીને એ ચુપ થઇ ગયો. હું હસીને એને અંદર લઇ આવ્યો અને અમે બંને ટીવીની સામે ગોઠવાયાં. છેલ્લે દરેક બોલ ઉપર મેચ ક્યારે જોઇ હતી એ યાદ પણ નહોતું અને છતાં અાજે ફાઇનલ જોવાનો અલગ જ ઉત્સાહ જાગ્યો મને..

થોડી વારમાં પડદા પાછળથી ડોકિયા દેખાવવાનાં શરું થયાં. મારા બંને બાળકો પહેલાં કાંઇક ખચકાઇને અને પછી કુતુહલવશ ટીવી અાગળ અાવીને બેઠાં. ભાવેશનો ક્રિકેટ પ્રેમ અાજે પુરજોશમાં ખીલ્યો હતો. એ બાળકોને મેચ સમજાવવાની સાથે સાથે ટુચકાઓ પણ સંભળાવ્યે જતો હતો. પોતાનો ખર્ચો કાઢવાં અમારી ગેરહાજરીમાં બાળકોને સ્કુલે લેવા-મુકવા જતો અા માંડ વીસ વર્ષનો હસમુખો છોકરો લોકલ સ્પોર્ટ્સ ક્લબમાં હોકી રમતો હતો એ મને અાજે જ ખબર પડી...ખરેખર કેટલું અાપણી સામે જ હોય છે અને અાપણે નથી જોઇ શક્તાં. ના તો એમને અાપણી અા બંધ દુનિયામાં જગ્યા અાપી શકીએ છે અને ના તો પોતે એમની દુનિયાનો હિસ્સો બની શકીએ છે..થોડા સમય બાદ રસોડા માંથી તેજલનાં હાથની અાદુવાળી ચાની સુંગધ અાવવા લાગી જેની જયાફત અમે સૌએ મળીને ઉડાવી..

બીજા દિવસે સંતોષ સાથે હું બેંકમાં દાખલ થયો. અાજનો સોમવાર હંમેશા કરતાં કાંઇક અલગ લાગી રહ્યો હતો. ભાવેશ સાથે એક જ દિવસમાં કેટલી અાત્મિયતાં બંધાઇ ગઇ હતી..!! હું મારી ફાઇલોમાં ખોવ‍ાયેલો હતો અને ત્યાં જ મારો ફોન રણકી ઉઠ્યો..

"પપ્પા..!! દાદાજીને છાતીમાં દુખાવો થાય છે..!!" સામે છેડેથી મારા નાનકડા દીકરાનો રડમસ અવાજ સંભળાયો અને હું હેબતાઇને ખુરશી ઉપરથી ઉભો થઇ ગયો..

"બાબુજી..? બાપુજી ક્યારે અાવ્યા ગામથી? શું થયું એમને? હેલો..હેલો..?" હું બુમો પાડતો રહ્યો પણ સામેથી ફોન કપાઇ ગયો હતો. ક્ષણભર માટે મને પોતાને છાતીમાં દુખાવો થઇ અાવશે એવું લાગ્યું..

હું ધડકતાં હૈયે ગાડી લઇને પુરપાટ વેગે ઘર તરફ ભાગ્યો. તેજલ પણ ઓફિસમ‍ાં હતી અને બંને બાળકો એકલાં કેવી રીતે બાપુજીને સંભાળશે એ મને સમજાતું નહોતું. અા બિલ્ડિંગમાં રહેત‍ાં બે વર્ષ થવા અાવ્યા હતાં પણ હજું સુધી કોઇ પડોશીનો નંબર લેવાનું મને જરુરી નહોતું લાગ્યું..

ગાડી પાર્ક કરવાની રહેવા દઇને હું હાંફળોહાંફળો દાદરા ચડવા લાગ્યો. લિફ્ટની રાહ જોવાનો સમય નહોતો. રસ્તામ‍ાં મે તેજલને ફોન કરી દીધો હતો. એ પણ ઓફિસ માંથી નીકળી ચુકી હતી..

"બાપુજી..!!" મે ધડામ કરતો દરવાજો ખોલ્યો અને મારા અાશ્ચર્યની વચ્ચે બાળકો સામે અારામથી ટીવી જોઇ રહેલાં બા-બાપુજી દેખાયા. હું કોઇ પણ સવાલ કર્યા વિના જઇને એમને ભેટી પડ્યો..

"શું થઇ ગયું હતું તમને..? હું કેટલો ગભરાઇ ગયો હતો..!!" હું રડવા જેવો થઇ ગયો. એટલામાં તેજલ પણ અાવી.

"અરે ગાંડા હું બિલકુલ ઠીક છું. જો કશું નથી થયું મને..અને અમે છ મહિના તારી સાથે રહેવા પણ અાવી ગયાં છે.!" બાપુજીએ હંમેશાની જેમ મારી પીઠે ધબ્બો માર્યો અને બા હસી પડી.

"કાકાને એસિડિટી થઇ ગઇ હતી. અમે હમણાં જ ડોક્ટરને ત્યાંથી પાછા અાવ્યાં..!!" ભાવેશ બધાની માટે ચા-નાસ્તો લઇ અાવ્યો અને મે છેલ્લાં એક કલાકમાં પહેલી વાર રાહતનો શ્વાસ લીધો..

"અરે હર્ષદ તે કહ્યું નહીં દીકરા કે ભાવેશ તારા ઘરે કામ કરે છે !" બા બોલી ઉઠ્યાં અને હું ચોંક્યો.

"તમે ઓળખો છો ભાવેશને ?"

"હાસ્તો વળી. અા તારા બાપુજીનાં જુના મિત્ર હતાં ને કરશનભાઇ એમનો દિકરો. કરશનભાઇ તો બિચારા રહ્યાં નહી અને ભાવેશ પેટીયું રળવા શહેર અાવી ગયો. અમે જ કહ્યું હતું એને કે રમતગમતમાં રસ છે તો શહેર જતો રહે..!!" બાએ સમજણ પાડી અને હું ભાવેશને બે ઘડી જોઇ રહ્યો. મારા જ ગામનો છોકરો અને એ પણ પાછો બાપુનો ઓળખીતો...મને ખ્યાલ પણ નહોતો..!!

"દાદાજી અા ગોરસ અામલી અને રાયણ મસ્ત છે. પપ્પા તમે પણ ચાખોને..!!" નિકુ બોલી ઉઠી. બાળકોએ ઇન્ટરનેટ સાથે જોડી અાપેલાં ટીવીમાં બાનો મનપસંદ મહાભારતનો એપિસોડ ચાલતો હતો જે સાનંદાશ્ચર્ય રીતે મારા બાળકોને પણ પસંદ પડી રહ્યો હતો..

"અા ટીવી મસ્ત છે ને હર્ષદનાં બાપું..!!" બા વર્ષો પહેલાં હતી એટલી જ શ્રધ્ધા સાથે જોઇ રહ્યાં પણ એવામાં લાઇટ જતી રહી..

"અરે અા લાઇટને પણ હમણાં જ જવું હતું. મોબાઇલમાં બેટરી પણ નથી..!!" બંને બાળકો ઉદાસ થઇને સોફા ઉપર ગોઠવાયાં.

"દાદાજી સાથે બગીચામાં ફરવા કોણ જશે..?" તેજલે હસીને પુછ્યું અને બંને બાળકો ખુશીમાં ઉછળી પડ્યાં. મે તેજલને સંમતિસુચક સ્મિત અાપ્યું અને બા-બાપુજી બાળકો અને ભાવેશને લઇને બગીચા તરફ ઉપડ્યાં..