Aatma - 5 - last part books and stories free download online pdf in Gujarati

આત્મા - અદ્રશ્ય અસ્તિત્વની - 5 - અંતિમ પ્રકરણ

[અસ્વીકરણ]
( સત્ય ઘટના પર આધારિત)
" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "

પ્રકરણ : ૦૫ ( અંતિમ પ્રકરણ )

નામ : નીલમબેન મહેતા ( નામ ફેરવેલ છે)
અભ્યાસ : BA, MA, B. Ed ( Gujrati ), DCS.
હાલ : નિવૃત. સહાયક શિક્ષક ( માધ્યમિક કક્ષા)
ઘટના સ્થળ : મોટા જીંજુડા , તા. સાવરકુંડલા, જી. અમરેલી ( ગામનું નામ ફેરવેલ છે.)


જ્યારે ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો એક દસકો હતો. ગામના વિદ્યાર્થી આખો દિવસ વિદ્યાલયમાં રહે, ભણે અને શિક્ષણ સાથે અન્ય જીવનને ઉપયોગી કામગીરીના વિષયોની પણ તાલીમ લેતા.હવે આવી વિદ્યાલય ખૂબ ઓછી છે. અને જે છે તે પણ અંત તરફ જઈ રહી છે. આજે એવી જ એક ઉત્તર બુનિયાદી વિદ્યાલય વિશે ચર્ચા કરવી છે.

આ કહાણી માટે નીલમ બેન જોડે વાત થયાં પછી હું રૂબરૂ તે સ્થળ પર દિવસે મુલાકાત લીધી છે. સાથે સાથે ત્યાં વર્ષો થી કામ કરતા કર્મચારી અને ગામના લોકો પાસે પણ આ અંગે વાતચીત કરી હતી. નીલમ બેન કહે છે કે, 1995 માં માધ્યમિક કક્ષાના શિક્ષક તરીકે મારી આ શાળામાં નિમણુંક થઈ. ઉત્તર બુનિયાદી શાળા એટલે ત્યાં જ રહેવા માટે કવાર્ટર અને બધી સુવિધા પૂરી પાડતાં હતા.

મારી નોકરીને માત્ર ત્રણ વર્ષ થયાં ત્યાં એક ખૂબ ખરાબ ઘટના આ સ્થળ પર બની ગઈ. ધોરણ - 12 માં ભણતી એક છોકરી એ ત્યાં હોસ્ટેલમાં જ ત્રીજા માળે પોતાને સળગાવીને આત્મહત્યા કરી. આ પાછળ મુખ્ય કારણ શું એ આજ સુધી ખબર નથી પડી પણ બીજાં વિદ્યાથી એમ કહેતા કે એ છેલ્લા એક - બે મહિના થી ખૂબ માનસિક તાણમાં હતી, ત્યાં જ ભણતો એક છોકરો તેને કોઈને કોઈ રીતે હેરાન કરતો, જો એ ત્યાં શિક્ષકોને કહે તો એ તેને વધુ હેરાન કરશે એવી ધમકી આપે.

આ વાત 1998-99 ની છે, આજ કાલ ની છોકરીઓ જેટલી સામે ચાલીને જવાબ આપી દે અથવા પોતાની સમસ્યા શિક્ષકો કે માતા પિતાને કહે એવું એ સમયે બહુ જ એટલે બહુ જ ઓછું. જો એ છોકરી એના ઘરે વાત કરે તો એના પપ્પા એને ભણવાની સાવ ના કહી ઘરે બેસાડી દે એમ હતાં. બધી બાજુ થી એ બહુ તાણ અને ચિંતાનો શિકાર બની આ ઘટના બાદ પોલીસ આવી ખૂબ તપાસ થઈ, શાળા કાર્ય જાણે સાવ વિખાઈ ગયું કોઈ ત્રીજા માળે જવા તૈયાર નહીં. ધીમે ધીમે સમય વીતતો ગયો બધું ભુલાવા લાગ્યું.

ત્રણ માળની છોકરીઓ માટે હોસ્ટેલ હવે એ વાતને એક વણઉકેલી ઘટના માની ફરી બધું રાગે ચડવા લાગ્યું. હોસ્ટેલ સુપરવાઈઝર જેને આપણે છાત્રપાલ કહીએ એ તરીકે હું ત્યાં ફરજ આપતી, દર છ મહિને આ ફરજ અન્ય શિક્ષિકા બેનને સોપવામાં આવતી. ઉનાળાનો સમય એટલે છોકરીઓ કહે કે બેન, આપણે હવે અગાશી એ સૂવા જવું જોઈએ. એટલે મેં સંચાલક ગણની પરવાનગી લીધી. સૌ છોકરીઓ અને હું એમ કુલ 55-58 જેટલાં અગાસી એ અમે સૂતા.

રાત્રે 9.30 સુધી વાંચન અને ગૃહ કાર્ય બાદ સૌ પોતાની પાથરી લઈ ઉપર આવી જતાં, અંતાક્ષરી, શબ્દ કોષની રમત, સાહિત્યની વાતો આવું બધું એક કલાક જેવું નવરાશની પળોમાં રાતે કરીને સૌ સૂઈ જતા.

એક દિવસ એક છોકરી સાંજની પ્રાર્થના કરીને જમતી વેળા મને મળવા આવે છે અને કહે છે બેન, તમે કોઈને કહેતા નહીં નહિતર હા..હો દેકારા થશે. બે ચાર દિવસોથી કોઈ કેમ ગાલે હાથ ફેરવી જાય એમ મને ગાલ પર હાથ ફેરવે છે મને થયું મારી બેનપણી મસ્તી કરતી હશે એટલે હું જરાં જાગતી રહું પણ એ તો ઘસઘસાટ સૂતી હોય પણ મને પછી મોડી મોડી નિંદર આવે અને ઝોકું આવી જતાં હું સૂઈ જાવ તો વહેલી સવારે કોઈ ગાલે હાથ ફેરવી જાય.

આ વાત સાંભળતા મેં બહુ ધ્યાન ના આપ્યું. પણ થોડા દિવસો પછી એકી સાથે થોડી છોકરીઓ આવી અને તેમણે પણ આ ઘટના વિશે કહ્યું. હવે તો મને પણ થોડું વહેમ લાગ્યો એટલે મેં શાળા સંચાલક મંડળમાં આ વિશે ચર્ચા કરી સૌ એ પેલી છોકરીએ આત્મહત્યા કરી એ વાત સંભારી વાત પર ખૂબ ચર્ચા થઈ એટલે એક સચોટ નિર્ણય પર આવ્યા કે કોઈએ અગાસીએ સૂવું નહીં. પણ વાત અહીં અટકી ના ગઈ ત્રીજો માળ પણ અમારે અંતે બંધ કરવો પડ્યો એ હદે ફરિયાદ અને ડર આવવા લાગ્યો એક રૂમમાં ચાર ને બદલે પાંચ છોકરીઓ રહેવા લાગી.

સમસ્યા હજી પૂરી નથી થઈ રાતે ત્રીજા માળે કોઇ કેમ દોડતું હોય એવું ક્યારેક બનતું, ક્યારેક બારી ખડખડાટનો અવાજ તો ક્યારેક દરવાજા કેમ ખોલ બંધ વેળા હળવો અવાજ આવે એવી ઘટના બનવા લાગી.

આ હદે વાત પહોંચતા સતત પાંચ દિવસનો મહાયજ્ઞ અને મોક્ષ પ્રાપ્તિની વિધિ રાખવામાં આવ્યો. આખી બિલ્ડીંગમાં મંત્રો ચાર કરી વિધિ અને ખાસ ત્રીજા માળે મોક્ષ પ્રાપ્તિની વિધિ કરવામાં આવી. આખું ગામ ધુમાડા બંધ એટલે કોઈના ઘરે ચૂલો ના જગે એમ સતત પાંચ દિવસ બપોરે જમણવાર અને રાતે કીર્તન ભજન અને પ્રાર્થના કરવામાં આવી, સળંગ પાંચ દિવસ શાળાનું કાર્ય સંપૂર્ણ બંધ.

તે છોકરીની આત્માને શાંતિ મળે એ પાછળ દાન પુણ્ય અને તેમના માતા પિતાને થોડી આર્થિક સહાય પણ કરવામાં આવી. એ યજ્ઞ પછી થી લઈ હું નિવૃત થઈ 2010 સુધી ક્યારેય આવી ઘટના નથી બની આજે ત્રણેય માળ પર બહેનો રહે છે અને સાથે બે છાત્રપાલને ફરજ સોંપાઇ છે.

ઘણીવાર મારી પાસે ભણેલી છોકરીઓનો અચાનક ભેટો થઈ જાય તો એ અચૂક યાદ કરે કે બેન કેવું થયું હતું કા...!

હું થોડી ક્ષણ તો સાવ મૌન રહું હું ખૂબ વિચારમાં પડી જાવ કે મારે શું જવાબ આપવો પછી જેમ તેમ કરી તેમને વાત માંથી બહાર કાઢી અને કેમ છો કેમ નહીં કહી ફરી મળીશું એમ કહી રજા લઈ નીકળી જાઉં.


આપને આ પ્રકરણ પાંચ કેવું લાગ્યું, આપ Rates & Comments દ્વારા આપનો પ્રતિભાવ આપી શકો છો.આપનો પ્રતિભાવ મને લેખન માટે પ્રેરણા આપશે.

આપ સૌએ આ પાંચ પ્રકરણની સત્ય ઘટના પર આધારિત " આત્મા - એક અદ્રશ્ય અસ્તિત્વની" ની સાથે છેલ્લે સુધી જોડાય રહ્યાં અને ખૂબ સુંદર પ્રતિભાવ આપ્યો એ બદલ આપ સર્વે વાંચક મિત્રો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરુ છું.
ફરી મળીશું એક નવી વાત અને વિષય સાથે.

જયશ્રી ક્રિષ્ના.

- જયદિપ એન. સાદિયા "સ્પર્શ"

સમાપ્ત.