Twinkle - Serah the warrior princess - 13 books and stories free download online pdf in Gujarati

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 13

“રાજા વિશ્વર હું તારા સમર્પણની ભાવનાથી અતિ પ્રસન્ન થયો છું. મે તારા રાજ્યને મારું રક્ષણ પ્રદાન કર્યું છે. સાગરના તળિયે તારા રાજ્યને કોઈ આક્રમણનો ભય નહીં રહે. તું જ્યારે ઈચ્છા કરીશ ત્યારે તારા રાજ્યને સાગરસપાટી પર લઈ જઇ શકીશ અને પુન: સગારતળીયે લાવી શકીશ.” સમુદ્રદેવે કહ્યું.

વૃંદા, રાજા વિશ્વર અને ચંદ્રકેતુ સમુદ્રદેવ સામે પ્રણામ સ્થિતિમાં ઊભા હતાં. સમુદ્રદેવ રાણી વૃંદા સામે જોઈને બોલ્યા, “વૃંદા તું એક પતિવ્રતા સ્ત્રી છે. તે હંમેશાં તારા પતિ ને તારો ઈશ્વર માન્યો છે. તું હંમેશા તારા ધર્મને વળગી રહી. માટે હું તને આશીર્વાદ આપું છું. તું અત્યંત તેજસ્વી ત્રણ કન્યાઓને જન્મ આપીશ. જે સરસ્વતી, મહાલક્ષ્મી અને પાર્વતીની અવતાર સમાન હશે.”

વૃંદાને આશીર્વાદ આપીને સમુદ્રદેવ અંતર્ધ્યાન થયાં. ત્યારબાદ ચંદ્રકેતુ રાજા વિશ્વરને લઈને રાજમહેલમાં લઈને આવ્યો. આખો મહેલ પહેલાંની જેમ જ તેના સ્થાને અડીખમ હતો. મહેલના દરબારમાં રાજા ના તમામ મંત્રી હાજર હતાં. બધાએ પોતાના સ્થાનેથી ઊભા થઈને રાજા વિશ્વરનું અભિવાદન કર્યું.

વિશ્વર પોતાના સિંહાસન પર બેઠો એટલે બધા દરબારીઓએ તેમની બેઠક પર સ્થાન લીધું. રાજા વિશ્વરે ફરીથી ન્યાયપૂર્ણ રીતે શાસન કરવાની પ્રતિજ્ઞા કરી અને પોતાના રાજ્ય સમા આ નગરને રાજપ્રસ્થ નામ આપ્યું. તેણે મનમાં સમુદ્રદેવને યાદ કરીને આ નગર રાજપ્રસ્થને સમુદ્રના તળિયેથી સમુદ્રની જળસપાટી પર લઈ જવાની ઈચ્છા વ્યકત કરી.

એટલે તરત આખું નગર તળિયેથી સમુદ્રની જળસપાટી પર આવી ગયું. થોડા સમયમાં તે નગર એક વ્યાપારકેન્દ્ર બની ગયું. રાજા વિશ્વર શાંતિપૂર્ણ રીતે શાસન કરતો હતો. એ દરમિયાન તેની પત્ની વૃંદા ગર્ભવતી થઈ. સમય જતાં વૃંદાએ સમુદ્રદેવના વરદાન અનુસાર ત્રણ સુંદર કન્યાઓને જન્મ આપ્યો.

આ ત્રણેય કન્યાઓ સપૂર્ણ યુવાન અવસ્થામાં જન્મી હતી. આ જોઈને રાજા વિશ્વર અને વૃંદાના આશ્ચર્ય અને આનંદની કોઈ સીમા નહોતી. તેમણે ત્રણેય કન્યાઓને જોઈને નામ વિચારી લીધા. પહેલી કન્યા જે વિધાદેવી સરસ્વતીની પ્રતિકૃતિ હતી તેને ઝોયા નામ આપ્યું. બીજી કન્યા જે મહાદેવીનું શક્તિસ્વરૂપ હતી તેને માહી નામ આપ્યું. ત્રીજી કન્યા જે મહાલક્ષ્મીની સમાન સૌન્દર્યવાન હતી તેને સેરાહ નામ આપ્યું.

ટ્વીનકલે સેરાહનો ચહેરો જોઈને ડઘાઈ ગઈ. તે સેરાહમાં ખુદના પ્રતિબિબને જોઈ રહી હતી. ટ્વીનકલે અત્યાર સુધી જે કઈ જોયું તેના પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, પણ હવે તેના માટે માહીની કહેલી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.

ટ્વિંકલ અત્યાર સુધી પોતાના શરીરને અનુભવી શકતી નહોતી. પણ તેણે પોતાની આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને આંખો ખોલી. ત્યારે ટ્વીનકલ ની સામે સેરાહ ઊભી હતી. અને આસપાસની તમામ વસ્તુઓ ગાયબ થઈ ગઈ હતી. ચારે બાજુ ફક્ત પાણી જ દેખાઈ રહ્યું હતું. સેરાહ અને ટ્વિંકલની વચ્ચે ફક્ત તેમના પહેરવેશનો જ ફરક હતો.

સેરાહ ટ્વીનકલ સામે જોઈને હસી રહી હતી. ટ્વિંકલ બોલી,”તું મને જોઈ શકે છે? તું કેમ હસે છે?”

સેરાહ કઈ પણ બોલ્યા વગર હસી રહી હતી. તે સમયે ઝોયા અને માહી ત્યાં આવ્યા. એટલે તરત સેરાહએ ઘૂટંણભેર બેસીને પોતાનો જમણો હાથ હદય પર મૂકીને માહીનું અભિવાદન કર્યું. સેરાહને આમ કરતાં જોઈને ટ્વિંકલને અજીબ લાગ્યું પણ તે પોતાની જગ્યાએ સ્થિર ઊભી રહી. માહીએ સેરાહને ઊભા થવા માટે ઈશારો કર્યો એટલે સેરાહ ઊભી થઈ.

માહીએ ટ્વીનકલની સામે આવીને કહ્યું, “આજે તને તારા તમામ સવાલના જવાબ મળી જશે. અમે શા માટે તારી પાસે આવ્યા હતાં ? તું ખરેખર કોણ છે ? તારો સેરાહ સાથે શું સબંધ છે ? સેરાહને શું થયું હતું ? તારી તકદીર શું છે ? આ તમામ સવાલના જવાબ તારે જાતે જ મેળવવા પડશે. પણ જ્યાં સુધી તું સેરાહને ઓળખી નહીં શકે ત્યાંસુધી તું કઈ પણ નહીં કરી શકે.”

માહીની વાત પૂરી થયાં પછી ટ્વીનકલે કહ્યું, “માહીદીદી તમે જેમ કહેશો તેમ હું કરવા માટે તૈયાર છું. હવે હું મારા ભાગ્ય સાથે લડવા નથી માંગતી.” આ સાંભળીને માહીના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. તેણે ઝોયા તરફ જોઈને હકારમાં ઈશારો કર્યો.