Addiction is a curse books and stories free download online pdf in Gujarati

વ્યસન એક અભિશાપ

ગરમીના દિવસોની શરૂઆત હતી. છતાં આજે બપોરનો તડકો ખૂબ જ તીવ્ર વર્તાઈ રહ્યો હતો. આવી કાળજાળ ગરમીના કારણે હાઈ વે રોડ પણ થંભી ગયો હોય એવું લાગી રહ્યું હતું. ભાદ્રોડ ગામના બસ સ્ટેશનની સામે જ મારી ફર્નિચર ની દુકાન છે. જે મહુવા તાલુકાથી ૬ કિમી દૂર છે. ભાવનગર હાઈ વે રોડ આ ગામમાંથી જ પસાર થતો હોવાથી આ રોડ હંમેશા વાહનોની અવજવર થી વ્યસ્ત રહેતો. પરંતુ આ રોડ સૂનસાન વર્તાઈ રહ્યો હતો.


બરોબર બપોરના ૨.૩૦ વાગી રહ્યા હતા એવામાં એક શ્રમજીવી પરીવાર તડકાથી બચવા માટે મારી દુકાનના ઓટલા પર બેસ્યું. જો કે મારા માટે તો આ રોજનું હતું. ગામમાં બસ સ્ટેશન જેવી કોઈ સુવિધા નથી. જેથી ઘણા મુસાફરો મારી દુકાનના ઓટલા પર બેસી પોતાની બસની આવવાની રાહ જોતા. બસ આવી રીતે જ આ શ્રમજીવી પરિવાર ઓટલા પર બેઠા એની મને કોઈ નવાઈ ના લાગી. ને મે કોઈ દિવસ કોઈને ઓટલા પર બેસતા રોક્યા નથી. મારી એક ના થી કોઈને તડકે શેકાવવું પડે એ મારા સ્વભાવ વિરુદ્ધ હતું.


જે પરિવાર ઓટલા પર બેઠો હતો એમાં એક ૩૦ વર્ષનો પુરુષ હતો. તેને જોતા જ ખ્યાલ આવી જાય કે તે કોઈ જગ્યા પર મજૂરી કામ કરતો હશે. પરસેવાથી ભીંજાયેલા અને માટીથી ખરડાયેલા કપડાંને જોતા કાપડનો અસલી કલર ક્યો હતો એ કળી શકવું પણ મુશ્કેલ હતું. પુરુષની સાથે રહેલી મહિલા તેની પત્ની હતી. તે મહિલાએ એક દોઢેક વર્ષના દીકરાને તેડીની બેઠી હતી. તે પોતાની ટુંકી સાડીથી પોતાના શરીર અને તેમના દીકરાને ઢાંકવાના વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. તેની સાથે એક ૬ વર્ષની દીકરી હતી. તેણે પેહરેલા ફ્રોકમાં પાંચ જગ્યા પર થીંગડા મારેલા હતા.


એક સિમેન્ટ ભરવાની થેલી માં તે પરિવારનો સામાન ભરેલો હતો. સાથે એક કાળા કલરની પ્લાસ્ટિકનું ઝબલું હતું. તે પરિવાર અને તેની સાથે રાખેલા સામાનને જોતા કોઈ પણ વ્યક્તિ સમજી જાય કે તે ખૂબ જ ગરીબ હશે.


પતિ પત્ની બનેં સાથે બેસી ખૂબ જ મીઠી મધુર વાતોમાં તલ્લીન હતા. બંનેના ચહેરા ખુશ ખુશાલ હતા. પતિએ તેના બાળકો અને તેની પત્ની માટે સોડા પણ લઈ આવ્યો. બાળકો તો સોડા પિયને એક તાજગી મળી હોય એટલા પ્રફુલ્લિત થઇ ગયા.


સમય ૪.૩૦ થયો છતાં તે લોકો હજુ ઓટલા પર જ બેઠા હતા. પરંતુ તેનો પતિ દેખાયો નહિ. મે કાઈ વધારે વિચાર કર્યો નહિ. હશે કઈક આટલા માજ! આમેય મારે એનાથી શું મતલબ! હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો.


સાંજના ૬ વાગ્યા હશે ત્યારે મારી દુકાનથી થોડું આગળ વીસેક જણા નું ટોળું જમા થઈ ગયું હતું. જેમાંથી કંઇક આવા અવાજ આવતા હતા.


મારા હાળા દારૂ પિયને બાયુને મરાતું હશે....
(આ વાક્ય એક કાકા બોલ્યા જેને મે ૧૫ દિવસ પહેલા જ પોતાની પુત્રવધૂને વાળ ખેંચીને મારતા જોયા હતા.)

હવે જો એક પણ હાથ અડાડ્યો છે તો પોલીસ વાળા ને ફોન કરી દઈશ.....

શરમ નથી આવતી બાયું માણસને મારતા.....

છોકરાવનો તો વિચાર કર મારા રોયા......


અવાજ આવતો હતો એ દિશા તરફ હું આગળ વધ્યો. જોયું તો એજ પરિવાર ટોળા વચ્ચે હતું. બહેનના વાળ વેરવિખેર હતા એના હાથમાં રહેલું છોકરું એટલું રડતું હતું કે છોકરું જાલ્યું રહેતું નહોતું. મહામેહનાતે તે છોકરાને અને પોતાના પાલવને સાચવી રહી હતી. તેને જોતા જ કોઈ પણ ને તેના પર દયા આવી જાય. તેની બાજુમાં રહેલી ૬ વર્ષની છોકરી પણ રડતી હતી. પેલા ભાઇએ એટલો ચિક્કાર દારૂ પીધો હતો કે તે તેના બંને પગે સ્થિર ઊભો નહોતો રહી શકતો. આટ આટલા માણસોની સમજાવટ છતાં તે હજુ તેની પત્નીને ગાળો ભાંડી રહ્યો હતો.


થોડી વાર પછી મને જાણવા મળ્યું કે તે ભાઈ દારૂ પિયને તેની પત્ની સાથે ઝઘડ્યો હતો. અને તેની પત્નીને મારી રહ્યો હતો. ભીડ જમા થઈ હોવાથી માંડ પત્નીને મારતો બંધ થયો હતો.


ધીરે ધીરે ભીડ વિખેરાઈ ગઈ. પેલો ભાઈ લથડિયાં ખાતો રોડ ની બાજુમાં જ સૂઈ ગયો. અને પેલી બાઈ તેના બંને બાળકોને લઈ ને રોડની સામેના બાકડા પર બેસી ગઈ.


થોડી વારે રહીને એક ભાઈ મારી પાસે આવ્યા ત્યારે સાંજના ૭.૩૦ વાગી રહ્યા હતા. તેણે મને કહ્યું કે આ પરિવાર તમારા ઓળખીતા નો મોલ બને છે ત્યાં મજૂરી માટે આવ્યા છે. અત્યારે તે લોકો ગોધરા જવા માટે નીકળ્યા છે. પણ પેલા ભાઈએ દારૂ પીધો છે એટલે એને કોઈ બસમાં નહિ બેસાડે. તમે એક કામ કરો પેલા મોલ વાળા ભાઈને ફોન કરીને કહો કે આ લોકોને લઈ જાય. ખોટા છોકરાવ અહી હેરાન થશે.


મે મોલના સુપરવાઈઝરને અહી ઘટેલી આખી ઘટના કહી. તેણે તરત જ બે માણસો મોકલી દીધા. થોડીવારમાં આવેલ બંને માણસોએ પેલા ભાઇને એટલો માર્યો કે બધો નશો ચકનાચૂર કરી નાખ્યો. પછી તેના પૂરા પરિવારને તે લોકો તેની સાથે લઈ ગયા.


થોડીવાર રહીને પેલો સુપરવાઈઝર મારી દુકાન પર આવ્યો. તેણે પેલા પરિવારની આખી હકીકત જણાવી તો હું સ્તબ્ધ થઈ ગયો. તેણે કહ્યું કે પેલી બાઈ ના પિતાજી મરણ પથારીમાં હતા ત્યારે તેની છેલ્લી ઈચ્છા એકની એક દીકરીના લગ્ન કરાવવાની હતી. તેના પિતાજીના એક મિત્ર ગામમાં ખૂબ જ ધનવાન કહેવાતા. ગામમાં તેની જાહોજહાલી હતી. ગામમાં સૌથી વધુ જમીન તેમની પાસે હતી. પોતાના મિત્રનાં દીકરા સાથે જો દીકરીના લગ્ન થઈ જાય તો દીકરી દુઃખી નહિ થાય એમ વિચારી દીકરીના પિતાજીએ થોડા સંકોચ સાથે તેના મિત્ર સામે દીકરીના માંગાની વાત કરી. તેના મિત્ર એ અમીર ગરીબનો ભેદને બાજુ પર રાખી તેની મિત્રતા નિભાવવા માટે એ માંગાનો સ્વીકાર કર્યો અને પિતાની હયાતીમાં જ લગ્ન કરી આપ્યા. લગ્નના થોડા દિવસ પછી દીકરીના પિતાનું અવસાન થયું. દીકરીને સાસરિયું ખૂબ સારું મળ્યું હોવાથી દીકરી સુખે રહેતી હતી પરંતુ ભગવાનને એ મંજૂર નહિ હોય. દીકરીના સાસરિયાના મોભી ગણાતા એના સસરા લગ્નના એક વર્ષ પછી અકસ્માતમાં મુત્યુ પામ્યા. ઘરની બધી જ જવાબદારી તેના પતિ ઉપર આવી ગઈ. પતિએ એક વર્ષ સુધી ઘર અને જમીનનું ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું પણ પછીથી એમની બેઠક આવારા લોકો સાથે વધતી ગઈ. પતિના પિતાજી ઘણી મૂડી અને જમીન મૂકતા ગયા હતા એની જાળવણી કરવાને બદલે તેનો પતિ તેમના આવારા મિત્રો સાથે એશોઆરામ ની જિંદગી જીવવા લાગ્યો. થોડા સમયમાં જ એ દારૂ, ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં એવો સપડાઈ ગયો કે પિતાજીએ ભેગુ કરેલું ધન વપરાઈ જતા વ્યસનો પૂરા કરવા જમીન પણ વેચી નાખી. આવકના બધા સ્રોતો બંધ થઈ જવાથી પેલી બાઈને દાડિયે જવાનો વારો આવ્યો. તેના પતિને પણ દારૂ દરરોજ જોતો હોવાથી તે પણ દારૂના પૈસા મેળવવા માટે દાડિયે જવા લાગ્યો. તેઓના ગામડે રોજગારી નહોતી મળતી માટે જ અહીં એ લોકો મજૂરી કરવા આવ્યા હતા.


હું તો એની કહાની સાંભળીને મનોમન વિચારવા લાગ્યો કે એ વ્યસન કેટલું ઉગ્ર હશે જેમાં વ્યક્તિ એના પરિવારનું કે સમાજનું તો વિચારી નથી શકતો પરંતુ એ વ્યક્તિ વ્યસનની આડમાં પોતાના અસ્તિત્વને પણ વિસરી જતો હોય છે. બાકી આટલી જાહોજલાલી માથી મજૂરી કરવા સુધીની નોબત થોડી ઊભી થાય.


"શોખ માટે શરૂ કરેલું નાનકડું વ્યસન સમય જતાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે કે જે પરિવારને વેરવિખેર કરીને જ જંપે છે"

સમાપ્ત
પ્રમોદ સોલંકી