Cage books and stories free download online pdf in Gujarati

પિંજરું

ઇ. સ. ૨૦૦૧

ખૂબ જ દિલાવર અને બહોળું વ્યક્તિત્વ ધરાવતા મનોજભાઈ નાના એવા ગામ માં સારી એવી પ્રતિષ્ઠા ધરાવતા હતા. ગામની પંચાયતમાં પણ કોઈ અલગ કાર્ય માટે મનોજભાઈ નું મંતવ્ય જરૂર લેવામાં આવતું. ગામના કોઈ પણ ઘરે સુખ કે દુઃખના કોઈ પણ પ્રસંગે મનોજભાઈ અચૂક હાજરી આપતા. ગામ ના કોઈ પણ ઘરમાં નાના મોટા ઝઘડાનું નિરાકરણ માટે એ બંને પક્ષને પોતાના કારણો રજૂ કરવા માટે સમય પણ આપતા અને એને સાંભળતા પણ ખરા સાથે ઝઘડાનું નિરાકરણ પણ પક્ષપાત વગર કરી આપતા. માટે જ કદાચ ગામ લોકો તેમને આટલો આદર, સન્માન અને પ્રેમ આપતા હશે! અત્યાર સુધી માં ક્યારેય ગામના કોઈ પણ વ્યક્તિ એ મનોજભાઈ ની સલાહને અનદેખી કરી નહોતી.

આજ થી ૧૦ વર્ષ પહેલાં જ મનોજભાઈ ની પોસ્ટ ઓફિસના મેનેજર તરીકે આ ગામ માં બદલી થઇ હતી. ગામ લોકો ના પ્રેમથી જ એ આ ગામ માં સ્થિર થયા હતા. આજે મનોજભાઈ આ ગામ ના વતની જ હોય એવું લાગી રહ્યું હતું. ગામ ના લોકો પણ મનોજભાઈ માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હતા.

મનોજભાઈ ના કુટુંબમાં પત્ની, બે મોટી દીકરી અને એક દીકરો હતા. મનોજભાઈ નો પરિવાર સુખી સંપન્ન હતો. પરંતુ ગામ ની અમુક મર્યાદાને ધ્યાન માં રાખી ને જ તેમની બંને દીકરીઓને બહાર આવવા જવાની છૂટછાટ નહોતી. ગામ માં જે લોકો ને ખેતી હતી તેમની દીકરીઓ જ તેમના ખેતર માં પરિવાર સાથ પરિવાર ની મદદ માટે જતી.ધોરણ ૧૨ સુધી તો મનોજભાઈ ની મોટી દીકરી શિવાની સ્કૂલના ટાઈમ સુધી ઘર ની બહાર રહી શક્તિ હતી. ધોરણ ૧૨ પૂરું કર્યા પછી એની ઈચ્છા નજીકના શહેરમાં રેગ્યુલર કોલેજ કરવાની હતી પરંતુ મનોજભાઈ એ તેનું ફોર્મ external મા ભરી દીધું. પિતાના ડર ના કારણે તે પોતાની ઈચ્છા તેના પિતા સામે રજૂ ન કરી શકી. શિવાની એ સજાવેલી આશા પર પાણી ફરી ગયું. External મા ફોર્મ ભર્યું હોવાથી શિવાની ને ફક્ત પરીક્ષાના સમયે જ શહેર માં જવા મળતું. બાકી ના દિવસો શિવાની ને ઘર ની ચાર દીવાલ વચ્ચે જ પસાર કરવાના થતાં. શિવાની ને આ વાત હંમેશા ખૂંચ્યા કરતી. શિવાની ને આખો દિવસ ઘરમાં જ પસાર કરવો અસહ્ય થઈ રહ્યો હતો. તેને પોતાનું ઘર એક કેદખાના જેવું લાગી રહ્યું હતું. એ જ્યારે શહેરમાં પરિક્ષા આપવા જતી ત્યારે શહેર ની છોકરીઓ ને જોય ને તેને પોતાની જાત પ્રત્યે ધૃણા આવતી. શહેર ની છોકરીઓ કેટલા મુક્ત મને ફરી શકે છે, શોર્ટ્સ કપડાં પણ પહેરી શકે છે, છોકરાઓ સાથે બિન્દાસ વાત કરી શકે છે. એ જ્યારે પણ પરિક્ષા આપવા જતી ત્યારે એ પોતાની જાત ને કોસતી. એને પણ બીજી બધી છોકરીઓની જેમ મુક્ત ગગનમાં ઉડવું હતું. એને આ ચાર દીવાલ નું પિંજરું હંમેશા ખટકતું. એ એમાંથી આઝાદ થવા માંગતી હતી.

કોલેજના ૩ વર્ષ પૂર્ણ થયા. ફરી ઈચ્છા જાગી કે જિલ્લામાં રહી ને રેગ્યુલર કોલેજમાં પ્રવેશ લે પણ પિતાએ ફરી external માં ફોર્મ ભરી દીધું. આ વખતે વધારે દુઃખ થયું. પણ પિતા સામે કાંઇ બોલી શકવાની હિંમત તેનામાં નહોતી. શિવાની ને હવે પોતાના જ પારકા છે એવો અહેસાસ થવા લાગ્યો. શિવાની ને જરૂર હતી એક સહાનુભૂતિની. એ સહાનુભૂતિ શોધવા બહારના લોકો પાસે મિટ માંડી ને બેઠી હતી. અને એ સહાનુભૂતિ એક અણછાજતા સ્પર્શમાં દેખાણી. એ એક સ્પર્શે શિવાની ના રોમે રોમમાં આગ લગાવી દીધી. બન્યું એવું કે જ્યારે એ જિલ્લામાં પરિક્ષા આપવા પ્રાઇવેટ બસ માં ચડી ત્યારે જ એ બસ ના ટિકિટ ચેકર સાથે એના હાથ નો સ્પર્શ થયો હતો. કદાચ એ યુવાને જાણી જોઈ નેજ સ્પર્શ કર્યો હતો. પણ શિવાની ને આ સ્પર્શ ગમ્યો હતો. યુવાન પણ દેખાવે સુંદર લાગતો હતો. યુવાને એક મસ્ત સ્માઇલ આપતા શિવાની ને બેસવાની સીટ ખાલી કરી આપી. તેણે પણ એની બાજુમાં જ બેઠક ગોઠવી. ધીરે ધીરે વાત નો સિલસિલો શરૂ થયો. ૭ દિવસ ની પરીક્ષામાં શિવાની, એ યુવાન ને દિલ દઈ બેઠી. સાથે જીવવા મરવાના કોલ બંને વચ્ચે દેવાય ગયા હતા. શિવાની ઘરે પણ એ યુવાન ના વિચારો માં ખોવાયેલી રહેતી.

શિવાની માં આવેલ પરિવર્તનથી માતા ને ચિંતા થાય છે. એણે એક બે વાર એના પતિ મનોજભાઈ સાથે આ બાબતે ચર્ચા કરી જોઈ પરંતુ મનોજભાઈ એ એટલું કહી ને વાત ને ટાળી દીધી કે દીકરીને પરીક્ષાનું ટેન્શન રહેતું હશે માટે કદાચ એનું વર્તન બદલાયું હશે. જો કે મનોજભાઈ ગામના સામાજિક કાર્યોમાં જ રચ્યાપચ્યા રહેતા માટે તે પોતાના ઘરે પૂરતું ધ્યાન આપી શકતા નહોતા.

એ સમયે મોબાઈલ કોઈ પાસે હતા નહિ, નહીતો શિવાની રોજ એ યુવાન સાથે વાતો કરી ને પોતાના દિલ નો ભાર હળવો કરી લેત. પણ એને તો જોવાની હતી રાહ પરીક્ષાની. પરિક્ષા ના સમયે જ બંને મળી શકતા. એ યુવાન ના સુંવાળાં સ્પર્શની યાદ માં જ પરિક્ષા વચ્ચે નો સમય કાપવાનો હતો. પરીક્ષાના દિવસો નજીક આવતા એ યુવાન ને મળવાની તાલાવેલી વધતી ગઈ. રાહ જોવાનો સમય પણ હવે પૂર્ણ થયો. બીજા દિવસે જ પરિક્ષા હતી.

બીજા દિવસે બસ માં ચડતા જ યુવાન ને જોતા શિવાની નો ચહેરો ખીલી ઉઠ્યો. બંને વચ્ચે ખૂબ જ વાતો થઈ. શિવાની એ યુવાન ને પ્રસ્તાવ મૂક્યો કે મને આ કેદ ખાના માંથી કંઇક દૂર લઈ જા જ્યાં આપણા બંને સિવાય કોઈ ના હોય. યુવાને શિવાની ના પ્રસ્તાવ ને મંજુર કરતા કહ્યું કે તારી પરીક્ષાના છેલ્લા દિવસે આપણે કંઇક દૂર જતા રહેશું. તેઓએ કરેલા આયોજન પ્રમાણે બંને ભાગી ગયા.

મનોજભાઈ ને જાણ થઈ કે દીકરી કોઈ છોકરા સાથે ભાગી ગઈ. મનોજભાઈ ખૂબ જ દુઃખી થયા. અચાનક એની પત્ની ના શબ્દો યાદ આવ્યાં કે ગામ ના જ સામાજિક કાર્યોમાં જ રચ્યા પચ્યા રહેશો તો પોતાના ઘર માં ક્યારે ધ્યાન આપશો? મનોજભાઈ ને અફસોસ થઈ રહ્યો હતો કે ઘરમાં થોડું ધ્યાન આપ્યું હોત તો આ દિવસ આજે જોવા ન મળ્યો હોત! ગામના કોઈ પણ ના ઝઘડામાં બંને પક્ષ ને સાંભળી શકતા મનોજભાઈ પોતાની દીકરીની વાત રજૂ કરવાનો મોકો આપી શક્યા નહોતા. પણ હવે એ સમય એના હાથમાંથી સરકી ગયો હતો હવે પસ્તાવા સિવાય કોઈ ઉપાય નહોતો. દીકરીને શોધવાના પ્રયત્નો પણ મનોજભાઈ એ ના કર્યા. દીકરી ને ગમ્યું તે ખરું. પણ હવે ગામ માં માથું ઉંચકીને કેમ ચાલી શકશે એ ડર સતાવી રહ્યો હતો. પોતાને એ પણ ડર લાગ્યો કે ક્યારેક કોઈ ના સમાધાન માં સામે વાળી વ્યક્તિ પણ તેનું મોઢું પણ તોડી શકે છે તે એ પણ કહી ને મેણું મારી શકે કે તમે પહેલાં તમારા ઘરનું કરો તમારી દીકરી પણ ભાગી ગઈ છે. અચાનક જ એક ગંભીર નિર્ણય લીધો. આ ગામ માં હવે એક પળ પણ રોકાઈ નહિ શકે. તેણે પોતાની નોકરી માંથી રાજીનામું આપી દીધું અને ગામ છોડી દૂર જતા રહેવાનું નક્કી કર્યું.

ગામ લોકો ને આ વાત ની જાણ થઈ. ગામ લોકો એ બહુ સમજાવ્યા કે તમે આ ગામ છોડી ને ના જાવ. તમે કહેતા હોવ તો તમારી દીકરીને અમે શોધી આપીએ. પણ મનોજભાઈ એક ના બે ના થયા. તે પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા. આખરે ગામ ની વિદાય લીધી. તે દિવસે આખું ગામ હીબકે ચડ્યું. કોઈ ના ઘરે તાવડી ચૂલે ના ચડી. મનોજભાઈ એ ગામમાં આપેલા અદ્ભુત યોગદાન અને પ્રેમ ગામ ના લોકો ક્યારેય ભૂલી ના શકે તેવા હતા. માટે જ કદાચ ગામ ના લોકો મનોજભાઈ ની અચાનક વિદાય તેઓ માટે અસહ્ય થઈ રહી હશે.

શિવાની ને પિંજરા માંથી મુક્તિ મળી હોય એવો અહેસાસ થવા લાગે છે. મુક્ત ગગન માં ઉડતી હોય એવો ભાસ થાય છે. પેલો યુવાન પણ શિવાની ની બધી જ ઇચ્છાઓ પરિપૂર્ણ કરે છે. છ મહિના સુધી બંને નું દામ્પત્ય જીવન ખૂબ જ પ્રેમ પૂર્વક પસાર થયું. યુવાને આપેલી બધી જ છૂટછાટ થી શિવાની બીજા છોકરાઓ સાથે પણ મુક્ત મને વાતો કરતી. યુવાન ને હવે આ બધી છૂટછાટ ખટકવા લાગી. યુવાન નો પ્રેમ દિવસે દિવસે ઓસરવા લાગ્યો. હવે તે શિવાની ને શંકા કુશંકા ની નજરે જોવા લાગે છે. પછી એક દિવસ એવો પણ આવે છે કે શિવાની ને એકલા બહાર જવાની પાબંધી લગાવી દે છે. શિવાની ફરી એક નવા પિંજરા માં કેદ થઈ હોય એવો અહેસાસ થવા લાગે છે. શિવાની ને હવે જૂનું પણ સ્નેહ નું પિંજરું યાદ આવે છે એમાં ભલે એને કેદ જેવું લાગતું પરંતુ સાથે સ્નેહ પણ મળતો જ્યારે નવા પિંજરામાં એના પર શારીરિક અને માનસિક અત્યાચાર પણ ગુજારવામાં આવતા. જૂના પિંજરા માં જવાના બધા રસ્તા બંધ હતા હવે એને આ નવા પિંજરામાં જ શોષણ થવાના ભાગ્ય લખ્યા હશે!

* * * * * * સાર * * * * * *

માતા પિતા પોતાની સામાજિક અને આર્થિક જવાબદારીઓ માં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સંતાનની ઈચ્છા ને અનદેખી કરી નાખે છે. અને સમાજ માં પોતાનું માન અને પ્રતિષ્ઠા જાળવવા પોતાની ઈચ્છા મુજબ પોતાના સંતાન ને જીવવા પર મજબૂર કરે છે. પોતાના સંતાન નું ભવિષ્ય પોતે જ ઘડશે એવો અધિકાર જતાવે છે. અને આ અધિકાર માં બાપ પોતાના પ્રેમ સ્વરૂપે સંતાન પર થોપે છે. જે આગળ જતાં સંતાન ને ગૂંગળામણ નો અનુભવ કરાવે છે. માં બાપ નો અધિકાર પોતાના સંતાન ને એક સારું જીવન આપવાનું હોય છે. સારા સંસ્કાર આપવાનું હોય છે. સંતાન પોતે પોતાની ઈચ્છા મુજબ પોતાનું ભવિષ્ય ઘડી શકે છે. મા-બાપે પોતાના સંતાનને એટલા સક્ષમ બનાવવા જોઈએ કે સંતાન પોતાના ભવિષ્યનો નિર્ણય જાતે લઇ શકે. અને માતા પિતા એ પણ પોતાના સંતાન ની ઈચ્છા ને માન આપવું જોઇએ.

સમાપ્ત.
પ્રમોદ સોલંકી

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.
આપ પોતાના મંતવ્યો મારા whatsapp નંબર 9913654276 પર આપી શકો છો.
મારી બીજી વાર્તાઓ "સ્ત્રી મિત્ર", "કરિયાવર", "ઝંખના", "બંધ ઓરડો" અને "નવરાત્રી નો પ્રેમ રાગ" માતૃભારતી પર ઉપલબ્ધ છે.
આભાર🙏🙏🙏