Point of view books and stories free download online pdf in Gujarati

દૃષ્ટિકોણ

એક નાનકડું ગામ હતું. તેમાં પેથાભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો. પેથાભાઈ વિધુર હતા. તેમના પાંચ દીકરાને ઉજેરીને મોટા કરવા માટે પોતાની દસ વીઘા જમીન પણ વેચી નાખી. મોટા ચાર દીકરાઓ લગ્ન કરીને જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા જ્યારે પેથાભાઈ પોતાના નાના દીકરા સાથે જ ગામડામાં રહેતા હતા. નાના દીકરાનું નામ ગગજી પણ બધા એને ગગો કહીને બોલાવે. પેથાભાઈને ગગાની ચિંતા રહેતી. એના સમાજમાં કોઈ એવું ઘર બાકી નહોતું જ્યાં પેથાભાઈ એ ગગાનું માંગુ ના નાખ્યું હોય. પેથાભાઈ ભગવાનને રોજ એવી પ્રાર્થના કરતા કે મારા ગગા ના લગ્ન જોય લવ પછી સુખે થી મરું તો વાંધો નહિ. પણ હવે ગગો લગ્નની ઉંમર વટાવી ને ૪૦ નો થયો હતો. જો કે ગગાએ તો ૩૦ વર્ષની ઉમરે જ લગ્નની અબળખા જોવાની છોડી દીધી હતી છતાં પેથાભાઈ છુપી રીતે ગગા ના લગ્નની વાતો ઘરે આવતા દરેક વ્યક્તિને કરતા હતા.


ગગાને પણ અઢાર વર્ષની ઉમરે મિત્રના કે સબંધીના લગ્ન વખતે ફૂલેકામાં નાચતો ત્યારે પોતાનું પણ આવી રીતે જ ફુલેકું કાઢશે અને ધામધૂમથી લગ્ન કરશે એવો ઉમળકો હતો. પરંતુ પોતાનાથી મોટા ચાર ભાઈઓના લગ્ન પછી તેમનામાં આવેલા પરિવર્તનો અને તેમના ઘરમાં અવારનવાર સર્જાતા નાના મોટા ઝઘડાઓને જોય ગગાએ લગ્ન નહી કરવાનો નિર્ધાર કર્યો. ૩૦ વર્ષની ઉંમર થતાં જ ગગાએ તેના પિતાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હવે હું ક્યાંય છોકરી જોવા નહિ જાવ અને તમે પણ મારા લગ્ન માટે કોઈને છોકરી ધ્યાનમાં રાખવાનું ના પૂછતા.


ગગો સ્વભાવે ખૂબ જ મજાકિયો. એનું વ્યક્તિત્વ પણ એકદમ સીધું અને સરળ. સ્વભાવ પણ ભોળો કે કોઈ અજાણી વ્યક્તિ સામે પણ પેટછૂટી વાત કરી નાખે. ગગાને બાળકો પ્રત્યે પણ ખૂબ લગાવ ગામના કોઈ પણ બાળકોને રસ્તામાં રમતા જુએ તો એની સાથે રમવા લાગે અને બાળકોને ચોકલેટ પણ ખવડાવે. પરંતુ બાળકોના વાલીઓને આ ગમતું નહિ. તે ગગાને કશું કહેતા નહિ પરંતુ તેમના બાળકોને ધમકાવીને કહેતા કે તમારે ગગા સાથે રમવું નહિ. ગગાને ક્યારેય એ ના સમજાણું કે બાળકોના વાલીઓ શા માટે તેમની સાથે રમવા નથી દેતા.


ગગાનો સુખ દુઃખનો સાથી મુકલો રોજે રાત્રે ગગાને મળવા આવતો. આજે પણ રોજ ની જેમ મુકલો ગગાને મળવા આવ્યો હતો. બંને એક જ ખાટલામાં બાજુ બાજુમાં બેઠા હતા. "ખોટું ના લાગે તો એક વાત પૂછું ગગા?" ગગાના નિસ્તેજ ચહેરાને જોતા મુકા એ કહ્યું. "હા પૂછ, તારી વાતનું મને ક્યારેય ખોટી લાગ્યું છે?" ગગાએ ખાટલાની ઈસ માં હાથ ટેકાવતા કહ્યું.


મુકલો :- ચાર દિવસથી ભાળું છું તને, તું કંઈ ઉપાદીમાં છો?


ગગો :- ના રે મારા જેવા એકલા માનહ ને શી ઉપાદી હોય? કાં આવું શીદને પૂછે છે?


મુકલો :- તું કંઇક અંદર અંદર મૂંઝાતો હોય એવું મને કળાય છે? કદાચ આ મુંજારાનું કારણ લગન નથી થયા એ તો નથીને? ગગાના ચહેરાને નીરખતા કહ્યું.


ગગો :- અરે ના મુકલા ના. મને તો એ વાતની ખુશી છે કે મારા લગન નથી થયા. લગન એ તો એક સ્વાર્થનું સગપણ છે. હું એ સ્વાર્થના સગપણમાં ભળવા પણ નથી માંગતો.


મુકલો :- લગન અને સ્વાર્થનું સગપણ એ કંઈ સમજણું નહિ ગગા.


ગગો :- જો હું તને સમજાવું. તું મને પહેલા એ જણાવ કે તે લગન શા માટે કર્યા?


મુકલો :- વંશ વારસો આગળ વધી શકે અને ટેમે રોટલો રાંધી દે એ માટે. થોડું વિચારીને જે સૂઝ્યું એ મુક્લાએ કહી દીધું.


ગગો :- જો બધા લગન એ હાટુ કરે છે કે પત્ની તેના પતિને સાચવે, ટાઈમે જમવાનું બનાવી દે, પોતાના પરિવારને સાચવે અને પોતાનો વંશ વારસો આગળ વધે એ માટે બાળકો પેદા કરે. તો વિચાર બધા માં સ્વાર્થ પહેલો આવ્યો કે નહિ?


મુકલો :- હા તો? મુક્લાને ગગાની બધી જ વાત ઉપર થી જતી હતી છતાં વાતને આગળ વધારવા માટે ટુંકો પ્રત્યુતર વાળ્યો.


ગગો :- તું શા માટે તારા બાળકોને ભણાવી ગણાવીને મોટા કરે છો?


મુકલો :- બાળકો ભણી ગણીને સારી નોકરીએ લાગી જાય અને પછી અમારા ઘડપણમાં એ અમને સાચવે એ માટે.


ગગો :- જોયું એમાં પણ તારો સ્વાર્થ રહેલો છે. પરંતુ એક વાત મને સમજાવ કે બાળકો મોટા થઈને તને સાચવશે જ એની શું ગેરંટી?


મુકલો :- બાળકોને ભણાવવા માટે પંડ નીચોવી નાખતી મજૂરી કરુ છું, બાળકોના બધા અરમાનો પૂરા કરવા મારી બધી ઈચ્છાઓ દબાવી દવ છું અને આટલી મહેનત કર્યા પછી એટલો ભરોસો તો છે જ કે બાળકો અમારી વૃધ્ધાવસ્થા વખતે અમને સાચવશે જ.


ગગો :- તને કદાચ એવું લાગતું હશે કે મારા લગન નથી થયા એટલે જ હું આવી નકારાત્મક વાતો કરું છું પણ એવું નથી. મે ઘણા કિસ્સાઓ જોયા પછી જ આ અનુમાન કાઢ્યું છે.


મુકલો :- એ સ્વાર્થનું સગપણ હોય કે ના હોય એ બધું મુક પડતું. તું મને એ કહે કે તને લગન ની ઉપાદી નથી તો શેની ઉપાદી છે ઈ કે? મુકા એ અકળાતા પૂછ્યું.


થોડીવાર ગગા એ કશું કહ્યું નહીં. પણ એની આંખો આંસુથી ભીંજાય ગઈ. અચાનક જ આવેલા લાગણીશીલ પરિવર્તનથી મુકલો અસમંજસમાં મુકાઈ ગયો. ગગાને શું જવાબ આપવો એ મુકલાને સમજાણું નહિ. છતાં મુક્લાએ આંખોથી જ હિંમત આપી અને શું થયુ એ જાણવા માટે ઈશારાથીજ પૂછ્યું.


ગગો :- હું તને ખરાબ માણસ લાગુ છું?


મુકલો :- ના, કેમ આવું પૂછે છે?


ગગો :- ગામમાં મે ક્યારેય કોઈ છોકરીની છેડત્તી કરી હોય કે કોઈ છોકરી સાથે ઊંચી નજર કરીને પણ જોયું હોય એવો કોઈ દિવસ દાખલો બન્યો છે ખરી?


મુકલો :- ના, હજુ સુધી તો એવો કોઈ દાખલો બન્યો જ નથી. તું એવા પ્રકારનો છોકરો નથી. પરંતુ તું આવું બધું શા માટે પૂછે છે?


ગગો :- કારણ કે હું જ્યારે પણ ગામમાં નીકળું છું ત્યારે બધા જ લોકો મને એક તુચ્છ દૃષ્ટિકોણથી જુએ છે. જાણે મે એ લોકોનો કોઈ ગુન્હો કર્યો ના હોય! શું લગન ના કરવાથી માણસોને આપણી પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જતો હશે! અરે લોકો ભલે ગમે તેવા દૃષ્ટિકોણથી મારી સામે જુએ મને કોઈ ફરક નથી પડતો પરંતુ હું બાળકો સાથે પણ કોઈ ગમ્મત કરતો હોવ ત્યારે તેમના વાલી મારી સામે જ બાળકને ધમકાવીને ઘરે મોકલી દે છે. જાણે કે હું એ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ના કરવાનો હોવ! પણ જ્યારે જ્યારે આવું બને છે ત્યારે મારું હૃદય દ્રવી ઉઠે છે. શું લગન નહિ કરનાર વ્યક્તિ વાસનાશિલ જ હોય એવું થોડું જરૂરી છે. હું એ બાળકોને પુત્રથી વિશેષના દરજ્જે જોતો હોવ છું પણ આ લોકો મારી આ પુત્ર દૃષ્ટિને પણ વાસાનાશિલ દૃષ્ટિ ગણે છે. જ્યારે જ્યારે આવું બને છે ને મુકલા ત્યારે મને આત્મહત્યા કરવાનો વિચાર આવી જાય છે. છેલ્લું વાક્ય બોલતા જ ગગાથી ડૂસકું ભરાય ગયું.


મુકલો :- બસ આટલી જ વાતમાં તું હિંમત હારી ગયો. તને પહેલી કહેવત તો ખબર જ છે ને "જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ". તારે એમાં આટલી ઉપાદી કરવાની જરૂર નથી. સામે વાળાની જેવી દ્રષ્ટિ હશે એને સામે એવું જ દેખાશે. તારી જાતને ઓળખે છે ને કે તું કેવો છે? જો ગગા તારા અંતરમાં કોઈ પાપ નથી તું જેવો છે એવો જ રે એક દિવસ જરૂર લોકોને એહસાસ થશે કે તારી દૃષ્ટિમાં હીનતા નથી. પણ ત્યાં સુધી આ બાબતે વિચાર કરી કરીને તારા આત્મવિશ્વાસને ગુમાવીશ નહિ.


ગગો :- હા હવે એવું જ કંઇક કરવું પડશે.


* * * * * *

સમયનો પ્રવાહ આગળ વધતો ગયો. પેથાભાઈ એ પણ પોતાની અધૂરી ઈચ્છાએ જ આ ફાની દુનિયા ની વિદાય લીધી. ગગો પણ એકલો પડી ગયો પરંતુ તે હવે ગામ લોકોના દ્રષ્ટિકોણ ની કોઈ પરવા કરતો નહીં. તે પોતાના આત્મવિશ્વાસને હર હંમેશ બરકરાર રાખતો. તે હંમેશા પોતાની જાતને વ્યસ્ત રાખતો જેથી ખોટા વિચારો તેના પર હાવી ના થાય.


ગામમાં કોઈ દવાખાનાની સુવિધા ન હતી. જ્યારે કોઈ બાળક બીમાર પડતું ત્યારે ગામથી ૨૦ કિલોમીટર દૂર શહેરમાં લઇ જવું પડતું. ઘણી વખત બાળક ત્યાં પહેંચે એ પહેલાં જ મૃત્યુ પામતું ત્યારે ગગા ને બહુ દુઃખ પહોંચતું. એકવાર આવા જ એક બનાવમાં બાળક મૃત્યુ પામ્યું ત્યારે ગગાએ મનોમન એક સંકલ્પ કર્યો કે તે ગામમાં એક હોસ્પિટલ શરૂ કરશે. ગગા પાસે તો કોઈ પૈસાની જોગવાઈ નહોતી છતાં અત્યાર સુધી કરેલ કામમાં થયેલી ૧ લાખ ની બચત અને તે રહેતો હતો તે ઘર પણ હોસ્પિટલ બનાવવા માટે દાનમાં આપવાની તૈયારી બતાવી. ગામના આગેવાનો સાથે આ બાબતે ચર્ચા કરી. અમુકે તેને હાંસી પાત્ર ગણ્યો તો અમુકે તેના વિચારની સરાહના કરી. છેવટે ગગાએ ગામમાં ભંડોળ ભેગુ કરવા ઘરે ઘરે રખડ્યો. ગામમાંથી ભંડોળ ઉભુ ના થતા ગામના જ લોકો જે શહેરમાં વસતા હતા અને ધનાઢય હતા તેને પોતાનો વિચાર રજૂ કરી ભંડોળની યાચના કરી. ધીમે ધીમે ગગાની મહેનત રંગ લાવી. ગામ લોકો પણ હવે ભંડોળ એકઠું કરવા ગગાનો સાથ આપતા. ભંડોળ એકઠું થયા પછી ગગાના મકાનને પાડીને ત્યાજ એક હોસ્પિટલ ઊભી કરવામાં આવી. ગામલોકોની ભલામણથી હોસ્પિટલમાં જ ગગો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ગગો હવે કોઈ કામ કરતો નહીં હોસ્પિટલમાં જ સેવા બજાવતો. હોસ્પિટલમાં બાળકોને જેટલી દવા અસર નહોતી કરતી એટલી અસર ગગાનો મજાકિયો સ્વભાવ કરી જતો. વાલીઓ પણ ગગાના ભરોસો બાળકોને મૂકી ઘરે જતા રહેતા. આખરે લોકો ગગાના નિર્વિકારી મન ને ઓળખી શક્યા.


* * * * * સાર * * * * *


ક્યારેક આપણા જીવનમાં ચાલતા ખરાબ સમય ને લોકો ની પૂર્વધારણા ને લીધે આપણે આપણી અંદર રહેલા આત્મવિશ્વાસને ગુમાવી બેસીએ છીએ. લોકો આપણને જે દ્રષ્ટિથી જુએ છે એ જ નજરથી આપણે આપણી જાતને તપાસતા રહીએ છીએ. પરંતુ જેમ સમય એકસરખો નથી હોતો તેમ દરેક વ્યક્તિ એકસરખી નથી હોતી. અહીંયા દરેક વ્યક્તિ પોતાની એક અલગ જ કહાની લખવા આવ્યું છે. આવા સમયે ખોટા વિચારો કે સામે વાળી વ્યક્તિ સાથે તેના જેવું જ વર્તન કરવાને બદલે ખૂબ મહેનત અને આત્મિશ્વાસ થી સારા સમયની રાહ જોવી. ભગવાને આપણા કરતાં વધુ સારો જવાબ તૈયાર કરીને જ રાખ્યો હોય છે બસ જરૂર હોય છે તો થોડી ધીરજ અને આત્મિશ્વાસ ની...

સમાપ્ત.

પ્રમોદ સોલંકી