The door slammed shut - 11 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 11

બારણે અટકેલ ટેરવાં - 11

|પ્રકરણ – 11|

શિવાનીનો ફોન મુકીને નજર દરિયા પર ટેકવી રાખી. લગભગ ૧૫ 

મિનીટ. લહેરો આવે ને અથડાય...આવે ને અથડાય... !! ભરી દીધું બધું આંખમાં. સ્ટોક કરી લીધો રવિવાર સુધીનો. 

 

ઘરે પહોચ્યો ત્યારે મા ને પપ્પા રાહ જોતા હતા. કેમ બીજીવાર ગયો હતો એમ પૂછ્યું નહિ પણ પૂછવા માંગતા હશે એવું લાગ્યું. મેં આમ જ ફોન એક બે વાર જોયો ને એ લોકો સમજી ગયા. પ્રશ્ન નીતરી ગયો. 

 

“તું તારા જવાની વ્યવસ્થા એટલે કે ટીકીટ બુક કરાવી દે. શનિવાર રાત્રે અહીંથી નીકળે એવી એક સુપરફાસ્ટ train છે – રવિવાર સવારે ત્યાં પહોચાડી દેશે. હવે ફલાઈટમાં જવું પડે એવી ઉતાવળ નથી”

 

“બરાબર છે. હું જોઈ લઉં સીટ-બર્થ અવેલેબલ છે કે નહિ. પણ હું એવું વિચારતો હતો કે ફલાઈટમાં જાઉં તો એક દિવસ વધારે મળે અહી”

 

“ જો બેટા ! તું અહી આવ્યો ને આટલા દિવસ સાથે હતો એમાં મારી તબિયત પહેલા કરતા પણ સુધરી ગઈ છે. એક દિવસ વધારે રોકાય એ ગમે જરૂર પણ, એની જરૂર નથી. ખોટા ખર્ચ નહિ કરવાના.”

 

આવા દરેક પ્રસંગે અને આવી વાત સાંભળી ને મારો ખ્યાલ દ્રઢ થતો કે સાદાઈ, સરળતા, વ્યવહરુતા, આ બધું એકઠું થયું ને એનાથી માતા –પિતા સંસ્કાર સમૃદ્ધ થયા છે. મારે એ જાળવવાના બને એટલે પ્રયત્નો કરવાના છે. મેં online ટીકીટ બુક કરી. ઈ મેઈલમાં આવેલી ટીકીટનો ફોટો શિવાનીને whatsapp કર્યો...બ્લ્યુ ટીક આવી... ને સામેથી રેડ હાર્ટ આવ્યું. પછી typing.... 

 

Ready with the Sunday evening plan 

 

અરે યાર ! સંડે સવારે તો આવ્યો હોઈશ. સાંજે ક્યાં બહાર નીકળવું 

 

to hun tara flat par aavish ne –

 

ઓહો આટલો બધો ચેન્જ ! ફ્લેટ પર આવી ને – શું કરીશ મારી સાથે ??

 

Don’t be so optimistic !!! tane aavine uthavi jaish bahar java. etle bijo koi vichar karvo nahi. vichar shuddhi ni vidhi kartu hoy tara gam ma to karvato aavje. 

 

વિચાર આવવો એ જ એક શુદ્ધ માણસનું પ્રમાણ છે. બાકી વિચાર નો પ્રકાર માનસિકતા સાથે લીંક થાય 

 

have tara VISHESH gyan no prachar ane prasar tari pase raheva de,...ane aapne malie. bye good night.... ...

 

**** **** ****  

 

શનિવાર સુધીના દિવસોમાં સુગમ મિત્રોને એકવાર મળ્યો. એકવાર સ્કુલ પર જઈને આખા કેમ્પસમાં ફરી વળ્યો. દરેક ક્લાસમાં ગયો, સ્ટાફરૂમમાં જઈ શિક્ષકોને મળ્યો. બધાએ બહુ વ્હાલ પૂર્વક એને બેસાડ્યો. ચિત્રશિક્ષક એમના રૂમમાં હતા ત્યાં જઈ ને દંડવત પ્રણામ કર્યા. દસ મિનીટમાં એક ચિત્ર દોર્યું. પછી બન્ને પ્રીન્ચીપાલની કેબીનમાં ગયા. થોડી વાતો કરી. પોતાની job વિષે વાત કરી, ને છેલ્લે ઉઠતા પહેલા ચેક આપ્યો. જાણે એક ઋણ અદા કર્યું. 

 

ને આમ શનિવારની સાંજ આવી. થોડા વહેલા જમીને મા એ ભીના હ્રદયમાંથી કશું બહાર ના આવે એની ખોટી મહેનત કરી. સુગમે પોતાની હથેળીમાં એ ઝીલી. પપ્પા સ્ટેશન સુધી આવ્યા. ટ્રેઇન પ્લેટફોર્મથી નીકળી ત્યારે સુગમ એ જોઈ ગયો કે પપ્પાએ રૂમાલ કાઢ્યો, ને આંખ સુધી લઇ ગયા. 

 

**** **** ****  

 

પપ્પાને રૂમાલ કાઢતા જોઈ મને એક પંક્તિ યાદ આવી. ‘કેટલાંક આંસુ છતા નથી હોતાં છતાં હોય છે. ‘

 

આખી રાત છુટેલું ગામ અને નવા સ્થાયી સ્થાન વચ્ચે પડખા બદ્લતો રહ્યો. ને આંખ મીચાઈ. 

ક્વીન્સ નેકલેસ પર રાત જામી ગઈ હતી. લોકોની આછી પાતળી અવરજવર હતી. શિવાની સુગમ ને કહ્યા કરતી હતી કે આપણે જઈએ. પણ સુગમ કૈંક અલગ મૂડમાં હતો. અચાનક એ દુર ભાગ્યો ને કિંગ સાઈઝ સોફટી લઇ આવતો હતો.... ત્યાં...અરે એ ય શિવાની! અરે તું ક્યાં આમ અજાણી બોટમાં.!!!! ડોન્ટ ગો ધેર ! “અરે સુગમ જો તો ખરો આ આખી બોટ મેઘધનુષ કલરની છે ને મને તો બહુ ગમે મેઘધનુષ. ને આ સપ્તરંગી બોટ મને સાત સમન્દર પાર લઇ જશે.... . સો બાય !! “

અરે યુ સ્ટુપીડ !! આ.. આ બોટ સાવ સાદી બોટ છે.. એમાં –એમાં ! તું પાગલ છે કે શું યાર કમ ઓન ! બહાર આવી જા !! 

નો નો નો.. આઈ એમ ગોઇંગ ! સાંભળ આ બોટ નું એન્જીન ચાલુ થયું !! ને હુર્ર્રા ! સી યુ.. ! 

અરે નો શિવાની.. ! આમ ના જા.. ના જવાય.. મને પણ લઇ જા ! શિવાની.. પ્લીઝ.. મને છોડીને – શિવાની ! 

એ ભાઈ ! તમે આમ સુ ક્યારના રાયડુ નાખો સો ! સવાર પડી.. વિરાર ગયું.. હમણાં બોરીવલી આવશે ! ઉઠો ને કાં તો મોઢું બંધ રાખીને પયડા ર્યો ! 

સુગમ અચાનક જાણે ઊંચાઈ થી પટકાણો ને આજબાજુ જોયું. ટ્રેઈન નું, એના કોચ નું, કમ્પાર્ટમેન્ટ નું દ્રશ્ય હતું. ને બહાર મુંબઈ હતું. ચા અને ઈડલી ના ફેરિય ફરતા હતા. એણે મોબાઈલ કાઢ્યો. મેસેજ હતો –

ગુડ મોર્નિંગ ! ઘેર જઈ એટલું સુઈ લેજે કે સાંજે શાંતિ થી ફરી શકાય ! 

- ત્યારે સુગમને હાશ થઇ કે બધું ત્યાં ને ત્યાં જ છે. 

 

આ ગુજરાતીમાં લખતા આવડી ગયું ?

જી હા ! પંડિતીઝ્મ તમને મુબારક, પણ તે દિવસે કૈંક મુડ એવો હતો કે મોડ બદલવાનો રહી ગયો હતો. બાકી હું બીજી બે ભાષામાં લખી શકું છું, હિન્દી અને મરાઠી – લખું ?

 

ચીબાવલાગીરી ના કરશો મારી સાથે, નહી તો મને તો આવડે છે એવી ભાષા કે નહિ પહોચી શકો મારી સાથે. – લખું એ ભાષા !?

 

જેના કામ જે કરે પણ બધે પોતાનું ગાતા ન ફરે, હવે બોરીવલી આવવામાં હશે. ઉતરવાની તૈયારી કર. નીચે જો અમુક ઉત્સાહીઓ તો ક્યારના બેગો પકડી ને ઉભા હશે. બાય – સાંજ આપણા ખાતે. 

 

સુગમે નીચે નજર નાખી તો ખરેખર લોકો લાઈન લગાવીને ઉભેલા. જાણે લોકલ માંથી ઉતરવાનું હોય એમ. સુગમ પણ નીચે ઉતર્યો. ને બેસી ગયો નીચેની બર્થ પર. થોડીવારમાં બોરીવલી સ્ટેશન પર ઉતરીને સામે લોકલ પ્લેટફોર્મ પર જઈને લોકલ પકડી. પોતાના સબર્બમાં ઉતરી, ચાલવા માંડ્યો. રવિવારની સવાર હતી. ખાસ ભીડ નહતી. ફ્લેટ પર પહોચ્યો. અંદર પ્રવેશ્યો ક્ઝીને અડધા ઊંઘમાં દરવાજો ખોલેલો. બે કલાક પછી મળીએ કરીને સુઈ ગયા એ. સુગમે પપ્પાને ફોન કરીને પહોચી ગયો છું કહ્યું ને એ પણ સુઈ ગયો. 

 

સુગમ ને અચાનક કૈંક ઘરઘરાટી અનુભવાઈ બેડ પર, ભરઊંઘમાં હતો એટલે કપડાં ખંખેર્યા, આઘો પાછો થયો પણ કંઇ ફેર જ નહિ. પછી ઊંઘ સાવ ઉડી તો જોયું કે ‘ હે ભગવાન ! આ તો ફોન વાઈબ્રેટ થાય છે ક્યારનો અને એ પણ શિવાની નો !! “ તરત ઉપાડી લીધો ને – 

 

“અબે એ ઊંઘણશી, સમય- સ્થળ કશું ભાન છે કે નહિ ! આ ત્રીજો પ્રયત્ન છે – હું કાયમ first attempt માં જ પાસ થઇ છું અને શિક્ષકની ભરતીમાં અપ્લાય નથી કર્યું.. ”

 

“અરે, આટલી દોડધામ, રખડપટ્ટી કરી ગામમાં તે થોડું વધારે સુવાય ગયું.. ઉઠાય છે.. હજી કેટલા વાગ્યા – ૧૧ જેવા થયા હશે “

 

“ એમાં ૪ ઉમેર.. ૩ વાગ્યા સેમી કુંભકર્ણ!! “

“જા જા હવે.. તારી ઘડિયાળ ઓસ્ટ્રેલીયા પ્રમાણે set કરી હશે કોઈ પ્રોજેક્ટ ક્લાયન્ટ માટે તે, એ સમય બતાવે ! કંઇ નહિ.. ટાઇમ રીસેટ કરી દે.. થાય એવું કામના લોડ માં “

 

“ બહુ જ સરસ... શું પ્રેઝન્સ ઓફ માઈન્ડ છે !.. મને તો આવું યાદ-“

“ શુક્રિયા.. કદરદાની કે લિયે “

“ કદરદાની વાળી.. ફૂલદાની ફેંકીશ છુટ્ટી.. જો તારા મોબાઈલ માં કે વોચમાં જો.. એમાં તો ભારતીય સમય જ છે ને !!”

 

.... 

“ઓહ ! નો.. ખરેખર,.. બહુ કહેવાય આતો આટલું તો – “

“અફસોસ માં સમય ના બગાડ અને ફટાફટ તૈયાર થઇ.સાડા પાંચે મળ – ક્વીન્સ નેકલેસ – મરીન ડ્રાઈવ – બાય “